Sun May 03 2026

Logo

ખિસ્સામાં રાખેલી નોટ ક્યાં છપાઈ છે? આ સિક્રેટ ટિપ્સથી સરળતાથી જાણી શકશો...

3 days ago
Author: Darshna Visaria
Article Image

પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો પૂજારી કહેવત તો આપણે બધાએ જ સાંભળી હશે. જે પૈસાને આપણે આટલું મહત્ત્વ આપીએ છીએ એ પૈસા એટલે કે ચલણી નોટો છાપવાની અને તેની ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ ખૂબ જ સિક્યોર અને પરફેક્ટલી ઓર્ગેનાઈઝ્ડ છે. પરંતુ શું તમે જાણો છો કે તમારા ખિસ્સામાં રહેલી ચલણી નોટ ક્યાં છપાઈ છે અને તે તમારા સુધી કેવી રીતે પહોંચે છે? ચાલો આજે તમને આ વિશે વિસ્તારથી જણાવીએ... 

હવે એ વાત તો આપણે બધા જ જાણીએ છીએ કે ભારતમાં ચલણી નોટ છાપવાની જવાબદારી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અને ભારત સરકારને સોંપવામાં આવી છે. દેશમાં કુલ 4 પ્રિન્ટિંગ પ્રેસ આવેલી છે. જેમાંથી એક પ્રેસ મહારાષ્ટ્રના નાસિકમાં, બીજી પ્રેસ મધ્ય પ્રદેશના દેવાસમાં, ત્રીજી પ્રેસ કર્ણાટકના મૈસુરમાં અને ચોથી પ્રેસ પશ્ચિમ બંગાળના સાલબોની ખાતે આવેલી છે. 

દેશમાં આવેલી ચારેય પ્રેસમાંથી સૌથી જૂની પ્રેસ મહારાષ્ટ્રના નાસિક ખાતે આવેલી છે. નાસિકમાં 1926માં ભારતની પહેલી પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ 1975માં દેવાસ, 1999માં મૈસુર અને 2000ની સાલમાં સાલબોની પ્રેસ શરૂ કરવામાં આવી હતી. 

વાત કરીએ કઈ ચલણી નોટ આ ચારમાંથી કઈ પ્રેસમાં છાપવામાં આવી છે એ કઈ રીતે જાણી શકાય એની તો દરેક ચલણી નોટ પર સિરીયલ નંબર પાસે એક અંગ્રેજી અક્ષર જોવા મળે છે, જેના પરથી તમે એ નોટ કઈ પ્રેસમાં છાપવામાં આવી છે એની માહિતી મેળવી શકાય છે.

વાત કરીએ કઈ પ્રેસ માટે કાયા ખાસ અંગ્રેજી મૂળાક્ષરોની પસંદગી કરવામાં આવે છે એ જાણવાની તો કર્ણાટકમાં આવેલી મૈસુર પ્રેસમાં છપાયેલી ચલણી નોટ પર સામાન્યપણે કોઈ અક્ષર હોતો નથી કે પછી A, B, C, D અક્ષરો હોય છે. જ્યારે દેવાસ પ્રેસમાં છપાયેલી નોટ પર E, F, G, H, K, નાસિક પ્રેસની નોટો પર L, M, N, P, Q અને સાલબોની પ્રેસમાં છપાયેલી નોટો પર R, S, T, U, V અક્ષરો જોવા મળે છે. 

ભારતમાં સિક્કાઓ બનાવવાનું કામ ચાર સરકારી ટંકશાળમાં કરવામાં આવે છે અને આ ચાર ટંકશાળ મુંબઈ, હૈદરાબાદ, કોલકાતા અને નોઈડામાં આવેલી છે. ચલણી નોટની જેમ જ દરેક ટંકશાળ સિક્કા પર પોતાનું ખાસ ચિહ્ન અંકિત કરે છે, જેનાથી તેની બનાવટના સ્થળની જાણકારી સરળતાથી મળી જાય છે.

તમારા સુધી નોટ અને સિક્કા કેવી રીતે પહોંચે છે?

પ્રેસમાં છપાયેલી નોટો અને ટંકશાળમાં બનેલા સિક્કાઓ સીધા બજારમાં નથી આવતા. સૌ પ્રથમ તેને આરબીઆઈ પાસે મોકલવામાં આવે છે. આરબીઆઈ આ નાણાંને દેશભરમાં ફેલાયેલા અંદાજે 4,075 કરન્સી ચેસ્ટમાં સુરક્ષિત રાખે છે. આ કરન્સી ચેસ્ટમાંથી નાણાં વિવિધ બેંકો (સરકારી, ખાનગી, ગ્રામીણ બેંકો વગેરે)માં જાય છે અને ત્યાંથી બેંકિંગ સિસ્ટમ દ્વારા સામાન્ય જનતા સુધી પહોંચે છે. નોટો અને સિક્કાઓને ઝડપથી અને સુરક્ષિત રીતે દેશના ખૂણેખૂણે પહોંચાડવા માટે પ્રિન્ટિંગ પ્રેસ અને મિન્ટને રેલવે નેટવર્ક સાથે પણ જોડવામાં આવ્યા છે.

વધુ જુઓ...