પ્લૉટ-16 – પ્રકરણ-26 ઈન્જેક્શનથી દવાનો ઑવરડોઝ આપીને મોત!

યોગેસ સી. પટેલ
`સર… ભાગવતીને કાર નીચે કચડનારા યુવાન પાસેથી કામની કોઈ માહિતી મળી નથી. આપણા કેસ સાથે તેને કશી લેવાદેવા નથી.’ સબ-ઈન્સ્પેક્ટર દત્તા બંડગરે માહિતી આપી.
ગોરેગામના સ્ટેશન રોડ પર મંજરીની માતા ભાગવતીનું કારની અડફેટે મૃત્યુ થયું હતું. અકસ્માત પછી ડ્રાઈવર કાર સાથે અંધેરીની દિશામાં ફરાર થઈ ગયો હતો. વનરાઈ પોલીસે સીસીટીવી કૅમેરાનાં ફૂટેજની મદદથી કારને શોધી કાઢી હતી અને અકસ્માત સમયે કાર ચલાવનારા યુવાનને પકડી પાડી લૉકઅપભેગો કર્યો હતો.
આ વાતની જાણ થતાં બંડગરને આરોપી યુવાનની પૂછપરછ કરવા અને વધુ વિગતો મેળવવા વનરાઈ પોલીસ સ્ટેશને મોકલવામાં આવ્યો હતો. બંડગર પાછો ફર્યો ત્યારે ડીસીપીની મીટિંગ ચાલુ હતી એટલે તે ગાયકવાડની બાજુની કૅબિનમાં કોન્સ્ટેબલ નામદેવ દળવી સાથે બેઠો હતો. ડીસીપીના ગયા પછી તે તરત ગોહિલને મળવા ગાયકવાડની કૅબિનમાં પ્રવેશ્યો.
`ઘટના સમયે વિલે પાર્લેનો યુવાન કાર ચલાવતો હતો, જેને વનરાઈ પોલીસે તેના ઘરેથી તાબામાં લીધો. રાતે કામ પતાવીને યુવાન મિત્રો સાથે બારમાં દારૂ પીવા બેઠો હતો.’ બંડગરે કહ્યું.
`દારૂના નશામાં કાર ચલાવીને ભાગવતીને અડફેટે લીધી હતી. તે સમયે કારમાં બે મિત્ર પણ હતા.’
`ભાગવતીને હૉસ્પિટલ પહોંચાડવાને બદલે કાર ભગાવી શા માટે?’ ગાયકવાડે પૂછ્યું.
એ જ સમયે કદમના મોબાઈલની રિંગ વાગી. હેલિકૉપ્ટર રાઈડ કરાવનારી કંપનીમાંથી કૉલ હતો એટલે વાત કરવા કદમ કૅબિન બહાર ગયો.
`સર… યુવાનનું કહેવું છે કે અકસ્માતના સ્થળે એકઠા થયેલા લોકો ફટકારશે, એ બીકે તે ત્યાંથી કાર ભગાવી ગયા હતા!’
`…તો ભાગવતીને એ યુવાન કે તેના મિત્રો ઓળખતા નહોતા?’ હવે ગોહિલે પૂછ્યું.
`ના… સર. તેમણે તો ભાગવતીનું નામ પણ સાંભળ્યું નથી!’
`તને ખાતરી છેને?’
`સર… મેં આપણી સ્ટાઈલમાં… આડેહાથ લઈ પૂછપરછ કરી, પણ આપણા કેસ સાથે તેમને કોઈ નિસ્બત હોવાનું લાગતું નથી.’ બંડગરે દૃઢતાથી કહ્યું.
`ઠીક છે… તો આ માત્ર અકસ્માત હશે. વિરોધી પક્ષ નેતા બાપટ નકામા બરાડા પાડતા હતા કે કાવતરું ઘડીને ભાગવતીને મારી નાખવામાં આવી છે… તેમના આક્ષેપોને કારણે મને પણ શંકા ગઈ હતી કે કદાચ ભાગવતીને યોજનાબદ્ધ રીતે કાર નીચે કચડવામાં આવી હશે!’ ગોહિલે કહ્યું.
ચર્ચા પતી તે સમયે જ કદમ કૅબિનમાં પાછો ફર્યો એટલે ગોહિલ અને ગાયકવાડ તેની સામે જોવા લાગ્યા. કોઈ પ્રશ્ન વિના જ કદમે કહેવા માંડ્યું.
