પ્લોટ - 16 - પ્રકરણ-45: નહીંતર આ કૌભાંડ જમીનમાં દફન રહેત… | મુંબઈ સમાચાર
નવલકથા

પ્લોટ – 16 – પ્રકરણ-45: નહીંતર આ કૌભાંડ જમીનમાં દફન રહેત…

યોગેશ સી પટેલ

પાપ જમીનમાં કેટલા પણ ઊંડા દાટો, ડૉક્ટર… ક્યારેકને ક્યારેક એ જમીન ફાડીને બહાર આવે જ!

કૅબિનમાં હાજર અશોક ગાયકવાડ, ચંદ્રેશ ગોહિલ અને રવિ કદમ માટે ઘણી જ આંચકાજનક માહિતી હતી. અમુક ક્ષણ માટે ત્રણેય સ્તબ્ધ થઈ ગયા. મરણપથારીએ પડેલા દરદીને નવજીવન આપનારા ડૉક્ટરને લોકો ઈશ્ર્વર સમાન ગણે છે, પણ આ લોકોએ તો શેતાનને પણ શરમાવ્યો હતો. કોનો કયો અવયવ કાઢીને સોદો કરવાનો છે એ નક્કી કરવા આરોગ્ય શિબિર યોજતા હતા!

ડૉ. ભંડારીની વાત સાંભળીને ત્રણેય અધિકારીનો ગુસ્સો મગજ પર સવાર થઈ ગયો. ગોહિલ દિમાગથી કામ લેનારો અધિકારી હતો એટલે એ પોતાના ગુસ્સાને કાબૂમાં રાખી શકતો હતો, પણ ગાયકવાડ પોતાની ખુરશીમાંથી ઊભા થઈને ડૉ. ભંડારીની નજીક આવ્યા.

‘આ કૌભાંડ કઈ રીતે ચાલતું હતું, તેમાં કોણ કોણ સંડોવાયેલું છે તેમ જ બધાની ભૂમિકા વિશે વિગતો આપો…’

ગોહિલે પૂછેલા સવાલના જવાબમાં ડૉ. ભંડારીએ ચુપકીદી સેવી. તેમને વારંવાર ચેતવણી આપવી પડતી હોવાથી ગાયકવાડ ગિન્નાયા.

‘ડૉક્ટર, સવાલ તમને પૂછવામાં આવ્યો છે.’ કદમ જાણે યાદ અપાવતો હતો.

‘મેં કહ્યુંને… મારા વકીલ સાથે જ હું વાત…’ ડૉ. ભંડારી વાક્ય પૂરું કરે તે પહેલાં જ ગાયકવાડે એક સણસણતો લાફો ઝીંકી દીધો. 

ગાયકવાડે એટલા જોરથી લાફો માર્યો કે ડૉ. ભંડારી ખુરશીમાંથી ડગમગી ગયા. માથું ટેબલ સાથે પટકાયું એટલે તેમના મોંમાંથી ઊંહકારો નીકળ્યો. કાનમાં સણકા આવવા લાગ્યા અને આંખે અંધારાં…

‘બહુ થયું, ગોહિલ… આને ડિટેક્શન રૂમમાં લઈ લે. બધા હાથ સાફ કરશે તો જ આનું ભેજું ઠેકાણે આવશે.’ બન્ને હાથે શર્ટના કૉલરથી ઝાલીને ગાયકવાડે ડૉ. ભંડારીને ઊભા કરી દીધા.

‘તમને હજુ શું જાણવું છે… બધી જ માહિતી તો મળી ગઈ છે!’ જેમતેમ પગ પર ઊભા રહેલા ડૉ. ભંડારીએ કહ્યું.

‘અમારે આખો ઘટનાક્રમ ગોઠવવો છે!’ ગોહિલ બોલ્યો.

