પ્લૉટ-16 - પ્રકરણ-40 ભાયંદરની ખાડીમાં શું ફેંક્યું?
નવલકથા

પ્લૉટ-16 – પ્રકરણ-40 ભાયંદરની ખાડીમાં શું ફેંક્યું?

યોગેશ સી. પટેલ

ડૉક્ટર પાઠકનું શું થયું? ક્યારે આવશે?’ ગોહિલે ઉતાવળે પૂછ્યું. સર, એ કૉલ રિસીવ નથી કરતા… ક્યારનો ટ્રાય કરું છું!’ એપીઆઈ સુધીર સાવંતે કહ્યું.
`અને પેલો ટેક્નિશિયન… વિરાજ મોરે?’

એને રાજપૂત લાવે છે… રસ્તામાં જ છે. એનો કૉલ આવ્યો હતો!’ ઈન્સ્પેક્ટર રવિ કદમે કહ્યું. એક કામ કરો… ડૉ. પાઠકનો સંપર્ક નથી થતો તો કાળેને કાંદિવલી મોકલો!’
ઓકે, પણ કાળેને મોકલવાનો ડૉક્ટરો ખોટો અર્થ ન કાઢે!’ તો બીજો કોઈ રસ્તો છે… એને ભરડામાં તો લેવો જ છે!’ ગોહિલે કહ્યું.

ડૉ. આયુષ પાઠકની લૅબ કાંદિવલીમાં હોવાથી ગોહિલે કાળેને ત્યાં મોકલવાનો આદેશ આપ્યો. ડૉ. પાઠકની લૅબમાં જ કામ કરનારા ટેક્નિશિયન મોરેના નામ પર એમ્બ્યુલન્સ રજિસ્ટર્ડ હતી, જે ડ્રગ્સની હેરફેરમાં વપરાઈ હતી. ગોહિલના આદેશથી ડૉ. પાઠકની જાણબહાર રાજપૂતે મોરેને તાબામાં લઈને તેનો મોબાઈલ સ્વિચ ઑફ્ફ કરી નાખ્યો હતો, જેથી મોરે કોઈનો સંપર્ક સાધી ન શકે.

સર… મને લાગે છે કે શોએબ હજુ પણ કંઈ છુપાવે છે!’ સબ-ઈન્સ્પેક્ટર દત્તા બંડગરે કહ્યું. કેમ એવું લાગે છે?’

જૉનીના મેં છ મહિના પહેલાંના કૉલ રેકોર્ડ તપાસ્યા… છ મહિના પહેલાં તેની ચકાલામાં રેગ્યુલર આવ-જા હતી!’ બંડગરે વધુમાં કહ્યું:જૉની અને સલ્લુ અનેક વાર ચકાલાના એક જ લૉકેશન પર જતા હતા તો શોએબ જૉનીને ન ઓળખતો હોય એવું કેમ બને?’

`એનું શું કહેવું છે?’ ગોહિલે પૂછ્યું.

`શોએબ કહે છે કે તે ક્યારેય જૉની-બૉનીને મળ્યો નથી કે તેમની સાથે વાત કરી નથી, પણ હા… બન્નેને ગાંડાની જેમ જંગલમાં ફરતા જોયા છે!’ બંડગરે કહ્યું.

`મને તો હજુ સમજાતું નથી કે જૉની-બૉની ગાંડા હોવાનો ઢોંગ કરીને જંગલમાં શા માટે રખડતા હતા?’ કદમ બોલ્યો.

બન્ને આ સ્કૅન્ડલમાં સંડોવાયેલા હશે… એટલે જ તો વારંવાર યુનિટ સોળ આસપાસ આંટા મારતા દેખાયા હતા!’ ગોહિલે ઉમેર્યું:અત્યારે બન્ને ગુમ છે અને જૉનીનો મોબાઈલ ઑન છે… આ બધું શંકાસ્પદ તો છે જ!’
`તારી સ્ટાઈલમાં થોડી પૂછપરછ કરી જો!’ ગોહિલે બંડગરને કહ્યું.

સાલાને ઘણો ફટકાર્યો, પણ જૉની સાથેના કોઈ કનેક્શનની જાણકારી આપતો નથી!’ બંડગરે મુઠ્ઠી વાળતાં કહ્યું. તારી તાકાત કમ થઈ ગઈ લાગે છે!’ ગોહિલે સ્માઈલ આપતાં કહ્યું.

ચર્ચા આગળ વધે એ પહેલાં આરે પોલીસ સ્ટેશનનો ઈન્સ્પેક્ટર રાજીવ કામત ગોહિલની કૅબિનમાં પ્રવેશ્યો.
આવો… કામતસાહેબ!’ ગોહિલે સાહેબ કહેતાં કામત હબક ખાઈ ગયો. તે ગોહિલ અને કદમનાં મોઢાં જોવા લાગ્યો. ટેન્શન ન લે, કામત… અમે મજાક કરીએ છીએ! બોલ, હવે નવું શું જાણવા મળ્યું?’ ગોહિલે પૂછ્યું.

