પ્લૉટ-16 – પ્રકરણ-46: વાંધાજનક દસ્તાવેજો બાળી નાખ્યા.

યોગેશ સી. પટેલ
`જય મહારાષ્ટ્ર… આમ્હી નાહી ભ્રષ્ટ!’
ડીસીપી સુનીલ જોશીએ કૉલ રિસીવ કરતાં વિધાનસભ્ય ગુલાબરાવ જાંભુળકર ઉતાવળે બોલ્યા. કેસની તપાસ શરૂ થઈ ત્યારથી જાંભુળકરના વર્તનમાં ગુસ્સો છલકાયા કરતો હતો. અત્યારે પણ તે રોષમાં હોવાનું જોશીને લાગ્યું.
જય હિન્દ, સર!’ જોશીએ કહ્યું. ડીસીપી… તમારી તપાસ મારી આસપાસ જ ફર્યા કરે છે?’
કેમ? શું થયું, સર!' મારા પીએ… ચૌધરીને બિહાર જતો શા માટે રોકવામાં આવે છે?’
હા… એ તો ગોહિલે મને જાણ કરી કે તપાસમાં ચૌધરીની જરૂર છે!’ જોશીને અંદાજો હતો કે આ જ મામલો હશે. એણે શું કર્યું?’
`સર… ડ્રગ્સ તસ્કર સલ્લુના બન્ને સાથી શોએબ અને ઝમીલ ફોનથી ચૌધરીના સંપર્કમાં હોવાનું જણાયું છે!’
ડીસીપીએ જાણીજોઈને ડૉ. વિશ્વાસ ભંડારીએ પૂછપરછમાં ચૌધરી તરફ આંગળી ચીંધી હોવાની વાત છુપાવી.
શા માટે સંપર્કમાં હતા?' એની જ તપાસ ચાલી રહી છે!’
તો પહેલાં પૂરી તપાસ કરી લોને… એની મધર હૉસ્પિટલમાં છે એટલે એણે જવું પડે એમ છે!’ જાંભુળકર બોલ્યા. અમે સમજીએ છીએ… સર, પણ…’
`પણ શું, ડીસીપી. પુરાવા વગર તમે ચૌધરીને હાથ લગાડશો તો વિરોધ પક્ષને મારી વિરુદ્ધ મસાલો મળી જશે… ચૌધરીને કંઈ નહીં થાય, પણ હું મુશ્કેલીમાં મુકાઈ જઈશ!’
જાંભુળકરનો અવાજ થોડો મોટો થયો: `તમે આ ડૉક્ટરોને પકડ્યા છેને તો ત્યાં જ મામલો પતાવી દોને! આમ ચૌધરીની પાછળ પડીને તમે મારી જ ઘોર ખોદવા માગો છો?’
ના… સર, એવું નથી. હું કઈ કરું છું!’ તમારી ટીમને કહી દો… અત્યારે ચૌધરીને જવા દો. પુરાવા મળે ત્યારે જોઈશું!’
સર… આખા જંગલમાં શોધ ચલાવી, પણ બૉની હાથ ન લાગ્યો!’ એપીઆઈ પ્રણય શિંદેએ કહ્યું. જૉની તો કહેતો હતો કે જંગલ છોડીને બૉની ક્યાંય જઈ શકે એમ નથી!’ ગોહિલે કહ્યું.
`હા… પણ આરે પોલીસની ટીમ અને આપણી ટીમ બબ્બે વાહનમાં આખું જંગલ ખૂંદી વળી, પણ…’
તો શું એ હવામાં ઊડી ગયો?’ ગોહિલે ટોણો માર્યો. શું થયું, સર! મૂડ ઑફ લાગે છે?’ શિંદેએ પૂછ્યું.
`કંઈ નહીં… આજનો દિવસ ખરાબ છે. એકેય કામ સફળ થતું નથી!’
ગોહિલની વાતનો અર્થ શિંદે સમજ્યો નહીં એટલે તે ગોહિલ સામું જોઈ રહ્યો.
અરે, ડીસીપીનો ફોન આવ્યો હતો… જાંભુળકરે ચૌધરીને અત્યારે હાથ લગાવવાની ના પાડી છે… કહે છે, પુરાવા મળે તો જ તેની પૂછપરછ કરજો!’
શિંદે હવે સમજ્યો. ડીસીપીનો કૉલ આવ્યા પછી ગોહિલ શા માટે સોગિયું મોં કરીને બેઠો હતો.
`અને હવે આ… બૉનીની કોઈ ભાળ નથી મળતી.’
