પ્લોટ- 16 – પ્રકરણ-9 : જંગલમાં ડ્રાઈવરોનાં મોત પાછળ કોણ?

- યોગેશ સી પટેલ
કામની વ્યસ્તતાને કારણે સાંજે ખાસ્સું મોડું થઈ ગયા છતાં ઈન્સ્પેક્ટર ચંદ્રેશ ગોહિલે આરે યુનિટના મુખિયાઓને મળવાનું નક્કી કર્યું. હેલિકૉપ્ટર દુર્ઘટના સ્થળેથી મળેલા છોકરીના શબની ઓળખ થઈ હોવાની માહિતી કોન્સ્ટેબલ નામદેવ દળવીએ આપી હતી એટલે તે મુદ્દે વધુ ચર્ચા માટે મુખિયાઓને ગોહિલે જ પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા. આ ચર્ચામાં ઈન્સ્પેક્ટર રવિ કદમ અને એપીઆઈ પ્રણય શિંદેને પણ હાજર રહેવાનું ગોહિલે કહ્યું હતું.
‘સર, એ છોકરી… મંજરી નવલે માતા ભાગવતી સાથે યુનિટ સત્તરમાં રહેતી હતી. ત્યાંના મુખિયા આ તાંડેલજી છે.’ દળવીએ ઓળખાણ કરાવતી વખતે ‘તાંડેલજી’ કહીને માન આપ્યું. ‘છોકરી તમારા પાડાની હતી છતાં તમે ઓળખતા નથી? તેની માહિતી આપવામાં આટલો વિલંબ?’ ગોહિલે કરેલા વેધક પ્રશ્નથી તાંડેલનું મોં પડી ગયું.
‘સાહેબ, એ જ વાતનું તો દુ:ખ છે કે એ છોકરી અમારા પાડાની હતી!’ તાંડેલે મોં બગાડતાં કહ્યું. ‘એક તૂટેલા-પુરાના તબેલામાં મા-બેટી એકલાં રહેતાં હતાં. કોઈની સાથે બહુ હળતાંભળતાં નહોતાં… એટલે કોઈ રહેવાસી પાસે તેમની પૂરી માહિતી નથી!’
‘તમારા યુનિટમાં રહે અને તમને જ જાણકારી નથી?’ ગોહિલે અચરજ સાથે ફરી એ જ પ્રશ્ન કર્યો. ગોહિલ જાણીજોઈને ચાબખા મારતો હોવાનું મુખિયાને લાગ્યું.
‘ના… આ મા-બેટી મૂળ અમારા પાડાનાં રહેવાસી નથી. મને એવું જાણવા મળ્યું છે કે બે-અઢી મહિના પહેલાં જ એ રહેવા આવ્યાં હતાં. એમનાં કોઈ સગાં નહોતાં અને રહેઠાણ નહોતું એટલે પાડાના રહેવાસીઓએ આશરો આપ્યો હતો.’ બોલતાં બોલતાં તાંડેલને જાણે હાંફ ચઢી.
‘છોકરીની શી જાણકારી છે તમારી પાસે?’ કદમ સીધો મુદ્દા પર આવ્યો. ‘દોઢેક મહિના પહેલાં કોમ્બટ પાડામાં યોજાયેલી સ્વાસ્થ્ય શિબિરમાં મા-બેટી સાથે દેખાઈ હતી.’ યુનિટ-13ના મુખિયા બાળકૃષ્ણ ટેકામે હવે માહિતી આપી.
‘ભાગવતી આરે બહાર ક્યાંક ઘરકામ કરીને પેટિયું કૂટતી હતી, પણ હવે તો તેની પણ કોઈ ભાળ નથી!’ ટેકામે જણાવ્યું.
‘કેમ? એ ક્યાં ગઈ?’ શિંદેને પ્રશ્ન થયો.
‘એ બીજી સમસ્યા છે, સાહેબ! કેમ કે એ ક્યાં ગાયબ થઈ ગઈ એની કોઈને માહિતી નથી!’ તાંડેલે ફરી ચર્ચામાં ઝુકાવ્યું.
‘છોકરી ક્યારથી ગુમ હતી એ અંગે કોઈ જાણકારી છે?’ ગોહિલને ચર્ચા નિરર્થક લાગવા માંડી.
