પ્લોટ-16 – પ્રકરણ-24 : જંગલમાં રહેતી વ્યક્તિનું આ કાવતરું?

- યોગેશ સી પટેલ
બોલેરોના પેસેન્જર સાઈડ રિઅરવ્યૂ મિરરમાં જોઈ ગોહિલ મલકાયો. ધાર્યું નિશાન ભેદવામાં સફળતા મળી હોવાનો સંતોષ તેના ચહેરા પર હતો. જૉની-બૉનીની અવસ્થા જોઈ ગોહિલને ડ્રાઈવર સંજય માનેની પીઠ થાબડવાનું મન થયું.
‘ગુડ જૉબ… માને!’
ગોહિલે પ્રશંસા કરી, પણ માને કપાળથી ઊતરેલા પરસેવાના રેલા લૂંછવામાં વ્યસ્ત હતો. ચહેરા પર પરાણે સ્મિત સાથે ગરદન હલાવી તેણે ખુશી વ્યક્ત કરી. ઊંડો શ્ર્વાસ લઈ તેણે ઘટનાક્રમ યાદ કર્યો…
જૉની-બૉનીને બોલેરોની નીચે કચડવાનો આદેશ ગોહિલે આપ્યો એટલે તેના શરીરમાં કંપારી છૂટી… અનિચ્છાએ પણ આદેશનું પાલન કરવાની તેની ફરજ હતી… ડરને કારણે હાથ-પગમાં ઝણઝણાટી થઈ… પરસેવો વળવા લાગ્યો અને હથેળીઓ પણ ભીની થઈ… ભીની હથેળીને કારણે સ્ટિયરિંગ પરની પકડ ઢીલી પડવાનો તેને ભય હતો…
ધ્રૂજતા પગે તેણે એક્સિલરેટર દબાવ્યું… બોલેરો સ્ટાર્ટ થતાં તેણે તરત ગિયર બદલ્યું… ઝાટકા સાથે બોલેરોએ સ્પીડ પકડી… ખતરાનો અણસાર આવતાં સતર્ક થઈ ગયેલા જૉની-બૉનીએ ગાંડાવેડા અને ઊછળકૂદ બંધ કરી… પલક ઝબકારામાં બોલેરો ધસી આવતી જોઈ જૉની-બૉની એકદમ ત્વરાથી રસ્તાને કિનારે ઝાડી-ઝાંખરાંમાં કૂદી પડ્યા… અને તે જ ક્ષણે તેણે પણ તો બ્રેક દબાવવાની સાથે સ્ટિયરિંગ જમણે ફેરવી બોલેરોની દિશા થોડી બદલી હતી…
‘મને તારી ડ્રાઈવિંગ પર પૂરો ભરોસો છે… મને ખાતરી હતી કે તું ગાડી સ્પીડમાં ચલાવશે, પણ બન્ને પાગલને અડફેટે નહીં લે!’ ગોહિલે માનેની પ્રશંસા કરવાનું ચાલુ રાખ્યું, પણ તેની નજર સાઈડ રિઅરવ્યૂ મિરર પર મંડાયેલી હતી. હવે બોલેરો ગોકળગાયની ગતિએ આગળ વધતી હતી. જીવ બચાવીને ઊભેલા જૉની-બૉની થર થર ધ્રૂજતા હતા, જે ગોહિલને કાચમાં સ્પષ્ટ દેખાતું હતું.
ગોહિલના હોઠ પર હાસ્ય હતું, પણ બોલેરોમાં બેસેલા શિંદે, સાવંત અને દળવીના શ્ર્વાસ અધ્ધર થઈ ગયા હતા. જૉની-બૉની સહીસલામત હોવાનું જોઈ તેમણે પણ રાહતનો શ્વાસ લીધો. પાછળ ક્વોલિસમાં બેસેલા સિનિયર ઈન્સ્પેક્ટર અશોક ગાયકવાડ અને તેમની ટીમ આઘાત સાથે જોતી રહી…
ગોહિલની ટીમે શું કર્યું તે તેમની સમજની બહાર હતું.
‘ગાડી ઊભી રાખ.’ ગોહિલે કહેતાં માનેએ બ્રેક લગાવી.
‘શું થયું… સર!’ હવે ગોહિલ શું કરવાનો છે એના વિચારમાં માનેથી પુછાઈ ગયું.
‘દળવી… તું તો કહેતો હતો કે આ પાગલ છે… હવે તને લાગે છે?’ ગોહિલે રિઅરવ્યૂ મિરરમાં જોતાં પ્રશ્ન કર્યો.
‘કેમ? તમારું શું માનવું છે, સર!’ દળવી ચૂપ રહ્યો, પણ સાવંતે સવાલ કર્યો.
