જંગલમાં બ્લૅક મૅજિક કે માનવભક્ષીનો વસવાટ?

યોગેશ સી પટેલ
આરે પોલીસ સ્ટેશનની કૅબિનમાં બેસીને ગોહિલ ઊંડા વિચારમાં પડ્યો હતો. પહેલા માળે આવેલી કામચલાઉ કૅબિનમાં ઍરકન્ડિશનર ન હોવાથી ગરમી લાગતી હતી. વારેઘડીએ તે કપાળ-ચહેરા પરનો પરસેવો લૂંછતો હતો અને એવી જ સ્થિતિ ગોહિલની સામે બેસેલી તેની ટીમની પણ હતી.
ગોહિલ વિચારતો હતો કે ડૉક્ટરે આપેલી માહિતી સંપૂર્ણ હતી કે પોસ્ટમોર્ટમના અહેવાલમાં બીજા ધડાકા થવાના હતા. ફોરેન્સિક લૅબોરેટરીનો રિપોર્ટ પણ હજુ આવવાનો બાકી હતો. જોકે તેમાં કેટલો સમય લાગશે એ નક્કી નહોતું.
‘સર… કરણ ધોળકિયાની પૂરતી વિગતો અહીંથી મળવી મુશ્કેલ છે.’
ગોહિલ વિચારોમાં ખોવાયેલો હતો અને બધા તેને જોતાં ચૂપચાપ બેઠા હતા. આખરે સબ-ઈન્સ્પેક્ટર દત્તા બંડગરે ચર્ચાની શરૂઆત કરી કૅબિનમાંની ચુપકીદી તોડી હતી.
બંડગરને વિલેપાર્લેના હેલિપેડ પવનહંસ મોકલવામાં આવ્યો હતો. હેલિકૉપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા કરણ ધોળકિયા અને હૉસ્પિટલમાં દાખલ તેની પત્ની પ્રિયાની વિગતો મેળવીને બંડગર પાછો ફર્યો હતો.
‘હેલિકૉપ્ટર રાઈડવાળી કંપનીનું શું કહેવું છે?’ ગોહિલે પણ મૌન તોડ્યું.
‘સર, એ લોકો તો કહે છે કે મુંબઈ દર્શન માટે આવનારા લોકોનાં નામ-સરનામાં અને અધાર કાર્ડ જેવી અમુક જ વિગતો લેવામાં આવે છે.’
બંડગર માહિતી આપી રહ્યો હતો: ‘કરણ ધોળકિયા ગુજરાતના રાજકોટનો વતની હતો અને પત્ની પ્રિયા સાથે મુંબઈ ફરવા આવ્યો હતો.’
‘વર્ષ પહેલાં જ લગ્ન થયાં હતાં. ઍનિવર્સરી નિમિત્તે પત્નીને સરપ્રાઈઝ આપવા કરણે હેલિકૉપ્ટર રાઈડ બુક કરાવી હતી.’
‘એટલે પેલી છોકરી હેલિકૉપ્ટરમાં નહોતી?’ ઈન્સ્પેક્ટર કદમે વચ્ચે જ પૂછી લીધું.
‘ના… હેલિપેડથી પાઈલટ અને ટેક્નિશિયન સાથે દંપતી જ હેલિકૉપ્ટરમાં બેઠું હતું.’ બંડગરે ઉત્તર આપ્યો.
‘…તો છોકરીનું શબ પહેલેથી જ ત્યાં પડ્યું હશે અને હેલિકૉપ્ટર એ સ્થળે તૂટી પડવાને કારણે પોલીસને મળ્યું હશે?’ એપીઆઈ પ્રણય શિંદેએ શંકા વ્યક્ત કરી, પણ બધા તેની વાત પર વિચાર કરવા લાગ્યા.
‘બંડગર… કરણ કામ શું કરતો હતો?’ હવે ગોહિલે પ્રશ્ન કર્યો.