ગાયકવાડની થપ્પડની અસરમાંથી પોતાની જાતને બહાર લાવવા ડૉ. ભંડારી લાંબા શ્ર્વાસ લેતા હતા. ગાયકવાડ ડૉ. ભંડારીને શ્ર્વાસ લેવાનો પણ સમય આપવા માગતા નહોતા. એક હાથે ડૉક્ટરનો શર્ટનો કૉલર પકડી રાખી બીજા હાથ ફરી તમાચો મારવાની તૈયારીમાં તે હતા. મુડદાલ બની ગયેલા ડૉ. ભંડારીએ હાથના ઇશારેથી ગાયકવાડને રોક્યા.

‘એક મિનિટ… મને થોડી વાર શાંત બેસીને શ્ર્વાસ તો લેવા દો… હું બધું જ કહેવા તૈયાર છું!’

ગોહિલ તરફ જોઈને ગાયકવાડે ડૉ. ભંડારીનો કૉલર છોડ્યો એટલે ડૉક્ટર ધબ… દઈને ખુરશીમાં બેસી પડ્યા.

‘શિંદે અને બંડગર તો ઠીક, આ ગાયકવાડ પણ કંઈ કમ નથી… બળ અજમાવવાની એકેય તક છોડતા નથી!’ ગોહિલે વિચાર્યું.

‘એક કૉફી મળશે… પ્લીઝ!’ ડૉ. ભંડારીએ વિનંતી કરી.

‘આ પોલીસ સ્ટેશન છે, ડૉક્ટર… હોટેલ નથી કે તારી સરભરા થાય!’ ગાયકવાડે કહ્યું.

પૂછપરછની વચ્ચે મોબાઈલની રિંગ વાગી એ ખુદ ગોહિલને ન ગમ્યું, પણ સબ-ઈન્સ્પેક્ટર વિજય કાળેનો કૉલ હતો. મહત્ત્વની વાત કહેવા જ તેણે ફોન કર્યો હશે એની ગોહિલને ખાતરી હતી.

‘કાળેનો કૉલ છે. ગાયકવાડસાહેબ… મને લાગે છે, હવે ડૉક્ટરની સાન ઠેકાણે આવી ગઈ હશે… તેમને કૉફી પીવડાવી દઈએ!’

ગોહિલે આંખથી ઇશારો કર્યો એટલે ગાયકવાડે ડૉક્ટર સહિત તેમના બધા માટે કૉફીનો આદેશ આપ્યો.

‘બોલ… કાળે!’ કૅબિન બહાર આવીને ગોહિલે કૉલ રિસીવ કરી કહ્યું.

‘સર… પેલો ચૌધરી મુંબઈથી રફુચક્કર થવાની તૈયારીમાં છે!’

‘કેમ?’

‘એ તો ખબર નથી પડી, પણ બિહાર જવા સ્પેશિયલ ક્વૉટામાં ટ્રેનની ટિકિટ રિઝર્વ કરાવી છે એણે!’

‘ક્યારની ટ્રેન છે?’

‘કાલે બપોરે પટના એક્સપ્રેસમાં લોકમાન્ય ટિળક ટર્મિનસથી બેસવાનો છે!’

‘એને રોકવો પડશે!’ ગોહિલે કહ્યું.

‘સર… એને પોલીસ સ્ટેશને લઈ આવું?’ કાળેએ પૂછ્યું.

‘ના. અત્યારે એને તાબામાં લેશે તો બબાલ મચશે. હજુ એની સંડોવણીના કોઈ પુરાવા નથી!’

વિચાર કરીને ગોહિલે સૂચવ્યું: ‘એક કામ કર. એને મળીને અત્યારે મુંબઈ બહાર જવાની ના પાડ. તપાસમાં એની મદદ જોઈએ છે, એવું બહાનું કર!’

કૉલ કટ કરતાં પહેલાં ગોહિલે ખાસ સૂચના આપી: ‘બે કોન્સ્ટેબલને સાદા વેશમાં તેના પર નજર રાખવા કહી દે… આ હિલતા મકાન છટકી ન જાય તેની તકેદારી રાખજે!’

‘તમે ઝમીલને કઈ રીતે ઓળખો છો?’

