પ્લૉટ-16 - પ્રકરણ-27 ભરઊંઘમાં સૂતેલા આત્માઓને જગાડ્યા… | મુંબઈ સમાચાર
નવલકથા

પ્લૉટ-16 – પ્રકરણ-27 ભરઊંઘમાં સૂતેલા આત્માઓને જગાડ્યા…

યોગેસ સી. પટેલ

કૂપર હૉસ્પિટલના ડૉ. ભાવિક માજીવડેની વાત સાચી હતી. તપાસનો માર્ગ ઘનઘોર જંગલથી ઘેરાયેલો હતો અને વનરાજીમાંથી સાવચેતીથી આગળ વધી ઊંડા ઊતરવાનું હતું. સાંકડી કેડીઓ પણ ઝાડીઝાંખરાં અને ઊંચાં વૃક્ષોને ઓઢીને સંતાયેલી હોવાનું લાગતું હતું. આવા ભયાનક જંગલમાં ચાલવું ઈન્સ્પેક્ટર ચંદ્રેશ ગોહિલ માટે હવે કઠિન બની રહ્યું હતું.

જંગલમાંથી મળેલાં શબ અને ડ્રગ્સ લૅબોરેટરીની તપાસ માટે ગોહિલની ટીમ મધરાતે નીકળી હતી. મુખ્ય માર્ગને જોડતા નાના માર્ગો પરથી ટીમ ગીચ વનરાજીમાં પ્રવેશી હતી. પછી ટીમના દરેક અધિકારીએ અલગ અલગ કેડીએથી પસાર થઈને તપાસ માટે આગળ વધવું એવું નક્કી થયેલું, પણ આવો નિર્ણય લેવાનો હવે ગોહિલને અફસોસ થતો હતો.

મોબાઈલની ટૉર્ચના ઉજાસમાં તે જંગલના ઘણા અંતરિયાળ ભાગમાં આવી ગયો હતો. આરે પોલીસ સ્ટેશનથી નીકળ્યો ત્યારે તેણે મોબાઈલની બૅટરી ફુલ ચાર્જ કરી હતી, પણ લાંબા સમયથી ટૉર્ચ ચાલુ રાખવાને કારણે તેની બૅટરી ડાઉન થવા આવી હતી.

જંગલ એટલું ગાઢ હતું કે ચંદ્રનો પ્રકાશ માંડ માંડ જમીન સુધી પહોંચતો હતો. ગોહિલે આકાશ તરફ જોયું. `ઘટાદાર વૃક્ષોનાં પાંદડાં અને ડાળીઓએ જાણે આચ્છાદન રચી દીધું હતું, જેને કારણે આભ જોવામાં મુશ્કેલી પડતી હતી.

`આવામાં ચાર્જિંગ ખતમ થઈ જાય અને મોબાઈલ સ્વિચ ઑફ્ફ થઈ જાય તો?’ એવા વિચાર સાથે ગોહિલની નજર મોબાઈલ પર ગઈ. ખરેખર… બૅટરી માત્ર પાંચ ટકા જ ચાર્જ હતી. તેણે આસપાસ જોયું તો ટીમનો એકેય સાથી નજરે પડતો નહોતો. તેણે જ તો અલગ અલગ માર્ગે જવાનો બધાને આદેશ આપ્યો હતો.

`અરે… એમ તો અત્યારે પોતાનો પડછાયોય ક્યાં સાથ આપી રહ્યો હતો!’ હવે ગોહિલની દૃષ્ટિ જમીન પર મંડાયેલી હતી. પથ્થરો અને કાંકરીઓ જ દેખાતી હતી અને તેય અસ્પષ્ટ! શું કરવું અને શું નહીં તેની દ્વિધામાં તે અંધારપટના વમળમાં ફસાયો હોવાનું અનુભવતો હતો.

જંગલમાંથી બહાર નીકળી જવાનું તેણે વિચાર્યું, પણ ત્યાં સુધી મોબાઈલની બૅટરી કામ કરે એવી કોઈ શક્યતા નહોતી. ભય તેના મનમાં પ્રવેશી રહ્યો હતો, પણ આમ ડરી જાય તો પોલીસ અધિકારી શાનો?

આખરે હિંમત કરીને તેણે આગળ વધવાનું નક્કી કર્યું. જમીન પર પથરાયેલી કાંકરી અને સૂકાં પાંદડાંને કારણે થતો પગરવ થથરાવી મૂકે એવો હતો. વચ્ચે વચ્ચે વાતો વાયરો શરીરમાં ધ્રુજારી ઊભી કરતો હતો. ઊબડખાબડ રસ્તે ચાલતો તે વધુ ગાઢ જંગલમાં પહોંચ્યો, જ્યાં અવાવરુ ઘર દેખાતાં તે ચોંક્યો.

