Mon Apr 27 2026

Logo

ગીતા મહિમાઃ ધૃતિ એક આંતરિક બળ

11 hours ago
Author: Sarang Prit
Article Image

 

સારંગપ્રીત


ગત અંકમાં પ્રવૃત્તિ ને નિવૃત્તિ ધર્મને સમજાવીને હવે ભગવાન કૃષ્ણ ધૃતિ એટલે ધૈર્યના ત્રણ પ્રકાર બતાવે છે.

એક સમયની વાત છે. હિમાલયની ગોદમાં વસેલું એક નાનકડું ગામ હતું. કુદરતી સૌન્દર્ય તો ઘણું હતું પરંતુ પીવાના પાણીની તંગીથી ગ્રામવાસીઓ આહત હતા. જો કે પહાડ પરથી એક મીઠા પાણીનું ઝરણું આવતું. પણ વચ્ચે સમયના ખડકોએ થર ખડકી દીધેલા, એટલે વહેણ ગામમાં આવે એવી કોઈ શક્યતા ન હતી. 

આ ગામમાં એક યુવાન પ્રજાપતિ રહેતો. દેહે ક્ષીણ પણ મનથી મજબૂત ! એક દિવસ તેણે નક્કી કર્યું કે ગામના સુકાઈ ગયેલા ઝરણાને ફરી જીવાડવું. પેઢીઓથી ઝરણું સૂકાઈ ગયું હતું. મોટાઓએ કહ્યું, આવું થયું છે, તે તો ભગવાને કર્યું છે, બદલાઈ નહીં. પરંતુ યુવાને કહ્યું, ભગવાન બ્રહ્માંડમાં ફેરફાર કરી શકે છે, તો હું પ્રયત્નમાં કેમ નહીં?

તેણે નાનું દાતરડું લઈને પહાડને ખોદવાનું શરૂ કર્યું. રોજ કેટલાય કલાકો સુધી વરસાદ હોય કે તડકો, હિમપાત હોય કે અંધકાર. ગામલોકો મજાક કરતા એ તો પાગલ છે. પર્વતોને ચમચીથી ખોદવાની કોશિશ કરે છે! પરંતુ યુવાનનું મન મજાકથી નહીં, ધીરજના મૌનથી ભરેલું હતું. હા, પહાડને પણ માત આપે એવું એક જ બળ તેની પાસે હતું અડગ ધૈર્ય !

દિવસો મહિનાઓમાં ફેરાયા. પથ્થરોને હાથની ઘસાઈ નમાવતા ગયા. એક સાંજે, થાકેલી આંખો સામે અચાનક એક ટીપું ઝળહળ્યું. પહાડના હૃદયમાંથી ટપકેલું પહેલું ટીપું, જેમ સર્જનનો પ્રથમ સ્વર. તે ટીપું એ યુવાનની પીઠ પર હરિએ હાથ મૂક્યા બરાબર હતું. પછી બીજી ટપક, ત્રીજી અને થોડા સમયમાં નાનો પ્રવાહ વહી ગયો.

જ્યારે પાણીનો પહોળો ધારો ગામ તરફ વહીને આવ્યો, ત્યારે લોકોને સમજાયું. આ કોઈ ચમત્કાર નહીં, પણ ધૈર્યની સિદ્ધિ છે.
 
હા, ધૈર્ય એ એવી ધાતુ છે જે મનુષ્યના અંતરાત્મામાં જ્વલંત અગ્નિ જગાડે છે. જે વરસાદે ભીંજાય નહીં, મજાકે મલિન થાય નહીં અને પરિસ્થિતિઓના પવનથી બુઝાય નહીં. જે ધૈર્યને સાધે છે, તે પોતાનું જગત પોતે રચે છે.

ભગવદ્ ગીતા માનવના આંતરિક બળ ‘ધૃતિ’ને ત્રણ પ્રકારથી સમજાવે છે: સાત્ત્વિક, રાજસિક અને તામસિક. ધૃતિ એટલે મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોને સ્થિર રાખવાની આંતરિક ક્ષમતા; સંકલ્પવિકલ્પમાં અડગ રહેવાની શક્તિ; ધર્મકર્મના માર્ગમાં અવિચળ રહેવાનો સંયમ. 