ગોહિલે ઉમેર્યું: શિંદે… એક કામ કર. દળવીને કહીને મુખિયાઓની મદદ લે. અહીંના રહેવાસીઓ આ જંગલ પરિસરને બરાબર જાણે છે.’ …પણ સર, પેલો મેશ્રામ અને તેની ટીમ તો મારપીટમાંથી ઊંચા નથી આવતા!’ શિંદેએ કહ્યું.
`ભલે પડતી સાલાને… આટલા સમયથી બધાને બેવકૂફ બનાવે છે તો થોડા ફટકા ખાવા પડે!’
પછી ગોહિલે ઉમેર્યું: જંગલના કોઈ પણ ખૂણે બૉની સંતાયો હોય… આ લોકો એને શોધી કાઢશે!’ ઓકે, પણ પેલા ચૌધરીનું શું કરીશું… આ રીતે તો તે છટકી જશે અને એક વાર બિહાર પહોંચી ગયો તો એને પકડવો મુશ્કેલ થશે!’ શિંદેએ ચિંતા વ્યક્ત કરી.
એ જ સમસ્યા છે. પૂછપરછ માટે એને કસ્ટડીમાં લેવાની જરૂર છે.’ ગોહિલ વિચાર કરતો હતો. સર, આપણે બિહાર પોલીસની મદદ લઈએ તો?’
`એટલે?’
ચૌધરી આટલા મોટા કાંડ સાથે કનેક્શન ધરાવે છે તો કદાચ પહેલાં પણ તેની સામે આવો કોઈ ગુનો નોંધાયેલો હોય?’ શિંદેએ શક્યતા જણાવી. બની શકે!’
બિહાર પોલીસમાં કોઈ ગુનો નોંધાયેલો હોય તો તેની વિગતો મેળવીએ અને તેને આધારે અહીં ચૌધરીને કસ્ટડીમાં લઈએ!’ ગુડ આઈડિયા… પ્રયત્ન કરવા જેવો છે!’ ગોહિલના ચહેરા પર થોડી રોનક દેખાઈ.
`મને લાગે છે કે આ ડૉક્ટર ભંડારીની પણ આકરી પૂછપરછ કરવી પડશે… એ હજુ ઘણું જાણે છે, પણ કહેતા નથી… એને હું જોઈ લઈશ. તું એક કામ કર…’
ગોહિલે સૂચવ્યું: `બિહાર પોલીસનો સંપર્ક સાધ અને આ ચૌધરીનો કોઈ ગુનાહિત રેકોર્ડ હોય તો તાત્કાલિક મેળવ. એ ટે્રન પકડે તે પહેલાં આપણે એને પકડી લઈએ!’
એક પછી એક ફાઈલ ફંફોસીને ટેબલ પર મૂકી રહેલા સિનિયર ઈન્સ્પેક્ટર અશોક ગાયકવાડની ધીરજ ખૂટવા આવી હતી. અવયવ ચોરી મામલે ડૉ. ભંડારીની કબૂલાત પછી ગોહિલે એક ટીમ ડૉ. ભંડારીની હૉસ્પિટલમાં ફાઈલની તપાસ માટે મોકલવાનો નિર્ણય લીધો હતો, જ્યારે બીજી ટીમ કૃપા ગોડબોલેને તાબામાં લેશે એવું નક્કી થયું હતું.
ડૉ. ભંડારીના કહેવા મુજબ મેડિકલ કૅમ્પમાં સેવા આપનારા અને આરોગ્યની તપાસ માટે આવનારી વ્યક્તિઓની બધી માહિતી કૃપા સાચવતી હતી. ડૉ. પાઠકની લૅબમાંથી આવેલા મેડિકલ રિપોર્ટની પણ તેને જાણ રહેતી. એક રીતે કહીએ તો આરેના રહેવાસીઓ અને ડૉક્ટર વચ્ચેની મહત્ત્વની કડી કૃપા હતી.
કૃપાને તાબામાં લેવાની વાત આવી ત્યારે ઈન્સ્પેક્ટર રવિ કદમે સામે ચાલીને આ જવાબદારી સ્વીકારી. અગાઉ કદમ માહિતી મેળવવાના અર્થે ગયો હતો ત્યારે કૃપા પોતાની સ્માર્ટનેસ દેખાડતી હતી. એ અકડ ઉતારવાનો ઇરાદો કદમનો હતો, જે ગોહિલ સમજી ગયો હતો. એટલે જ તો સાથે વિદ્યા પાટીલને લઈ જવાની સૂચના ગોહિલે કદમને આપી હતી.
