પ્લોટ – 16 – પ્રકરણ-38: હવે ગરદન મરોડવી જ પડશે!

આ કાંડ લગભગ સમજમાં આવી જ ગયા છે. બસ, હવે તેનું સૂત્રસંચાલન કરનારી ટોળકીનાં ચહેરા ઉઘાડાં પાડવાના છે!
યોગેશ સી પટેલ
‘હવે બધી કડી જોડાઈ રહી છે… સર!’
ગોહિલે કહ્યું એના જવાબમાં ગાયકવાડે માત્ર હકારમાં માથું હલાવ્યું. તે કોઈ વિચારમાં ડૂબેલા હોવાનું લાગ્યું.
‘શું વિચારો છો?’ ગોહિલે પૂછ્યું.
‘મને એ નથી સમજાતું, ગોહિલ કે… ભલામણ પત્રની વાત પછી ડૉક્ટર મંદિરાની પૂછપરછ કરી, પણ ડૉક્ટર પાઠકને કેમ છોડી દીધો?’ ગાયકવાડનો પ્રશ્ન યોગ્ય હતો.
‘છોડી ક્યાં દીધો છે… બસ, એને ખુલ્લો રાખ્યો છે!’
‘એટલે?’
‘સર… બધા ડૉક્ટરો પર આપણે હાથ નાખીશું તો એ લોકો સતર્ક થઈ જશે… ઉપરથી હોબાળો મચાવશે તે અલગ. એટલે થોડા પુરાવા મળે પછી એની પણ ગરદન મરોડીશું!’ બોલતી વખતે ગોહિલની આંખમાં ખુન્નસ દેખાતું હતું.
‘…પણ અવયવોની તસ્કરીનો મામલો સામે છે તો તેમની પૂછપરછ કરી જ શકાય છેને! વળી, અંજુ અને કૃપા કનેક્શન પણ છે…’ ગાયકવાડ તાણાવાણા ગોઠવી રહ્યા હતા.
‘હું એ જ તો કહેતો હતો… હવે બધી કડી જોડાઈ રહી છે… ડૉક્ટરોને આડે હાથ લેવાનો સમય આવી રહ્યો છે…’ ગોહિલે સ્માઈલ સાથે કહ્યું.
આ પણ વાંચો: પ્લોટ-16 – પ્રકરણ-37 શબમાંથી અવયવ કેવી રીતે કાઢ્યા…
ડૉ. મંદિરાની પૂછપરછ પછી ગોહિલ યુનિટ-16માં આવ્યો હતો, જ્યાં હૉલોગ્રાફિક કૅમેરા મળ્યો હતો. મુખ્ય માર્ગ પરનાં મોટાં વૃક્ષો પર તેની ટીમ બીજો કૅમેરા શોધી રહી હતી. ગાયકવાડ પણ કોન્સ્ટેબલ દળવી સાથે ત્યાં પહોંચ્યા હતા.
‘કૅમેરા ગોઠવીને ભૂતનો ડર ફેલાવવા પાછળનું કારણ હવે સ્પષ્ટ થાય છે!’ ગોહિલે કહ્યું.
‘બધાં કાળાં કામો સહેલાઈથી ચાલતાં રહે અને કોઈને ખબર પડે તે માટે આ ભૂતનો ઉપયોગ કરાયો છે!’
‘તું કહેવા શું માગે છે?’ ગાયકવાડ સમજ્યા ખરા, પણ ગોહિલના વિચાર તે જાણવા માગતા હતા.
‘ગાયકવાડસાહેબ, ડ્રગ્સ અને માનવ અવયવોનો કારોબાર એકબીજા સાથે સંકળાયેલા છે એ અત્યાર સુધીની તપાસમાં સ્પષ્ટ થાય છે… મને લાગે છે કે ભૂતનો ડર ઊભો કરવા કૅમેરા લગાવવા એ પણ આ સ્કૅન્ડલનો એક ભાગ છે.’