‘મારું માનવું નથી… હું સાબિત કરવા માગતો હતો કે આ બન્ને પાગલ નથી!’ ગોહિલે ધડાકો કર્યો.
‘આ બન્ને ગાંડા છે કે નહીં એ અંગે મેં પહેલાં પણ સંદેહ વ્યક્ત કર્યો હતો, પણ મારે ખાતરી કરવી હતી!’ ગોહિલે સમજાવ્યું.
‘હું સમજ્યો નહીં, સર!’ શિંદેએ પૂછ્યું.
‘શિંદે… કોઈ પાગલ પોતાનો બચાવ આટલી ચપળતાથી કરી શકે? હું ખાતરીપૂર્વક કહું છું કે આ બન્ને પાગલ નથી!’
‘તો આમ જંગલમાં પાગલની જેમ આંટા શા માટે મારતા હશે… સર!’ હવે દળવી બોલ્યો.
‘એ જ તો શોધી કાઢવાનું છે.’ કહીને ગોહિલે આદેશ આપ્યો: ‘શિંદે… સાવંત… આ બન્ને પર સતત નજર રાખીને તેમના ઈતિહાસ… ભૂગોળ જે હોય તે ખોદી કાઢો. બન્ને પાગલ હોવાનું નાટક શા માટે કરે છે એ જાણવું અત્યંત જરૂરી છે!’
*
‘ટેકામજી… તમે જ કોઈ માર્ગ બતાવો. પાડાના રહેવાસીઓમાં ફફડાટ ફેલાયેલો છે… આમ ભયના ઓથાર નીચે કેવી રીતે જીવી શકાય!’ યુનિટ-16ના મુખિયા ભાસ્કર કડુએ યુનિટ-13ના મુખિયા બાળકૃષ્ણ ટેકામને આજીજી કરી.
ટેકામ વડીલ અને અનુભવી મુખિયા હતા, પણ આરેની જમીનમાંથી શબ મળી આવ્યા પછી તેમનીય હાલત કફોડી હતી. આ મુદ્દે ચર્ચા કરવા આરેના અમુક યુનિટના મુખિયા યુનિટ-6ની આરે કૅફે પાસે ભેગા થયા હતા. શું કરવું અને પરિસ્થિતિ કઈ રીતે સંભાળવી એ જ ટેકામને સૂચતું નહોતું. માથું નમાવીને એ શાંતિથી વિચાર કરતા હતા.
‘દિવસે દિવસે જમીનમાંથી શબ મળતાં જ જાય છે… આ સિલસિલો ક્યારે રોકાશે?’ કડુના શબ્દોમાં ચિંતા હતી.
‘મડદાં દાટવામાં આવતા હતા ત્યારે ધ્યાન ન આપ્યું… હવે ચિંતા કરીને શો ફાયદો?’ બીજા એક યુનિટના મુખિયાએ ચાનો ઘૂંટડો પીતાં કહ્યું.
‘તમને શું લાગે છે… મને પૂછીને લાશ દાટવામાં આવતી હતી?’ કડુ ભડક્યા.
‘શાંતિ રાખો… આમ આપસમાં લડવાથી કંઈ નહીં વળે!’ ટેકામે સમજાવ્યા.
‘શાંતિ રાખવાથી અને લડ્યા વિના કોઈ હલ નહીં નીકળે!’ યુનિટ પચીસના મુખિયા જુગલ મેશ્રામે લડાયક મિજાજમાં કહ્યું. કોયતા સાથે ફરનારા મેશ્રામને રોજ રાતે દેશી દારૂ ઢીંચવાની આદત હતી. અત્યારે મેશ્રામ દારૂના નશામાં હોવાની બધાને ખાતરી હતી.
‘મેશ્રામ, આમ જોશમાં નિર્ણય ન લે… તારી ટીમે કેટલા લોકોને વગર વાંકે ઝૂડી નાખ્યા છે એની અમને જાણ છે.’ ટેકામે મેશ્રામને ટોક્યો.
‘આપણે રહેવાસીઓની સુરક્ષા પર ધ્યાન આપવું જોઈએ. કોઈને સજા આપવાનો હક આપણને નથી. પોલીસનું માનવું છે કે જંગલની કોઈ વ્યક્તિ આ કાંડમાં સંડોવાયેલી છે… તો એ કોણ હશે એ જાણવું પણ જરૂરી છે.’ ટેકામે મુદ્દાની વાત કરી.
‘મેં તો પહેલાં જ કહ્યું હતું કે જંગલમાં રહેનારા શેતાનનું કામ હશે… આ કડુએ પણ તો જાદુટોણા કરનારા બાબાઓની વાત કરી, જે જંગલમાં ભટકતા હોય છે!’ મેશ્રામ બોલતો હતો ત્યારે તેના મોંમાંથી દારૂની વાસ આવતી હતી.