બીજી બાજુ, ચકાલા પરિસરમાં આવેલી ડૉ. ભંડારીના ટ્રસ્ટની હૉસ્પિટલમાં ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટનાં ઑપરેશન થયાં હતાં. શસ્ત્રક્રિયા સંબંધી એક ફાઈલ દરદીના પરિવારને આપવામાં આવે છે, જ્યારે બીજી ફાઈલ ઑફિસ રેકોર્ડ માટે રાખવામાં આવે છે. ગોહિલને આશા હતી કે એકાદ ઑપરેશનની ફાઈલ મળી જાય તો પુરાવા તરીકે કામ લાગે. ફાઈલ શોધવાની જવાબદારી અન્ય અધિકારીને સોંપવાને બદલે ગાયકવાડે પોતે હૉસ્પિટલે જવાનું નક્કી કર્યું હતું.
ડૉ. ભંડારીને તાબામાં લેવાયા ત્યારથી પોલીસે હૉસ્પિટલમાંની તેમની કૅબિનને સીલ કરી દીધી હતી, પણ અત્યારે ગાયકવાડને કામની એકેય ફાઈલ મળતી નહોતી.
ફાઈલના ચારેક ડ્રોઅર ફંફોસી કાઢ્યા, પણ ગેરકાયદે ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ સંબંધી કોઈ ફાઈલ મળતી નહોતી. આકૃતિ બંગારા, પ્યૂન અને મેટ્રનની હાજરીમાં ફાઈલની તપાસ કરવામાં આવી રહી હતી.
આના સિવાય અન્ય કોઈ જગ્યાએ ફાઈલ મૂકવામાં આવે છે?' ગાયકવાડે ભારે અવાજમાં પૂછ્યું. એકબીજાનાં મોઢાં જોયા પછી આકૃતિએ કહ્યું:સરની મહત્ત્વની ફાઈલો આ જ કૅબિનમાં હોય છે… બાકીની ફાઈલો રેકોર્ડ રૂમમાં હશે.’
`સર… આ એક ફાઈલ છે!’ એક મહિલા અધિકારીએ ગાયકવાડ સામે ફાઈલ લંબાવતાં કહ્યું.
ગાયકવાડે ફાઈલ પર નજર ફેરવી. એ ફાઈલ ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટના દરદીની જ હતી, પરંતુ એ કાયદેસર રીતે કરાયેલી શસ્ત્રક્રિયાની હતી.
ના… આ આપણા કામની નથી!’ કહીને ગાયકવાડે ફાઈલ ટેબલ પર પછાડી. બીજે ઠેકાણે કોઈ ફાઈલ સંતાડી રાખી નથીને… બરાબર જુઓ!’
મહિલા અધિકારીને આદેશ આપી ગાયકવાડ વિચારમાં પડ્યા. એટલી વારમાં કમ્પ્યુટરમાંની એન્ટ્રી તપાસવા ગયેલો અધિકારી આવ્યો.
`સર, કમ્પ્યુટરમાં પણ મંજરી, અંજુ કે સલ્લુના નામની એન્ટ્રી નથી. એ સિવાય આપણા કેસ માટે જરૂરી ગેરકાયદે ઑપરેશનોની પણ નોંધ નજરે પડતી નથી.’
`મને લાગે છે… ચાલાકીથી બધી એન્ટ્રી ડિલીટ કરી નાખી હશે, સર!’ અધિકારીએ કહ્યું.
કૅબિનમાં કોઈ ફાઈલ ન મળતાં ગાયકવાડે પીવા માટે પાણી મગાવ્યું. પ્યૂન પાણી લેવા ગયો ત્યારે ગાયકવાડે આકૃતિ અને મેટ્રનની પૂછપરછ કરવા માંડી.
છેલ્લા અમુક દિવસમાં ડૉક્ટરે કોઈ રેકોર્ડનો નાશ કર્યો હોવાનું ધ્યાનમાં છે?’ ના.’ મેટ્રને તરત જવાબ આપ્યો.
થોડું વિચારીને બોલો!’ ગાયકવાડે વધુ ભારે અવાજમાં કહ્યું. મારા ધ્યાનમાં ખરેખર એવું કંઈ નથી!’
`કોઈ દસ્તાવેજો કાઢી નાખવાનું કહ્યું હોય?’
ગાયકવાડ પૂછી રહ્યા હતા ત્યારે આકૃતિ કોઈ વિચારમાં ડૂબેલી હતી. એ કોઈ અવઢવમાં હોવાનું ગાયકવાડને લાગ્યું.
