પ્લોટ-16 - પ્રકરણ-43 પડદા પાછળનો સૂત્રધાર કોણ?
નવલકથા

પ્લોટ-16 – પ્રકરણ-43 પડદા પાછળનો સૂત્રધાર કોણ?

યોગેશ સી પટેલ

‘આવી કોઈ ગરબડ થાય અને પોલીસ તપાસ હાથ ધરે તો હું સપડાઈ ન જાઉં તે માટે એમ્બ્યુલન્સ મોરેના નામે રજિસ્ટર્ડ કરાવી હતી, પણ તમે એટલી સચોટ કાર્યવાહી કરી કે મને બચવાનો મોકો ન મળ્યો!’ ડૉ. આયુષ પાઠકે કહ્યું.
ગોહિલની ટીમે મુદ્દાસરની રજૂઆત અને સબળ પુરાવા મૂક્યા એટલે ડૉ. પાઠક પાસે કબૂલાત સિવાય કોઈ માર્ગ નહોતો.

‘…પણ તમે જાણો છોને… શું બોલી રહ્યા છો? તમે ડૉક્ટર વિશ્ર્વાસ ભંડારી પર આરોપ મૂકી રહ્યા છો, જે તમારા મિત્ર છે!’ વધુ ચોખવટ કરવા ડીસીપી સુનીલ જોશી બોલ્યા.

‘હા… પૂરા ભાનમાં કહું છું કે હું તેમના ઇશારે જ કામ કરતો હતો!’
‘ડ્રગ્સની હેરફેરમાં એમ્બ્યુલન્સના ઉપયોગની તમને જાણ હતી?’ ઈન્સ્પેક્ટર ચંદ્રેશ ગોહિલે પૂછ્યું.
‘હા… જરૂર પડ્યે એમ્બ્યુલન્સ લેવા સલ્લુ જ આવતો!’

ડૉ. પાઠકે કરેલા ધડાકાથી ડઘાઈ ગયેલા ડૉ. ઈમાનદાર અને ડૉ. હિરેમઠની આંખો પહોળી થઈ ગઈ.
‘અવયવો કાઢીને ટ્રાન્સપ્લાન્ટની શસ્ત્રક્રિયા કઈ કઈ હૉસ્પિટલ્સમાં થતી?’

‘એની મને જાણ નથી… મારી લૅબોરેટરીમાં બધાની ટેસ્ટ થતી અને એના રિપોર્ટને આધારે આગળની કામગીરી થતી!’ બોલતી વખતે ડૉ. પાઠક નરમ પડવા લાગ્યા.
‘સાચું કહું, ઑફિસર. મને પોતાને નશીલા પદાર્થોના કારોબારથી નફરત છે, પણ એક વાર આ કીચડમાં ફસાયો… પછી બહાર નીકળી ન શક્યો!’

‘મને લાગે છે, આપણી તપાસ યોગ્ય દિશામાં જઈ રહી છે અને એસઆઈટીની કાર્યવાહી ઉચિત છે તેમાં કોઈ શંકા નથી… એટલે આ મુદ્દે હવે કોઈ વાંધાવચકા ન હોવા જોઈએ!’ જોશીએ ડૉક્ટરો તરફ જોતાં જાણે અલ્ટિમેટમ આપ્યું.
‘ડૉક્ટર પાઠકનું નિવેદન નોંધીને ડૉક્ટર ભંડારીને કસ્ટડીમાં લેવાની પ્રક્રિયા હાથ ધરો. પછી બન્નેની સાથે ધરપકડ કરીને કોર્ટમાં હાજર કરજો.’ જોશીએ આદેશ આપ્યો.

‘ગોહિલ… ગાયકવાડ, ઘણી સૂઝબૂઝથી આ ગૂંચ ઊકેલી છે. વેરી ગુડ… હવે તમારી રીતે તપાસ આગળ વધવા દો અને ઘાતકી લોકો સામે ઝડપી પગલાં લો!’
‘યસ, સર!’ ગોહિલ અને ગાયકવાડનો આત્મવિશ્ર્વાસ અને ઉત્સાહ વધ્યા.

