પ્લોટ-16 -પ્રકરણ-4 | મુંબઈ સમાચાર
નવલકથા

પ્લોટ-16 -પ્રકરણ-4

  • યોગેશ સી પટેલ

ડીસીપી સુનીલ જોશીના આદેશથી ઈન્સ્પેક્ટર ચંદ્રેશ ગોહિલે તપાસનાં સૂત્રો સંભાળી લીધાં હતાં. ગોહિલના નેતૃત્વ હેઠળની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)માં તેના અંધેરી ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ સાથે જરૂર પ્રમાણે આરે પોલીસ સ્ટેશનના અધિકારીઓને પણ સમાવી લેવાની સૂચના ડીસીપીએ આપી હતી. આ ટીમને આરે પોલીસ સ્ટેશનના પહેલા માળે કામચલાઉ ધોરણે ઑફિસ ફાળવવામાં આવી હતી.

આરે પોલીસ સ્ટેશનમાંની કૅબિનમાં બેસીને ગોહિલ હેલિકૉપ્ટર દુર્ઘટના સંબંધી દસ્તાવેજો ચકાસી રહ્યો હતો. તપાસમાં સામેલ આખી ટીમને તેણે ચર્ચા માટે બોલાવી હતી, પરંતુ હજુ બધા હાજર નહોતા એટલે તે દસ્તાવેજોની ફાઈલ પર નજર ફેરવી રહ્યો હતો.

થોડી મિનિટમાં કૅબિનના બારણે ટકોરા મારી સબ-ઈન્સ્પેક્ટર દત્તા બંડગર પ્રવેશ્યો. તેની પાછળ કોન્સ્ટેબલ નામદેવ દળવી પણ આવ્યો. આરે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બંડગર અને દળવીને તપાસમાં સાથે લેવાની ભલામણ સિનિયર ઈન્સ્પેક્ટર અશોક ગાયકવાડે કરી હતી.

‘સૌપ્રથમ આ ફાઈલ પર દરેક જણ નજર ફેરવી લેજો…’ દસ્તાવેજોની ફાઈલ ટેબલ પર મૂકી અધિકારીઓ સામે સરકાવતાં ગોહિલે ચર્ચાની શરૂઆત કરી.
‘અત્યાર સુધીના નિરીક્ષણ પરથી લાગે છે, આ ઘણો સંવેદનશીલ કેસ છે.’
ગોહિલે ઘટનાની ગંભીરતાને જાણે માપી લીધી હતી: ‘આપણે અલગ અલગ ટીમ બનાવીને વિવિધ મુદ્દાઓ પર કામ કરવું પડશે.’

કૅબિનમાં હાજર અધિકારીઓ ચૂપચાપ સૂચના સાંભળી રહ્યા હતા એટલે ગોહિલે જ વાત આગળ વધારી.
‘કદમ… હેલિકૉપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થવા પાછળનાં કારણ સહિત ઘટનાની બધી વિગતો તું મેળવ અને રાજપૂતને તારી સાથે રાખજે.’
ગોહિલની સૂચનાના જવાબમાં કદમે માત્ર ‘ઓકે’ કહ્યું.

ઈન્સ્પેક્ટર રવિ કદમ અને સબ-ઈન્સ્પેક્ટર કપિલ રાજપૂત પરથી નજર ફેરવીને ગોહિલે આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર (એપીઆઈ) સુધીર સાવંત પર ઠેરવી: ‘સાવંત, આરેના દરેક પાડાના મુખિયાઓનો સંપર્ક સાધ અને છોકરીની ઓળખ મેળવવાના પ્રયાસ કર…’

સાવંતને આદેશ આપીને ગોહિલે આ કામમાં કોન્સ્ટેબલ દળવીની મદદ લેવાનું કહ્યું. દળવી છેલ્લાં પાંચેક વર્ષથી આરે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો. તે પાડાના મુખિયાઓને ઓળખતો હતો અને તેમની સાથે સમન્વય સાધવામાં પાવરધો હતો. પાડાના રહેવાસીઓ-આદિવાસીઓ જંગલને પોતાનું ઘર અને બહારથી આવેલા લોકોને ઘૂસણખોર સમજતા એટલે પોલીસને પણ ગણકારતા નહીં. તેમની સાથે શાંતિથી કુનેહપૂર્વક વાત કરવી પડતી.

‘બંડગર… તું પવનહંસથી હેલિકૉપ્ટરમાં મુંબઈ દર્શન માટે નીકળેલા દંપતીની પૂરેપૂરી વિગતો પ્રાપ્ત કર અને તેમના પરિવારની પણ માહિતી મેળવ.’ સબ-ઈન્સ્પેક્ટર બંડગર તરફ જોતાં ગોહિલે કહ્યું. પછી બધા પર નજર ફેરવી અમસ્તા પૂછ્યું: ‘કોઈને કંઈ પૂછવું છે?’

