પ્લોટ-16 – પ્રકરણ-30…હું નીરખતો નથી, જવાબની રાહ જોઉં છું!’

યોગેશ સી પટેલ
‘આમ નીરખી શું રહ્યા છો, ઑફિસર?’
‘હું નીરખતો નથી, જવાબની રાહ જોઉં છું!’
‘મેં કહ્યું તો ખરું… હવે કેવો જવાબ જોઈએ છે?’
‘સાચો જવાબ!’ ઈન્સ્પેક્ટર ગોહિલે કહેતાં જ ડૉ. ભંડારી ઊકળ્યા.
‘ખરેખર… ઑફિસર. હું તમારા આ સલ્લુને ઓળખતો નથી અને મને તેની સાથે કોઈ નિસબત નથી!’ ડૉ. ભંડારીએ સમજાવ્યું.
‘તમારું પણ આવું જ કહેવું છે?’ ગોહિલે ડૉ. મંદિરા સામે જોતાં પૂછ્યું.
‘હા.’ ચીડિયા સ્વભાવની ડૉ. મંદિરા પોલીસના સવાલોના દબાણમાં સહેલાઈથી આવી જાય એવી નહોતી.
સલ્લુ ઉર્ફે સલીમ શેખની તપાસ ડૉ. ભંડારી અને ડૉ. મંદિરા સુધી પહોંચતાં ગોહિલે સલ્લુની જાણકારી મેળવવાને બહાને બન્નેને પોલીસ સ્ટેશને બોલાવ્યાં હતાં.
‘તમે એ વ્યક્તિને ઓળખતાં નથી તો સારવાર અને અંધેરીની હૉસ્પિટલમાં ઑપરેશનની ભલામણ કયા આધારે કરી?’ ડૉ. મંદિરાને બીજી રીતે સવાલમાં સપડાવવાનો પ્રયાસ ગોહિલે કર્યો.
‘ઑફિસર, તમારી જાણ ખાતર એક વાત કહી દઉં… સારવાર માટે દરદીની સમસ્યા… બીમારી જાણવાની જરૂર હોય છે… તેનો વ્યવસાય કે કામધંધો નહીં!’ ડૉ. મંદિરા સરળતાથી પકડમાં આવે એમ નહોતી.
‘આરે હૉસ્પિટલ મલ્ટિસ્પેશિયલિટી નથી એટલે અહીં શક્ય ન હોય તે સારવાર માટે દરદીને અન્ય હૉસ્પિટલમાં મોકલવા જ પડે છે!’
ડૉ. મંદિરા બોલતી હતી ત્યારે તેનો અવાજ ભલે ગોહિલને કર્કશ લાગતો હોય, પણ ડૉ. ભંડારીને રણકા જેવો લાગતો. પોતે ક્યાં બેઠા છે એ થોડી ક્ષણ માટે ડૉ. ભંડારી ભૂલી ગયા. તેમની નજર ડૉ. મંદિરાના બૅબી પિન્ક કલરની લિપસ્ટિકથી રંગાયેલા હોઠ પર હતી.
‘બાઈક સ્કિડ થવાથી સલ્લુ જમીન પર પટકાયો, જેને કારણે તેના પગમાં ફ્રેક્ચર થયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે તેની પ્રાથમિક સારવાર અમે કરી, પણ…’
થોડું અટકીને ડૉ. મંદિરા બોલી: ‘હાડકામાં ક્રેકને કારણે તેનું ઑપરેશન કરવું જરૂરી હતું, જે અમારે ત્યાં શક્ય નહોતું. એટલે તેને અંધેરીની હૉસ્પિટલમાં જવાનું સજેસ્ટ કર્યું!’ સતત બોલવાને કારણે ડૉ. મંદિરાના હોઠ ભીના થવા લાગ્યા, જેને કારણે લિપસ્ટિકની ચકમ વધી.
‘એ જ હૉસ્પિટલ શા માટે?’ ગોહિલનો ફરી પ્રશ્ન.
‘સલ્લુએ કહ્યું, તે ગરીબ છે. ઑપરેશનનો ખર્ચ કરવાની તેની ક્ષમતા નથી એટલે અંધેરીની હૉસ્પિટલમાં મોકલ્યો. ત્યાં સારવારનો ખર્ચ ઓછો આવે છે અને અમુક ટ્રસ્ટમાંથી મદદ પણ મળી રહે છે!’ ડૉ. મંદિરાએ વાત પૂરી કરતાં કહ્યું.
‘અને ખર્ચ તમે આપ્યો, બરાબરને?’ આ પ્રશ્ન ડૉ. ભંડારીને કરાયો એટલે તેમની નજર ડૉ. મંદિરાના ભીના હોઠ પરથી ખસીને ગોહિલ તરફ ગઈ.
