પ્લોટ-16 – પ્રકરણ-49 ભયાનક કાંડનો મુખ્ય ખેલાડી કોણ?

યોગેશ સી પટેલ
‘સાવંત… એક કામ કર. આ મોબાઈલ નંબર કોના નામે રજિસ્ટર્ડ છે એની તપાસ કર… અને ટેલિકૉમ સર્વિસ પ્રોવાઈડર પાસેથી તાત્કાલિક એ વ્યક્તિની વિગતો મેળવ!’
એપીઆઈ સુધીર સાવંતને એક મોબાઈલ નંબર દેખાડીને ગોહિલે આદેશ આપ્યો. સાવંત કાગળ પર નંબર લખીને કૅબિન બહાર ગયો.
‘શું થયું… સર! કોઈ લોચો છે?’ કદમને આશ્ચર્ય થયું.
વિધાનસભ્ય ગુલાબરાવ જાંભુળકરના પીએ પ્રસન્ન ચૌધરીની આકરી પૂછપરછ પછી પણ ગોહિલના મનમાં એવી આશંકા હતી કે આ ટોળકીનો સૂત્રધાર કોઈ તો છે, જે હજુ નજરે ચડ્યો નથી. સિનિયર ઈન્સ્પેક્ટર અશોક ગાયકવાડે પણ આ વિચાર માત્ર ભ્રમ હોઈ શકે એવું કહ્યું, પણ તેમ છતાં ગોહિલ પૂરી ખાતરી કરવા માગતો હતો.
તુક્કો લગાવવા ખાતર ગોહિલ અત્યાર સુધી પકડાયેલા આરોપીઓના જપ્ત મોબાઈલ ફોન તપાસી રહ્યો હતો. ખાસ્સા સમયથી ગોહિલ ત્રણેય મોબાઈલ ટેબલ પર ઑન રાખીને કોન્ટેક્ટ લિસ્ટ ચેક કરવા સ્ક્રીન સ્ક્રોલ કરતો હતો, જ્યારે સામે બેસેલા ઈન્સ્પેક્ટર રવિ કદમ અને સાવંત ચૂપચાપ તેને નિહાળી રહ્યા હતા. ઘણી મથામણ પછી ગોહિલે એક નંબર શોધી કાઢ્યો હતો.
‘કોનો નંબર છે એ… એટલે કે કોના નામે સેવ કરાયો છે?’ કદમે પૂછ્યું.
‘એ જ તો આશ્ચર્યની વાત છે, કદમ. આ નંબર ડૉક્ટર ભંડારી, ડૉક્ટર પાઠક અને ચૌધરીના મોબાઈલમાં અલગ અલગ નામથી સેવ છે!’
ગોહિલે ત્રણેયના મોબાઈલ કદમ સામે મૂક્યા: ‘આ જો… પાછા કેવા વિચિત્ર નામે સેવ કર્યા છે!’
કદમ વારાફરતી ત્રણેય મોબાઈલ પર નજર ફેરવવા લાગ્યો.
‘ચૌધરીના મોબાઈલમાં આ નંબર ‘ડૉક્ટર સાબ’ના નામે સેવ છે… હવે મને કહે, કોણ આ રીતે નંબર સેવ કરે!’
ગોહિલે ઉમેર્યું: ‘કોઈ ખાસ વ્યક્તિ અથવા લફડાવાળો નંબર હોય તો જ આવું લખેને? અને એ ચૌધરીની ખાસ વ્યક્તિ હોય તો બાકીના બેના મોબાઈલમાં એ જ નંબર કઈ રીતે હોય?’
‘વાત તો તમારી સાચી છે, સર! ઍટલિસ્ટ ડૉક્ટરનું નામ લખીને પાછળ સાહેબ લખે તોય સમજ્યા, પણ આ…’ કદમ બોલ્યો.
‘એ જ નંબર મેં ડૉક્ટર ભંડારી સહિત બધાના મોબાઈલના કૉલલિસ્ટમાં ટાઈપ કરી જોયો. મજાની વાત છે કે એ નંબર ડૉક્ટર ભંડારીના મોબાઈલમાં ‘ડૉક્ટર ભાઉ’ અને ડૉક્ટર પાઠકના મોબાઈલમાં ‘ડૉક્ટર ભાઈ’ના નામે સેવ છે!’
‘અજબ છે, સર! આ રીતે નંબર સેવ કરવા પાછળ કોઈ ઉદ્દેશ હોવો જોઈએ!’ કદમે આશ્ચર્યથી કહ્યું.