`હેલિકૉપ્ટર રાઈડ કરાવતી કંપનીના અધિકારીનો ફોન હતો. બ્લૅક બૉક્સની તપાસમાં કોઈ નક્કર જાણકારી મળી નથી.’
કદમે ઉમેર્યું: `એન્જિનમાં ખામીને કારણે હેલિકૉપ્ટર તૂટી પડ્યું હોવાનું અત્યાર સુધીની તપાસમાં જણાયું છે. રાઈડ પહેલાં હેલિકૉપ્ટરની બરાબર તપાસ કરવામાં આવે છે તેમ છતાં આવું કેમ બન્યું તેની તપાસ ચાલુ છે, એવું અધિકારીનું કહેવું છે.’
`એટલે કે તેમણે હાથ ખંખેરી નાખ્યા… બરાબરને?’ ગાયકવાડે ટોણો માર્યો.
અધિકારી કહે છે, વિગતવાર તપાસમાં ઘણો સમય નીકળી જશે એટલે અત્યારે કૉલ કર્યો હતો.’ કદમે વાત પૂરી કરી. પત્યું… જવા દે. ત્યાંથી પણ કોઈ મદદ મળે એમ નથી. હવે આપણી તપાસમાં આગળ વધીએ.’ કહીને ગોહિલ ખુરશીમાંથી ઊભો થયો.
`ડૉક્ટર મંદિરાની પૂછપરછ માટે આરે હૉસ્પિટલ જાય છે?’ ગાયકવાડે પૂછ્યું.
`ના… એની પાસે તો પૂરી તૈયારી સાથે જવું પડશે. પહેલાં શિંદે ગયો હતો ટીમ લઈને, પણ ડૉક્ટરો પાસેથી કેવો સહકાર મળ્યો તે જોયું છે આપણે.’
ગોહિલે કહ્યું: `હવે સામા સવાલ કરવાનો ડૉક્ટરોને મોકો નથી આપવો. શક્ય તેટલા પુરાવા સાથે તેમને આંટીમાં ભેરવવા છે!’
ગાયકવાડે સ્માઈલ કર્યું: `જોશની સાથે સમજદારી રાખવી જરૂરી છે, ગોહિલ!’
એટલે જ તો પહેલાં અંધેરીની હૉસ્પિટલમાંથી મેટલ પ્લૅટવાળી બૉડીની વિગતો અને કૂપર હૉસ્પિટલમાંથી શબ સંબંધી માહિતી મેળવી લેવી છે. પછી આગળની વ્યૂહરચના વિચારીએ. અત્યારે કૂપરના ડૉક્ટર માજીવડેને તો મળી લઉં!’ વાત પતાવીને ગોહિલ ટીમ સાથે કૅબિન બહાર નીકળ્યો… ××× આ કેવાં નામ છે, ડૉક્ટરસાહેબ!’
કેમ? તમને ન ગમ્યાં? તમારે ક્યાં શબને ઘરમાં રાખીને પાળવાનાં છે!’ …પણ આજના જમાના અનુરૂપ નામ રાખવાં જોઈએને?’
આરેના જંગલમાં દટાયેલાં શબ શોધવાની કામગીરી અટકાવી દેવામાં આવ્યા પછી ડીસીપી સુનીલ જોશીએ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. ડીસીપીએ અમુક સૂચનો કરતાં પોલીસે તપાસની ગતિ વધારી હતી. આરે હૉસ્પિટલની ડૉ. મંદિરા અજવાનીની પૂછપરછ પહેલાં ઈન્સ્પેક્ટર ચંદ્રેશ ગોહિલ ટીમના અધિકારીઓ સાથે કૂપર હૉસ્પિટલ આવ્યો હતો.
જમીનમાંથી મળેલી એક લાશની તપાસમાં પોલીસ આરે હૉસ્પિટલનાં ડૉ. મંદિરા અજવાની સુધી પહોંચી હતી. તે પહેલાં હેલિકૉપ્ટર દુર્ઘટના સ્થળેથી મળેલા મંજરી નવલેના શબની તપાસમાં પણ આરે હૉસ્પિટલના ડૉ. મૃત્યુંજય હિરેમઠનું નામ સામે આવ્યું હતું. ડૉ. હિરેમઠના નિવેદનથી કોઈ ખાસ માહિતી મળી નહોતી એટલે આ વખતે ગોહિલ ઉતાવળ કરવા માગતો નહોતો. સબળ માહિતી એકઠી કરીને ડૉ. મંદિરાની પૂછપરછ કરવાનું તેણે નક્કી કર્યું હતું. એટલે જ તે પહેલાં કૂપર હૉસ્પિટલના ડૉ. ભાવિક માજીવડેને મળવા આવ્યો હતો.
