પ્લૉટ-16 - પ્રકરણ-41: જૉનીને પણ કારે કચડી નાખ્યો… | મુંબઈ સમાચાર
નવલકથા

પ્લૉટ-16 – પ્રકરણ-41: જૉનીને પણ કારે કચડી નાખ્યો…

યોગેશ સી. પટેલ

`ઈન્સ્પેક્ટર રવિ કદમ અને મહિલા સબ-ઈન્સ્પેક્ટર વિદ્યા પાટીલને આમ અચાનક ઘરે આવેલાં જોઈ આકૃતિ બંગારાના હાથ-પગ પાણી પાણી થવા લાગ્યા. યુનિટ-પાંચમાં આવેલા આકૃતિના નાનકડા ઘરમાં ગરમી ખાસ્સી થતી હતી, પણ અત્યારે પોલીસ અધિકારીઓને જોઈને તેને પરસેવો વળવા લાગ્યો.

`તારી સાથે થોડી વાતચીત કરવી છે!’ કદમે ભારે અવાજમાં કહેતાં આકૃતિના કપાળ પરથી પરસેવાના રેલા ઊતરવા લાગ્યા.

ડૉ. ભંડારીના ટ્રસ્ટની ઑફિસ અને હૉસ્પિટલમાં કામ કરતી હતી આકૃતિ. ડૉ. ભંડારી સાથેના તેના વ્યભિચારની જાણકારી પોલીસને મળી હતી, પણ આશ્ચર્યની વાત એ હતી કે આકૃતિએ ફોન પર ક્યારેય ડૉ. ભંડારીનો સંપર્ક સાધ્યો નહોતો. વળી, ડૉ. ભંડારીએ પણ આકૃતિને કૉલ કર્યો નહોતો. આ શક્ય ન હોવાથી ગોહિલને શંકા હતી કે આકૃતિ અથવા ડૉ. ભંડારી પાસે સિક્રેટ મોબાઈલ નંબર હોવો જોઈએ. એની માહિતી પ્રાપ્ત કરવા કદમ અને વિદ્યા આવ્યાં હતાં.

તારો પતિ ક્યાં છે?' દારૂ ઢીંચવા ગયો હશે!’
`તું આમ કાંપી કેમ રહી છે… આટલો પસીનો થવાનું કારણ?’ વિદ્યાએ પૂછ્યું.

કંઈ નહીં… આમ તમે અચાનક આવી ચડ્યા એટલે…’ આકૃતિ બોલી. અમે કોઈ પણ સ્થળે અચાનક જ પહોંચીએ છીએ!’ કદમ આકૃતિના ચહેરાનું નિરીક્ષણ કરતો હતો.

ડૉ. ભંડારીએ બે-ત્રણ વાર પોલીસ તપાસનો ઉલ્લેખ કર્યો હતો. આકૃતિને અંદેશો હતો કે ડૉક્ટર કોઈ કુપ્રવૃત્તિ સાથે જોડાયેલા છે અને તે પોલીસની નજરે ચઢી છે, પણ પોલીસ પોતાનીય પૂછપરછ કરશે એનો અંદાજો તેને નહોતો એટલે એ થોડી ગભરાયેલી હતી.

`અમે તારી અને ડૉ. ભંડારીની બધી વિગતો કઢાવી છે. તમારી વચ્ચેના સુંવાળા સંબંધોની પણ જાણ છે… એટલે અમે પૂછીએ એના સીધા જવાબ આપ. કંઈ પણ છુપાવવાનો પ્રયત્ન કર્યો છે… તો તારી ખેર નથી!’ વિદ્યાએ બિનધાસ્ત ચેતવણી આપી.

મેં શું કર્યું છે કે તમે મારી પૂછપરછ કરવા માગો છો?’ આકૃતિએ કહ્યું. તારો બીજો મોબાઈલ નંબર આપ!’ કદમે રુઆબથી કહ્યું.
`બીજો? મારી પાસે તો એક જ નંબર છે.’ આકૃતિએ ધીમેથી કહ્યું.

જો… અમે કૉલ રેકોર્ડ તપાસ્યા છે. ડૉ. ભંડારીને તેં એકેય કૉલ કર્યો નથી, એવું કઈ રીતે બને?’ કદમે પૂછ્યું. આવું તમે ક્યાંથી જાણી લાવ્યા… હું તો કામ હોય ત્યારે સરને કૉલ કરું જ છું!’
`એ જ તો અમે પૂછીએ છીએ કે કયા નંબરથી તું ડૉક્ટરનો સંપર્ક કરે છે?’ વિદ્યાનો અવાજ થોડો મોટો થયો.