‘સાહેબ, છોકરીની માનસિક સ્થિતિ પણ શંકાસ્પદ છે.’
‘કેમ?’
‘ગમે ત્યાં ભટક્યા કરતી છોકરી ઘણી વાર રાતે ઘરે પાછી નહોતી આવતી… એટલે એ ગુમ થઈ ત્યારે એની માએ કોઈને જાણ નહીં કરી હોય!’ તાંડેલે માહિતી પૂરી કરતાં કહ્યું.
‘પોલીસ સ્ટેશનમાં મંજરીની મિસિંગની ફરિયાદ નોંધાઈ છે?’ ગોહિલે દળવીને જોતાં કહ્યું.
‘ના… સર. મંજરીની ઓળખ થયા પછી છેલ્લા એક મહિનાની મિસિંગની ફરિયાદનો રેકોર્ડ તપાસી જોયો, પણ…’ દળવી અટક્યો.
‘છોકરી ગુમ થયા પછી મા પણ તરત ગાયબ થઈ હશે… કદાચ એટલે જ તે છોકરીની મિસિંગની ફરિયાદ નોંધાવી શકી નથી!’ ગોહિલે અટકળ લગાવી.
‘સાહેબ… આ દુરાત્માનો પ્રકોપ જ હોઈ શકે! તેનો ઓછાયો જંગલને ભરડામાં લઈ રહ્યો છે… કાં પછી માનવભક્ષીનું કામ છે. બેટીનું હૃદય ખાધા પછી માને ખાઈ ગયો!’ આ કથનથી ગોહિલનું મગજ છટકી જાય તે પહેલાં કદમે મામલો સંભાળ્યો.
‘ઠીક છે… એ બધું જે હોય તે… અમે જોઈ લઈશું! તમારો આભાર.’
કદમે મુખિયાઓને જવાનો ઇશારો કર્યો: ‘કંઈ પણ અજીબોગરીબ બાબત ધ્યાનમાં આવે તો અમને જાણ કરજો.’
‘સર, આ લોકોને સમજાવવાનો કોઈ ફાયદો નથી. જંગલમાં ભૂત-પિશાચ અને આત્માની વાતો સામાન્ય છે. એ વિચારસરણીમાંથી આ લોકો બહાર નહીં આવે.’ કદમે કહ્યું.
‘કમાલ છે… અહીં આખેઆખા માણસો ગુમ થઈ જાય છે એની કોઈને કંઈ પડી નથી અને આ લોકો આત્માને દોષ દેવામાં પડ્યા છે!’ ગોહિલે બળાપો કાઢ્યો.
‘આ લોકોનું ચાલે તો આત્માને જ આરોપી પકડવાનું કામ સોંપે!’
ગોહિલે કદમ, શિંદે અને દળવી તરફ વારાફરતી જોયું: ‘શું લાગે છે… શું થયું હશે ભાગવતી સાથે?’
‘સર… એને પણ પતાવી નાખી હશે!’ શિંદેએ પોતાના શારીરિક બાંધા અનુરૂપ અનુમાન લગાવ્યું એટલે બધા તેની તરફ જોવા લાગ્યા.
‘મારું કહેવું છે કે એ જીવિત નહીં હોય તો જ દીકરીની મિસિંગની ફરિયાદ નથી નોંધાવી!’ શિંદેએ સ્પષ્ટતા કરી.
‘એવું હોય તો બૉડી ક્યાં છે?’ કદમે સૂચક પ્રશ્ન કર્યો.
‘મંજરીનું શબ પણ આપણને ક્યાં મળ્યું હોત… જો હેલિકૉપ્ટર તૂટી ન પડ્યું હોત તો…’ દળવી વચ્ચે જ બોલી પડ્યો: ‘સર, આ જંગલ ઘણું ગીચ અને વિશાળ છે.’
‘સર, ભાગવતી મંજરીને મારીને ભાગી ગઈ હોય એવું બને? મુખિયાઓના કહેવા મુજબ મંજરીની માનસિક સ્થિતિ શંકાસ્પદ હતી… તો એનાથી કંટાળીને ભાગવતીએ આ પગલું ભર્યું હોય!’ કદમે શંકા વ્યક્ત કરી. ‘એક ટીમ આ ભાગવતીની શોધમાં લગાવો. જીવિત હોય તો હાથ લાગવી જોઈએ.’