‘એની જ તો તપાસ કરવી છે… એ નંબર આખરે છે કોનો? નંબર અને સરનામું મળી જાય તો ઉદ્દેશ જાણી શકાશે!’
ગોહિલે ઉમેર્યું: ‘આપણે એ નંબર પર કૉલ કરીશું અને એ ખરેખર લફડાવાળો નંબર હશે તો મોબાઈલ હંમેશ માટે સ્વિચ ઑફ્ફ થઈ જશે… પછી તેને ટ્રેસ કરવો મુશ્કેલ થશે!’
એ જ સમયે સુધીર સાવંત ઉતાવળી ચાલે કૅબિનમાં પ્રવેશ્યો.
‘સર… એ નંબર કોઈ અક્ષય ભિંગેનો છે અને તેનું સરનામું પણ મળી ગયું છે!’
‘અક્ષય ભિંગે?’ ગોહિલ અને કદમ આશ્ચર્યથી એકબીજાનાં મોઢાં જોવા લાગ્યા.
‘મારો અંદાજો સાચો છે, કદમ… આપણે સાચી દિશામાં જઈ રહ્યા છીએ!’ ગોહિલે કહ્યું.
‘એટલે?’
‘જંગલમાં આ લોકોએ બિછાવેલી જાળનો છેડો હવે મળશે!’ કહીને ગોહિલે આદેશ આપ્યો: ‘સાવંત, ટીમ લઈને આ ભિંગેના ઘરે જા!’
પછી ગોહિલે કહ્યું: ‘કદમ… તાત્કાલિક ટીમ સાથે ડૉક્ટર ભંડારીની હૉસ્પિટલે પહોંચ અને ત્યાંના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ બરાબર ચેક કર. ધ્યાનથી જોજે… સલ્લુ મર્યો તે રાતે હૉસ્પિટલમાં કોણ આવ્યું હતું?’
ગોહિલના આદેશથી સાવંત અને કદમ ખુરશીમાંથી ઊઠ્યા ત્યારે ડૉ. મૃત્યુંજય હિરેમઠ આવ્યા.
‘ડૉક્ટરસાહેબ, તમે! આવો… આવો.’ ગોહિલને આશ્ર્ચર્ય થયું.
‘સૉરી… તમને ડિસ્ટર્બ કર્યા!’ ડૉ. હિરેમઠે વિવેક દાખવ્યો.
‘આમ અચાનક અહીં… બેસો!’
‘ના… હું બેસવા નથી આવ્યો. તમને એક વાત જણાવવા આવ્યો છું!’
‘બોલો!’
‘તમારા ઑફિસર ઝમીલ બાબતે ડૉક્ટર કુશલ સહાણેની પૂછપરછ કરવા ગયા હતા… એમણે મારું નામ આપ્યું!’
ડૉ. હિરેમઠ બોલ્યા: ‘એટલે હું સામે ચાલીને સ્પષ્ટતા કરવા આવ્યો છું!’
‘કેવી સ્પષ્ટતા?’ ગોહિલે પૂછ્યું.
‘ઝમીલને હું વ્યક્તિગત ઓળખતો નથી. તબિયત ખરાબ હોવાથી તે અમારી પાસે આવ્યો હતો. છાતીમાં દુખાવો હતો એટલે સેફ અ સાઈડ, મેં ડૉક્ટર ઈમાનદારનો અભિપ્રાય લેવાનું સૂચવ્યું હતું. એ કાર્ડિયાક સર્જ્યન છે એ તો તમે જાણો જ છો!’ ડૉ. હિરેમઠે કહ્યું.
‘ડૉક્ટર ઈમાનદાર શહેરમાં નહોતા એટલે તેમણે હાર્ટ સ્પેશિયલિસ્ટ ડૉક્ટર સહાણે પાસે ઝમીલને મોકલાવ્યો હતો!’
‘આ તો અમે જાણીએ છીએ… એવી કોઈ માહિતી આપો, જે અમને ખબર ન હોય!’ ગોહિલની ટિપ્પણી ડૉ. હિરેમઠને ખૂંચી.
‘બીજી કોઈ માહિતી મારી પાસે નથી… હું આટલું જ કહેવા આવ્યો હતો!’
પછી ‘બાય’ કહીને ડૉ. હિરેમઠે ચાલવા માંડ્યું. ગોહિલ તેમને જતા જોઈ વિચારવા લાગ્યો.
‘આ ડૉક્ટર બોલાવ્યા વગર જ પોલીસ સ્ટેશને આવીને બળાપો ઠાલવી જાય છે… શા માટે? શું કારણ હશે એની પાછળ?’