‘કોણ ઝમીલ!’

‘ચ્યા માયલા! કોન ઝમીલ?’ કોન્સ્ટેબલ નામદેવ દળવીથી બોલાઈ ગયું પછી કામત તરફ જોઈ તેણે નજર ઝુકાવી દીધી.

‘ડ્રગ્સ તસ્કર સલ્લુનો સાથી, જે અત્યારે અમારી કસ્ટડીમાં છે!’ ઈન્સ્પેક્ટર રાજીવ કામતે ફોડ પાડ્યો.

ભાયંદરની ખાડીમાંથી મળેલી એમ્બ્યુલન્સ આરે પોલીસ સ્ટેશન પરિસરમાં લાવ્યા પછી ફોરેન્સિક લૅબને તેની તપાસ કરવાની જાણ કરાઈ હતી. બીજી બાજુ, ડ્રગ્સના કારોબારમાં સંડોવાયેલા ઝમીલના કૉલ રેકોર્ડ પરથી તેણે ડૉ. કુશલ સહાણેને પાંચેક વાર સંપર્ક સાધ્યાનું સામે આવ્યું હતું. તપાસની ગતિ વધી હોવાથી કામતને તાત્કાલિક દળવી સાથે ડૉ. સહાણેની પૂછપરછ માટે મોકલાયો હતો.

‘ડૉક્ટરસાહેબ… તમારી સાથે એ સંપર્કમાં હતો. અમારી પાસે કૉલ રેકોર્ડ છે.’ કામતે ચોખવટ કરી.

‘ઝમીલ…’ બબડીને ડૉ. સહાણે વિચારમાં પડ્યા.

પછી કહ્યું: ‘હા… યાદ આવ્યું. એ તો મારો પેશન્ટ છે!’

‘… પણ અત્યારે એ અમારા કેસનો આરોપી છે!’ કામતે કહ્યું.

‘એણે શું કર્યું?’

‘ડ્રગ્સ સપ્લાય કરતો હતો. શબમાં ડ્રગ્સ ભરીને મુંબઈ બહાર મોકલતો!’

‘અરે, બાપરે!’

‘હા… આવા રીઢા આરોપીએ છેલ્લા એક મહિનામાં પાંચેક વાર તમને કૉલ કર્યા હતા…’

કામતે ઉમેર્યું: ‘તમે કહેવાનું કષ્ટ લેશો કે એણે તમને શા માટે કૉલ કર્યા હતા?’

‘મળવા આવવા અને સમસ્યા જણાવવા…’ ડૉ. સહાણેએ સહજતાથી જવાબ આપ્યો.

‘એટલે?’

‘અમુક પેશન્ટ કે કોઈના રેફરન્સથી આવેલા દરદી એપોઈન્ટમેન્ટ માટે સીધા મને કૉલ કરે છે… પછી જરૂરી સલાહ માટે પણ કૉલ કરતા હોય છે!’

ડૉ. સહાણેએ ઉમેર્યું: ‘મને લાગે છે… ઝમીલે પણ આ જ કારણસર કૉલ કર્યા હતા. એ ચેકઅપ માટે આવ્યો પણ હતો, પણ કોઈ બીમારીનું નિદાન થયું નહોતું!’

‘હું સમજ્યો નહીં…’

‘છાતીમાં દુખાવો થતો હતો એટલે એને શંકા હતી કે હાર્ટને લગતી સમસ્યા હશે, પણ તપાસમાં એવું કંઈ જણાયું નહીં… કદાચ કફને કારણે દુખાવો થયો હશે!’

‘…પણ તમારી એની સાથે ઓળખાણ કઈ રીતે?’ કામત ફરી મૂળ મુદ્દા પર આવ્યો.

‘મારી ઓળખાણ નથી… એ તો ડૉક્ટર ઈમાનદારના રેફરન્સથી આવ્યો હતો!’

‘ડૉક્ટર ઈમાનદાર!’ કામત બોલી પડ્યો.