‘મેં ખર્ચ નથી આપ્યો… અમારું ટ્રસ્ટ એ હૉસ્પિટલ સાથે જોડાયેલું છે અને ટ્રસ્ટના ભંડોળમાંથી ઑપરેશનની ફી ભરવામાં આવી હતી!’ ડૉ. ભંડારીએ સ્પષ્ટતા કરી.
‘ઑફિસર, અમારા સિવાય બીજાં બે ટ્રસ્ટ પણ એ હૉસ્પિટલ સાથે સંકળાયેલાં છે.’
‘તો તમારા ટ્રસ્ટે જ શા માટે ફી ભરી?’ ગોહિલનો પ્રશ્ન કડવો લાગ્યો.
‘કદાચ તમને જાણ નહીં હોય, પણ સલ્લુ પાસે વિધાનસભ્ય ગુલાબરાવ જાંભુળકરનો આર્થિક સહાય માટેનો ભલામણ પત્ર હતો.’
‘…તો શું વિધાનસભ્ય સલ્લુને ઓળખતા હતા?’ પત્ર વિશે જાણ હોવાનું છુપાવી ગોહિલે ડૉ. ભંડારીની નસ દબાવી.
‘એ મને કઈ રીતે ખબર હોય? તમે એમને જ પૂછોને?’ ડૉ. ભંડારીનો ઉશ્કેરાટ વધ્યો.
‘તમે એમને તો પૂછી શકતા નથી… અમને કારણ વગર ત્રાસ આપો છો.’ ડૉ. મંદિરા પણ રોષે ભરાઈ.
‘મૅડમ… તમે પણ તો પૂરતી માહિતી આપી શકતાં નથી. પહેલાં મંજરી અને હવે સલ્લુ. અંજુને પણ તમે ઓળખતાં હશો?’ ગોહિલે જાણીજોઈને આ મુદ્દો છેડ્યો.
‘જુઓ ઑફિસર, અંજુને હું ઓળખતી નથી… અને હવે તમારા કોઈ સવાલના જવાબ હું નહીં આપું!’ ડૉ. મંદિરા ખુરશી પરથી ઊભી થઈ.
‘અંજુને તમે તો ઓળખતા જ હશો?’ ડૉ. ભંડારી સામે જોઈ ગોહિલે પૂછ્યું.
‘ના… હુંય અંજુને ઓળખતો નથી. આરેના મેડિકલ કૅમ્પનું આયોજન કૃપા સંભાળતી હતી… એટલે ત્યાં કોણ સેવા આપે છે અને કોણ સેવા આપવાની ના પાડે છે એની મને જાણ નથી!’
હવે ડૉ. ભંડારી પણ ખુરશીમાંથી ઊભા થઈ ગયા: ‘ઑફિસર… આ રીતે સવાલજવાબ કરશો તો અમારે ડૉક્ટર્સ યુનિયનમાં રાવ કરવી પડશે!’ કહીને બન્ને ડૉક્ટર કૅબિન બહાર ગયાં.
અજાણતાંમાં ગુસ્સામાં ડૉક્ટરના મોઢે નીકળેલી વાત ‘મેડિકલ કૅમ્પમાં કોણ સેવા આપે છે અને કોણ સેવાની ના પાડે છે…’ ગોહિલે પકડી પાડી…
‘જરાય ડરવાની જરૂર નથી. અમે તારી સાથે છીએ… એ ભૂતડી તો શું, એનું આખું ખાનદાન આવી જાયને તોય અમે એને જોઈ લઈશું!’ ગોહિલે ધરપત આપી.
હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવ્યા પછી નીલ સત્રાને પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યો હતો. આરેના મુખ્ય માર્ગ પર કદરૂપા ચહેરાવાળી ી જોઈને ડરી ગયેલો નીલ ફરી ત્યાં જવા તૈયાર નહોતો. ગોહિલની ટીમે સમજાવ્યા પછી સુરક્ષાની ખાતરી આપતાં તે જંગલમાં આવવા માની ગયો હતો.
‘તારી કાર અહીં ઝાડ સાથે અથડાઈ હતી… હવે, આપણે તું જે દિશામાંથી આવ્યો એ તરફ જઈએ.’ ગોહિલ શાંતિથી સમજાવતો હતો, પણ નીલ હજુય વચ્ચે વચ્ચે ધ્રૂજી ઊઠતો હતો.
દિનકર રાવ દેસાઈ માર્ગ પર ક્યાં ભૂતડી દેખાઈ એ ચોક્કસ જગ્યા નીલને યાદ નહોતી. કદાચ તેનું મગજ હજુ ભયભીત હતું. એટલે ગોહિલે કારને જ્યાં અકસ્માત નડ્યો ત્યાંથી આગળ વધવાનું નક્કી કર્યું.