બિહાર પોલીસે ચૌધરી સામેના કેસના દસ્તાવેજોના ફોટા પાડીને એપીઆઈ પ્રણય શિંદેને મોકલાવ્યા હતા. કેસ ફાઈલના બધા દસ્તાવેજો આવ્યા પછી એ શિંદેએ ગોહિલના વ્હૉટ્સઍપ પર ફૉરવર્ડ કર્યા હતા. કદમ અને સાવંતને ટીમ સાથે તપાસ માટે મોકલાવ્યા પછી ગોહિલ મોબાઈલમાં એ દસ્તાવેજો પર નજર ફેરવી રહ્યો હતો.
‘માણસોના અવયવ કાઢી લેવાના આટલા ઘૃણાસ્પદ રૅકેટમાંથી પણ આ નરાધમો છટકી જાય છે! વળી, આવા સંવેદનશીલ કેસની તપાસને દબાવી દેનારા કેવી ચામડીના હશે!’ દસ્તાવેજો જોતાં ગોહિલે વિચાર્યું.
‘તપાસ અધિકારીએ તો ઊંડાણપૂર્વકની તપાસ કરી હોવાનું જણાય છે, પણ…’ તેનું વિચારવાનું ચાલુ જ હતું.
‘વગ વાપરીને કાનૂની સકંજામાંથી બચી ગયેલા ચૌધરી જેવા હરામખોર બીજા રાજ્યમાં જઈને ફરી બિનધાસ્ત આવાં જ સ્કૅન્ડલ ચલાવે… એય કેવી કમનસીબી!’
પકડાયેલા આરોપી અને તેના સાથીઓની ગુનામાં ભૂમિકા અંગે દસ્તાવેજોમાં વિસ્તારપૂર્વક લખેલું હતું. છેલ્લે શકમંદોનો પણ ઉલ્લેખ કરાયો હતો. શકમંદોના લિસ્ટમાંનું એક નામ જોતાં ગોહિલની આંખો આશ્ર્ચર્યથી પહોળી થઈ. એ આગળ વાંચવા જાય ત્યાં એપીઆઈ પ્રણય શિંદે કૅબિનમાં આવ્યો.
‘સર… અત્યારે જ દળવીએ ફોન કર્યો હતો. બૉની આરે હૉસ્પિટલમાં છે!’ શિંદેએ માહિતી આપી.
આરેનું નામ પડતાં જ ગોહિલને ડૉ. મૃત્યુંજય હિરેમઠ અને ડૉ. મંદિરા અજવાની યાદ આવે. ડૉ. મંદિરા પર ગોહિલને શક હતો અને છેલ્લે ઝમીલ ડૉ. હિરેમઠની ભલામણથી ડૉ. સહાણે પાસે ચેકઅપ માટે ગયો હતો.
‘આરે હૉસ્પિટલમાં? કેમ? ડૉક્ટર હિરેમઠ તો કલાક પહેલાં જ આવી ગયા!’
‘સર, મેં તમને કહ્યું હતુંને કે મુખિયાઓની મદદ લઈશું તો મેશ્રામ અને તેની ટીમ બૉનીને આપણી પાસે સહીસલામત લાવવાને બદલે અધમૂઓ કરશે.’
શિંદેએ કહ્યું: ‘મેશ્રામની ટીમને બૉની પોલ્ટ્રી ફાર્મ આસપાસના જંગલમાંથી મળ્યો હતો. એ લોકોએ એટલો માર્યો કે બૉની મરતાં મરતાં બચ્યો છે!’
‘તો એ હૉસ્પિટલ કઈ રીતે પહોંચ્યો?’
‘દળવીનું કહેવું છે કે મારપીટની જાણ થતાં યુનિટ તેરના મુખિયા બાળકૃષ્ણ ટેકામ ત્યાં પહોંચ્યા અને ટેકામની સૂચનાથી મેશ્રામની ટીમ જ બૉનીને આરે હૉસ્પિટલ લઈ આવી!’
‘ટેકામે આપણા દળવીને ફોન કરીને આ અંગે જાણ કરતાં તે હૉસ્પિટલ ગયો છે અને ત્યાંથી જ તેણે મને કૉલ કર્યો હતો.’ શિંદેએ કહ્યું.
‘પણ એને માર્યો શા માટે?’ ગોહિલે પૂછ્યું.
‘સર… ટેકામે દળવીને કહ્યું કે આ લોકોએ કૃપાનો ગુસ્સો બૉની પર ઉતાર્યો છે!’
