Sat Apr 25 2026

Logo

એસીમાંથી નીકળતું પાણી છે 'સોના' જેવું કિંમતી! ફેંકવાને બદલે આ રીતે કરો ઉપયોગ અને બચાવો હજારો રૂપિયા

20 hours ago
Author: Darshna Visaria
Article Image

અત્યારે બળબળતી ગરમી પડી રહી છે આવી સ્થિતિમાં એસી વિના એક પણ સેકન્ડ રહેવું એ અઘરું છે. એસી ઓન કરીએ એટલે એમાંથી પાણી નીકળે છે. હવે આપણામાંથી અનેક લોકોને એવો સવાલ થશે કે ભાઈ એસીમાંથી નીકળતું આ પાણી એ ઉપયોગમાં લઈ શકાય કે નહીં, જો આ પાણી ઉપયોગમાં લઈ શકાય તો તે કયા કામ માટે એ જાણવાની તાલાવેલી પણ થઈ રહી જ હશે ને? આજે આપણે જાણીશું કે એસીમાંથી નીકળતું પાણી ઉપયોગલાયક છે કે નહીં અને કયા કામ માટે તેનો ઉપયોગ કરી શકાય... 

આપણામાંથી મોટા ભાગના લોકો એર કન્ડીશનર માંથી નીકળતું પાણી સામાન્ય રીતે વેડફી દેતા હોઈએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે આ પાણી તમારા ઘરના અનેક કામોમાં સોના જેવું કિંમતી સાબિત થઈ શકે છે? આ પાણી 'ડિસ્ટિલ્ડ વોટર' જેવું શુદ્ધ હોય છે, જેનો સ્માર્ટ ઉપયોગ કરીને તમે પર્યાવરણ અને ખિસ્સા બંનેને ફાયદો કરાવી શકો છો. 

ઉનાળામાં એસી સતત ચાલતું હોય ત્યારે તેમાંથી પુષ્કળ પાણી નીકળે છે. આ પાણીમાં મિનરલ્સ હોતા નથી, તેથી તે ચોક્કસ કામો માટે નળના પાણી કરતાં પણ વધુ સારું છે. ચાલો એક નજર કરીએ કે એસીમાંથી નીકળતું પાણી કયા કામ માટે વાપરી શકાય એના પર-

ઇન્વર્ટર બેટરી માટે બેસ્ટ: 

એસીમાંથી નીકળતું પાણી કુદરતી રીતે 'ડિસ્ટિલ્ડ' હોય છે. તેને ગાળીને તમે ઇન્વર્ટર કે કારની બેટરીમાં નાખી શકો છો. આનાથી બેટરીનું આયુષ્ય વધે છે અને તમારે બહારથી મોંઘું પાણી ખરીદવું પડતું નથી.

છોડને આપી શકાય: 

એસીમાંથી નીકળતા પાણીમાં ક્લોરિન હોતું નથી, જે છોડના વિકાસ માટે ખૂબ જ સારું છે. ખાસ કરીને મની પ્લાન્ટ કે ઇન્ડોર છોડ માટે આ પાણી વરદાન સમાન છે.

કપડાં ઈસ્ત્રી કરવા: 

એસીમાંથી નીકળતા પાણીનો ઉપયોગ સ્ટીમ આયર્નમાં નળનું પાણી વાપરવાથી તેમાં ક્ષાર જામી જાય છે, પરંતુ એસીના પાણીનો ઉપયોગ કરવાથી ઈસ્ત્રી લાંબો સમય ચાલે છે અને કાટ લાગતો નથી.

ઘરની સફાઈ: 

કાચના બારી-બારણા, અરીસા કે કાર સાફ કરવા માટે આ પાણી ઉત્તમ છે, કારણ કે આ પાણી સુકાયા પછી કાચ પર કોઈ પણ પ્રકારના સફેદ ડાઘા (ક્ષાર) છોડતું નથી.

ફ્લશિંગ અને ગાર્ડનિંગ: 

જો તમે રોજનું પાંચથી દસ લિટર પાણી એકઠું કરો, તો તેનો ઉપયોગ શૌચાલયમાં ફ્લશ તરીકે કે ગાર્ડનમાં પાઈપ દ્વારા પાણી પાવા માટે કરી શકાય છે.