‘મનમાંથી ડર કાઢીને શાંતિથી વિચારજે… કોઈ ઉતાવળ નથી. જો અત્યારે અંધારું નથી અને ભરબપોરે કોઈ ભૂત રસ્તા પર ભટકતાં નથી!’ ગોહિલે નીલની હિંમત વધારવાનો પ્રયાસ કર્યો.
આરેના મુખ્ય માર્ગ પર વાહનચાલકોને હાર્ટ અટેક શા માટે આવે છે એ જાણવા ગોહિલ તેની ટીમ સાથે રાતે તપાસ કરી ચૂક્યો હતો. તે સમયે કોઈ જાણકારી મળી નહોતી. એટલે અત્યારે બપોરના સમયે તે તપાસ માટે નીકળ્યો હતો. શરીરને દઝાડતા તાપ છતાં ગોહિલની ટીમ આ રહસ્યનો ભેદ ઉકેલવા માગતી હતી.
‘મને લાગે છે… કદરૂપી બાઈ દેખાઈ એ જગ્યા અહીંથી ઘણી આગળ છે.’ હિંમત કરીને આખરે નીલ બોલ્યો.
‘મધરાતે અકસ્માત થયો હતો… આટલા ઘોર અંધારામાં આમ તો કંઈ સ્પષ્ટ દેખાયું નહીં હોય, પણ એવી કોઈ જગ્યા… વિશાળ વૃક્ષ કે કોઈ નિશાની, જે યાદ રહી ગઈ હોય!’ એપીઆઈ પ્રણય શિંદેએ પૂછ્યું.
રસ્તાને કિનારે ચાલતા નીલ સાથે ગોહિલની ટીમ વનિચા પાડા ક્રોસ રોડને કિનારે આરે હૉસ્પિટલ નજીક પહોંચી. જંગલ હોવાથી રસ્તાની બન્ને બાજુ ઝાડીઝાંખરાં અને ઘટાદાર વૃક્ષોથી ઘેરાયેલી હતી. હૉસ્પિટલ જોઈને ડૉ. હિરેમઠ અને ડૉ. મંદિરા યાદ આવતાં ગોહિલનું મોં કડવું થયું તો શિંદેએ કોઈ બબડાટ કરી બાવડાં ફુલાવ્યાં.
બપોરનો સમય હોવાથી મુખ્ય માર્ગ પર બન્ને તરફ વાહનોની સતત અવરજવર હતી. અમુક ડ્રાઈવરો તો કુતૂહલવશ વાહનોની ગતિ ધીમી કરી પોલીસની ટીમ શું નિરીક્ષણ કરી રહી છે તે જોવા લાગ્યા. સાદા વેશમાં હોવા છતાં મુંબઈગરાં પોલીસને ઓળખવામાં માહેર હોય છે.
‘એવી કોઈ યાદગાર નિશાની નહોતી દેખાઈ, પણ પાંદડાંથી હર્યુંભર્યું મોટું ઝાડ હતું… અને એ ઝાડથી થોડે જ આગળ પેલી બાઈ દેખાઈ હતી.’
પછી કંઈ યાદ આવ્યું હોય તેમ નીલ બોલ્યો: ‘અને હાં… નજીકમાં એક માઈલસ્ટોન હતો, પણ એના પરનો નંબર હું જોઈ શક્યો નહોતો!’
નીલ હવે ઘણો સ્વસ્થ જણાતો હતો. તેનો ડર ઓછો થતો હોવાનું ગોહિલને લાગ્યું.
‘કોઈ વાંધો નહીં… નંબર નથી તો શું થયું. આપણે એ માઈલસ્ટોન નજીક જઈને તપાસ કરીએ!’ ગોહિલ તેના સ્વભાવ અનુરૂપ શાંતિથી કામ લેતો હતો.
વાહનોના કર્કશ હૉર્ન અને પરસેવો કાઢતી ગરમી વચ્ચે પણ ગોહિલની ટીમ એકાગ્રતાથી આખા પરિસરનું નિરીક્ષણ કરવામાં વ્યસ્ત હતી. થોડું ચાલ્યા પછી નાનો માઈલસ્ટોન દેખાયો એટલે બધા સાવધ થઈ ગયા.
‘આ જ હતો એ માઈલસ્ટોન?’ ઈન્સ્પેક્ટર કદમે આંગળી ચીંધી.
‘કદાચ!’
‘ઠીક છે… અહીં આસપાસ તપાસ કરો. કોઈ મહત્ત્વની જાણકારી ન મળે તો આગળ બીજો માઈલસ્ટોન શોધીશું!’
ગોહિલે ટીમને આદેશ આપ્યો અને નીલને બોલેરોમાં બેસવા કહ્યું. ટીમની પાછળ કોન્સ્ટેબલ સંજય માને ગોકળગાયની ગતિએ બોલેરો ચલાવતો હતો.
