Wed May 13 2026

Logo

સીએમ વિજયને સમર્થન આપનારા વિદ્રોહી ધારાસભ્યોને AIADMKએ પદ પરથી દૂર કર્યા

1 hour ago
Author: Chandrakant Kanoja
Article Image

ચેન્નાઈ: તમિલનાડુમાં સીએમ થલાપતિ વિજયને વિધાનસભા ગૃહના બહુમત સાબિત કરવા સમર્થન આપનારા એઆઇએડીએમકેના વિદ્રોહી ધારાસભ્યોને પક્ષે તેમના પદ પરથી દૂર કર્યા છે. જેમાં એઆઇએડીએમકેના પ્રમુખ પલાની સ્વામીએ એસ.પી. વેલુમાણી અને સી.વી. શનમુગમ સહિત અનેક નેતાઓ વિરુદ્ઘ કાર્યવાહી કરી હતી. 

પલાની સ્વામીએ ​​જાહેરાત કરી પદ પરથી દૂર કર્યા 

આ પૂર્વે એઆઇએડીએમકેના વિદ્રોહી ધારાસભ્યોના જૂથનું નેતૃત્વ કરી રહેલા સી.વી. શનમુગમએ કહ્યું હતું કે પક્ષમાં કોઈ વિભાજન નથી. તેમણે કહ્યું હતું કે પક્ષની આગામી રણનીતિ માટે તાત્કાલિક પક્ષની જનરલ કાઉન્સિલની બેઠક બોલાવવી જોઈએ. જોકે, તેની બાદ એઆઇએડીએમકેના પ્રમુખ પલાની સ્વામીએ ​​જાહેરાત કરીને   જિલ્લા સચિવોને દૂર કરવાની જાહેરાત કરી. આ યાદીમાં 18 ધારાસભ્યોનો સમાવેશ થાય છે જેમણે વિશ્વાસ મત દરમિયાન ટીવીકે  સરકારને ટેકો આપ્યો હતો.

50 વર્ષથી અમે ડીએમકે વિરુદ્ધ  લડી રહ્યા છીએ

આ અંગે  સી. વે. શનમુગમે કહ્યું,  મેં કોઈ વિશ્વાસઘાત કર્યો નથી. અમારી પાર્ટીનો મૂળભૂત સિદ્ધાંત ડીએમકેનો સફાયો કરવાનો છે.  છેલ્લા 50 વર્ષથી અમે ડીએમકે વિરુદ્ધ લડી રહ્યા છીએ. જોકે, એઆઇએડીએમકે ના મહાસચિવ તરીકે  અને ચૂંટણી હારી ગયા હોવા છતાં મુખ્યમંત્રી બનવાની લાલચે આ પગલું ભર્યું છે. પાર્ટી તેના મૂળ સિદ્ધાંતો ભૂલી ગઇ છે.

ટીવીકે સરકારે  144  ધારાસભ્યોના સમર્થનથી  બહુમત સાબિત કર્યો 

ઉલ્લેખનીય છે કે, તમિલનાડુના સીએમ વિજયના નેતૃત્વ હેઠળની ટીવીકે સરકારે આજે 144  ધારાસભ્યોના સમર્થનથી પોતાનો બહુમત સાબિત કર્યો, જ્યારે બહુમતી મેળવવા માટે ફક્ત 118  ધારાસભ્યોના સમર્થનની જરૂર હતી. વિજયના સમર્થનમાં  લગભગ 25  એઆઈએડીએમકે ધારાસભ્યોએ પણ તેમના પક્ષ સામે બળવો કર્યો અને સીએમ વિજયને બહુમતી સાબિત કરવા માટે  મતદાનમાં ભાગ લીધો.