પ્લોટ – 16 – પ્રકરણ-39 લાશોં કે કાંડ મેં ડૉક્ટર સામિલ હોને કા શક હૈ!

લેકિન શોએબ ઔર ઝમીલ જૈસી છોટી મછલિયાં પકડને સે ક્યા હાસિલ હોગા… મગરમચ્છ પુલીસ કે હાથ નહીં લગનેવાલે!
યોગેશ સી પટેલ
મોડી રાતે ઘરે પહોંચેલી ગોહિલની ટીમ વહેલી સવારે પાછી આરેમાં હાજર હતી. જાણે જમવા અને નાહવા જ ઘરે ગઈ હતી. આવું સિનિયર ઈન્સ્પેક્ટર અશોક ગાયકવાડની ટીમનું પણ હતું. વિરોધી પક્ષ નેતા ગજાનન બાપટ આયોજિત કૅન્ડલ માર્ચ માટે વહેલી સવારથી જ લોકો ભેગા થવાના હતા.
સુરક્ષાનાં કારણોસર આરે તેમ જ આસપાસનાં પોલીસ સ્ટેશનોના અધિકારીઓ અને કોન્સ્ટેબલોને ગોઠવી દેવાયા હતા. વધારાના પોલીસ દળની પણ મદદ લેવાઈ હતી. ક્વિક રિસ્પોન્સ ટીમ (ક્યૂઆરટી) અને રાયટ્સ ક્ધટ્રોલ ફોર્સ (આરસીએફ)ના જવાનો ખડેપગે હતા. આરેના કાંડથી રોષે ભરાયેલા લોકોની ભીડનો લાભ ઉઠાવી ભાંગફોડિયા પ્રવૃત્તિના લોકો કોઈ કાવતરાને અંજામ ન આપે તે માટે પોલીસ અલર્ટ રહેવા માગતી હતી.
‘કૅન્ડલ માર્ચ તો રાતે કાઢવી જોઈએને?’ એક અધિકારીએ ટકોર કરી.
‘ભાઈ… આ જંગલ છે. ભૂત-પિશાચ તો ઠીક, જંગલી જનાવરો પણ ફરે છે… રાતે રૅલી કાઢવા જાય તો નેતાજીની રેવડી દાણાદાણ થઈ જાય!’ બીજા અધિકારીએ જવાબ આપ્યો.
વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેથી આરેના મુખ્ય માર્ગ પર પ્રવેશતાં જ જમણે યુનિટ-બે અને થોડે આગળ ડાબે યુનિટ-એક આવે. આ પરિસરમાં નાગરિકોને રોકી રાખવામાં આવ્યા હતા. પોલીસ પરવાનગી વગર આ કૅન્ડલ માર્ચનું આયોજન કરાયું હતું.
પોલીસનો ઇરાદો હતો કે અહીં જ સમજાવીને બધાને પાછા મોકલી દેવા, જેથી ટ્રાફિક અને અન્ય સમસ્યાઓ ઊભી ન થાય… પણ જોતજોતાંમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થવા લાગ્યા. ડીસીપી સુનીલ જોશીની સુરક્ષાવ્યવસ્થા પર નજર હતી.
‘સુનિયોજિત કાવતરું ઘડીને નિર્દયતાથી આટલા બધા લોકોને મારી નાખવામાં આવ્યા… આવી નમાલી સરકારના રાજમાં નાગરિકો અસુરક્ષિત છે, પણ બેશરમ સત્તાધારીઓ ખુરશી છોડવા તૈયાર નથી!’ આવતાંવેત બાપટે રાજકારણ શરૂ કર્યું.
ત્રાંસી નજરે પોલીસ અને નાગરિકોને જોઈ લુચ્ચા હાસ્ય સાથે તેમણે કહ્યું: ‘મારી નાખ્યા પછી તેમના શરીરમાંથી અવયવો કાઢી લેવામાં આવ્યા. પૂર્ણદેહે આ દુનિયાથી વિદાય ન મળી… આવા આત્માઓ સદ્ગતિ ન પામે એ સ્વાભાવિક છે… તેમની શાંતિ માટે આ કૅન્ડલ માર્ચનું આયોજન કરાયું છે!’