સર… ગુજરાત પોલીસનું કહેવું છે કે આપણે જે એમ્બ્યુલન્સને શોધીએ છીએ એ તેમના રાજ્યમાં પ્રવેશી જ નથી!’ વ્હૉટ?’

`હા… સર. ગુજરાત પોલીસે વલસાડ જિલ્લામાં બગવાડા પાસેના ટૉલ નાકા પર લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસ્યાં. આપણે આપેલા રજિસ્ટે્રશનના નંબરવાળી કે એનાથી મેળ ખાતી કોઈ એમ્બ્યુલન્સ ફૂટેજમાં દેખાતી નથી!’ કામતે માહિતી આપી.

પણ શોએબ તો કહેતો હતો કે એમ્બ્યુલન્સ ગુજરાત મોકલી દેવાઈ છે!’ ગોહિલ કંઈ વિચારતો હતો. મહારાષ્ટ્ર પોલીસ સાથે મળીને ગુજરાત પોલીસે ચારોટી ટૉલ નાકા અને ભિલાડ ચૅકપોસ્ટ ખાતેના કૅમેરાના પણ તપાસ્યા, પરંતુ એમાંય એમ્બ્યુલન્સ નજરે ન પડી!’

કામતે કહ્યું: એનો મતલબ, સર… એમ્બ્યુલન્સ મહારાષ્ટ્ર બહાર ગઈ જ નથી!’ વિચાર કરીને ગોહિલ બોલ્યો:બંડગર, લાગે છે… આ શોએબ કંઈક નહીં, ઘણું છુપાવે છે. હવે તેનું મોં ખોલાવવું જ પડશે!’

પછી તેણે આદેશ આપ્યો: `એ હરામખોરની ચામડી ઊતરડી નાખો અને એને પૂછો… આખરે એમ્બ્યુલન્સ ગઈ ક્યાં?’


સિનિયર ઈન્સ્પેક્ટર અશોક ગાયકવાડ સાથે ચર્ચા કરવા ગોહિલ પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડ ફ્લોર પર આવ્યો. ગાયકવાડની કૅબિનને દરવાજે હજુ ગોહિલ પહોંચ્યો જ કે ડૉ. મૃત્યુંજય હિરેમઠ આવ્યા. ગોહિલને ડૉ. પાઠકની આવવાની અપેક્ષા હતી, પણ ડૉ. હિરેમઠ અણધાર્યા જ આવી પહોંચ્યા હતા. ઉપરથી તેમના ચહેરા પર ગુસ્સો દેખાતો હતો.

આવો, ડૉક્ટરસાહેબ… આમ અચાનક!’ ગોહિલે સભ્યતાથી આવકાર આપ્યો. તમે નક્કી કર્યું છે કે ડૉક્ટરોને ત્રાસ આપીને જેલમાં નાખવા છે?’ ડૉ હિરેમઠનો ગુસ્સો શબ્દોમાં વર્તાતો હતો. વાત કરતાં બન્ને ગાયકવાડની કૅબિનમાં પ્રવેશ્યા.

ડૉક્ટરસાહેબ, કેમ લાલચોળ થયા છો?’ ગાયકવાડે ડૉ. હિરેમઠને છંછેડ્યા. અમે યુનિયનમાં ફરિયાદ કરી તો હવે તમે ડૉક્ટર પાઠક પર નિશાન તાક્યું?’
ડૉ. હિરેમઠે કહ્યું: `તમે ડૉક્ટર પાઠકને વારંવાર કૉલ કરી રહ્યા છો… એનો મતલબ શું છે?’

`ડૉક્ટરસાહેબ… અમે વારંવાર ફોન કરી રહ્યા છીએ એની જાણ ડૉક્ટર પાઠકને છે, પણ તે કૉલ રિસીવ કરવાની તસ્દી નથી લેતા એનું શું કારણ છે… એ પણ તો જણાવો?’ ગોહિલે વળતો પ્રહાર કર્યો એટલે ડૉ. હિરેમઠ ગેંગેંફેફે થઈ ગયા.

જુઓ, એ પ્રતિષ્ઠિત ડૉક્ટર છે… કોઈ કામ કે પેશન્ટમાં બિઝી હોઈ શકે!’ ડૉ. હિરેમઠે ઉડાઉ જવાબ આપ્યો. બિઝી હોવા છતાં તમને ફરિયાદ કરવાનો સમય છે?’ ગોહિલે દુખતી રગ દાબી.