શિંદે મલકાયો: ‘હવે પૂછપરછની મહેનત નહીં કરવી પડે. સાલાને રહેવાસીઓએ બરાબરનો પાઠ ભણાવી દીધો હશે!’
‘ઠીક છે… દળવીને કહી દે, ત્યાં બૉનીની સુરક્ષાની વ્યવસ્થા કર. અહીંના રહેવાસીઓ ફરી હુમલો કરી શકે છે!’ ગોહિલે ચેતવ્યો.
ગોહિલે થોડું વિચારીને કહ્યું: ‘આમેય મને બન્ને ડૉક્ટર હિરેમઠ અને મંદિરા પર ભરોસો નથી. ઉપરથી ડૉક્ટર મંદિરાએ તો એક વાર સારવાર દરમિયાન દરદીને પતાવી નાખવાની વાત ઉચ્ચારી હતી!’
‘સર, મને લાગે છે કે આરે હૉસ્પિટલ જંગલમાં હોવાથી બન્ને શંકાના ઘેરામાં આવી જાય છે!’ શિંદેએ જણાવ્યું.
‘પણ તપાસ દરમિયાન વારંવાર બન્નેનાં નામ સામે આવી રહ્યાં છે. ઉપરથી ડૉક્ટર હિરેમઠ અહીં આવીને ખુલાસા કરે છે!’ ગોહિલે કહ્યું.
‘એમનો પેલો વૉર્ડબૉય વસુ રાઠોડ તો આખી રાત હૉસ્પિટલમાં જ હોય છે… છતાં એને કંઈ ખબર નથી!’ ગોહિલે મોં બગાડ્યું.
‘એ જવા દો, સર… ચૌધરીએ આપેલા સરનામેથી બન્ને દરદીની ફાઈલ લઈ આવ્યો છું.’ કહીને શિંદેએ બે ફાઈલ ગોહિલ તરફ લંબાવી.
ગોહિલે તરત જ ફાઈલ પર નજર માંડી. વિધાનસભ્ય જાંભુળકરના પીએ પ્રસન્ન ચૌધરીને ઇશારે અવયવ ચોરીનું રૅકેટ ચાલતું હતું. આ રૅકેટ હેઠળ જે દરદીનાં ઑપરેશન કરાયાં હતાં તેમાંથી બે મુંબઈના બાન્દ્રા અને ઘાટકોપરમાં હોવાની માહિતી તેણે આપી હતી. શિંદેની ટીમ બન્ને ઠેકાણેથી ફાઈલની ઝેરોક્સ લઈને આવી હતી.
બાન્દ્રામાં રહેતી બિઝનેસમૅનની દીકરીને અંજુની કિડની અપાઈ હતી. એની ફાઈલ પર ઊડતી નજર નાખી, પણ ગોહિલને તેના કામની કોઈ માહિતી ન મળી, પણ ઘાટકોપરની છોકરીની ફાઈલ જોતાં જ ગોહિલ ખુરશી પરથી ઊભો થઈ ગયો.
ઘાટકોપરમાં રહેતા પરિવારની છોકરીના શરીરમાં મંજરીના હૃદયનું પ્રત્યારોપણ કરાયું હતું. એ ફાઈલમાં જે વ્યક્તિનું નામ અને હસ્તાક્ષર હતા તે ખરેખર ગોહિલ માટે આંચકાજનક હતું. આગળની કાર્યવાહી વિશે ગોહિલ વિચારતો હતો ત્યારે ટેબલ પર મૂકેલા તેના મોબાઈલ ફોનની રિંગ વાગી. કૉલ એપીઆઈ સાવંતનો હોવાનું જોઈ તેે ઉત્સાહમાં આવ્યો હતો. ચીલઝડપે તેણે મોબાઈલ ઊંચકી કૉલ રિસીવ કર્યો.
‘બોલ… સાવંત!’
‘સર, અહીં એક સમસ્યા છે!’
ચૌધરી, ડૉ. ભંડારી અને ડૉ. પાઠકના મોબાઈલ ફોનમાંથી મળેલો એક નંબર અક્ષય ભિંગેનો હોવાનું જાણવા મળ્યું હતું. વધુ જાણકારી માટે સાવંત ભિંગેના ઘરે ગયો હતો.
‘શું થયું?’
‘અક્ષય ભિંગે અત્યારે આ દુનિયામાં નથી!’ સાવંતે કહ્યું.
‘વ્હૉટ!’
‘હા. એ તો દોઢ વર્ષ પહેલાં જ મૃત્યુ પામ્યો હતો, પણ…’ (ક્રમશ:)