‘સર… એ એન્જિનિયર હતો અને રાજકોટની જ ફાર્માસ્યુટિકલ કંપનીમાં એક્ઝિક્યુટિવ પદે હતો.’
‘આ માહિતી કોણે આપી?’ એપીઆઈ સુધીર સાવંતે આશ્ચર્ય સાથે પૂછ્યું.
‘કરણનું ફૅમિલી મુંબઈ આવ્યું છે અને અત્યારે કૂપરમાં છે.’ બંડગરે જણાવ્યું.
‘…પણ કાલે સાંજે અમે કૂપર ગયા ત્યારે ડૉક્ટરના કહેવા પ્રમાણે પ્રિયા ભાનમાં આવી નહોતી અને તેમણે કરણના પરિવાર વિશે કંઈ કહ્યું પણ નહીં.’ કદમે કહ્યું.
‘કદમ… આપણે ડૉક્ટરને માત્ર પ્રિયા વિશે પૂછ્યું હતું… કરણના પરિવારના સભ્યની કોઈ વાત કરી નહોતી.’ ગોહિલે જવાબ આપ્યો.
‘હાં… એટલે ડૉક્ટરે કહ્યું નહીં હોય. બાકી… કરણના પરિવારના સભ્યો તો કાલે સવારે મુંબઈ આવી ગયા હતા. હું આજે સવારે તેમને મળતો આવ્યું છું, પણ તેમણે મારી સાથે વધુ વાત કરવાની ના પાડી દીધી.’ બંડગરે માહિતી આપી.
‘સર… સવારે જ પ્રિયા ભાનમાં આવી છે, પણ આઘાતમાં હોવાથી તેની સાથે વાત કરવાનો યોગ્ય સમય ન હોવાનું ડૉક્ટરનું કહેવું છે.’ બંડગરે જાણે વાત પૂરી કરી.
થોડું વિચારીને ગોહિલે કહ્યું: ‘મને લાગે છે, કરણ અને પ્રિયાની વધુ વિગતો પ્રાપ્ત કરવા એક ટીમ ગુજરાત મોકલવી પડશે.’
પછી તેણે સબ-ઈન્સ્પેક્ટર વિજય કાળેને આદેશ આપ્યો: ‘કાળે, તું અને વિદ્યા રાજકોટ જઈને દંપતીની વિગતો મેળવો. કરણના કામના સ્થળે પણ જજો.’
કાળે અને મહિલા સબ-ઈન્સ્પેક્ટર વિદ્યા પાટીલે ગોહિલના આદેશ સામે માત્ર ‘ઓકે’ કહ્યું.
‘કદમ… હેલિકૉપ્ટરને લગતી કોઈ માહિતી મળી?’
‘ના… કંપનીવાળા કહે છે, તેમની તપાસ પૂરી થયા પછી અહેવાલ આપવામાં આવશે.’
‘સર… પાછો પેલી છોકરીનો પ્રશ્ન તો ઊભો જ છે!’ કોન્સ્ટેબલ દળવીએ કહ્યું.
‘હું પણ એ જ વિચારું છું… છોકરીનું શબ ક્યાંથી આવ્યું અને તેનું હાર્ટનું શું?’ ગોહિલ વિચાર કરીને ધીમે ધીમે બોલતો હતો.
‘બધા યુનિટના મુખિયાઓને જાણ કરી છે, પણ ક્યાંયથી છોકરીને લગતી માહિતી આવી નથી.’ દળવીએ કહ્યું.
‘એવું તો નથીને કે… છોકરીનું શબ બહારથી લાવીને અહીં ફેંકવામાં આવ્યું હોય?’ ગોહિલને પ્રશ્ન થયો.
‘સર… એવું હોત તો હત્યારા આટલા મોટા જંગલમાં કોઈ પણ સ્થળે શબ ફેંકી શક્યા હોત. મુખ્ય રસ્તાથી આટલે અંદર ગીચ જંગલમાં શબ ફેંકવાનું જોખમ શું કામ લે?’ શિંદેએ મુદ્દાની વાત કરી.