હું… હું… કહું છું કે તમારી પાસે શું… શું… સબૂત છે કે તમે તેમની પાછળ પડ્યા છો?’ ડૉ. હિરેમઠને શું દલીલ કરવી એ જ સૂઝતું નહોતું. પુરાવા છે એટલે જ તો તેમને લેવા અમારે ખાસ ટીમ મોકલવી પડે છે!’ ગોહિલે રહસ્યસ્ફોટ કર્યો.

એટલે?’ ડૉક્ટર પાઠક કૉલ રિસીવ નથી કરતા એટલે મારે સબ-ઈન્સ્પેક્ટર વિજય કાળેને ટીમ સાથે મોકલવો પડ્યો… તેમને પ્રેમથી લઈ આવવા!’
`શું?’

હા… તો એ કૉલ રિસીવ નથી કરતા અને અત્યારના તબક્કે તેમની પૂછપરછ જરૂરી છે!’ ગોહિલે સભ્યતા છોડી સીધો હલ્લાબોલ કર્યો. ઑફિસર, તમે ડૉક્ટરોની સાથે અપરાધી જેવું વર્તન કરો છો!’
`બિલકુલ નહીં… અમે અમારું કામ કરીએ છીએ!’ ગોહિલે જાણે બાથ ભીડી.

`…પણ ડૉક્ટર પાઠક સાથે અમે થોડી પૂછપરછ કરીએ તો એમાં તમે શા માટે ઊંચાનીચા થાઓ છો?’ ગાયકવાડે પણ કડક વલણ અપનાવ્યું.

ઊંચાનીચાનો સવાલ નથી, પણ અમે કંઈ કર્યું જ નથી તો શા માટે ત્રાસ આપવામાં આવે છે?’ તમે કંઈ કર્યું નથી તો શા માટે ઉશ્કેરાઈ રહ્યા છો? આમ ડરવાની જરૂર નથી…’ ગાયકવાડે સમજાવ્યું.
`તો શું બૉડીગાર્ડ તરીકે અમારી પાછળ તમારા માણસો લગાડી રાખ્યા છે?’

શ્વાસ ચઢ્યો છતાં ડૉ. હિરેમઠનું બોલવાનું ચાલુ હતું: `મને ખબર છે… બે કોન્સ્ટેબલ સતત અમારી હૉસ્પિટલ પર નજર રાખી રહ્યા છે અને… એક મહિલા અધિકારી ડૉ. મંદિરાનો પીછો કરે છે. તેમની દરેક હિલચાલ પર નજર રાખવામાં આવે છે!’

`સારું થયું તમે યાદ અપાવ્યું… ડૉક્ટર મંદિરાને સાથે ન લાવ્યાં… ક્યાં ગયાં એ?’

ગોહિલે ટોણો માર્યો: `એ તો સારવાર દરમિયાન દરદીને પતાવી નાખવાની ક્ષમતા ધરાવે છે!’


સર… રાજપૂતસાહેબ પેલા ટેક્નિશિયન… મોરેને લઈ આવ્યા છે!’ ડૉ. હિરેમઠના ગયા પછી ગોહિલ ગાયકવાડ સાથે કેસ સંબંધી ચર્ચા કરતો હતો, પણ વચ્ચે જ કોન્સ્ટેબલ નામદેવ દળવી સંદેશો લાવ્યો. તેને ડિટેક્શન રૂમમાં રાખો અને થોડો મેથીપાક ચખાડો… હું આવું છું!’ ગોહિલે આદેશ આપ્યો.

ચ્યા માયલા… હાડ ચી કાડ આણિ…’ દળવી કંઈ બોલવા જતો હતો, પણ ગાયકવાડે તેને રોક્યો. ગાયકવાડ જાણતો હતો કે દળવીનું આગળનું વાક્ય અભદ્ર હતું. શું થયું?’ ગોહિલે આશ્ચર્યથી પૂછ્યું.
`કાંઈ નહીં… મોરે સુકલકડી હોવાનું એ કહે છે!’ ગાયકવાડે કહ્યું.

હા… એને મારવા જેવો નથી… બે હાથમાં જ મરી જાય એવો છે!’ જાડી મૂછ પંપાળતાં દળવી બોલ્યો. ઠીક છે… ચાલ. હું જ આવું છું.’ કહીને ગોહિલ ખુરશીમાંથી ઊભો થયો તો ગાયકવાડે પણ તેની પાછળ ચાલવા માંડ્યું.

આ બકરાને હલાલ કરવા લાવ્યો છે?’ ડિટેક્શન રૂમમાં ઊભેલો મોરે સાંભળે તેમ ગાયકવાડે ટિપ્પણી કરી. શિંદે… સંભાળીને! મરવો ન જોઈએ!’ ગાયકવાડે જાણીજોઈને જોરથી કહ્યું, પણ શિંદેનાં ફુલાયેલાં બાવડાં અને કરડાકીભર્યા ચહેરાને જોઈ મોરે ખરેખર ધૂજવા લાગ્યો હતો.