મોટી સંખ્યામાં ભેગા થયેલા લોકોએ પોલીસ અને સરકારના નામનો હુરિયો બોલાવી હંગામો શરૂ કરતાં ડીસીપીએ કૅન્ડલ માર્ચને આગળ વધવાની પરવાનગી આપી. એ જ વખતે પોલીસ સ્ટેશનમાંથી ગોહિલને કૉલ આવ્યો. ડૉક્ટરોનું પ્રતિનિધિમંડળ મળવા આવ્યું હોવાનું અધિકારીએ કહેતાં ડીસીપીને જાણ કરી ગોહિલ પોલીસ સ્ટેશને રવાના થયો.
પોલીસ સ્ટેશને પહોંચ્યો ત્યારે ડૉક્ટરોના પ્રતિનિધિમંડળમાં ડૉ. સંયમ ઈમાનદાર અને ડૉ. મૃત્યુંજય હિરેમઠને જોઈ ગોહિલને આશ્ર્ચર્ય થયું.
‘ડૉક્ટર… તમે પણ?’ ગોહિલે ડૉ. ઈમાનદાર તરફ જોઈ આદર સાથે આવકાર આપીને બધાને બેસવાનો ઇશારો કર્યો.
‘બોલો ડૉક્ટરસાહેબ… શું તકલીફ પડી?’
‘તકલીફ થઈ એટલે તો આવ્યા છીએ!’ એક વડીલ ડૉક્ટર ગુસ્સામાં હોવાનું લાગ્યું.
‘ચા… કૉફી મગાવું?’ ગોહિલે વિવેક ખાતર પૂછ્યું.
‘ના… ના. અત્યારે આરેની સ્થિતિથી અમે પરિચિત છીએ. તમે વ્યસ્ત હશો એટલે વધુ સમય વેડફવો નથી!’ ડૉ. હિરેમઠે કહ્યું.
‘અમે આ લેટર આપવા આવ્યા છીએ.’ ડૉ. ઈમાનદારે કાગળ ગોહિલના હાથમાં પકડાવતાં કહ્યું.
‘…પણ થયું શું?’ ગોહિલે કાગળ પર નજર ફેરવતાં પૂછ્યું.
‘ઘડી ઘડી ડૉક્ટરોને ઊલટસૂલટ સવાલ પૂછીને પોલીસ ત્રાસ આપતી હોવાથી આ મામલો યુનિયનમાં ગયો છે!’ ડૉ. ઈમાનદારે કહ્યું.
‘યુનિયને નક્કી કર્યું છે કે આજથી સાત દિવસનો સમય પોલીસને આપીએ છીએ… ત્રાસ આપવાનું બંધ નહીં થાય તો મુંબઈના ડૉક્ટરો એક દિવસની પ્રતિકાત્મક રજા પાળશે!’ વડીલ ડૉક્ટરે ચેતવણી આપી.
‘રજા એટલે કામકાજ બંધ રાખવામાં આવશે… અને પછી જરૂર પડ્યે બેમુદત હડતાળ!’ વડીલે જણાવ્યું.
‘ડૉક્ટરસાહેબ… તમે તો બધું જાણતા જ હશો… કેસની તપાસમાં ડૉક્ટરોની મદદ જોઈશે જ… અને તેમાં થોડી પૂછપરછ થશે!’ ગોહિલે ડૉ. ઈમાનદારને વિશ્ર્વાસમાં લેવાનો પ્રયાસ કર્યો.
‘મેં ઘણો પ્રયત્ન કર્યો, પણ ડૉક્ટરો હવે સમજવા તૈયાર નથી.’ ડૉ. ઈમાનદારે કહ્યું.
‘અમે કંઈ કર્યું નથી તોય અમારી પૂછપરછ થાય છે… તો એમાં સમજવા જેવું શું છે?’ ડૉ. હિરેમઠે કહ્યું.
‘પોલીસ તમારો સહકાર…’ ડૉ. હિરેમઠે ગોહિલને આગળ બોલતાં અટકાવ્યો.