‘આપણે હવે નીકળીએ… આ લોકોને તેમનું કામ કરવા દો! પોલીસ વિરુદ્ધ તમને હવે કોઈ ફરિયાદ નહીં હોય, બરાબરને?’ જોશીએ મક્કમપણે કહેતાં ડૉ. ઈમાનદાર અને ડૉ. હિરેમઠ પણ ખુરશીમાંથી ઊભા થયા.

જતાં પહેલાં ડૉ. પાઠકને જોશીએ સંભળાવ્યું: ‘ડૉક્ટર… તમારું નામ આયુષ છે એટલે કે આવરદા, પણ દિલગીરી સાથે કહેવું પડે છે કે તમે તો લોકોનાં આયખાં ટૂંકાવવાનું કામ કર્યું છે!’


ડૉ. આયુષ પાઠકને નિવેદન નોંધાવવા માટે કમ્પ્યુટર રૂમમાં એક અધિકારી સાથે બેસાડીને ગોહિલ પોતાની કૅબિનમાં ગયો. ગોહિલની પાછળ ઈન્સ્પેક્ટર રવિ કદમ પણ કૅબિનમાં આવ્યો.
‘સર… ડૉક્ટર વિશ્ર્વાસ ભંડારીના ત્રીજા મોબાઈલ નંબરની કૉલ ડિટેઈલ્સ આવી ગઈ છે. પેલા શોએબ અને ઝમીલના પણ સીડીઆર તપાસ્યા…’

‘શું મળ્યું?’
‘ડૉક્ટર ભંડારી આ ત્રીજા નંબરથી જ સલ્લુ અને જૉનીના સંપર્કમાં હતા એની ખાતરી થાય છે!’ કદમે જણાવ્યું.

‘ડૉક્ટર ભંડારી વિરુદ્ધ ડૉક્ટર પાઠકે માહિતી આપી જ છે… એટલે તેમને તાબામાં લેવા આપણી પાસે પર્યાપ્ત મટીરિયલ છે.’ ગોહિલે કહ્યું.
‘આ સિક્રેટ નંબરથી ડૉક્ટર અમુક જ લોકોના સંપર્કમાં હતા, જેમાંથી એક નંબર પેલી આકૃતિ બંગારાનો છે!’ કદમે માહિતી આપી.

‘મેં કહ્યું હતુંને આ જ નંબર આપણા કામનો હશે!’ ગોહિલ મલકાયો.
‘રંગીલો મિજાજ ધરાવતો આ ડૉક્ટર આટલી નીચ હરકત કરે એ આશ્ર્ચર્યની વાત છે. માસૂમોની લાશ પર રાસલીલા કરતો હતો… અને ઉપરથી ગરીબોને સહાયનો ડોળ કરતો હતો.’ કદમે ગુસ્સામાં કહ્યું.

‘મને લાગે છે, આટલા બિનધાસ્ત કાંડ ચાલતા હતા એટલે ડૉક્ટર ભંડારીનો પણ કોઈ બૉસ હોવો જોઈએ!’
‘એટલે?’
‘આટલી સહેલાઈથી ડૉક્ટર પાઠક અને ડૉક્ટર ભંડારી આપણી પકડમાં આવ્યા છે… એટલે કે આ કાંડનો માસ્ટરમાઈન્ડ અન્ય કોઈ હોવો જોઈએ, જેની છત્રછાયામાં આ લોકો નીડર બન્યા હતા!’ ગોહિલ બોલ્યો.