`જુઓ… આ બધાં શબ-અવશેષ જંગલમાંથી મળ્યાં છે… એટલે ફૂલો પરથી મેં તેમનાં નામ રાખ્યાં છે અને… શબને ફૂલ-હાર જ અર્પણ કરાય છેને!’ ડૉ. માજીવડેએ હસતાં હસતાં કહ્યું.
ડૉ. માજીવડેએ મૃતદેહોનાં નામ સ્ત્રી-પુરુષ અનુસાર ગુલાબ, ચમેલી, લીલી, કમળ, પરાગ અને રાતરાણી રાખ્યાં હતાં. આ નામો ગોહિલને વિચિત્ર લાગ્યાં. તે મૉડર્ન નામોની અપેક્ષા રાખતો હતો.
કોઈ લેડી ડૉક્ટરને કહ્યું હોત તો મજાનાં નામ શોધી કાઢ્યાં હોત!’ મહિલા સબ-ઈન્સ્પેક્ટર વિદ્યા પાટીલ બોલી પડી. એટલે કે મહિલાઓ લેટેસ્ટ નામ રાખવામાં માહેર હોય છે!’ પાટીલે સ્પષ્ટતા કરી.
`તો તમે કહો… એ નામ રાખીએ!’ ડૉ. માજીવડેએ મલકાતાં કહ્યું.
ડૉક્ટરસાહેબ… છોડોને આ બધી મગજમારી. તમને ગમ્યાં એ જ નામ બરાબર છે. અમને દરેક શબની વિગતો એક વાર આપી દો… પછી અમે બધું સમજી લઈશું. વારંવાર નામના રટણની જરૂર નહીં પડે!’ ગોહિલે ચર્ચાનો અંત આણ્યો. તમારા કામની વાતો તો ઘણી છે અને મને લાગે છે… ફોરેન્સિકની તપાસમાં વધુ રહસ્યો છતાં થઈ શકે!’
ડૉ. માજીવડે ખુરશી પર બેઠાં બેઠાં થોડા સરક્યા અને ટેબલ પર પડેલી ડાયરી ખોલી.
`જેના પગમાંથી મેટલ પ્લૅટ મળી એનું નામ શું કહ્યું તમે… હા, સલ્લુ… એનું અમે ગુલાબ નામ પાડ્યું હતું, પણ હવે તેને સલ્લુ તરીકે જ ઓળખીએ તો તે અંદાજે પિસ્તાલીસથી પચાસ વર્ષનો હશે.’
ડૉ. માજીવડે વારંવાર ડાયરીમાં જોઈને બોલતા હતા: `તેના મૃત્યુનો ચોક્કસ સમય તો ફોરેન્સિકવાળા જ કહી શકશે, પણ અમારા અનુમાન પ્રમાણે તેના મૃત્યુને લગભગ મહિનો થયો હશે. તેનું શબ ઘણું કોહવાયેલું છે… એ તો સારું થયું, તેના પગમાંથી મેટલ પ્લૅટ મળી.’
`પગના હાડકામાં ક્રેક પડવાને કારણે પ્લૅટ બેસાડવામાં આવી હતી. મને લાગે છે કે તેને કોઈ અકસ્માત નડ્યો હશે.’ વાત પૂરી કરતા હોય તેમ ડૉ. માજીવડેએ ડાયરીમાંથી નજર ઊંચી કરી.
`આ ચિત્રગુપ્તનો ચોપડો છે?’ એપીઆઈ પ્રણય શિંદેને ટીખળ સૂઝ્યું.
બધાએ શિંદે તરફ જોયું એટલે કસમયે ટિપ્પણી કર્યાનું તેને ભાન થયું. વાત વાળી લેતાં તેણે કહ્યું: `એટલે કે મૃત્યુ પામેલી દરેક વ્યક્તિઓની નોંધ અને વિગતો આ ડાયરીમાં છે?’
`ના… આરે જેવી ગંભીર અને સંવેદનશીલ ઘટનાઓનો ભોગ બનેલી વ્યક્તિઓની નોંધ હું કરી રાખું છું.’ ડૉ. માજીવડેએ કહ્યું.
`…પણ આ સલ્લુનું મોત કઈ રીતે થયું હશે?’ ઈન્સ્પેક્ટર રવિ કદમ મુદ્દા પર આવ્યો.
