દિક્ષિતા મકવાણા
વાળ વધુ મનોહર અને સુંવાળા બને એ માટે લોકો વિવિધ પદાર્થોનું સેવન કરે છે. એમાં કેટલાક માને છે કે બાયોટિન વાળના વિકાસને વેગ આપવા માટે ફાયદાકારક છે.
હકીકતમાં આ બાયોટિન શું છે?
બાયોટિન વિટામિન B7 K કે વિટામિન H ધરાવતું દ્રવ્ય વિટામિન છે, જે કેરોટિન પ્રોટીનનું ઉત્પાદન વધારીને વાળને મજબૂત ઘટ્ટ અને ચમકદાર બનાવે છે.
આજકાલ વાળ ખરવા, પાતળા થવા અને વૃદ્ધિ ઘટતી જવી એ સામાન્ય સમસ્યા બની ગઈ છે. બદલાતી જીવનશૈલી, તણાવ, ખરાબ આહારની આદતો અને વધતા પ્રદૂષણની અસર આપણા વાળ પર થઈ રહી છે... પરિણામે લોકો ઝડપી અને અસરકારક ઉકેલની શોધમાં છે, જેમાં આ ‘બાયોટિન’ ઝડપથી લોકપ્રિય બન્યું છે.
સોશ્યલ મીડિયા ઇન્ફલ્યુસરથી લઈને આરોગ્ય નિષ્ણાતો સુધી બાયોટિનને વાળના વિકાસ માટે આવશ્યક પોષક ગણે છે. જો કે પ્રશ્ન એ છે કે શું બાયોટિન ખરેખર વાળના વિકાસમાં ને વેગમાં એટલું અસરકારક છે જેટલું તેનો દાવો કરવામાં આવે છે કે પછી એ એક કામચલાઉ ટ્રેન્ડ છે? શું દરેકને ખરેખર બાયોટિનની જરૂર છે કે પછી ડોક્ટરની સલાહ લીધા વિના એનો ઉપયોગ વધી રહ્યા છે...?
જો તમે હાલમાં બાયોટિન લઈ રહ્યા છો - અથવા શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો તો બાયોટિન વિશેની આવશ્યક માહિતી જાણી લેવી જરૂરી છે.
બાયોટિન શું છે અને તે શા માટે મહત્ત્વપૂર્ણ છે?
બાયોટિન એક ઉપયોગી વિટામિન તરીકે શરીર માટે ખાસ કરીને વાળ-નખ ત્વચા માટે ઉપયોગી છે. બાયોટિનની ઊણપ વાળ નબળા પાડી શકે છે અને તૂટવા-ખરવાની સંભાવના ધરાવે છે માટે આજે લોકો બાયોટિન સપ્લિમેન્ટ્સ લેવાનું શરૂ કરી રહ્યા છે.
શું બાયોટિન ખરેખર વાળના વિકાસને વેગ આપે છે?
જવાબ છે ના !
હા, એટલું ખરું કે એ એકંદરે વાળને વધુ તંદુરસ્ત બનાવે છે.
બાયોટિન અને વાળને લગતું સંશોધન શું કહે છે?
સંશોધન મુજબ બાયોટિન વાળ ખરતા અટકાવવામાં મદદ કરી શકે છે, પરંતુ આ ફાયદો મુખ્યત્વે એવી વ્યક્તિઓને થાય છે, જે બાયોટિનની ઊણપથી પીડાય છે. અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે જેમના શરીરમાં બાયોટિનનું સ્તર ઓછું હોય છે તેઓ વાળ ખરવાની સંભાવના વધારે હોય છે. આવા કિસ્સામાં બાયોટિન સપ્લિમેન્ટ્સ લેવાથી થોડો સુધારો થઈ શકે છે. જો કે જે વ્યક્તિઓમાં બાયોટિનની ઊણપ નથી તેમના માટે કોઈ નિર્ણાયક પુરાવા નથી કે ફક્ત બાયોટિન લેવાથી વાળ ખરવાનું બંધ થઈ જશે. વાળ ખરવાના અન્ય વિવિધ કારણ હોઈ શકે, જેમ કે હોર્મોનલ અસંતુલન (થાઇરોઇડ સમસ્યા), પોષણની ઊણપ (આયર્ન, ઝીંક, અથવા પ્રોટીન), ઝડપી વજન ઘટવું, અથવા આનુવંશિક પરિબળ.
વધુ પડતા બાયોટિન સેવનના જોખમ શું છે ?
બાયોટિન સપ્લિમેન્ટ્સને સામાન્ય રીતે સલામત માનવામાં આવે છે, કારણ કે બાયોટિન પાણીમાં દ્રાવ્ય વિટામિન છે; પરિણામે તે શરીરમાં વધુ પડતી માત્રામાં એકઠું થતું નથી. જોકે ખૂબ મોટી માત્રામાં (ઓવરડોઝ) લેવાથી અનિદ્રા, વધુ પડતી તરસ અને વારંવાર પેશાબ જેવી કેટલીક પ્રતિકૂળ અસરો થઈ શકે છે માટે બાયોટિન સપ્લિમેન્ટ્સ લેતા પહેલા ડોક્ટર અથવા ડાયેટિશિયનની સલાહ લેવી જરૂરી છે.