(આપણા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ/નવી દિલ્હી: અમૂલ દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આવતીકાલથી ભારતભરમાં આ નવી કિંમતો અમલી બનશે. એક બાજુ વિશ્વમાં યુદ્ધનું સંકટ તોળાઈ રહ્યું છે, ત્યારે અમૂલ દ્વારા દૂધના ભાવમાં અચનાક બે રુપિયાનો વધારો કરવામાં આવતા આમ જનતાના ખિસ્સા પર સૌથી મોટો ફટકો પડશે. નવો ભાવ વધારો અમૂલ સ્ટાન્ડર્ડ મિલ્ક, બફેલો મિલ્ક, ગોલ્ડ, સ્લિમ એન્ડ ટ્રીમ, ટી-સ્પેશિયલ, તાઝા અને ગાયનું દૂધ સહિતના મુખ્ય દૂધ ઉત્પાદનો પર લાગુ થશે.
તમામ પ્રકારોમાં પ્રતિ 500 ML દીઠ 1 રૂપિયો વધ્યો
આ વધારો અમુલના ગ્રાહકોને અસર કરશે. ભાવ વધારાના વાત કરવામાં આવે તો, દૂધના લગભગ તમામ પ્રકારોમાં પ્રતિ 500 ML દીઠ 1 રૂપિયો અને પ્રતિ લિટર દીઠ 2 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. શક્તિ દૂધ (500 ML)નો ભાવ 31 રૂપિયાથી વધીને 32 રૂપિયા થયો છે, જ્યારે તાઝા દૂધ (500 ML) હવે 28 રૂપિયાને બદલે 29 રૂપિયામાં મળશે અને તેના 1 લિટરના પેકિંગનો ભાવ 55 રૂપિયાથી વધીને 57 રૂપિયા થયો છે. ગોલ્ડ દૂધના 500 MLના 34 રૂપિયાના હવે 35 રૂપિયા અને 1 લિટરના 68 રૂપિયાની જગ્યાએ હવે 70 રૂપિયા કરવામાં આવ્યાં છે.
ટી સ્પેશિયલના 500 ML દૂધ માટે 33 રૂપિયા આપવા પડશે
ગાયના દૂધ (500 ML)નો ભાવ 29 રૂપિયાથી વધીને 30 રૂપિયા અને ભેંસના દૂધ (500 ML)નો ભાવ 38 રૂપિયાથી વધીને 39 રૂપિયા થયો છે. સૌથી ઓછી કિંમત ધરાવતું સ્લિમ એન્ડ ટ્રીમ દૂધ (500 ML) હવે 25 રૂપિયાને બદલે 26 રૂપિયા કરવામાં આવ્યાં છે.
ટી સ્પેશિયલ દૂધના ભાવમાં પણ વધારો થયો છે, જેમાં 500 ML નો ભાવ 32 રૂપિયાથી વધીને 33 રૂપિયા અને 1 લિટરનો ભાવ 64 રૂપિયાથી વધીને 66 રૂપિયા કરવામાં આવ્યો છે. આમ, દૂધના આ નવા ભાવ વધારાની સીધી અસર સામાન્ય જનતાના રસોડાના બજેટ પર પડશે.
આ અગાઉ ક્યારે કર્યો હતો વધારો
પશુઓના ચારા, પેકેજિંગ અને ઇંધણના વધતા ભાવને કારણે દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. કંપનીએ જણાવ્યું છે કે વધી રહેલા ખર્ચાઓને પહોંચી વળવા માટે ડેરીના કારોબાર પર અસર પડી છે, તેથી ભાવમાં વધારો કર્યો છે. આ અગાઉ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી વધી રહેલી મોંઘવારી અને ઉત્પાદન ખર્ચમાં વધારાને કારણે કંપની અનેક વખત ભાવમાં વધારો કર્યો છે. અમૂલે આ અગાઉ પહેલી મે, 2025ના ભાવમાં વધારો કર્યો હતો, જેમાં લિટરદીઠ બે રુપિયાનો વધારો કર્યો હતો.