ગાયકવાડ વિચારતા હતા એટલે ગોહિલે જ કહ્યું: ‘જુઓ… સર, જે જગ્યાએ શબ દાટવામાં આવ્યાં છે તેની નજીક શનિધામ સુધી બે જ માર્ગ જાય છે… એક આ અને બીજો વનિચા પાડા ક્રોસ રોડ.’
ગાયકવાડ સાથે ગોહિલ મૉડર્ન બૅકરી બસ સ્ટોપ નજીક ઊભો હતો. ત્યાંથી એક સાંકડો માર્ગ મૉડર્ન બૅકરી તરફ જતો હતો.
‘શનિધામથી આગળ હેલિકૉપ્ટર ક્રેશ સાઈટ પર જવાનો એક જ માર્ગ છે… આ માર્ગે જતા બધા ફફડે એ માટે આ કૅમેરા લગાવવામાં આવ્યા છે.’ ગોહિલે કહ્યું.
આ પણ વાંચો: પ્લોટ-16 – પ્રકરણ-36: શબમાં ડ્રગ્સ ભરીને બીજાં રાજ્યોમાં મોકલાતું?
‘તો એનો મતલબ… શનિધામ આસપાસ પણ આવા કૅમેરા લાગ્યા હોવા જોઈએ?’ ગાયકવાડની વાત વિચારણીય તો હતી જ.
‘સર…’ ગોહિલ કંઈ બોલવા જતો હતો ત્યારે સબ-ઈન્સ્પેક્ટર વિજય કાળેએ બૂમ પાડી.
‘સર, આ જુઓ!’ નજીક આવેલા ગોહિલ-ગાયકવાડને કાળેએ ઝાડ પર લાગેલો કૅમેરા દેખાડ્યો.
આ કૅમેરા પણ ઝાડ પર ડાળખાં અને પાંદડાંથી ઘેરાયેલા ભાગમાં એ રીતે ગોઠવવામાં આવ્યો હતો કે સરળતાથી કોઈની નજર ન પડે.
‘કૅમેરા કઢાવવાની વ્યવસ્થા કરો.’ દળવી તરફ જોતાં ગોહિલે કહ્યું.
‘સર… મારું અનુમાન સાચું હતું, માત્ર શનિધામના માર્ગ પર જતા લોકોને રોકવા માટે આ ભૂતનો ડર ઊભો કરવામાં આવ્યો હતો. ઘણું સમજી-વિચારીને આ કાવતરું ઘડવામાં આવ્યું છે.’
‘વાત તો સાચી છે, પણ કૅમેરા ખરીદનારા જૉનીની કોઈ ભાળ મળી?’ ગાયકવાડે પૂછ્યું.
આ પણ વાંચો: પ્લૉટ-16 – પ્રકરણ-35: માણસ કરતાં મંદિર વધુ દેખાય છે…
‘ના… હજુ તેની કોઈ માહિતી નથી. ખબર નથી એ જીવિત છે કે નહીં!’ ગોહિલ વિચાર કરીને બોલતો હતો.
‘જૉની મળે કે ન મળે… આ કાંડ લગભગ સમજમાં આવી જ ગયા છે. બસ, હવે તેનું સૂત્રસંચાલન કરનારી ટોળકીના ચહેરા ઉઘાડા પાડવાના છે!’ નજર જંગલ તરફ ફેરવતાં ગોહિલ બોલ્યો.
‘કંઈ પણ કહો… આખા પરિસરનું નિરીક્ષણ કરીને આ ષડ્યંત્ર રચવામાં આવ્યું હતું. એકેએક બાબતનું ધ્યાન રખાયું હતું અને યોજનાબદ્ધ રીતે કાર્ય થતું હતું. આવો પ્લાન બનાવનારો પ્લાનર કમાલનો ભેજાબાજ હશે!’ ગાયકવાડ બોલ્યા.