રાત થઈ ગઈ હોવાથી ઘરે જવા ખુરશીમાંથી ઊભા થતાં ગોહિલે કહ્યું: ‘મને લાગે છે, આ બધી ઘટનાઓ ટુકડાઓમાં આપણી સામે આવી છે અને વેરવિખેર પડી છે. એક કડી પણ બીજી સાથે જોડાશે તો બધી કડી આપોઆપ જોડાઈ જશે.’
‘સર… એનું નામ દામુ પાવસકર છે. જોગેશ્ર્વરીમાં રહેતો હતો.’
આરેના જંગલમાં રાતે ફરી અકસ્માત મૃત્યુની ઘટના બની હતી. આ બાબતની જાણ થતાં કોન્સ્ટેબલ નામદેવ દળવીએ ગોહિલને વ્હૉટ્સઍપ મેસેજ કર્યો હતો. સવારે ઊંઘમાંથી ઊઠીને ગોહિલે મેસેજ જોતાં જ દળવીને કૉલ કર્યો હતો.
‘બોલ દળવી… હવે કોને ભૂત દેખાયું? આત્મા કોનો જીવ લઈ ગયો?’
‘ચ્યા માયલા…’
‘એ…’ દળવીની બોલવાની આદતથી ગોહિલ વાકેફ હતો એટલે તેને માત્ર ટોક્યો, ગુસ્સો ન કર્યો.
‘સૉરી, સર… પણ એવું કેમ બોલો છો?’
‘અરે, યાર! કોઈ ઘટના બને એટલે આરેમાં આવી જ ચર્ચાઓ થતી હોય છેને?’ ગોહિલ નિરાશ સ્વરે બોલતો હતો.
‘હાં… સર! વાત તો સાચી છે. ‘ભૂત દેખાયું હશે… આત્મા જીવ લઈ ગયો’ એવી ચર્ચા જામી છે!’ દળવીએ પણ ધીમા સ્વરે કહ્યું.
‘દામુના કેસમાં શું છે?’
‘દામુ રિક્ષા ચલાવતો હતો અને તેણે મધરાતે એકાદ વાગ્યે પત્ની ગીતાને ફોન કર્યો હતો.’ દળવીએ કહ્યું.
‘શું વાત થઈ હતી?’
દળવી સાથે ગોહિલ ફોન પર વાત કરતો હતો, પણ તેની નજર ચા લઈને આવેલી પત્ની તૃપ્તિ પર હતી. તોબરો ચડાવીને ઊભેલી તૃપ્તિના એક હાથમાં કપ-રકાબી હતી તો બીજો હાથ કમર પર મુઠ્ઠી વાળેલો હતો. તૃપ્તિ શા માટે ગાલ ફુલાવીને ઊભી હતી તે ગોહિલ જાણતો હતો. મોબાઈલ પર વાત કરતાં કરતાં જ તેણે ચાનો કપ હાથમાં લીધો.
‘પેસેન્જરને છોડવા મેટ્રો કારશેડની સાઈટ પર ગયેલા દામુને ત્યાં જ મોડું થઈ ગયું. આટલી રાતે જંગલમાં બીજા પેસેન્જર મળવા મુશ્કેલ હોવાથી તે ખાલી રિક્ષા સાથે ઘરે પાછો ફરી રહ્યો હતો.’
દળવીએ કહ્યું: ‘મેટ્રોની સાઈટ પરથી નીકળતી વખતે તેણે પત્નીને કલાકમાં ઘરે પહોંચી જઈશ, એવું કહેવા ફોન કર્યો હતો.’
ચા આપ્યા પછી પણ તૃપ્તિ કમર પર હાથ રાખી ત્યાં જ આંટા મારતી હતી. ગોહિલ સમજી ગયો કે આજે પણ રકઝક થવાની છે.
‘ઓકે. બીજી કોઈ મહત્ત્વની વાત નથીને? હું આરે આવું છું.’ ગોહિલે કૉલ કટ કરવાની ઉતાવળ કરી, પણ દળવીએ વાત આગળ ધપાવી.