‘…તો શું દળવી, તારી શંકા સાચી હોઈ શકે?’
ગોહિલે વિચાર કરીને પૂછ્યું: ‘જંગલમાં એ સ્થળે કોઈ બ્લૅક મૅજિક કરતું હશે, જેણે હૃદય પણ ગુમ કર્યું હોય?’
‘આપણા શહેરની હાલત કોઈ પછાત ગામડા કરતાં બદતર બની ગઈ છે… કાયદા-વ્યવસ્થા જેવું કંઈ બચ્યું જ નથી. બેશરમ સરકાર કરે છે શું?’ વિરોધી પક્ષ નેતા ગજાનન બાપટે પત્રકાર પરિષદમાં બરાડા પાડવાનું શરૂ કર્યું.
વિધાનસભ્ય ગુલાબરાવ જાંભુળકર રાજકીય ચાલ ચાલે તે પહેલાં જ માત ખાઈ ગયા. પત્રકાર પરિષદ બોલાવીને હેલિકૉપ્ટર દુર્ઘટના મામલે હોબાળો મચાવીને લોકોની સહાનુભૂતિ મેળવવાનું તેમણે વિચાર્યું હતું, પણ તે પહેલાં ગજાનન બાપટે પત્રકારોને બોલાવી લીધા.
બાપટ નેતા કરતાં વેપારી વધુ લાગતા. મોટે ભાગે ત્રાંસી નજરે જોતા બાપટનું હાસ્ય લુચ્ચી વ્યક્તિ જેવું દેખાતું. ચતુર રાજકારણીનાં બધાં લક્ષણ તેમનામાં હતાં. ચૂંટણીમાં હાર પછી તે હંમેશાં કમાનમાં તીર ગોઠવીને સરકાર પર નિશાન તાકીને બેઠા રહેતા.
આમ તો દુર્ઘટના વખતે ઘટનાસ્થળે પહોંચી જાંભુળકર અને બાપટે અધકચરી માહિતી સાથે પોતપોતાના રાજકીય ફાયદા અનુરૂપ બળાપો કાઢ્યો હતો, પરંતુ એટલું પૂરતું નહોતું એ બન્ને જાણતા હતા એટલે જરૂરી સામગ્રી એકઠી કરીને પૂરી તૈયારી સાથે મીડિયા સામે જવાનું તેમણે વિચાર્યું હતું.
‘આરેના મુખ્ય રસ્તા પર રાતના સમયે લોકો જીવ ગુમાવી રહ્યા છે… છેલ્લા કેટલાય મહિનાઓથી આ સિલસિલો ચાલી રહ્યો છે, પણ તાજેતરના ગાળામાં આવી ઘટનાઓ વધી ગઈ છે… અમે પહેલાં પણ આ મુદ્દો ઉપસ્થિત કર્યો હતો, પણ સરકારે ગંભીરતા દાખવી નહીં. લાગે છે, સરકારની નજરમાં લોકોના જાનની કોઈ કિંમત નથી!’ બાપટે આક્ષેપબાજી ચાલુ રાખી.
‘બધા ભૂત… ભૂતની બુમરાણ કરે છે અને પોલીસ-સરકાર પાસે એનો કોઈ જવાબ નથી. હું પૂછું છું… શું હેલિકૉપ્ટર પણ ભૂતે તોડી પાડ્યું, એવું સરકાર માને છે!’
આટલા બફાટ વચ્ચે છેલ્લે બાપટે મુદ્દાનો સવાલ કર્યો: ‘પોલીસ કેમ જવાબ આપતી નથી… હેલિકૉપ્ટરમાં છોકરીનું શબ ક્યાં અને શા માટે લઈ જવાઈ રહ્યું હતું? આ દુર્ઘટનાની સાચી તપાસ થવી જોઈએ!’