‘વાત સાચી છે, સર.’ ગોહિલ બોલ્યો: ‘આ આખો પરિસર યુનિટ સિક્સટીન નહીં… શેતાને ઘડેલો પ્લૉટ સિક્સટીન છે!’
આ પણ વાંચો: પ્લોટ – 16 – પ્રકરણ-34: એકને જીવન આપવા બીજાનો જીવ લીધો!
ડૉ. વિશ્ર્વાસ ભંડારી અંધેરીના ચકાલા પરિસરમાં આવેલી ટ્રસ્ટની હૉસ્પિટલના રેકોર્ડ તપાસવામાં વ્યસ્ત હતા. કામણગારી આકૃતિ બંગારા એક વાર તેમની કૅબિનમાં જઈ આવી, પણ તેમણે કોઈ નોંધ ન લીધી.
આકૃતિને નાણાંની જરૂર હોવાથી વાત ક્યાંથી શરૂ કરવી તેની ગડમથલમાં તે હતી. આખરે બીજી વાર તે કૅબિનમાં પ્રવેશી. ડૉ. ભંડારીની કૅબિનમાં જવા માટે આકૃતિએ પરવાનગી લેવી પડતી નહોતી.
‘શું કામ છે ડાર્લિંગ… વારંવાર અંદર બહાર કરે છે?’ ડૉ. ભંડારીએ આખરે પૂછી લીધું.
‘સર… તમે ક્યારના વ્યસ્ત છો એટલે…’ આકૃતિએ વાક્ય અધૂરું છોડ્યું.
‘જરૂરી કામ છે એટલે કરવું પડે છે… બોલ તને શું કામ છે?’
‘થોડા રૂપિયા…’
‘ગયા સપ્તાહે તો દસ હજાર આપ્યાને? હવે પાછા જોઈએ છે?’ ડૉ. ભંડારીએ પૂછ્યું.
‘હા… અર્જન્ટ કામ હતું.’ આકૃતિ બોલી.
ખીસામાંથી પાંચ હજાર રૂપિયા કાઢીને ડૉ. ભંડારીએ આકૃતિને આપ્યા. રૂપિયા આપતી વખતે આકૃતિનો હાથ પોતાના બન્ને હાથે પકડી ડૉ. ભંડારી પંપાળવા લાગ્યા.
આ પણ વાંચો: પ્લોટ-16 – પ્રકરણ-33: હૉલોગ્રાફિક કૅમેરાએ તો ભારે કરી…
‘થૅન્ક્સ, સર!’ કહીને આકૃતિએ પણ ડૉ. ભંડારીના ગાલ પર હાથ ફેરવ્યો.
‘સર, કોઈ ટેન્શનમાં છો? આ કાગળિયા શા માટે ફાડો છો?’ આકૃતિને આશ્ર્ચર્ય થયું.
‘અમુક રેકોર્ડનો નાશ કરવો પડે એવો સમય આવ્યો છે!’ ડૉ. ભંડારીને આકૃતિ પર અતૂટ વિશ્ર્વાસ હતો એટલે તેમણે નિખાલસતાથી કહ્યું.
‘રેકોર્ડનો નાશ… કેમ?’
‘હમણા પોલીસ માથે કથ્થક કરે છે… તેમના હાથમાં આ કાગળિયા આવશે તો મારે માટે મુસીબત ઊભી થશે.’
‘કેમ? શેના દસ્તાવેજ છે?’ આકૃતિને જાણવાની ઉત્સુકતા થઈ.
આ પણ વાંચો: પ્લોટ-16 – પ્રકરણ-32: ડ્રગ તસ્કરને પણ મારીને દાટી દીધો…
‘અરે… અમુક આર્થિક વ્યવહાર બે નંબરના હોય છે. ટૅક્સનું ચક્કર હોય છે… તું નહીં સમજે!’ ડૉ. ભંડારીએ ફોડ પાડ્યો.
‘તમે બ્લૅક મનીની વાત કરો છો? આવું પણ થાય છે અહીં?’