શું વિચારે છે?’ આકૃતિને સીધું પૂછી લીધું. સર… ત્રણેક દિવસ પહેલાં હું કૅબિનમાં આવી ત્યારે સર ટેન્શનમાં જણાતા હતા અને…’
થોડું અટકીને તે બોલી: કાગળિયા ફાડીને સર ડસ્ટબીનમાં નાખી રહ્યા હતા.’ શેના હતા એ કાગળિયા… કંઈ જોયું હતું?’ ગાયકવાડે પૂછ્યું.
`ના… મને અહીંથી દેખાયું નહીં, પણ તેમને પૂછ્યું તો વિદેશી ફન્ડિંગની વાત કરતા હતા.’ આકૃતિ નિર્દોષ ભાવે બોલી.
વિદેશી ફન્ડિંગ… એટલે?’ સરનું કહેવું હતું કે ટ્રસ્ટને મળતા આર્થિક ભંડોળ પરના ટૅક્સ સંબંધી દસ્તાવેજ હતા. વિદેશથી આવતા ભંડોળને લગતા બધા દસ્તાવેજો જાહેર કરાતા નથી, એવું તેમનું કહેવું હતું.’
આકૃતિની વાત સાંભળી ગાયકવાડ વિચારમાં પડ્યા. એ સમયે પ્યૂન પાણી ભરેલો ગ્લાસ લઈ આવ્યો.
`ડૉક્ટરે કોઈ દસ્તાવેજો કાઢી નાખ્યા હોય તે વિશે તું કંઈ જાણે છે?’ પાણીનો ઘૂંટડો પીતાં ગાયકવાડે પ્યૂનને પૂછ્યું.
ના… મને એ વિશે કંઈ જાણ નથી.’ પ્યૂને જવાબ આપ્યો. આકૃતિ કહે છે, ત્રણેક દિવસ અગાઉ ડૉક્ટરે અમુક દસ્તાવેજો ફાડીને ડસ્ટબીનમાં નાખ્યા હતા… પછી એ ડસ્ટબીનનો કચરો ક્યાં ફેંક્યો?’
અચ્છા એ… એ કચરો તો સરે સળગાવી નાખવાનું કહ્યું હતું.’ પ્યૂનની વાતથી ગાયકવાડના મગજમાં તેજ ગતિથી વિચારો દોડવા લાગ્યા. કચરો બાળી નાખવા શા માટે કહ્યું હતું?’ તેમણે પૂછ્યું.
ખબર નહીં, પણ કચરો બાળવામાં આવ્યો ત્યારે સર પોતે પણ ત્યાં ઊભા હતા.’ ગાયકવાડે અનુમાન લગાવ્યું:એટલે કે એ વાંધાજનક કાગળ કોઈને હાથ ન લાગે એની પૂરેપૂરી તકેદારી રાખવા માગતા હશે ડૉક્ટર!’
ઓહ… કચરો ક્યાં બાળ્યો હતો?’ હૉસ્પિટલના પાછળના ભાગમાં, જ્યાં કચરાપેટી છે.’
ત્યાં સીસીટીવી કૅમેરા છે?’ હા… છેને.’
`મને એનાં ફૂટેજ જોવાં છે.’ કહીને ગાયકવાડ કૅબિન બહાર નીકળ્યા.
પ્યૂન અને આકૃતિ ગાયકવાડને સીસીટીવી મૉનિટરિંગ કૅબિનમાં લઈ ગયા, જ્યાં ડીવીઆર (ડિજિટલ વીડિયો રેકોર્ડર) હતું. ટેક્નિશિયનની મદદથી ફૂટેજ જોતાં ગાયકવાડ આખી વાત સમજી ગયા એટલે તેમણે તરત જ ગોહિલને કૉલ કર્યો.
ગોહિલ… મને લાગે છે આપણે ફાઈલ તપાસવા અહીં આવવામાં મોડું કર્યું છે!’
કેમ, સર… શું થયું?’ ગોહિલે આશ્ચર્યથી પૂછ્યું.
અત્યારે મેં સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ જોયાં… ડૉક્ટરે ત્રણ દિવસ અગાઉ ઘણો કચરો બાળ્યો છે…’
પછી તે બોલ્યા:મને લાગે છે… ગેરકાયદે ઑપરેશનને લગતા વાંધાજનક દસ્તાવેજો તેમણે બાળી નાખ્યા છે!’
(ક્રમશ:)
આ પણ વાંચો…પ્લોટ – 16 – પ્રકરણ-45: નહીંતર આ કૌભાંડ જમીનમાં દફન રહેત…