એક પછી એક મુદ્દે બાપટ પોલીસ અને સરકારને ઘેરવાના મૂડમાં હતા: ‘પેલી છોકરીની પણ કોઈ માહિતી પોલીસ આપી શકી નથી. ઊલટું, હવે એવી માહિતી સામે આવી છે કે છોકરીનું હાર્ટ કાઢી લેવામાં આવ્યું હતું!’
‘આ ખૂબ જ ગંભીર ઘટના છે અને સરકાર તેને દાબી દેવાનો પ્રયાસ કરી રહી છે.’ બાપટે પડકાર ફેંક્યો: ‘સરકાર ગમે તેટલા પ્રયાસો કરી લે… અમે આ મામલાની સચ્ચાઈ જાણીને જ રહીશું.’
આરેના જંગલમાં ઉપરાછાપરી બનેલી ઘટનાઓથી રહેવાસીઓમાં ડરનો માહોલ ઊભો થવા લાગ્યો હતો. યુનિટ-16 આસપાસ અકસ્માતો અને હેલિકૉપ્ટર દુર્ઘટના… આકસ્મિક મૃત્યુની ઘટનાથી આરેના રહેવાસીઓ ટેવાઈ ગયા હતા, પરંતુ હેલિકૉપ્ટર દુર્ઘટના અને તેની પાસેથી મળેલા છોકરીના શબે ભારે ચકચાર મચાવી હતી. એમાંય છોકરીનું હૃદય ગુમ હોવાની વાત ફેલાતાં યુનિટના મુખિયાઓએ મીટિંગ બોલાવી હતી.
‘આપણા જંગલ પર અજબ પનોતી બેઠી છે, જાણે ઈશ્ર્વર કોપાયમાન થયા છે.’ યુનિટ-16ના મુખિયા ભાસ્કર કડુએ પોતાનો વિચાર રજૂ કર્યો.
‘મને પણ એવું લાગે છે કે કોઈ અદૃશ્ય શક્તિ એક એક કરીને બધાને કાળનો કોળિયો બનાવી રહી છે.’ યુનિટ-17ના મુખિયાએ અભિપ્રાય આપ્યો.
‘આ બધી ઘટનાઓ યુનિટ સોળ ફરતે જ બની રહી છે.’ કડુએ ચિંતા વ્યક્ત કરી.
‘અમારું યુનિટ પણ તો તમારી લગોલગ છે. પાડાના લોકો ભયથી ફફડી ગયા છે.’ યુનિટ પાંચના મુખિયાએ કહ્યું.
‘હું તો કહું છે કે અજાણ્યા લોકોને આપણે પાડામાં ઘૂસવા ન દેવા જોઈએ… બધાની પૂરી ચકાસણી પછી જ તેમની સાથે વાતચીતના સંબંધ રાખવા.’ યુનિટ-13ના મુખિયા બાળકૃષ્ણ ટેકામે ઉપાય સૂચવવા ચર્ચામાં ઝુકાવ્યું.
યુનિટ-16ની જેમ યુનિટ-13 પણ મહત્ત્વનો વિસ્તાર ગણાતો. વળી, યુનિટ-13ના મુખિયા બાળકૃષ્ણ ટેકામ બાકીના મુખિયાઓ કરતાં ઉંમરમાં મોટા હતા એટલે બધા તેમને વડીલની નજરે જોતાં અને માન આપતા.
‘અમે તો પહેલેથી જ આવું ધોરણ અપનાવ્યું છે. બહારના લોકોને અમારા યુનિટમાં રહેવા દેતા નથી. આપણા સમાજના લોકોને જ અમે સાથ આપીએ છીએ.’ યુનિટ પચીસના મુખિયા જુગલ મેશ્રામે ગર્વ સાથે જણાવ્યું.
મેશ્રામ ઉગ્ર સ્વભાવનો હતો અને પોતાની ધાક જમાવતો ફરતો. રોજ રાતે દેશી દારૂ પેટમાં ન જાય ત્યાં સુધી તેને ઊંઘ ન આવે. કોયતો તેનું ફેવરિટ હથિયાર. મારપીટમાં તેનો સમોવડિયો કોઈ મુખિયો નહીં.