આ જ નંબરથી!’ આકૃતિએ પોતાનો મોબાઈલ બતાવ્યો. તું કયા નંબર પર ડૉક્ટરને કૉલ કરે છે? એ નંબર આપ!’
અચરજથી આકૃતિ કદમને જોઈ રહી. પછી ડૉ. ભંડારીનો નંબર પોતાના મોબાઈલમાં એણે દેખાડ્યો.

આ કયો નંબર છે?’ આશ્ચર્યથી કદમે પૂછ્યું. આ અમારા સર… ડૉક્ટર ભંડારીનો જ નંબર છે, જેના પર અમે સંપર્કમાં રહીએ છીએ!’ આકૃતિએ દેખાડેલો નંબર કદમે પોતાના મોબાઈલમાં સેવ કરી લીધો.

એટલે કે ડૉક્ટર ભંડારી ત્રીજો મોબાઈલ નંબર પણ ધરાવે છે!’ કદમે વિચાર્યું. કેમ… આ નંબર તમારી પાસે નથી?’
`ના… નહોતો. થેન્ક્સ!’ કદમ આકૃતિને કંઈ સમજાવવાના મૂડમાં નહોતો.

ઍની પ્રોબ્લેમ?’ આકૃતિએ પૂછ્યું. નો.’ કહીને કદમે ઘરબહાર ચાલવા માંડ્યું.

`અમે તને મળવા આવ્યાં હતાં એની જાણ ડૉક્ટર ભંડારીને ન થવી જોઈએ, નહીંતર તને પ્રોબ્લેમ થશે!’ સૂચના આપીને વિદ્યા પણ કદમ પાછળ ચાલી નકળી.

ઘરની બહાર નીકળી કદમે તરત જ ગોહિલને કૉલ કર્યો.
`સર… તમારી ધારણા સાચી પડી. ડૉક્ટર ભંડારી વધુ એક મોબાઈલ નંબરનો ઉપયોગ કરે છે, જેની જાણ આપણને નહોતી.’

`ગુડ… કદમ. એ નંબરની કૉલ ડિટેઈલ્સ તાત્કાલિક મગાવી લે. અને હા… સાથે શોએબ અને ઝમીલના કૉલ ડિટેઈલ્સની પણ રિક્વેસ્ટ નાખી દે!’ ગોહિલ ઉત્સાહથી બોલતો હતો.

`ઓકે.’

`મને લાગે છે, ડૉક્ટર ભંડારીનો આ ત્રીજો નંબર જ આપણા માટે મહત્ત્વનો સાબિત થશે!’ કહીને ગોહિલે કૉલ કટ કર્યો.

`આરેના જંગલમાં ડ્રગ્સ બનાવવાની લૅબોરેટરી ચલાવનારા સલ્લુની બૉડી જમીનમાં દાટેલી હતી, જે અમે રિકવર કરી છે. તેના બે સાથી શોએબ અને ઝમીલની ધરપકડ કરવામાં આવી છે. આ ડ્રગ્સ સિન્ડિકેટ સાથે અન્ય કોઈ સંકળાયેલા છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.’

ડીસીપી સુનીલ જોશીના દબાણથી ગોહિલે પત્રકાર પરિષદ બોલાવી હતી. તપાસ સંબંધી સંવેદનશીલ અને મહત્ત્વના મુદ્દા પત્રકારોથી છુપાવીને અમુક જ માહિતી આપવી, એવી સૂચના જોશીની હતી. આ પ્રેસ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ વિધાનસભ્ય ગુલાબરાવ જાંભુળકરને ક્લીન ચિટ આપવાનો હતો.

આ કેસમાં ડ્રગ્સના ઈન્ટરનૅશનલ કાર્ટેલનો ખુલાસો થયો છે?’ એક પત્રકારનો સવાલ. સલ્લુ વિદેશમાં ડ્રગ્સ સપ્લાય કરતો હતો તેવી માહિતી સામે આવી છે… અમે તેની ખાતરી કરી રહ્યા છીએ!’

`સર… વિધાનસભ્ય જાંભુળકરની ડ્રગ્સ કેસમાં સંડોવણીનો આરોપ વિરોધી પક્ષ નેતા બાપટે કર્યો હતો… સલ્લુને આર્થિક સહાય માટે ભલામણ પત્રની વાત પણ જાહેર થઈ હતી.’ બીજા પત્રકારે મુદ્દો છેડ્યો.