‘હવે પાણી માથાની ઉપર જવા લાગ્યું છે… એટલે આ નિર્ણય લેવાયો છે!’ કહીને પ્રતિનિધિમંડળે વિદાય લીધી.
‘સા’બ… મુઝે અર્જન્ટ ગાંવ જાના પડેગા… મેરી માં કો અસ્પતાલ મેં ભરતી કિયા હૈ!’ અંગમરોડ કરતાં પ્રસન્ન ચૌધરીએ કહ્યું.
‘ક્યૂં? ક્યા હુઆ?’ ચૌધરીએ એકાએક ગામ જવાની વાત કરતાં વિધાનસભ્ય જાંભુળકરને આશ્ર્ચર્ય થયું.
‘બાથરૂમ મેં ફિસલ કર ગિર ગયી તો પૈર મેં ફ્રેક્ચર હુઆ હૈ… ઐસા પિતાજીને બતાયા!’
‘લેકિન યહાં કે હાલાત…’ જાંભુળકર વધુ ન બોલ્યા.
‘મૈં જાનતા હૂં સા’બ… ઈસલિયે ગાંવ સે બાર બાર ફોન આને કે બાવજૂદ મૈં ઉન્હેં ટાલતા રહા હૂં… ઔર પરિવાર સે મિલને નહીં ગયા! લેકિન…’
ચૌધરી ટેન્શનમાં બોલ્યો: ‘લેકિન અબ જાના હી પડેગા…’
‘ઠીક હૈ, લેકિન ટ્રેન કા રિઝર્વેશન મિલ જાયેગા?’ જાંભુળકરે ચિંતા વ્યક્ત કરી.
‘સર… આપકે લેટર પર રેલવે કે સ્પેશિયલ ક્વૉટા મેં મિલ જાયેગા!’
‘અચ્છા… તો લેટર તૈયાર કરવા લો. ઔર જલ્દ સે જલ્દ વાપસ આને કી કોશિશ કરના!’ જાંભુળકરે કહ્યું.
‘જી… સા’બ! વૈસે આપ ભી થોડે દિન મુંબઈ સે દૂર ચલે જાઈએ!’
‘ક્યૂં?’
‘અભી યહાં રહના ઠીક નહીં હૈ… મીડિયા ભી પીછે પડ જાયેગી!’
‘વહ સબ મૈં દેખ લૂંગા, પર યે તો પતા કર… આરે મેં ક્યા ચલ રહા હૈ?’
‘સા’બ… ડ્રગ્સ સપ્લાયર સલ્લુકા દુસરા સાથી ઝમીલ ભી પકડા ગયા હૈ.’
‘કબ?’
‘કલ રાત કો… દાદર સ્ટેશન સે પુલીસને ઉસે ઉઠા લિયા હૈ!’ જાંભુળકર અને ચૌધરી ટેન્શનમાં હતા.
‘તુઝે કૈસે પતા?’ આખરે જાંભુળકરે પૂછી લીધું. આરેમાં થતી દરેક ઊથલપાથલની જાણકારી ચૌધરીને કઈ રીતે મળી રહેતી એ બાબતે જાંભુળકર હંમેશાં વિચારતા હતા.
‘સા’બ મેરે કુછ દોસ્ત હૈ આરે મેં… વહ લોગ મુઝે બતાતે રહતે હૈ!’
‘લેકિન શોએબ ઔર ઝમીલ જૈસી છોટી મછલિયાં પકડને સે ક્યા હાસિલ હોગા… મગરમચ્છ પુલીસ કે હાથ નહીં લગનેવાલે!’ જાંભુળકર અમસ્તા બોલ્યા કે ઇરાદાપૂર્વક તે ચૌધરી સમજી ન શક્યો.
‘નહીં… સા’બ. ઝમીલ બહુત કુછ જાનતા હૈ ઐસા મુઝે પતા લગા હૈ!’ જાંભુળકર ચૌધરીને આશ્ર્ચર્યથી જોઈ રહ્યા.
‘સુના હૈ… ઝમીલ સલ્લુ કા ખાસ આદમી થા!’ ચૌધરીએ કહ્યું.