‘… પણ સહેલાઈથી ક્યાં હાથ લાગ્યા છે, સર. કેટલી મથામણ કરાવી છે આ લોકોએ!’ કદમ આશ્ચર્યથી બોલ્યો.
‘જે પ્રમાણેનું આખું ષડ્યંત્ર રચાયું હતું એ જોતાં કોઈ બુદ્ધિશાળી અને વગદાર વ્યક્તિનું આમાં સૂત્રસંચાલન હોવું જોઈએ!’ ગોહિલ કંઈ વિચારતો હતો.

‘…પણ આપણી તપાસમાં જે શકમંદો છે તેમની ભૂમિકા સ્પષ્ટ થઈ રહી છે… તો તમે કોની વાત કરો છો?’ કદમે પૂછ્યું.
‘એ કોણ છે એની મને નથી ખબર, પણ હજુ સુધી એ પડદા પાછળ હોવાનું મને લાગે છે!’

‘હોઈ શકે, કારણ કે આ કૉલ ડિટેઈલ્સ પરથી અમુક ચોંકાવનારી વાત સામે આવી રહી છે!’
‘કઈ?’
‘ઝમીલે ગયા મહિને પાંચેક વખત ડૉક્ટર કુશલ સહાણેનો સંપર્ક કર્યો છે!’ કદમે ખરેખર ચોંકાવનારી માહિતી આપી હતી.

‘જાણીતા હાર્ટ સ્પેશિયલિસ્ટ ડૉક્ટર સહાણે તો ડૉક્ટર ઈમાનદારના મિત્ર છે… અને તેમની જ હૉસ્પિટલમાં પ્રેક્ટિસ પણ કરે છેને?’
‘હા.’
‘આ કાંડમાં ડૉક્ટર સહાણેની શું ભૂમિકા હશે?’

‘એ તો ખબર નથી, પણ બીજી મહત્ત્વની વાત એ છે કે શોએબ અને ઝમીલ વિધાનસભ્ય ગુલાબજાંભુના પીએ પ્રસન્ન ચૌધરીના સંપર્કમાં હતા!’
‘હેં?’
‘હા… અને એક વાત ખાસ યાદ રાખવી જોઈએ… આ કૌભાંડ ઊઘાડું પડ્યું ત્યારે શોએબ અને ઝમીલ બિહાર ફરાર થવાની તૈયારીમાં હતા, જ્યારે ચૌધરી પણ બિહારનો વતની છે!’ કદમે કનેક્શન જોડ્યું.

‘આ ડ્રગ્સ સપ્લાય કનારા મામૂલી શોએબ અને ઝમીલને ચૌધરીની શી જરૂર પડી હશે?’ ગોહિલ વિચાર કરતો બોલ્યો.
‘એ પણ સર… એક-બે નહીં, અનેક વાર કૉલ થયા છે તેમની વચ્ચે!’ કદમે માહિતી આપી.

‘કદમ… એવું તો નથીને કે આ બન્ને ચૌધરીના માધ્યમથી વિધાનસભ્યના સંપર્કમાં હતા!’ ગોહિલની વાતથી કદમને આંચકો લાગ્યો.
‘તમે ઘણું મોટું નામ લીધું, સર!’
‘પડદા પાછળનો ખેલાડી એટલે આપણા નેતાજી તો નહીં હોયને?’

‘એવું હોય તોય તેમની પૂછપરછ શક્ય નથી!’ કદમે વિવશતા જણાવી.
‘કદમ… કાળેને આ ચૌધરીની હિલચાલ પર નજર રાખવાનું કહી દે અને તું ટીમ સાથે ડૉક્ટર ભંડારીને ત્યાં જા. એ બચવાનાં કોઈ ગતકડાં કરે તે પહેલાં જ તાબામાં લઈ લે!’
પછી ઉમેર્યું: ‘જરૂર હોય તો શિંદેને સાથે લેતો જા…’

‘હૉસ્પિટલમાંની ડૉક્ટર ભંડારીની કૅબિન પણ સીલ કરી દઉં છું, જેથી દસ્તાવેજો સાથે છેડછાડ ન થાય!’ કદમે ચાલાકીભર્યો વિચાર રજૂ કર્યો.
‘ઠીક છે… હું જરા કાંદિવલીની હૉસ્પિટલમાં જઈને પેલા ગાંડાનો ઢોંગ કરનારા જૉનીના ખબર લઉં છું!’


