Thu May 07 2026

Logo

જ્યારે આખા રાજ્યના શ્વાસ થયા અદ્ધર: એકનાથ શિંદેનું હેલિકોપ્ટર તોફાનમાં ફસાતાં અજિત પવારના કમનસીબ અકસ્માતની યાદ આવી, જોકે મુંબઈમાં સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ

1 hour ago
Author: Vipul Vaidya
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
હજી રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના અકસ્માતની શાહી સુકાઈ નથી ત્યારે એવી ઘટના ઘટી હતી કે અડધો કલાક માટે આખા રાજ્યના શ્ર્વાસ અદ્ધર થઈ ગયા હતા. તમામ તંત્રો હાઈ અલર્ટ પર મૂકી દેવામાં આવ્યા હતા, પરંતુ આખરે બધું સમુસૂતરું પાર પડ્યું હતું. 
શિવસેનાના વડા અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે એક મોટી દુર્ઘટનામાં માંડ માંડ બચી ગયા હતા. ખરાબ હવામાન અને તોફાની પવનને કારણે એકનાથ શિંદેના હેલિકોપ્ટરને ભારે નુકસાન થયું છે. પાયલટની સતર્કતાને કારણે હેલિકોપ્ટર જુહુ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરાણ કરવામાં સફળ રહ્યું હતું.

નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સ ખાતેના હેલિપેડથી કલ્યાણ અને મુરબાડના પ્રવાસ માટે રવાના થયા હતા. હેલિકોપ્ટર ઉડાન ભર્યાના થોડા સમય પછી, હવામાનમાં અણધાર્યો ફેરફાર થયો હતો. કલ્યાણ વિસ્તારમાં અચાનક તોફાન સાથે વરસાદ પડ્યો હતો. હેલિકોપ્ટર હવામાં જ તોફાનમાં ફસાઈ ગયું હતું. જોરદાર પવન અને નબળી દૃશ્યમાનતાને કારણે હેલિકોપ્ટરને કાબૂમાં રાખવું મુશ્કેલ બન્યું હતું. આવી ગંભીર પરિસ્થિતિમાં, પાયલોટે સાવચેતી રાખીને, પોતાની ટેકનિકલ કુશળતાનો ઉપયોગ કરીને હેલિકોપ્ટરને તોફાની વિસ્તારથી સુરક્ષિત અંતરે લઈ આવ્યા હતા અને પરિસ્થિતિની ગંભીરતાને સમજીને પાયલોટે તાત્કાલિક હેલિકોપ્ટરને જુહુ એરપોર્ટ તરફ વાળીને સફળ ‘ઈમરજન્સી લેન્ડિંગ’ કર્યું હતું. 

આ યાત્રા દરમિયાન હેલિકોપ્ટરમાં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, તેમના અંગત સહાયક પ્રભાકર કાળે, મુખ્ય જનસંપર્ક અધિકારી વિનાયક પાત્રુડકર, ઓએસડી રાજપૂત, મુખ્ય સુરક્ષા અધિકારી અને અન્ય સ્ટાફ હાજર હતો અને બધાને સુરક્ષિત બચાવી લેવાયા હતા. 

શિંદેના આયોજિત પ્રવાસ કાર્યક્રમમાં ફેરફાર

સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. જોકે, ત્યારબાદ  નાયબ મુખ્ય પ્રધાન અને તેમની સાથેના તમામ અધિકારીઓ પાઇલટની સતર્કતાને કારણે સુરક્ષિત બચી ગયા હતા. ત્યારબાદ એકનાથ શિંદેના કલ્યાણ તાલુકાના નિર્ધારિત પ્રવાસ કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને તેઓ રોડ માર્ગે આગળની યાત્રા માટે રવાના થયા હતા.