‘સર, આ રિક્ષાવાળાની બૉડી યુનિટ સોળ નજીક વનીચા પાડા પાસે જ મળી છે… રિક્ષા ઝાડ સાથે ટકરાઈ હતી, પણ અકસ્માતને કારણે તેનું મોત થયું હોવાનું લાગતું નથી. મામૂલી ઇજા સિવાય શરીર પર કોઈ મોટાં જખમ નથી!’ દળવીએ માહિતી આપી.
‘પણ, સર…’ દળવી થોડું અટક્યો.
‘શું?’
‘સર, હવે આરેના રહેવાસીઓ આંદોલનની વાત કરી રહ્યા છે. રસ્તા પર ઊતરી વિરોધ પ્રદર્શન…’ દળવીએ વાક્ય અધૂરું છોડ્યું.
‘કેમ… હોમ-હવનથી કોઈ ફાયદો ન થયો?’ ગોહિલ કટાક્ષમાં બોલ્યો એટલે દળવીએ મૌન રહેવાનું યોગ્ય માન્યું.
‘ઠીક છે… હું આવું પછી વાત!’ કહીને ગોહિલે કૉલ કટ કર્યો.
ગોહિલની વાતચીત પતી હોવાનું જોઈ તૃપ્તિએ ચાલુ કર્યું: ‘પછી શું નક્કી કર્યું?’
‘તૂતી મેં ક્યાં ના પાડી છે, પણ અત્યારે તું જુએ છેને… કેવી હાલત છે.’
ગોહિલે કહ્યું: ‘તું તો મારી તૂતી… મેના છે, આમ વાનર જેવું મોં કરીને શા માટે ફરે છે?’
ગોહિલે વાનર કહેતાં તૃપ્તિનું મગજ છટક્યું. બન્ને હાથ કમર પર રાખી વીફરેલી નાગણની જેમ તે ગોહિલ તરફ આગળ વધી. ચહેરાના આવા હાવભાવ જોઈ ગોહિલને લાગ્યું, જન્મદિને ફરવા જવાને બદલે તૃપ્તિ આજે જ તેને ફેરવી નાખશે. જોકે એ કંઈ બોલે તે પહેલાં ગોહિલનો મોબાઈલ ફરી રણક્યો. ગોહિલે જાણે હાશકારો અનુભવ્યો. ખરે ટાંકણે આવેલા કૉલે બચાવી લીધાનો સંતોષ તેના મુખ પર હતો. કૉલ કૂપર હૉસ્પિટલમાંથી ડૉ. ભાવિક માજીવડેનો હતો.
‘તૂતી ડાર્લિંગ… સમજ જરા, હું ઘણો બિઝી છું. ટેન્શનવાળો કેસ છે.’ ગોહિલે આવું કહેતાં તૃપ્તિ જમીન પર પગ પછાડતી રસોડામાં જતી રહી.
‘જી ડૉક્ટરસાહેબ… આજે મને યાદ કર્યો?’ તૃપ્તિના ગયા પછી ગોહિલે તરત કૉલ રિસીવ કર્યો.
‘ઑફિસર, આજે પાછી આરેથી એક બૉડી આવી છે!’ ડૉ. માજીવડેએ કહ્યું.
‘હાં… મને ખબર પડી. કોઈ રિક્ષા ડ્રાઈવર છે… પણ એનું શું?’ ગોહિલને આશ્ર્ચર્ય થયું.
‘મારી ટીમ શબનું પોસ્ટમોર્ટમ કરી રહી છે, પણ પ્રાથમિક તપાસમાં આ મૃત્યુ હાર્ટ અટેકને કારણે થયું હોવાનું જણાયું છે!’ ડૉ. માજીવડેએ માહિતી આપી.
‘તો? તમને શંકાસ્પદ જેવું કંઈ લાગે છે?’ ગોહિલે પ્રશ્ન કર્યો.
‘શંકાસ્પદ નહીં, પણ…’
ડૉ. માજીવડે કંઈક વિચાર કરીને બોલી રહ્યા હતા: ‘તાજેતરના સમયગાળામાં આરેમાંથી મળેલા શબના દરેક કેસનો અભ્યાસ કરવાની મારી સલાહ છે!’ (ક્રમશ:)
આપણ વાંચો: પ્રકરણ – 8 દીકરી પછી માને પણ ગાયબ કરી!