`એ પત્ર વિધાનસભ્યની જાણબહાર અપાયો હોવાનું તપાસમાં જણાયું છે… એટલે અત્યારે તો તેમની સંડોવણીના કોઈ પુરાવા નથી!’ ગોહિલ બોલતી વખતે પણ પત્રકાર પરિષદનો લાભ કઈ રીતે ઉઠાવવો તે વિચારી રહ્યો હતો.

શું પોલીસ નેતાજીને છાવરી રહી છે?’ એક પત્રકારનો તીખો સવાલ. આ ખોટા આરોપ છે… પુરાવા હશે તો કોઈને છોડીશું નહીં!’
`તો વિરોધી પક્ષ નેતાનો આમાં હાથ છે?’

`હજુ સુધી કોઈ નેતાની સંડોવણી જણાતી નથી, પણ રાજકારણીઓના સંપર્કમાંના કેટલાક લોકો અમારા રડાર પર છે. ઊંચી વગને કારણે તેમની પૂછપરછમાં અવરોધ આવી રહ્યા છે!’ ગોહિલે પાસા ફેંક્યા.

સર… તેમનાં નામ?’ અત્યારને તબક્કે નામ જાહેર કરવાં વહેલું ગણાશે… સમય આવ્યે તમને બધી માહિતી મળી રહેશે!’ ગોહિલે પત્રકારોનો પૂરેપૂરો લાભ ઉઠાવવાની ગણતરી માંડી.

`જંગલમાંથી મળેલાં શબ અંગે પોલીસે કોઈ ખુલાસો કર્યો નથી. શું છે તેની પાછળનું રહસ્ય?’ વરિષ્ઠ પત્રકારે મુદ્દાનો સવાલ કર્યો.

`એ મામલે હજુ સુધી કોઈ કડી જોડાતી નથી અને પુરાવા પણ મળ્યા નથી… અમારી તપાસ ચાલુ છે… હાલમાં શક કરવા જેવી કોઈ વ્યક્તિ નથી!’ ગોહિલના આ જવાબથી તેની આસપાસ બેસેલા અધિકારીઓ ચોંક્યા.

ડૉક્ટરોના યુનિયને અલ્ટિમેટમ શા માટે આપ્યું છે?’ તેમને અમારી કાર્યપદ્ધતિ બાબતે ગેરસમજ હતી… પૂછપરછનો ભય તેમને સતાવતો હતો!’ ગોહિલ રમત રમતો હતો.
`શબ મળવાના કેસમાં કોઈ ડૉક્ટરની સંડોવણી?’

ના… હજુ એવું કંઈ સ્પષ્ટ થયું નથી!’ ગોહિલ ડૉક્ટરોને ગાફેલ રાખવા માગતો હતો, જેથી તપાસમાં અવરોધ ઊભો ન કરી શકે. સર, શબ સાથે કોઈ નેતાજીને સંબંધ ખરો?’

એ મામલે અમે કોઈને ક્લીન ચિટ આપી નથી. શકમંદોની તપાસ ચાલુ છે!’ છેલ્લા પાસા ફેંકીને પત્રકાર પરિષદ પૂરી કરી ગોહિલ ખુરશી પરથી ઊભો થયો. સર… છેલ્લો સવાલ… આ કાંડમાં આરે હૉસ્પિટલની કોઈ ભૂમિકા?’
`ડૉક્ટર્સ યુનિયને અલ્ટિમેટમ આપ્યું… હવે સરકાર અમને તપાસમાંથી ખસેડી દે એવું તમે ઇચ્છો છો?’ કહીને ગોહિલની ટીમે ચાલવા માંડ્યું.
×××

કાળેને પાછો શા માટે બોલાવી લીધો? મને તો લાગ્યું કે આજે તું ડૉક્ટર પાઠકને અંદર બેસાડી જ દેશે!’ સિનિયર ઈન્સ્પેક્ટર અશોક ગાયકવાડને ગોહિલના નિર્ણયથી આશ્ચર્ય થયું. ડીસીપી સરનો ફોન હતો… ટીમને પાછી બોલાવી લેવાનો આદેશ આપ્યો છે!’ ગોહિલે સ્પષ્ટતા કરી.
`ડીસીપી… એમને ડૉક્ટરોથી આટલી સહાનુભૂતિ શા માટે છે!’ ગાયકવાડે શંકાસ્પદ પ્રશ્ન કર્યો.