ડરવાની જરૂર નથી… અમારા સવાલના સાચા જવાબ આપશે તો તને કંઈ નહીં થાય!’ ગાયકવાડે મોરેને સમજાવ્યો. મેં શું કર્યું છે, સાહેબ!’ મોરે ધ્રૂજતાં હોઠે બોલ્યો.
અમે આ એમ્બ્યુલન્સ શોધી રહ્યા છીએ, જે તારા નામ પર રજિસ્ટર્ડ છે.’ ગોહિલે મોબાઈલમાં તસવીર દેખાડતાં કહ્યું. સર… આ તો અમારી લૅબની એમ્બ્યુલન્સ છે!’ મોરેએ તસવીરમાંની એમ્બ્યુલન્સ ઓળખી કાઢી.

હા, પણ એ અત્યારે ક્યાં છે?’ મને નથી ખબર… ડૉક્ટરસાહેબ બહારનાં કામો માટે પણ એમ્બ્યુલન્સ મોકલતા હતા!’ મોરેએ માહિતી આપી.
`બહારનાં કામ… એટલે?’ ગાયકવાડે પૂછ્યું.

બીજી કોઈ હૉસ્પિટલ કે પેશન્ટ માટે જોઈએ તો સેવાભાવે આપતા!’ એમ્બ્યુલન્સનો ડ્રાઈવર કોણ છે?’

`પગાર પર કોઈને રાખ્યો નથી… જરૂર પ્રમાણે દિવસનું મહેનતાણું આપી ડ્રાઈવર બોલાવી લેતા… એવા ઘણા ડ્રાઈવર છે, જેમની પાસે કામ નથી.’ મોરેએ જણાવ્યું.

…પણ આ એમ્બ્યુલન્સ તેં શા માટે ખરીદી?’ ગોહિલનો પ્રશ્ન. મેં નથી ખરીદી…’
`તો?’

`ડૉક્ટર પાઠકે ખરીદીને મારા નામે રજિસ્ટે્રશન કરાવ્યું હતું! ટૅક્સના કોઈ ચક્કરને કારણે આવું કર્યું હોવાનું તેમણે કહ્યું હતું.’

મોરેની વધુ પૂછપરછ કરવાની જરૂર ન લાગી, કારણ કે એપીઆઈ શિંદેએ શોએબનું મોં ખોલાવી દીધું હતું.

સર… શોએબ કહે છે કે એમ્બ્યુલન્સ લઈને ઝમીલ ગુજરાત ગયો હતો!’ શિંદેએ કહ્યું. આ ઝમીલને અત્યારે ક્યાં રાખ્યો છે?’ ગોહિલે ગુસ્સામાં પૂછ્યું.
`સર, એ લૉકઅપમાં છે!’

અધિકારીઓનું ટોળું લૉકઅપમાં ગયું. બધાને એકસાથે જોઈ ઝમીલ સમજી ગયો કે તેનો ખરાબ સમય આવ્યો છે.
`શું થયું, સર!’ ઝમીલ ધીમા અવાજે બોલ્યો.
કોઈ પ્રશ્ન પૂછ્યા વિના જ શિંદે અને બંડગરે ઝમીલની ધુલાઈ શરૂ કરી દીધી. માર ખાઈને ઢીલો પડેલો ઝમીલ હાંફવા લાગ્યો.

મારો છો શું કામ?’ તે બોલ્યો. પૂરી માહિતી એકસાથે આપી નથી શકતો?’ ગોહિલે કહ્યું.

કઈ માહિતી?’ એમ્બ્યુલન્સ લઈને તું ગુજરાત જવાનો હતો… તો પછી ગુજરાત ગયો કેમ નહીં?’
`હું ગુજરાત જવાનો જ નહોતો!’ ઝમીલે કહ્યું.

તો… શોએબ ખોટું બોલે છે?’ શિંદેએ ઝમીલના શર્ટનો કૉલર પકડ્યો. ના… એને ખોટું કહેવામાં આવ્યું હતું.’ મારની પીડાથી કણસતા ઝમીલે રહસ્ય ખોલ્યું.
`એટલે?’ ગોહિલને આશ્ચર્ય થયું.

ડૉક્ટર પાઠકનો આદેશ હતો કે એમ્બ્યુલન્સને ઠેકાણે લગાવી દેવી!’ ઝમીલે કહ્યું. અત્યારે ક્યાં છે એમ્બ્યુલન્સ?’
`ભાયંદરની ખાડીમાં!’ (ક્રમશ:)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button