બધા ના પાડીને ખુરશી પરથી ઊભા થયા. કૅબિન બહાર જવા ગોહિલની પરવાનગી લે તે પહેલાં દળવીએ વેધક સવાલ કર્યો.

‘સર, બૉડી સીવેલી છે એમ તમે કહ્યું… શબ સીવવા પાછળનું કારણ શું હોઈ શકે?’
ગોહિલ સહિત બધા આ પ્રશ્નથી ડઘાઈ ગયા હોય તેમ દળવીને જોઈ રહ્યા.
‘પોસ્ટમોર્ટમનો ડિટેઈલ રિપોર્ટ આવવા દે… પછી જોઈએ. પણ… તને આવો સવાલ કેમ થયો?’
‘કાંઈ નહીં, સર. એક વિચાર આવ્યો…’
મનની વાત હોઠ પર લાવવી કે નહીં તેની અવઢવમાં પડ્યો દળવી. ક્ષણેક માટે ઑફિસમાં સોપો પડ્યો. આખરે દળવીએ જાણે ધડાકો કર્યો: ‘સર… આ જંગલમાં બ્લૅક મૅજિક કરનારાઓની કમી નથી!’


‘સર… આ મહિને સ્પેશિયલ ગિફ્ટ આપવાનો તમે વાયદો કર્યો હતો!’ આકૃતિ બંગારાના અવાજમાં ગુસ્સો ઓછો અને માદકતા સાથે વિનંતિ વધુ હતી.
‘જાન… મેં ક્યાં ના પાડી છે, પણ જરા સબર રાખતાં શીખ!’ ડૉ. વિશ્ર્વાસ ભંડારી આકૃતિને મનાવવાના પ્રયાસ કરતા હતા.

ચૅરિટેબલ ટ્રસ્ટની ઑફિસેથી ડૉ. ભંડારી ઘરે જવા નીકળ્યા હતા. કાર ડ્રાઈવ કરતા હતા ત્યારે તેમના મોબાઈલની રિંગ વાગી. મોબાઈલના સ્ક્રીન પર આકૃતિનું નામ જોઈ તેમના ચહેરા પર લાલી આવી ગઈ.

પવઈની પૉશ સોસાયટીમાં રહેતા ડૉ. ભંડારી 48 વર્ષે પણ રંગીલો મિજાજ ધરાવતા હતા. ચુસ્ત શારીરિક બાંધા અને સ્ટાઈલિશ કપડાંને કારણે તે ઉંમર કરતાં નાના દેખાતા હતા, જેનો ફાયદો તે મહિલાઓને આકર્ષવામાં લેતા. રોજ સવારે યોગાસન કરવાનો તેમનો નિયમ.

પરિણીત આકૃતિને કૃપાએ નોકરી અપાવવામાં મદદ કરી હતી. ભંડારીના ટ્રસ્ટની ઑફિસ અને હૉસ્પિટલ એમ બન્ને સ્થળે તે કામ કરતી. હંમેશાં સાડી પહેરનારી આકૃતિ ભાગ્યે જ ડ્રેસ પહેરતી. સપ્રમાણ કાયાને કારણે તે સાડીમાં પણ કામણગારી દેખાતી.
‘આજે તમે હૉસ્પિટલે ન આવ્યા? ડૉક્ટર પાઠક તમને મળવા આવ્યા હતા.’ આકૃતિએ મેસેજ પહોંચતો કર્યો.

‘હાં… હું એમને જાણ કરવાનો ભૂલી ગયો હતો કે આજે હૉસ્પિટલે નહીં આવું.’ ડૉ. ભંડારીએ કહ્યું: ‘મેડિકલ કૅમ્પ વિશે ચર્ચા કરવા આવ્યા હશે… ઍની વે, હું તેમને ફોન કરી દઈશ.’

‘ઓકે… કાલે મળીશું, સર?’
‘આ હેલિકૉપ્ટર દુર્ઘટનાને કારણે મેડિકલ કૅમ્પ કૅન્સલ થયો એની ગરબડમાં છીએ અમે, સ્વીટહાર્ટ! હમણાં ઘણી મથામણ ચાલે છે… પછી શાંતિથી મળીએ!’
‘ઠીક છે’ કહીને કૉલ કટ કર્યા પછી આકૃતિ વિચારમાં પડી: ‘મેડિકલ કૅમ્પ રદ થયો એમાં આ ડૉક્ટરો આટલા ટેન્શનમાં કેમ જણાય છે?’