વારંવાર કૉલ કરવા છતાં ડૉ. આયુષ પાઠક કૉલ રિસીવ કરતા નહોતા. પરિણામે ગોહિલે સબ-ઈન્સ્પેક્ટર વિજય કાળેને ટીમ સાથે ડૉ. પાઠકની કાંદિવલીની લૅબોરેટરીમાં મોકલ્યો હતો. કાળે ડૉ. પાઠકને કસ્ટડીમાં લે તે પહેલાં ડીસીપી સુનીલ જોશીએ ગોહિલને ફોન કરી ટીમને પાછી બોલાવી લેવાનો આદેશ આપ્યો હતો.

સરનું કહેવું છે કે પોલીસ આ રીતે કસ્ટડીમાં લેશે તો ડૉક્ટરની છબિ ખરડાશે… અને પછી મજબૂત પુરાવા નહીં હોય તો પોલીસ પર પસ્તાળ પડશે!’ ગોહિલે મોં બગાડતાં કહ્યું. ડૉક્ટરની આબરૂનો વિચાર કરીશું તો તપાસ આગળ કઈ રીતે વધશે?’ ગાયકવાડના શબ્દોમાં પણ રોષ હતો.

સરનું કહેવું છે કે કાલે તેમની સાથે ડૉ. પાઠક આવશે… પછી જે પૂછપરછ કરવી હોય એ કરીશું.’ ગોહિલે કહ્યું. ઠીક છેને… અત્યારે રાતે ક્યાં એને પોલીસ સ્ટેશનમાં રાખી શકવાના હતા. ઘરે જઈને આરામથી સૂઈ જા… કાલે આ ડૉક્ટરનું ઑપરેશન કરીશું!’ ગાયકવાડે મજાકમાં કહ્યું.

ઊંઘ ક્યાં આવવાની છે… સર, આ લોકોએ મારી ઊંઘ ઉડાડી દીધી છે!’ પછી ગોહિલે કહ્યું:હું ડૉક્ટર મંદિરા વિશે વિચારતો હતો. એ સર્જ્યન નથી તો શોએબને સારવાર દરમિયાન પતાવી દીધો હોત, એવી ચીમકી તેણે કયા હેતુથી ઉચ્ચારી હતી!’

એ તો થોડી ચીડિયા સ્વભાવની છે… એટલે ગુસ્સામાં બોલી હશે!’ ગાયકવાડે સહજતાથી કહ્યું. કેમ… તને એના પર કોઈ શંકા છે? એની હિલચાલ પર નજર રાખવામાં આવી હતીને… કંઈ જાણવા મળ્યું?’ ગાયકવાડે જ પૂછ્યું.

એ તો કઈ રીતે મળે? ડૉક્ટર હિરેમઠે કહ્યુંને કે તેમને બધી ખબર છે… લેડી ઑફિસર ડૉક્ટર મંદિરાનો પીછો કરે છે એનીય જાણ છે!’ ગોહિલે ઉમેર્યું:નજર રાખવામાં આવતી હોવાની જાણ થાય પછી બધા સીધા જ ચાલેને!’

બીજી કોન્સ્ટેબલને એની પાછળ લગાવી દે, જેને ડૉક્ટર મંદિરા ન ઓળખતી હોય… પણ તું શંકા શા માટે કરે છે?’ ગાયકવાડે પૂછ્યું. હું વિચારતો હતો કે મંજરી-અંજુનાં શરીરમાંથી અવયવ કાઢવાનું કામ આરે હૉસ્પિટલમાં થયું હશે?’

ગોહિલે કહેતાં જ આંચકો લાગ્યો હોય તેમ ગાયકવાડ તેની સામે જોઈ રહ્યા. એ જ વખતે ગોહિલના મોબાઈલ પર એપીઆઈ સુધીર સાવંતનો કૉલ આવ્યો.

બોલ… સાવંત.’ ગોહિલે કહ્યું. સર… જૉની મળી ગયો!’ સાવંતે જણાવ્યું.
`ક્યાં છે?’

કાંદિવલીની હૉસ્પિટલમાં એડ્મિટ છે!' કેમ? શું થયું?’
`તેને પણ કારે કચડ્યો હતો!’ (ક્રમશ:)

આ પણ વાંચો…પ્લૉટ-16 – પ્રકરણ-40 ભાયંદરની ખાડીમાં શું ફેંક્યું?

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button