`આટલી ભયાવહ જગ્યાએ વળી કોણ રહેતું હશે? અહીં પણ જીવલેણ પ્રવૃત્તિઓ ચાલતી હશે?’ વિચાર માત્રથી તેનો હાથ પીઠ પાછળ ગયો. પૅન્ટમાં પાછળની તરફ તે હંમેશાં પિસ્તોલ ખોસી રાખતો, પણ…

…પણ અત્યારે જરૂરતના સમયે પિસ્તોલ પોતાની કૅબિનમાં જ ભૂલી ગયો હોવાનું તેને ભાન થયું. તેમ છતાં હિંમત ભેગી કરી તે ઘરની દિશામાં આગળ વધ્યો. આસપાસ કોઈ ન દેખાતાં તેણે લાત મારી ઘરનો દરવાજો તોડ્યો.

વેરાન ઘરમાં માનવ તો ઠીક, એકેય વસ્તુ નહોતી. એથી મોટો આંચકો તેને ત્યારે લાગ્યો, જ્યારે ઘરની એક દીવાલ રહસ્યમય લાગી. એ દીવાલ નજીક ગયો ત્યારે એકાએક તે ઘરની બીજી તરફ વાડામાં ફંગોળાઈ ગયો. આ જગ્યા યુનિટ-16 જેવી દેખાતી હતી. હેલિકૉપ્ટર તૂટી પડ્યા પછી જમીનમાંથી મળેલી લાશોને સ્થળે તે પહોંચ્યો હતો…

ગોહિલનું મગજ ચકરાવે ચઢ્યું. અહીં કેવી રીતે પહોંચ્યો એ તેને સમજાતું નહોતું. માથું ભારે લાગતું હતું અને આંખ સામેથી વિચિત્ર ચિત્રો પલક ઝબકારામાં પસાર થતાં હતાં. સામે લાશ કાઢવા ખોદવામાં આવેલા ખાડા હતા. મરજી વિના તે ખાડા તરફ ધકેલાતો ગયો અને તે જ સમયે મોબાઈલ સ્વિચ ઑફ્ફ થઈ ગયો.

ટૉર્ચ બંધ થતાં તેની આસપાસ અંધારું ફેલાયું… હવે ખરેખર ગોહિલ ડરવા લાગ્યો. દૂરથી કૂતરાઓનો ભસવાનો અવાજ આવતો હતો. તમરાંનો અવાજ પણ મોટો થતો ગયો અને પાંદડાં વચ્ચેથી પસાર થતો પવન જંગલની શાંતિને ચીરતો હતો. ધૂળની ડમરીઓ સામેનું દૃશ્ય વધુ ધૂંધળું બનાવતી હતી.

`જંગલમાં આવું તો ક્યારેય નથી બન્યું.’ તેણે વિચાર્યું.

આવા અંધકારથી છટકવાનો માર્ગ શોધવા ગોહિલે ચારે બાજુ દૃષ્ટિ ફેરવી, પણ ખુલ્લું જંગલ અત્યારે બંધિયાર ઓરડો બની ગયો હતો. આવા ડરામણા માહોલમાંથી ગોહિલ ભાગે તે પહેલાં ખાડામાંથી યુવતીનો પડછાયો બહાર આવ્યો. હવે તેણે બચવા માટે તરફડિયાં મારવા માંડ્યાં, પણ એ આકૃતિ એટલી કદાવર થઈ ગઈ કે આસપાસનું કંઈ દેખાતું નહોતું. ધ્યાનથી જોયું તો એ પડછાયો ચમેલીનો હતો. અરે આ તો…

તું તો મૃત્યુ પામી હતીને?’ ગોહિલે સવાલ કર્યો. હા, પણ તેં જ તો મને જગાડી!’
એટલે?' હું શાંતિથી સૂતી હતી. તેં ઊંઘમાં ખલેલ પાડીને મને બહાર કાઢી!’
`પણ… પણ એ તો મારી ડ્યૂટીનો ભાગ હતો. હું ન્યાય અપાવવા…’

ગોહિલ ખુલાસો કરે તે પહેલાં બીજા ખાડામાંથી સલ્લુની છાયા તેની નજીક આવી. પછી તો દરેક ખાડામાંથી આકૃતિઓ બહાર આવવા લાગી. ધીરે ધીરે કદાવર દેખાતી બધી આકૃતિ ગોહિલને ઘેરી વળી.

આવી પળે ગોહિલના મનમાં વિચાર આવવો સ્વાભાવિક હતો: જંગલના રહેવાસીઓ સાચું કહે છે કે અહીં ભૂત... આત્માનો વાસ છે.' મેં તો હત્યારાને પકડીને તેને સજા અપાવવા આવું કર્યું હતું?’ ગોહિલ વિનવણીના સૂરમાં બોલ્યો.
`તો ક્યાં છે અમારો હત્યારો? એ ન મળતો હોય તો તારે અમારી સાથે આવવું પડશે!’