‘હું એકલો નથી… ઘણાં ટ્રસ્ટ અને ડૉક્ટરો બ્લૅક મની ધરાવતા હોય છે… એમાં કોઈ મોટી વાત નથી!’ સહજતાથી ડૉ. ભંડારીએ કહ્યું.
‘ટ્રસ્ટમાં દેશ-વિદેશથી ભંડોળ આવતું હોય છે… બધાના હિસાબ સરકારને બતાવીએ તો આપણા હાથમાં શું રહે?’
ડૉ. વિશ્ર્વાસ ભંડારીએ કહ્યું અને આકૃતિ આશ્ર્ચર્યથી તેમને જોતી રહી. તેણે વિચાર્યું: ‘પહેલાં ખબર હોત તો… અત્યાર સુધીમાં કેટલી મોટી રકમ પડાવી લીધી હોત!’
‘ભારત હમ કો જાન સે પ્યારા હૈ…’
મોબાઈલની રિંગ વાગી એટલે સ્ક્રીન પર ડીસીપી જોશીનું નામ જોઈ ગોહિલ વિચારમાં પડ્યો: ‘આટલી મોડી સાંજે ફોન કરવા જેવું અર્જન્ટ શું કામ હશે?’
તેણે રિંગ વાગવા દીધી. થોડી વાર પછી રિંગ વાગતી બંધ થઈ ગઈ. ફરી રિંગ વાગી એટલે તેણે મોબાઈલ હાથમાં લીધો. આટલી વારમાં તેણે વિચારી લીધું હતું કે ડીસીપીને શું કહેવાનું છે.
‘ગોહિલ… ક્યાં પહોંચી તપાસ?’ કૉલ રિસીવ કરતાં જ જોશીએ સવાલ કર્યો.
‘સર… શોએબના સાથી ઝમીલ માટે દાદર સ્ટેશને છટકું ગોઠવ્યું છે. આજે રાતે એ આપણા લૉકઅપમાં હશે!’ ગોહિલ આત્મવિશ્ર્વાસથી બોલતો હતો.
આ પણ વાંચો: પ્લોટ-16 – પ્રકરણ-31- બાપટ કઈ કાતિલ ચાલ ચાલશે?
‘કોણ ગયું છે એને ઊંચકવા?’
‘શિંદે ટીમ લઈને ગયો છે, સર!’
‘તો પછી તેને કહેજે, દુનિયાથી નથી ઊંચકી લેવાનો… ઝમીલ પોલીસ સ્ટેશને સહીસલામત આવવો જોઈએ!’ જોશીએ ચેતવ્યો.
‘જી… સર!’
‘એમ્બ્યુલન્સની કોઈ માહિતી?’
‘સીસીટીવી ફૂટેજ શોએબને દેખાડી રહ્યા છીએ. એ ઓળખી કાઢે એટલે બધી વિગતો મળી જશે.’ ગોહિલે કહ્યું.
‘ગોહિલ તપાસની ગતિ વધાર… તને ખબર છેને પેલા દિવસે ગૃહ પ્રધાને ચેતવણી આપી છે કે સરકારની આબરૂ બચાવવા કેસને વહેલો ઉકેલી કાઢો, નહીંતર નવી ટીમને તપાસ સોંપવામાં આવશે.’
‘સર, ઘણી બાબતોના ખુલાસા થઈ ગયા છે… આપણે કેસ ઉકેલવાની અણીએ જ છીએ!’ ગોહિલે ધરપત આપી.
‘જાંભુળકરના પ્રકરણનું શું થયું… મીડિયા સામે તેમને હજુ નિર્દોષ બતાવ્યા નથી!’
‘તપાસ ચાલુ છે, સર… આટલી જલદી નિર્દોષ કઈ રીતે જાહેર કરીએ?’ ગોહિલને પ્રશ્ન થયો.
આ પણ વાંચો: પ્લોટ-16 – પ્રકરણ-30…હું નીરખતો નથી, જવાબની રાહ જોઉં છું!’