‘લગભગ તો આ જ છે!’નીલે કહ્યું એટલે અધિકારીઓમાં જોશ ફૂંકાયું. જુસ્સા સાથે અધિકારીઓ ઝાડીઝાંખરાંમાં તપાસ માટે ઘૂસ્યા.
‘આ જંગલમાંથી ભૂતડી બહાર આવી હતી?’ શિંદેએ લડાયક મિજાજમાં કહ્યું.
‘એ નથી ખબર!’
‘સર… હવે બહુ થયું એનું. એ ભૂતડી હોય કે કોઈ પણ… વાળ ખેંચીને એને જંગલ બહાર કાઢું છું!’ કહીને બાવડા ફુલાવતો શિંદે પણ વનરાજીમાં ઘૂસ્યો.
‘મૉડર્ન બૅકરીવાળું બસ સ્ટોપ અહીંથી દૂર નથી!’
ગોહિલે વિચાર્યું અને દળવીની વાત યાદ કરી: ‘મૉડર્ન બૅકરી બસ સ્ટોપ આસપાસ સફેદ સાડીવાળી ને જોયાનો દાવો અનેક લોકોએ કર્યો છે!’
‘કદમ… રાતે પણ તો વાહનો આ માર્ગ પરથી પસાર થતાં હોય છે… તો પછી ભૂત ક્યાંથી આવે છે?’
કદમ ગોહિલનો પ્રશ્ન સમજ્યો નહીં એટલે તે ગોહિલને એકટશે જોતો રહ્યો. બન્ને ધીમે ધીમે ચાલતા મૉડર્ન બૅકરી બસ સ્ટોપની દિશામાં આગળ વધી રહ્યા હતા અને દળવી તેમની પાછળ દોરવાતો હતો.
‘હું એમ કહેવા માગું છું કે લોકોની આટલી અવરજવર વચ્ચે ભૂત દેખાય?’
‘…પણ રાતે વાહનો જૂજ સંખ્યામાં પસાર થતાં હોય છે. પેલી રાતે આપણે જોયુંને… રસ્તો કેટલો સૂમસામ હોય છે!’ કદમે કહ્યું.
‘તો આપણને કેમ સફેદ સાડીવાળી ન દેખાઈ!’ કદમ પાસે આ સવાલનો જવાબ નહોતો.
‘સર… એ રોજ રાતે નથી દેખાતી!’ દળવી વચ્ચે બોલ્યો.
‘અચ્છા… તો એ રાતે તેને રજા હશેને?’ ટોણો મારતો હોય તેમ ગોહિલે કહ્યું. ચાલતાં ચાલતાં ત્રણેય એક વિશાળ ઝાડ પાસે પહોંચ્યા.
‘દળવી… તારી ભૂતડી આ જ ઝાડ આસપાસ દેખાઈ હશે પેલા નીલને?’ ગોહિલે અમસ્તો પ્રશ્ન કર્યો.
‘સર… એના કહેવા મુજબ તો ઘટાદાર મોટું ઝાડ આ જ લાગે છે!’ દળવી પણ અવઢવમાં હતો.
ગોહિલ ઝાડ ફરતે નિરીક્ષણ કરવા લાગ્યો ત્યારે કદમ અને દળવીની નજર રસ્તાને કિનારે ઝાડીઝાંખરાં વચ્ચે ફરતી હતી. એ જ સમયે શિંદે સહિત ટીમના અધિકારીઓ પાછા ફર્યા.
‘સર… શંકાસ્પદ જેવું કંઈ નથી!’ ખાલી હાથ ફર્યાનો શિંદેને વસવસો હતો.
‘આ ભૂતનું શું રહસ્ય હોવું જોઈએ?’ બોલતી વખતે ગોહિલની નજર બધે ફરી રહી હતી.
‘કદમ… ખરેખર ભૂત હશે કે પછી ભૂતનું નાટક હશે?’ ગોહિલનો પ્રશ્ન વિચિત્ર લાગ્યો.
‘તમને એવું લાગે છે કે વાહનચાલકોને ડરાવવા કોઈ ભૂત બનીને ફરતું હશે!’ કદમનો જવાબ પણ વિચિત્ર હતો.
‘ચ્યા માયલા! જંગલમાં રાતે આટલું જોખમ કોણ લે… એ પણ એક ી આમ અંધારામાં એકલી રસ્તા પર ચાલે?’
દળવી બોલતો હતો ત્યારે ગોહિલની નજર ઝાડ પર હતી. આંખો ઝીણી કરીને તે ઝાડને તાકી રહ્યો હતો.
‘નીલને પૂછો… ભૂત ઝાડ પર લટકતું હતું કે રસ્તા પર ચાલતું હતું?’ કહીને નિશાન ભેદતો હોય તેમ ગોહિલની નજર ઝાડ પરના લક્ષ્ય પર હતી… (ક્રમશ:)