જૉનીના મોબાઈલના આઈએમઈઆઈ નંબરને આધારે તેનો નવો નંબર મળ્યો હતો, જેને ટ્રેસ કરતાં તે કાંદિવલીના સમતા નગરમાં હોવાનું જણાયું હતું. તપાસ કરતાં સમતા નગર પરિસરની એક હૉસ્પિટલમાં દાખલ જૉની મળી આવ્યો હતો. જૉની ત્યાંથી રફુચક્કર ન થઈ જાય માટે એપીઆઈ સુધીર સાવંતને તેના પર નજર રાખવાનું કહેવામાં આવ્યું હતું અને ગોહિલ અત્યારે ત્યાં જવા નીકળ્યો હતો.

બોલેરોમાં ગોઠવાતાં જ ગોહિલની નજર ડ્રાઈવિંગ સીટ પર બેસેલા સંજય માનેના ગાલ તરફ અચૂક જાય. હંમેશ મુજબ તેનો એક તરફનો ગાલ ફૂલેલો જોઈ ગોહિલ સમજી ગયો કે તમાકુ તેના મોંમાં મુકાઈ ગઈ છે.

‘કાંદિવલીમાં સમતા નગર…’ ગોહિલે આદેશ આપ્યો.
‘સર… એક સવાલ પૂછું?’ બોલેરો સ્ટાર્ટ થતાં માને બોલ્યો.
‘પૂછ…’
‘ડૉક્ટર ભંડારી વિરુદ્ધ આટલા પુરાવા છે છતાં તમે એના પર હાથ નાખવામાં આટલી વાર કેમ લગાડી… પોલીસ સ્ટેશનમાં લાવ્યા પછી એ કેટલી વાર ચૂપ રહી શક્યો હોત?’

‘માને… બધાં કામ બળથી નથી થતાં, કળથી પણ કરી શકાય છે. પોલીસ સ્ટેશનમાં કબૂલેલી વાતને આરોપી કોર્ટમાં નકારી કાઢતા હોય છે, પણ સબળ પુરાવા હોય તો અપરાધીને છટકવાનો મોકો ન મળે!’
ગોહિલે સમજાવ્યું: ‘જો પુરાવા અને મુદ્દાસરની પૂછપરછમાં ડૉક્ટર પાઠકે ગુનો કબૂલ્યોને… મારપીટની જરૂર જ ન પડી!’
‘…પણ સર, ડૉક્ટર ભંડારી સહેલાઈથી કબૂલ કરશે?’ માનેનો સવાલ યોગ્ય હતો.

‘એટલે જ તો આ જૉની… બૉનીને આંટીમાં લેવાના છે… જૉની અપરાધમાં ડૉક્ટર ભંડારી સાથે સીધો જોડાયેલો છે એટલે આપણો મજબૂત આધાર બની રહેશે!’
બોલેરો સમતા નગર પહોંચી એટલે વાતચીત બંધ થઈ. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર આવેલી પ્રમાણમાં નાની હૉસ્પિટલના વૉર્ડમાં ગોહિલ પહોંચ્યો ત્યારે એપીઆઈ સાવંત જૉનીના બેડ પાસે જ ઊભો હતો.

‘કેમ છે, જૉની?’ ગોહિલે જૉનીના પાટો બાંધેલા પગને હાથેથી દબાવ્યો. પીડાથી તેના મોંમાંથી રાડ નીકળી ગઈ.
‘સર… પ્લીઝ… ઘણું વાગ્યું છે!’
જૉનીના કપાળ પર પણ પટ્ટી લગાવવામાં આવી હતી. ગોહિલે એ પટ્ટી પર પહેલાં હળવેકથી હાથ ફેરવ્યો પછી અંગૂઠાથી પટ્ટી પર દબાણ વધાર્યું.