‘આ હૉસ્પિટલ છે કે ભૂતિયા મકાન… એની અવસ્થા તો મડદાઘર જેવી થઈ ગઈ છે!’
આરે હૉસ્પિટલ પાસેથી પસાર થતી વખતે ગોહિલના મોંમાંથી શબ્દો સરી પડ્યા. સ્થાનિક રહેવાસીઓ અને રાહદારીઓને પ્રાથમિક સારવાર મળી રહે તે માટે પચાસેક વર્ષ પહેલાં બેઠા ઘાટના મકાનમાં નાની હૉસ્પિટલ શરૂ કરવામાં આવી હતી. સરકારની અણઆવડતને કારણે વરસોથી સમારકામ વિનાનું મકાન જર્જરિત દેખાવા લાગ્યું હતું.

રાતે ઘરે જતાં પહેલાં ગોહિલને યુનિટ-16 ફરતે રાઉન્ડ મારવાનું મન થયું. એપીઆઈ શિંદે અને દળવી સાથે તે બોલેરોમાં નીકળ્યો હતો. છોકરીની ઓળખ માટે સાવંત સાથે અમુક પાડાના મુખિયાઓને મળીને દળવી ફરી પોલીસ સ્ટેશને આવ્યો હતો, જ્યારે સાવંત કામસર અંધેરી યુનિટની ઑફિસે ગયો હતો. બોલેરો કોંકણ વિકાસ મહામંડળ માર્ગ પર જઈ રહી હતી ત્યારે ગોહિલની નજર આરે હૉસ્પિટલ પર પડી હતી.

‘સર, સરકારી ખાતું છે… ફરિયાદો ક્યારેય આસાનીથી કાને ધરાઈ છે?’ દળવીએ મંદ હાસ્ય સાથે કહ્યું: ‘જોકે ઈમર્જન્સી વખતે તે ઘણી કામ આવે છે અને ડૉક્ટર હિરેમઠ પણ કો-ઑપરેટિવ છે.’

‘ડૉક્ટર હિરેમઠ?’
‘હા… આ હૉસ્પિટલના મુખ્ય ડૉક્ટર છે અને સિનિયર પણ છે.’
‘મને લાગે છે… પછી ક્યારેક તેમને મળવું પડશે!’ ગોહિલની નજર હૉસ્પિટલ તરફ હતી.
‘દળવીનું કહેવું બરાબર છે, સર. રસ્તા પહોળા થયા પછી કૉન્ક્રીટના બની રહ્યા છે એટલે સારું છે.’

બોલેરો ચલાવતાં કોન્સ્ટેબલ માનેએ દળવીની વાતમાં ટાપસી પુરાવી: ‘પહેલાં સાંકડા અને ખાડાવાળા રસ્તા પર અકસ્માતની ઘટનાઓ નિયમિત રીતે બનતી હતી. એ સમયે અનેકના જીવ બચાવ્યા છે આ હૉસ્પિટલે.’

માનેની બાજુની જ સીટ પર ગોહિલ બેઠો હતો. માનેના સ્પષ્ટ ઉચ્ચારથી ગોહિલ જાણી ગયો કે તેના મોંમાં તમાકુ નથી!
‘આમ મોઢું સાફ રાખતો હોય તો?’ ગોહિલે ટોણો માર્યો.
ભોંઠપ અનુભવનારા માનેએ ગોહિલ તરફ જોવાનું પણ ટાળ્યું.
‘આરેના રસ્તા વિશે ઘણું જાણે છે… શું વાત છે.’ ગોહિલે માનેનું મન હળવું કરવા તરત પૂછ્યું: ‘તારી પણ અહીં ડ્યૂટી હતી?’

‘હાં… સર! બાર-તેર વર્ષ પહેલાં મારી પોસ્ટિંગ આરે પોલીસ સ્ટેશનમાં હતી, પણ દોઢ વર્ષમાં જ બદલી થઈ ગઈ હતી.’
માનેએ ઉત્સાહમાં આવી માહિતી આપી: ‘તે સમયે મુખ્ય રસ્તાની હાલત બિસમાર હતી અને આ અંદરના નાના માર્ગો વિશે તો પૂછવું જ શું…’
‘…તે સમયે આ જંગલમાં રહેનારા લોકોની વસતિ ઓછી હતી. હવે લોકસંખ્યામાં ખાસ્સો વધારો થઈ રહ્યો છે!’
બોલેરોની પાછલી સીટ પર બેસેલા દળવીએ માનેની વાતનું અનુસંધાન સાધ્યું.