રોકકળ કરતાં બધા પડછાયા ગોહિલને પોતાની તરફ ખેંચવા લાગ્યા… રડારોળના અવાજે ગોહિલના કાન ફાડી નાખ્યા. મદદ માટે ગોહિલ બૂમો પાડવા લાગ્યો, પણ તેના મોંમાંથી અવાજ નીકળતો નહોતો. બધી આકૃતિએ ગોહિલને ખાડામાં ખેંચી લીધો. તેણે વધુ જોરથી બૂમો પાડવાનો પ્રયત્ન કર્યો, પણ ખાડો માટીથી પુરાવા લાગ્યો અને…

`ગોહિલ… ગોહિલ. શું થયું તમને?’
ઊંઘમાંથી ઝબકીને બેડ પર બેઠા થઈ ગયેલા ગોહિલને સામે પત્ની તૃપ્તિ ઊભેલી દેખાઈ. પરસેવે રેબઝેબ થઈ ગયેલો ગોહિલ ગભરાયેલો હતો અને તેના શ્વાસોશ્વાસ તેજ ગતિએ ચાલતા હતા.

શું થયું?’ તૃપ્તિએ ફરી પૂછ્યું. કંઈ નહીં… સપનું હતું!’ કહીને ગોહિલે પૂછ્યું: કેટલા વાગ્યા?’ અગિયાર!’

આટલું મોડું… તેં મને જગાડ્યો કેમ નહીં?’ ભરઊંઘમાં હતા એટલે સૂવા દીધા.’ તૃપ્તિએ કહ્યું.
…પણ સપનામાં શું જોયું કે આટલા ડરી ગયા?’ કંઈ નહીં… મારે તાત્કાલિક નીકળવું પડશે!’ કહીને ગોહિલ બાથરૂમ તરફ દોડ્યો…

મારા પેશન્ટની માહિતી તમને શા માટે જોઈએ છે?’ સર… આ મર્ડર કેસ છે! તમને નથી ખબર?’ ઈન્સ્પેક્ટર રવિ કદમે આશ્ચર્યથી પૂછ્યું.
મર્ડર? મને કઈ રીતે ખબર હોય?’ રિસેપ્શનિસ્ટે તમને જાણ ન કરી?’

`ના… એણે તો એટલું જ કહ્યું કે અહીં ઑપરેશન કરાવનારા પેશન્ટની બૉડી મળી છે એટલે માહિતી લેવા તમે આવવાના છો.’ ડૉક્ટરે ચોખવટ કરી.

આરેના જંગલમાં દાટેલી સલ્લુની લાશ મળી હતી. તેના પગમાં બેસાડાયેલી મેટલ પ્લૅટની તપાસમાં પોલીસ અંધેરીની હૉસ્પિટલ સુધી પહોંચી હતી. હૉસ્પિટલમાંથી સલ્લુની તસવીર અને અન્ય વિગતો પ્રાપ્ત કરવા ઈન્સ્પેક્ટર કદમ અને સબ-ઈન્સ્પેક્ટર વિજય કાળે આવ્યા હતા.

ઑફિસર, શું આ… સલ્લુની હત્યા થઈ હતી?’ ડૉક્ટરે પૂછ્યું. અત્યાર સુધીની તપાસમાં તો એવું જ લાગે છે… હત્યા પછી તેના શબને જમીનમાં દાટી દેવામાં આવ્યું હતું.’ કદમે કહ્યું.

ઓહ… ગૉડ! આટલી ક્રૂરતા કોણે આચરી? હત્યારો પકડાઈ ગયો?’ આંચકો લાગતાં ડૉક્ટરે સવાલ કરવા માંડ્યા. હત્યારો હજુ પકડાયો નથી, પણ એ તમારા પ્રોફેશનમાં હોવાનો અંદાજ છે!’ કદમે દાણો ચાંપ્યો.
વૉટ ડુ યુ મીન, ઑફિસર!’ ડૉક્ટર તમતમી ગયા. તેને ઈન્જેક્શનથી દવાનો ઑવરડોઝ આપીને મારવામાં આવ્યો છે!’ કદમે બીજો પાસો ફેંક્યો.

દવાનો ઑવરડોઝ? આ રીતે કોઈને મારવાની ઘટનાઓ જવલ્લે જ સાંભળવા મળે છે.’ ડૉક્ટરે શાંતિથી વિચારીને કહ્યું. એટલે જ તો કહ્યું, ડૉક્ટરસાહેબ… કે તમારા પ્રોફેશનની વ્યક્તિએ સલ્લુને માર્યો હશે.’