‘એક્ચ્યુઅલી વાત એમ છે કે આરે હૉસ્પિટલના ડૉક્ટર હિરેમઠે ડૉક્ટર ઈમાનદાર પાસે ચેકઅપ કરાવવાની સલાહ ઝમીલને આપી હતી.’

શ્ર્વાસ લેવા થોડું રોકાયા પછી ડૉ. સહાણેએ કહ્યું: ‘ત્રણ-ચાર દિવસ માટે ડૉક્ટર ઈમાનદાર શહેર બહાર હોવાથી તેમણે ઝમીલને મારો નંબર આપ્યો હતો અને આ બાબતે ડૉક્ટર ઈમાનદારે મને કૉલ પણ કર્યો હતો!’

‘એટલે કે ડૉક્ટર હિરેમઠ ઝમીલને ઓળખતા હશે!’ કામતે કહ્યું.

‘એની મને જાણ નથી. આ બાબતે તમે ડૉક્ટર હિરેમઠ અને ડૉક્ટર ઈમાનદારને જ મળો!’

* * * * 

‘કૉફી પીવાઈ ગઈ હોય તો વાત આગળ વધારીએ, ડૉક્ટર?’ ડૉ. ભંડારીએ કૉફીનો છેલ્લો ઘૂંટ પીને કપ ટેબલ પર મૂકતાં જ ગોહિલે પૂછ્યું.

‘તમને લાગે છે કે મારી કબૂલાત કરવાથી આ રૅકેટ અટકી જવાનું છે? તમે લાંબો સમય સુધી મને લૉકઅપમાં રાખી પણ નહીં શકો!’ ડૉ. ભંડારીએ આત્મવિશ્ર્વાસથી કહેલી વાતથી ગોહિલને ખાતરી થઈ કે માસ્ટરમાઈન્ડ હજુ નજરમાં નથી આવ્યો.

‘એ બધું પછી જોવાઈ જશે… અત્યારે તમે આ રૅકેટ કઈ રીતે ચાલતું હતું તેની માહિતી આપો.’

‘જે દરદીમાં ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હોય તેના તબીબી રિપોર્ટ અમને મળી રહે છે, પણ તેની સાથે મેળ ખાતા દાતા ગોતવા મુશ્કેલ હોય છે…’

ડૉ. ભંડારી બોલવા લાગ્યા: ‘આ માટે અમે મેડિકલ કૅમ્પ યોજવાનો રસ્તો શોધી કાઢ્યો, જેમાં તપાસને બહાને અમે લોકોની વિગતો મેળવી લેતા!’

‘કઈ રીતે?’

‘બ્લડ ગ્રૂપથી માંડીને સામાન્ય ટેસ્ટ આરોગ્ય શિબિરમાં જ થઈ જતી. એને આધારે અંદાજો લગાવીને ટાર્ગેટ પસંદ કરાતા. પછી ટાર્ગેટને ગંભીર બીમારીનાં લક્ષણનું કારણ બતાવીને બાકીની ટેસ્ટ માટે ડૉ. પાઠકની લૅબોરેટરીમાં મોકલવામાં આવતા.’

ડૉ. ભંડારીએ જણાવ્યું: ‘ડૉક્ટર પાઠક ડિમાન્ડ અનુસાર ટાર્ગેટની ટેસ્ટ કરતા અને તેનો રિપોર્ટ તૈયાર કરતા.’

‘…પણ ટેસ્ટ કરાવવા રહેવાસીઓ સહેલાઈથી માની જતા?’ ગાયકવાડે પૂછ્યું.

‘તેમના મનમાં અમે સ્વાસ્થ્ય સંબંધી ચિંતા ઉપજાવી દેતા. અત્યારે તપાસ નહીં કરાવે તો બીમારી ગંભીર સ્તરે પહોંચવાનો ડર બતાવતા. વળી, ડૉક્ટર પાઠકની લૅબમાં અડધી કિંમતે ટેસ્ટની લાલચ આપતા!’

‘તો પછી અવયવ કાઢીને તમારા ટાર્ગેટને મારી શા માટે નાખતા?’ ગોહિલે પૂછ્યું.