‘એ બધું ઠીક છે, ભાઈઓ… પણ આ બધાનો ઉપાય શો?’ કડુએ મુદ્દાનો પ્રશ્ન કર્યો.
‘ભૂત-પિશાચ… અદૃશ્ય શક્તિને શાંત કરી કાબૂમાં રાખવા તાંત્રિકની મદદ લેવી જોઈએ.’ બીજા એક પાડાના મુખિયાએ સૂચન કર્યું.
‘…પણ એમાં ઉલમાંથી ચૂલમાં પડવા જેવું થાય તો?’ ટેકામે શંકા વ્યક્ત કરી.
‘એટલે?’
‘તંત્ર-મંત્રના ચક્કરમાં રહેવાસીઓમાં અંધશ્રદ્ધા ફેલાવાની સાથે ડર વ્યાપી જશે.’ ટેકામેએ સમજાવ્યું.
‘હાં… એવો માર્ગ અપનાવવો જોઈએ કે જેનાથી કોઈ નુકસાન ન થાય અને બધા માટે ઉચિત હોય.’ હંમેશાં કટુવાણી ઉચ્ચારતો કડુ અત્યારે સમજદારીની વાત કરતો હતો.
એક યુનિટના મુખિયાએ હોમ-હવનનું સૂચન કર્યું. ચર્ચા-વિચારણા પછી આ ઉપાય કરવાનું સર્વાનુમતે નક્કી થયું. બે દિવસમાં જ યુનિટ-16માં મહાહવન કરવો અને આ માટે પંડિતોને આમંત્રણ આપવાનો નિર્ણય લેવાયો.
યુનિટ-1માં ઇચ્છાપૂર્તિ વાઘદેવી મંદિરના પ્રાંગણમાં મીટિંગ માટે એકઠા થયેલા મુખિયાઓ વિખેરાય તે પહેલાં ટેકામે પ્રશ્ન કર્યો.
‘દળવી જે છોકરીનો ફોટો બતાવતો હતો તેની ઓળખ થઈ?’
‘પ્રયત્નો ચાલુ છે…’ ત્રણથી ચાર મુખિયા એકબીજાના ચહેરા જોતાં બોલી ઊઠ્યા.
‘આપણે પોલીસને પૂરતો સહકાર આપવો છે.’ ટેકામે વિનંતીના સૂરમાં કહ્યું.
‘છોકરીની ઓળખાણ થયા પછી પોલીસ આપણને ત્રાસ આપશે તો?’ એક મુખિયાના સવાલથી જાણે મોઢાં સિવાઈ ગયાં અને બધા શંકાની નજરે તેની તરફ જોવા લાગ્યા.
‘છોકરીનું હૃદય કાઢી લેવામાં આવ્યું હોવાની વાત આપણે ભૂલવી ન જોઈએ…’ એ મુખિયાએ તેના પ્રશ્નના અનુસંધાનમાં વાક્ય પૂર્ણ કર્યું.
‘એ વાત પણ ગંભીર છે… છોકરીનું હૃદય ગાયબ ક્યાં થઈ ગયું… એને કોણે કાઢી લીધું હશે?’ કડુએ ચિંતા ઉપજાવનારી વાત કહી.
‘આટલાં વર્ષમાં મેં આવું ક્યારેય સાંભળ્યું કે જોયું નથી…’ એવું કહીને બાળકૃષ્ણ ટેકામે શંકા વ્યક્ત કરી: ‘…તો શું આપણા જંગલમાં કોઈ માનવભક્ષીનો વસવાટ છે… જે માણસોને મારીને હૃદય કાઢી લે છે અને ખાઈ જાય છે!’ (ક્રમશ:)
આ પણ વાંચો…પ્લોટ 16 -પ્રકરણ-5