કદમે વાત પૂરી કરતાં કહ્યું: એવું નથી કે ડૉક્ટરની જ સંડોવણી હશે… નર્સ અથવા કમ્પાઉન્ડરનું પણ આ કૃત્ય હોઈ શકે!’ ડૉક્ટરસાહેબ… મૂળ વાત પર આવીએ? સલ્લુની વિગત આપશો?’ લાંબી ચાલેલી ચર્ચાથી કંટાળી કાળે મુદ્દા પર આવ્યો.

હાં. એનું નામ સલીમ શેખ ઉર્ફે સલ્લુ હતું…’ વ્હૉટ?’
`કેમ? આમ ચોંક્યા શા માટે?’

`કંઈ નહીં!’ કદમે વાત ઉડાડી દીધી, પણ કાળે સમજી ગયો કે ડ્રગ્સ લૅબોરેટરી મળી આવ્યા પછી તેમની ટીમ આ સલીમ શેખને શોધતી હતી અને જમીનમાંથી મળેલી લાશ એ જ શેખની હોવાની જાણ થતાં કદમને આંચકો લાગ્યો હતો.

`દરદીનું નામ રિસેપ્શનિસ્ટના કમ્પ્યુટરમાં કેમ નથી?’ કદમે વાત વાળી લેતાં પૂછ્યું.

`પેશન્ટની ડિટેઈલ્સ ગુપ્ત રાખવાનો હૉસ્પિટલનો નિયમ છે. ઈન્ક્વાયરી માટેનો સંપર્ક નંબર રિસેપ્શનિસ્ટના ટેબલ પર છે અને કોઈ પેશન્ટની વિગતો જાહેર ન થાય તે માટે અમુક જ માહિતી ત્યાંના કમ્પ્યુટરમાં ફીડ કરવામાં આવે છે.’

ઓહ… સલ્લુ ક્યાં રહેતો હતો… શું કરતો હતો જેવી કોઈ વિગત ખરી?’ કાળેએ સવાલ કર્યો. ફાઈલમાં જોતાં ડૉક્ટરે કહ્યું:અહીં તો આરેના યુનિટ છવ્વીસનું એડે્રસ છે અને કોઈ પ્રોડક્ટના પ્રમોશનના એજન્ટ તરીકે તે કામ કરતો હતો.’

પ્રોડક્ટ પ્રમોશનનો એજન્ટ સાંભળીને કદમને હસવું આવ્યું. સાલો… મોતનો સોદાગર!' એડ્રેસ પ્રૂફ શું આપ્યું હતું?’ હસવું રોકી કદમે પૂછ્યું.

આધાર કાર્ડની ઝેરોક્સ છે અને તેના પર પણ એ જ સરનામું નોંધેલું છે.’ ડૉક્ટરની નજર વારંવાર ફાઈલના દસ્તાવેજો પર જતી હતી. તેનું ઑપરેશન આઠ મહિના પહેલાં કરાયું હતું. બાઈક એક્સિડેન્ટમાં તેના પગમાં ફ્રેક્ચર થયું હતું.’ ડૉક્ટરે ફાઈલમાંથી માથું ઊંચું કર્યું.

શેખની તસવીર ડૉક્ટર પાસેથી મેળવી કદમ અને કાળે ખુરશીમાંથી ઊભા થવા ગયા ત્યાં કદમને કંઈ યાદ આવ્યું એટલે તેણે પૂછ્યું:

ના… ના. ફી સલ્લુએ નહોતી ભરી. એક સમાજસેવી સંસ્થાએ ઑપરેશનનો ખર્ચ ઉઠાવ્યો હતો!’

કદમ અને કાળે બન્નેએ અચરજથી વિચાર્યું: ડ્રગ્સ બનાવવા જેવા હીન કાર્યમાં સંડોવાયેલા શેખને સામાજિક સંસ્થા મદદ કરે!’ કઈ સંસ્થાએ મદદ કરી હતી?’ કાળેએ પૂછ્યું.

અહીં અંધેરીના ચકાલા પરિસરમાં આવેલીજીવનયાત્રા’ સંસ્થાએ આર્થિક મદદ પૂરી પાડી હતી.’
આ નામ પહેલાં પણ સાંભળ્યું હોવાનું લાગે છે!’ કદમ વિચારમાં પડ્યો. જાણીતા ડૉક્ટર વિશ્વાસ ભંડારી એ સંસ્થાના ટ્રસ્ટી છે!’
કદમ આ આઘાત પચાવે ત્યાં ડૉક્ટરે દસ્તાવેજો દેખાડતાં ફરી ધડાકો કર્યો:
`વિધાનસભ્ય ગુલાબરાવ જાંભુળકરના ભલામણ પત્રથી આર્થિક મદદ કરાઈ હતી!’ (ક્રમશ:)

આ પણ વાંચો…પ્લૉટ-16 – પ્રકરણ-26 ઈન્જેક્શનથી દવાનો ઑવરડોઝ આપીને મોત!

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button