‘લોકસંખ્યા વધી, પણ અંતરિયાળ માર્ગો તો સૂમસામ જ છે…’ ગોહિલે વાહનની અંદરના રિઅરવ્યૂ મિરરમાં દળવીને જોતાં કહ્યું.
‘યુનિટ સોળમાં ઘણો મોટો પરિસર આવે છે, સર… આ એક જ યુનિટ છે, જે મુખ્ય રસ્તાની બન્ને બાજુના પરિસરને આવરી લે છે. સામેની તરફ બીએમસીની સ્કૂલ છે તો આ તરફ ન્યૂ ઝીલૅન્ડ હોસ્ટેલ.’

દળવી વાહનની બહાર હાથનો ઇશારો કરી જાણે આરેની ભૂગોળ સમજાવતો હતો: ‘આ તરફનો મોટા ભાગનો પરિસર નિર્જન હોય છે અને હેલિકૉપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું એ સમગ્ર વિસ્તાર ગીચ જંગલ છે.’

બોલેરો હવે શનિધામ પાસે પહોંચી હતી. શનિધામને ચાર બાજુ લોખંડના એન્ગલ ઊભા કરીને ઉપર પતરાની શેડ ગોઠવી મંદિરનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું. કોઈ પાકું ચણતર કરાયું નહોતું. અંધારું ઘેરાવા લાગતાં વાહનમાં બેઠાં બેઠાં જ ભગવાનને નમન કરી ગોહિલે વાહન પાછું વાળવાનો આદેશ આપ્યો.

માનેએ બોલેરો વાળી ત્યાં થોડે જ દૂર બે હટ્ટાકટ્ટા માણસ દેખાયા. બન્ને જણ રસ્તા પર લથડિયાં ખાતાં ચાલતા હોવાનું લાગ્યું. માટીમાં રગદોળાયેલાં કપડાં… એમાં બન્નેના શર્ટ થોડા ફાટેલા હતા. એકબીજાને અથડાતા અને ક્યારેક કૂદકા મારતા બન્ને ચાલી રહ્યા હતા.

આશ્ચર્ય સાથે ગોહિલે પૂછ્યું: ‘દળવી… આટલા ભેંકાર માર્ગ પર આ બે કોણ છે, જે પોતાની મસ્તીમાં હોવાનું લાગે છે. નશો કરીને આવ્યા હશે.’
‘સર… એ બન્ને પાગલ છે! જૉની-બૉની નામ છે એમનાં.’ દળવીએ કહ્યું.
‘અંધારામાં પણ બિનધાસ્ત ચાલે છે… જંગલી પ્રાણીઓનો ડર નહીં લાગતો હોય?’ કસરતબાજ શિંદેને પ્રશ્ન થયો.

‘ઉપરથી અહીં દર દસમી વ્યક્તિએ એકના મોઢે ભૂત-પિશાચ, ડાકણ અને જાદુટોણાની વાતો સાંભળવા મળે છે!’ માનેએ જાણે શિંદેનું વાક્ય પૂરું કર્યું.
‘પાગલને સમજ શું પડતી હશે કે ડર લાગે… બન્ને મોટે ભાગે આ જ પરિસરમાં આંટા મારતાં નજરે પડે છે!’ દળવીએ કહ્યું: ‘આગળ યુનિટ સત્તર પાસેના ભાંગેલા-તૂટેલા અવાવરું તબેલામાં એ બન્ને પડી રહે છે. ત્યાં ઘણા તબેલા હવે ખંડિયેર હાલતમાં છે.’

બોલેરો ધીમે ધીમે જૉની-બૉની નજીક પહોંચી એટલે ગોહિલ વારંવાર ઉપરથી નીચે બન્નેનું નિરીક્ષણ કરી રહ્યો હતો. તેણે માનેને વાહન રોકવાનો ઇશારો કર્યો એટલે માનેએ બ્રેક મારી.
‘શું થયું, સર… બોલાવું એમને!’ દળવીએ કહ્યું.
હાથના ઇશારાથી દળવીને ના પાડી ગોહિલ આગળ જઈ રહેલા જૉની-બૉનીને ખાસ્સો સમય સુધી જોતો રહ્યો. એના મનમાં કયા વિચારો દોડી રહ્યા હતા એ કળવું મુશ્કેલ હતું.

ગોહિલ કોઈને ન સંભળાય એટલા ધીમા અવાજે બોલ્યો: ‘ગાંડા ગામ ગજવે એમ આ ગાંડા જંગલ ગજવવા નીકળ્યા છે?’ (ક્રમશ:)

આપણ વાંચો:  પ્લોટ-16- પ્રકરણ-3

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button