સાત્ત્વિક ધૃતિ એ જીવનને પ્રકાશ તરફ દોરી જાય એવી સ્થિરતા છે. જે વ્યક્તિ પોતાના જીવનમાં ધાર્મિકતા, કર્તવ્ય, સત્ય, શાંતિ અને મૂલ્યોને હૃદયપૂર્વક સ્વીકારીને તે પર અડગ રહી શકે છે તે સાત્ત્વિક ધૃતિયુક્ત કહેવાય. ગીતા કહે છે કે આ ધૃતિ મન તથા પ્રાણની સમગ્ર શક્તિને ‘એકાગ્ર’ બનાવે છે. વ્યક્તિ ધર્મની વાતમાં, સદાચારમાં, ભક્તિમાં, સત્યમાં અને પોતાના સ્વધર્મમાં અડગ રહે છે. 

રાજસિક ધૃતિ મનુષ્યને કર્મમાં તો આગળ ધપાવે છે, પરંતુ એ અડગતા સ્વભાવથી અસ્થિર છે. અહીં ધૃતિ હોય છે, પણ તેનું કેન્દ્ર ‘ફળ’ છે ઇચ્છા, લાભ, સ્થાન, પ્રતિષ્ઠા. તેથી આ ધૃતિ માણસને સતત ગતિમાં રાખે છે, પણ શાંતિથી દૂર રાખે છે. રાજસિક ધૃતિથી પ્રેરિત કર્મોમાં તેજ છે, ચેતના છે, પરંતુ દિશા સ્થિર નથી. દૃઢતા છે, પરંતુ આંતરિક શાંતિ નથી.

તામસિક ધૃતિ માણસને અંધકાર તરફ દોરી જાય છે. આ ધૃતિ કેવળ નામની છે, પરંતુ વાસ્તવમાં ‘હઠ’ છે. અજ્ઞાનથી જન્મેલી સ્થિરતા. ગીતા કહે છે કે આવી ધૃતિ મનુષ્યને આળસ, નિંદ્રા, ભય, રોષ, ક્રોધ, દુર્વ્યસનો, અવિચાર અને નિરાશામાં જ બાંધે છે. વ્યક્તિ જાણે છે કે આ રસ્તો ખોટો છે, છતાં હઠપૂર્વક તેને છોડતો નથી. વિચારોમાં જડતા, નિર્ણયોમાં અનિશ્ર્ચિતતા, અને જીવનમાં બેદરકારી! આ તામસિક ધૃતિનાં લક્ષણો છે. આ ધૃતિ વૃદ્ધિમાં અવરોધરૂપ છે, કારણ કે એ માણસને પ્રયત્ન અને પ્રગતિથી દૂર કરે છે. એ અડગ રહેવાનું ધૈર્ય નથી, પરંતુ અડગ રહેલી ભૂલ છે.

મહંતસ્વામી મહારાજ સમજાવે છે કે આ ત્રણેયથી ભિન્ન ગુણાતીત ધૃતિ એ એવી અડગતા છે જે ગુરુની આજ્ઞાથી જીવનનું અંગ બની જાય છે. અહીં મન, બુદ્ધિ અને અહંકાર ત્રણે ગુરુના શબ્દમાં સમર્પિત થઈ જાય છે. એવી ધૃતિમાં પ્રયત્ન ગુરુની ઇચ્છાનું વિસ્તરણ બને છે; સંકલ્પ વ્યક્તિગત નહીં, અધ્યાત્મિક બની જાય છે. આવી ધૃતિમાં થાક નથી, સંશય નથી, માત્ર એક નિર્વિકાર પ્રેરણા છે.

હા, આવી ધૃતિ જીવનને દિવ્ય શાંતિ તરફ લઈ જાય છે અને મનુષ્યને પોતાના ઉચ્ચતમ સ્વરૂપ સુધી પહોંચાડે છે.