‘કોઈ પુરાવો ન રહે તે માટે!’

‘નાણાંની લાલચ આપીને પણ મનાવી શકતા હતાને?’

‘એમાં ભવિષ્યમાં આ કાંડ સામે આવવાનો ડર હતો. વ્યક્તિ જીવિત જ ન હોય એમાં અમારી સલામતી વધુ હતી.’

‘જબરજસ્ત ભેજું દોડાવીને રૅકેટ ચલાવવા આટલી હત્યા કરી નાખી, પણ આખરે આ કૌભાંડ ઊઘાડું પડ્યું જને? પાપ જમીનમાં કેટલા પણ ઊંડા દાટો, ડૉક્ટર… ક્યારેકને ક્યારેક એ જમીન ફાડીને બહાર આવે જ!’

‘એ તો અમારા બદનસીબ કે હેલિકૉપ્ટર બરાબર એ જ જગ્યાએ તૂટી પડ્યું, નહીંતર આમ મંજરીનું શબ જમીનની બહાર આવત નહીં અને કૌભાંડ જમીનમાં દફન રહેત!’

‘આ અવયવ ચોરીમાં ડ્રગ્સનો કારોબાર કેવી રીતે ઉમેરાયો?’ ગોહિલે અવયવ ચોરી શબ્દ વાપરતાં ડૉ. ભંડારી પહોળી આંખે તેને જોઈ રહ્યા.

‘એ મને નથી ખબર… સલ્લુ ડ્રગ્સનું સ્કૅન્ડલ ચલાવતો હતો. મને તો પછીથી ખબર પડી કે ડ્રગ્સ સપ્લાય કરવા તે શબનો ઉપયોગ કરતો હતો.’

‘પછીથી એટલે ક્યારે?’ ગાયકવાડે સવાલ કર્યો.

‘આ કેવો પ્રશ્ન છે?’

‘મારો કહેવાનો અર્થ છે કે ખબર પડી ત્યારે તમે આ કારોબાર રોક્યો કેમ નહીં? તમે શા માટે તેમાં સામેલ થયા?’

‘ઑફિસર… આ બધા ધંધા એવા હોય છે કે એક વાર એ રસ્તે ચાલી પડો પછી પાછા ફરવાના વિકલ્પ નથી બચતા… કાનૂની માર્ગનો વિચાર પણ કરી શકાતો નથી!’ ડૉ. ભંડારી ગંભીર થઈને બોલ્યા.

‘તમે આટલા આત્મવિશ્ર્વાસથી કહેતા હતા કે તમને લાંબો સમય લૉકઅપમાં રાખી નહીં શકીએ… એનો મતલબ તમારા માથે વરદહસ્ત ખરો… કોણ છે તમારો આકા?’

ફાટી આંખે ડૉ. ભંડારી ગોહિલને જોઈ રહ્યા. ગોહિલે બરાબર તેમની વાતને પકડી લીધી હોવાનું ડૉ. ભંડારીએ વિચાર્યું.

‘આરોપીઓ શોધવાનું કામ તમારું છે… મેં શું કર્યું એ તમને કહી દીધું. હવે બાકીનું તમે જુઓ!’

‘તમારા પર વિધાનસભ્ય જાંભુળકરનો હાથ છે કે તેના પીએ ચૌધરીનો?’

‘મને નથી ખબર…’ ડૉ. ભંડારીએ આવું કહેતાં ગાયકવાડ ઝાટકા સાથે ખુરશીમાંથી ઊભા થયા. ગાયકવાડનો આવેશ જોઈ ડૉ. ભંડારી ધ્રૂજવા લાગ્યા અને એટલું જ બોલ્યા…

‘ચૌધરીને પકડી લાવો અને એને જ પૂછો!’  

      (ક્રમશ:)

આ પણ વાંચો…પ્લોટ-16 – પ્રકરણ-44: મેડિકલ કૅમ્પને બહાને ડેટા ભેગા કરાયા!

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button