‘તો ક્યા બૉડી ભી ઉસીને ઝમીન મેં દફન કી થી?’ જાંભુળકરે પ્રશ્ન કર્યો.
‘વહ તો નહીં પતા… પર બૉડી કે કેસ મેં પુલીસ અબ ડૉક્ટરોં પર સિકંજા કસનેવાલી હૈ!’
‘ક્યૂં?’
‘પુલીસ કો લગતા હૈ… બૉડી પાર્ટ્સ નિકાલ કે ડૉક્ટરોને બેય દિયે હૈ!’ માહિતીથી જાંભુળકર ચોંક્યા.
‘મતલબ?’
‘સા’બ, સુના હૈ… આરે કા જો યે લાશોં કા કાંડ હૈ… ઉસ મેં ડૉક્ટર લોગ સામિલ હોને કા શક પુલીસ કો હૈ!’
‘સર… મોબાઈલના કૉલ રેકોર્ડ તો ઘણું બધું દર્શાવે છે!’ આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર સુધીર સાવંતે કહ્યું.
સલ્લુ અને અંજુ સહિત શંકાના ઘેરામાં આવેલી દરેક વ્યક્તિના મોબાઈલના કૉલ ડિટેઈલ રેકોર્ડ (સીડીઆર) ઈન્સ્પેક્ટર ગોહિલે મગાવ્યા હતા. ટેલિકૉમ કંપની પાસેથી આવેલા રેકોર્ડ સાવંત અને સબ-ઈન્સ્પેક્ટર દત્તા બંડગર તપાસી રહ્યા હતા.
‘કામનું કંઈ છે?’ ગોહિલે પૂછ્યું.
‘ઘણું કામનું છે!’ કહીને સાવંતે ઉમેર્યું:
‘અંજુના મોબાઈલનું છેલ્લું લૉકેશન અંધેરી દર્શાવે છે… પછી તેનો મોબાઈલ સ્વિચ ઑફ્ફ થઈ જાય છે!’
‘અંધેરી? સલ્લુનું ઑપરેશન કરાયું હતું તે હૉસ્પિટલ?’ ગોહિલે આશ્ર્ચર્યથી પૂછ્યું.
‘ના. અંધેરીનો ચકાલા વિસ્તાર!’
‘ઓહ… એમ બોલને.’
‘સર… આ જ પરિસરમાં ડૉક્ટર ભંડારીના ટ્રસ્ટની હૉસ્પિટલ છેને?’ સાવંતે જાણે રહસ્ય ખોલ્યું.
‘મોબાઈલનું એક્ઝેક્ટ લૉકેશન શું છે?’ ગોહિલે પૂછ્યું.
‘સર્વિસ પ્રોવાઈડર કંપની પાસે માગ્યું છે… ત્યાંનો પ્રતિનિધિ આપણને કૉલ કરશે!’ સાવંતે કહ્યું.
‘…પણ, સર. એનાથી મહત્ત્વની વાત એટલે છેલ્લે અંજુ સાથે કૃપાનું મોબાઈલ લૉકેશન પણ સેમ દેખાડે છે… એટલે કે કૃપા અને અંજુ સાથે જ હતાં, એવું જણાય છે!’ સાવંતે મોટો ધડાકો કર્યો.
‘હું તો કહું છું કે આ… ડૉક્ટર ભંડારીને અહીં લાવીને થોડા ફટકારીએ તો બધું બહાર આવી જશે!’ હવે બંડગર બોલ્યો.
‘તમને લોકોને મારઝૂડથી વિશેષ કંઈ ફાવતું નથી!’ ગોહિલે કહ્યું.
પછી ઉમેર્યું: ‘એક પેલો… તોડ મોડ કે જોડવાળો શિંદે… એ ક્યાં છે?’
‘કાલે રાતે ઝમીલને પકડી લાવ્યોને… હવે તેની ક્લાસ લઈ રહ્યો છે શિંદે!’ સાવંતે મલકાઈને કહ્યું.
‘બસ… એ જ કામ એને ગમે છે!’ ગોહિલે કહ્યું.