‘સર… સર… સર… શું કરો છો? ખરેખર ખૂબ દુખે છે!’ જૉની દુખાવાને કારણે કણસી ઊઠ્યો.
‘વાંધો નહીં… હવે તારો ઇલાજ અમે કરીશું… અમારી હૉસ્પિટલમાં!’ હોઠ પર હળવા સ્મિત સાથે ગોહિલ બોલ્યો.
‘સર… બેડ પરથી ઊઠવાની મારામાં તાકાત નથી. પહેલાં સારવાર થઈ જવા દો પછી…’

‘અરે, અમારી હૉસ્પિટલના ડૉક્ટર ઘણા કુશળ છે. તું તરત જ નાચવા લાગીશ એની હું ગૅરન્ટી આપું છું!’
એટલામાં ડૉક્ટર જૉનીનું રુટિન ચેકઅપ માટે આવ્યા. બ્લડ પ્રેશર અને અન્ય તપાસણી પતી એટલે ગોહિલે પોતાની ઓળખ આપી.
‘બોલો, ઑફિસર!’
‘ડૉક્ટર, આ અતિમહત્ત્વના કેસનો શકમંદ છે! હવે એની તબિયત કેમ છે?’ ગોહિલે પૂછ્યું.

‘એ નૉર્મલ છે, પણ કયા કેસની તમે વાત કરો છો?’
‘આરે કાંડમાં અમે તેને કસ્ટડીમાં લેવા માગીએ છીએ!’
‘આરે! એના તો દરેક ન્યૂઝ હું રોજ પેપરમાં વાંચું છું… ઘણું હોરિબલ છે!’
‘આ તો કહે છે કે બેડ પરથી ઊભો નથી થઈ શકતો!’ ગોહિલે જૉની તરફ આંગળી ચીંધી.

‘ખબર નહીં, એ આવું શા માટે કહે છે, પણ અમારી ટેસ્ટ અનુસાર તેેને ફ્રેક્ચર કે એવી કોઈ ગંભીર ઇજા નથી!’
પછી ડૉક્ટરે કહ્યું: ‘હા… એક્સિડેન્ટને કારણે પગ પર ત્રણ મોટા કાપા પડ્યા છે, જેના કારણે લોહી ઘણું વહી ગયું હતું. અમે એને પાટો બાંધીને ઇલાજ કરી દીધો છે. પહેલાં એને કમજોરી જણાતી હતી, પણ હવે સ્વસ્થ છે!’

‘એક્સિડેન્ટ વિશે એણે કંઈ કહ્યું?’ ગોહિલનો પ્રશ્ન.
‘રસ્તાને કિનારે ચાલતી વખતે પાછળથી આવેલી કારે અડફેટે લીધો. અકસ્માત પછી ડ્રાઈવર કાર સાથે ફરાર થઈ ગયો.’
ડૉક્ટરે ઉમેર્યું: ‘આનું કહેવું છે કે તેને મારી નાખવાનો પ્રયાસ કરાયો છે!’
‘ડૉક્ટરસાહેબ, હું સાચું કહું છું… ઊભા થવામાં પણ ઘણી તકલીફ પડે છે!’ જૉની બોલ્યો.

‘…તો પછી ડૉક્ટર, એક કામ કરો… આમેય બધા આરોપી અમારી પકડમાં છે. આ અમારા કંઈ કામનો નથી… આને ઈન્જેક્શનથી દવાનો ઑવરડોઝ આપીને મારી નાખો અને એક્સિડેન્ટને કારણે મૃત્યુ પામ્યો હોવાનું જાહેર કરી દો!’ (ક્રમશ:)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button