‘મીડિયા સામે આવું બોલો… જાંભુળકર વારેઘડીએ ફોન કરે છે.’
જોશીએ કહ્યું: ‘અને હા… હમણાં ડૉક્ટર ઈમાનદારનો કૉલ આવ્યો હતો. ડૉક્ટર મંદિરાની પૂછપરછથી નારાજ છે એ લોકો!’
‘થવા દો નારાજ, સર. ડૉક્ટરોની સંડોવણી વિના આ રૅકેટ શક્ય નથી… તો ડૉક્ટરોની પૂછપરછ તો થશે જ!’ ગોહિલે સ્પષ્ટ કહ્યું.
‘કાલે ડૉક્ટરોનું પ્રતિનિધિ મંડળ તને મળવા આવશે… શાંતિથી સમજાવીને તેમને રવાના કરજે!’ જોશીએ આદેશ આપી કૉલ કટ કર્યો.
‘આ ડૉક્ટરોની ગરદન હવે ખરેખર મરોડવી પડશે… નાની નાની વાતને લઈ બહોળું સ્વરૂપ આપી રહ્યા છે!’ ગોહિલે વિચાર્યું.
‘સર… શોએબે એમ્બ્યુલન્સ ઓળખી કાઢી છે.’ ઈન્સ્પેક્ટર રવિ કદમે કહેતાં ગોહિલ વિચારમાંથી બહાર આવ્યો.
ફ્રીઝરવાળા એક વાહનને એમ્બ્યુલન્સમાં ફેરવી નાખી હતી. એ એમ્બ્યુલન્સનો ઉપયોગ ડ્રગ્સની તસ્કરી માટે થતો હતો. શબમાં ડ્રગ્સ ભરીને એ જ એમ્બ્યુલન્સમાં મુંબઈ બહાર લઈ જવાતું હતું, એવી માહિતી શોએબે આપી હતી. પોલીસ હવે એ એમ્બ્યુલન્સને શોધી રહી હતી.
આ પણ વાંચો: પ્લૉટ-16 – પ્રકરણ-29 : જંગલની જંજાળમાં કેવી રીતે ફસાયા?
‘બીજી કોઈ જાણકારી મળી?’ ગોહિલે પ્રશ્ન કર્યો.
‘એક ફૂટેજમાં નંબર પ્લૅટ સ્પષ્ટ દેખાય છે… આ છે એમ્બ્યુલન્સનો નંબર.’ કદમે કાગળ પરનો નંબર દેખાડતાં કહ્યું.
‘અત્યારે એમ્બ્યુલન્સ ક્યાં છે?’ ગોહિલે પૂછ્યું.
‘શોએબનું કહેવું છે કે જમીનમાંથી લાશ મળવા માંડી ત્યારે જ એમ્બ્યુલન્સ ગુજરાત મોકલી દેવાઈ હતી!’ કદમે કહ્યું.
‘ઓકે. કામતને આ કામ સોંપી દે… ગુજરાત પોલીસનો સંપર્ક સાધીને એમ્બ્યુલન્સને ટ્રેસ કરવાનું કહી દે!’ આરે પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર રાજીવ કામતને પણ ગોહિલે તપાસમાં સંડોવ્યો.
‘કદમ… આપણે વાહનના માલિકને શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ.’ કહીને ગોહિલે પૂછ્યું: ‘આરટીઓની વેબસાઈટ ચેક કરી?’
‘કરી… એમ્બ્યુલન્સનો રજિસ્ટ્રેશન નંબર એ જ છે!’ કદમે કહ્યું.
‘કોને નામે રજિસ્ટર્ડ છે?’ ગોહિલે પૂછ્યું.
‘કોઈ વિરાજ મોરેના નામે!’
‘કોણ છે આ વિરાજ મોરે?’
‘શોએબના કહેવા મુજબ ડૉક્ટર આયુષ પાઠકની લૅબનો ટેક્નિશિયન!’
(ક્રમશ:)