‘સર, શિંદેની ક્લાસમાં ડૉક્ટર ભંડારીને બોલાવવા છે?’ સાવંતે પૂછ્યું.
‘ના. ડૉક્ટર ભંડારી થોડા ધીટ જણાય છે… સહેલાઈથી મોઢું નહીં ખોલે!’
ગોહિલ શબ્દો ગોઠવી રહ્યો હતો: ‘મારપીટથી મામલો બગડશે અને ડૉક્ટરો હંગામો મચાવશે. મને ડૉક્ટર પાઠક કમજોર કડી જણાય છે… પહેલાં તેને બોલાવો!’
પછી યાદ આવ્યું હોય તેમ તે બોલ્યો: ‘જૉનીના કૉલ રેકોર્ડ શું કહે છે?’
‘સર, એમાં મહત્ત્વની વાત એ છે કે તેણે જૂનું સિમ કાર્ડ બંધ કરાવી દીધું છે અને અત્યારે નવો નંબર વાપરે છે.’ બંડગરે કહ્યું.
ગોહિલ કંઈ બોલ્યા વિના બન્ને તરફ જોતો હતો એટલે સાવંતે બોલવા માંડ્યું.
‘તેના મોબાઈલ ફોનના આઈએમઈઆઈ નંબરને આધારે તપાસ કરી તો જાણવા મળ્યું કે જૂનું સિમ કાઢીને મોબાઈલમાં નવું સિમ કાર્ડ નાખવામાં આવ્યું છે.’
‘એ નવા નંબરને ટ્રેસ કરો અને જૉની ક્યાં છે તે શોધી કાઢો!’
‘એ પ્રક્રિયા ચાલું છે, સર!’
સાવંતે ઉમેર્યું: ‘આ બધામાં એક આશ્ર્ચર્યની વાત જણાય છે.’
‘શું?’ ગોહિલે પૂછ્યું.
‘સર… ડૉક્ટર ભંડારીની ‘ખા…સ’ આકૃતિ બંગારા ક્યાંય ચિત્રમાં નથી આવતી!’
સાવંતે ખાસ શબ્દ પર વિશેષ ભાર આપ્યો એટલે ગોહિલ સમજી ગયો. કોન્સ્ટેબલ દળવીએ ખબરી દ્વારા ડૉ. ભંડારીની માહિતી કઢાવી ત્યારે એ વાત જાણવા મળી કે ડૉ. ભંડારી રંગીન મિજાજના છે. તેમની હૉસ્પિટલ અને ટ્રસ્ટની ઑફિસમાં કામ કરતી આકૃતિ સાથે તેમના આડા સંબંધ છે.
‘ડૉક્ટર ભંડારીના બે મોબાઈલ નંબર આપણી પાસે છે, પણ બન્ને નંબર પર આકૃતિએ ક્યારેય સંપર્ક સાધ્યો નથી!’
‘એવું કઈ રીતે બને?’ ગોહિલે પૂછ્યું.
‘સર… આકૃતિના મોબાઈલના કૉલ રેકોર્ડમાં ડૉક્ટર ભંડારીનો એકેય નંબર નથી અને ડૉક્ટર ભંડારીના બન્ને મોબાઈલના કૉલ રેકોર્ડમાં પણ આકૃતિનો નંબર ફ્લૅશ નથી થતો!’ સાવંતે માહિતી આપી.
‘એટલે કે આકૃતિએ ક્યારેય ડૉક્ટર ભંડારીને કૉલ નથી કર્યો અને ડૉક્ટર ભંડારીએ પણ આકૃતિને નથી કર્યો?’ આશ્ર્ચર્ય સાથે ગોહિલે પૂછ્યું.
‘હા… સર!’
ગોહિલ વિચાર કરીને બોલ્યો: ‘એટલે કે આપણને અધૂરી માહિતી મળી છે. બન્નેમાંથી એક જણ વધુ એક મોબાઈલ નંબરનો ઉપયોગ કરે છે અને એ સિક્રેટ રાખવામાં આવ્યો છે!’
(ક્રમશ:)


