મુંબઈ: મહિલાઓના જાતીય શોષણના કેસમાં ધરપકડ થવાને કારણે ચર્ચામાં આવેલા નાશિકના ‘ગૉડમૅન’ અશોક ખરાતના કેસમાં વિચિત્ર વળાંક આવ્યો છે. ખરાતના નજીકના સાથી અને તેની પત્નીનાં અકસ્માતમાં મૃત્યુ થયાં હતાં, જ્યારે દંપતીનો પુત્ર ગંભીર રીતે ઘવાયો હતો. સમૃદ્ધિ એક્સપ્રેસવે પરથી પસાર થતી વખતે દંપતીની કાર અહિલ્યાનગર જિલ્લામાં એક ટ્રક સાથે ટકરાઈ હતી.
પોલીસના જણાવ્યા મુજબ મૃતકોની ઓળખ જિતેન્દ્ર શેળકે (55) અને તેની પત્ની અનુરાધા (50) તરીકે થઈ હતી. નાશિકના ગૉડમૅન ખરાતનો નિકટવર્તી હતો શેળકે. ખરાત હાલમાં દુષ્કર્મ અને છેતરપિંડીના આરોપસર પોલીસ કસ્ટડીમાં છે. શેળકે ખરાતનો બિઝનેસ પાર્ટનર હોવાની સાથે ખરાતના શિવાનિકા ટ્રસ્ટનો વાઈસ-પ્રેસિડેન્ટ પણ હતો, એવું અધિકારીએ જણાવ્યું હતું.
કોપરગાંવ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ધોત્રે ગામ નજીક શુક્રવારની બપોરે 12 વાગ્યાની આસપાસ અકસ્માતની ઘટના બની હતી. અકસ્માત સમયે કાર શેળકે ચલાવી રહ્યો હતો. પત્ની અને પુત્ર સાથે શેળકે છત્રપતિ સંભાજીનગરથી મુંબઈ-નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસવેથી મુંબઈ આવી રહ્યો હતો.
પુરપાટ વેગે દોડતી કાર ધોત્રે ગામ નજીક પહોંચી ત્યારે શેળકેએ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. કાર રસ્તાને કિનારે પાર્ક એક ટ્રક સાથે ભટકાઈ હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ત્રણેયને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં શેળકે અને તેની પત્નીને તબીબે મૃત જાહેર કર્યાં હતાં. દંપતીના પુત્રને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
ઘટનાની નોંધ કરી કોપરગાંવ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આરટીઓના અધિકારી અને ઓટોમોબાઈલ એક્સપર્ટની મદદથી પોલીસ કયાં કારણોસર કાર ટ્રક સાથે ભટકાઈ તેની તપાસ કરી રહી છે, એવું અહિલ્યાનગરના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સોમનાથ ઘાર્ગેએ જણાવ્યું હતું. (પીટીઆઈ)