`એ તો ઘણી ચોંકાવનારી વાત છે. સલ્લુના શરીર પર અને આંતરિક ઇજાનાં કોઈ નિશાન નથી. તેને ઈન્જેક્શનથી કોઈ દવાનો ઑવરડોઝ આપીને મારવામાં આવ્યો છે.’
એટલે?'
એટલે કે તેને કોઈ સામાન્ય ગુંડાએ માર્યો નહીં હોય… આ તો ડૉક્ટર, કમ્પાઉન્ડર કે નર્સનું કામ હશે?’ ડૉ. માજીવડેએ હવે ડાયરી બંધ કરી.
`સલ્લુનું કોઈ અંગ કાઢવામાં નથી આવ્યું, પણ તેના શરીરમાંથી ડ્રગ્સના અંશ મળ્યા છે… મારું માનવું છે કે આ સલ્લુ તમારા ડ્રગ્સ કેસ સાથે સંકળાયેલો હશે!’ ડૉ. માજીવડેએ માહિતી પૂરી કરી.
એને માર્યો શા માટે હશે?’ કદમે અમસ્તો પ્રશ્ન કર્યો. એ તો તમારે શોધવાનું છે!’ ડૉક્ટરે કહ્યું.
`…તો બાકીનાં શબની શું કહાની છે?’ ગોહિલે પૂછ્યું.
`એની તપાસ ચાલી રહી છે… એકના તો માત્ર અવશેષ મળ્યા છે એટલે તેના વિશે ફોરેન્સિકમાંથી જ જાણી શકાશે, પણ…’
ડૉ. માજીવડેએ કહ્યું: `મારા નૉલેજને આધારે હું એમ કહી શકું કે એ લોકોનાં અંગો ઇરાદાપૂર્વક કાઢવામાં આવ્યાં હશે અને કદાચ એટલે તેમનાં મોત થયાં હશે!’
`તમારી માહિતી કામની તો છે, પણ ગૂંચવણમાં નાખનારીય છે!’ શિંદેએ માથું ખંજવાળતાં કહ્યું.
અત્યારથી માથું ખંજવાળવા લાગ્યા… હજી તો ઘણા આટાપાટાનો ખેલ જોવાનો છે!’ ડૉ. માજીવડેએ બધાને ચોંકાવ્યા. તમે કહેવા શું માગો છો, ડૉક્ટરસાહેબ?’ ગાહિલે આશ્ચર્યથી પૂછ્યું.
`ઑફિસર, આ યુવતી… જેને અમે ચમેલી નામ આપ્યું છે તે ત્રેવીસથી પચીસ વર્ષની હશે અને તેનું મૃત્યુ શબ મળ્યાના પાંચેક દિવસ અગાઉ જ થયું હશે. લાશ વધુ કોહવાયેલી ન હોવાથી તે તપાસમાં વધુ મદદરૂપ થશે, એવું ફોરેન્સિક નિષ્ણાતનું અનુમાન સાચું છે.’
`હા… ચહેરો હજુ સાબૂત હોવાથી તેની ઓળખ મેળવવાના પ્રયત્ન ચાલુ છે. એક વાર યુવતીની ઓળખ થાય તો તે કોના સંપર્કમાં હતી અને છેલ્લે તેની સાથે શું થયું… જેવી વિગતો મળી જશે!’ કદમે ઉતાવળે કહ્યું.
`આંચકાજનક વાત એ છે, ઑફિસર કે તેના શરીરમાંથી એક નહીં, ઘણાં અંગ ગુમ છે અને તેના શરીરમાંથી પણ ડ્રગ્સના અંશ મળ્યા છે!’
બધા પોલીસ અધિકારી ફાટી આંખે ડૉક્ટરને જોઈ રહ્યા.
`આ કેસની તપાસનો માર્ગ ઘનઘોર જંગલથી ઘેરાયેલો છે. કેસ ઉકેલવા તમારે આ વનરાજીમાં સાવચેતીથી આગળ વધી ઊંડા ઊતરવું પડશે.’
`આટલાં વર્ષોની પ્રેક્ટિસ દરમિયાન મારી પાસે ક્યારેય આવો વિચિત્ર કેસ આવ્યો નથી, જેમાં માનવશરીરનાં અગો ગુમ હોય અને તેને નશીલા પદાર્થ સાથે સંબંધ હોય!’
થોડું વિચારી ડૉ. માજીવડેએ કહ્યું: `આ કોઈ સામાન્ય ઘટના નથી અને આલિયામાલિયાનું કામ નથી… આ તો કોઈ ભેજાબાજની મેલી રમત છે!’ (ક્રમશ:)