‘કોઈ હરામખોર બાબાનું જ આ કરતૂત હશે… મેલી વિદ્યાના પ્રયોગમાં નિર્દોષ લોકોને પતાવી નાખ્યા હશે.’ કડુએ કટુવાણી ઉચ્ચારી.
‘આ જંગલમાં જાદુટોણાની વાત તો સામાન્ય છે… બાબાઓ પર નજર રાખવાની સાથે આપણા રહેવાસીઓને સુરક્ષિત કરવાના છે!’ ટેકામ ફરી મુખ્ય વાત પર આવ્યા.
‘અને હાં… હવે આ ડ્રગ્સની નવી કમઠાણ થઈ છે. એના પર પણ ધ્યાન આપવું પડશે.’ ટેકામે ચિંતા વ્યક્ત કરી.
‘ડ્રગ્સનું કારખાનું અમારા યુનિટમાં નહોતું!’ કડુએ હાથ ખંખેર્યા.
‘એની બધાને ખબર છે… તમારા યુનિટમાં નહીં, પણ આપણા જંગલમાં જ ચાલતો હતોને આ ધંધો?’ એક મુખિયાએ જણાવ્યું.
‘એ જ તો ગંભીર વિષય છે… કોણ જાણે આવા કેટલા ગોરખધંધા અહીં જંગલમાં ચાલે છે. આપણા રહેવાસીઓ આવું હીન કાર્ય નહીં કરે… બહારની વ્યક્તિઓ અહીં આવીને આવા વેપલા કરતી હશે.’
આમ કહીને ટેકામે સલાહ આપી: ‘બહારથી આવીને જંગલમાં રહેનારી વ્યક્તિઓ પર આપણે નજર રાખવી જોઈએ… નહીંતર રહેવાસીઓની સુરક્ષા જોખમમાં આવી શકે!’
‘હું તો કહું છું કે રહેવાસીઓની સુરક્ષા માટે દરેક પાડાના ચાર-ચાર યુવાનની ટીમ બનાવવી જોઈએ, જે વારાફરતી રાતે પહેરો ભરે!’ ચા પતાવી ખાલી કપ ટેબલ પર મૂકતાં એક મુખિયાએ સૂચવ્યું.
‘પણ એમાંનું જ કોઈ આ કાંડમાં સામેલ હોય તો? કોના પર વિશ્ર્વાસ રાખવો એ કોણ નક્કી કરશે!’ મેશ્રામે રજૂ કરેલા મુદ્દાએ બધાને વિચારતા કરી મૂક્યા!
*
‘એ હિલતા મકાન! ક્યા હર વક્ત ફોન પે લગા રહતા હૈ!’ વિધાનસભ્ય ગુલાબરાવ જાંભુળકરનો અવાજ સાંભળી તેમના પર્સનલ આસિસ્ટન્ટ પ્રસન્ન ચૌધરીએ ફોન કટ કરવાની ઉતાવળ દાખવી.
‘ઠીક હૈ… મૈં બાદ મેં કૉલ કરતા હૂં… અભી અર્જન્ટ કામ હૈ!’ કહીને ચૌધરીએ કૉલ કટ કર્યો.
વિધાનસભ્ય ‘હિલતા મકાન’ કહીને બોલાવતા હોવાનો ચૌધરીને ગુસ્સો હતો, પણ અંગત લાભોને કારણે તે કોઈ વિવાદમાં પડવા માગતો નહોતો.
‘કિસ કે સાથ બાત કરતા થા?’ નગારા જેવા પેટ પર હાથ ફેરવતાં જાંભુળકરે પૂછ્યું.
‘સા’બ, આરે સે ફોન થા… ઔર એક લાશ મિલી હૈ!’
‘હે… રામ!’ કહેતાં જાંભુળકરનો હાથ પેટ પરથી કપાળ પર ગયો અને તે ‘ધબ’ કરતાં સોફામાં બેસી પડ્યા.
‘યે પુલીસવાલે મેરી કબ્ર બનાકે હી રહેંગે!’ હતાશામાં જાંભુળકર બોલ્યા.
‘સા’બ, ખબર યહ ભી હૈ કી ડીસીપી કો લગતા હૈ… જંગલ મેં રહનેવાલે કિસી કા યહ કામ હો સકતા હૈ!’ ચૌધરીએ માહિતી આપી.
‘મેરે મોબાઈલ સે ડીસીપી કો ફોન લગા… મુઝે બાત કરની હૈ!’ જાંભુળકરે ચૌધરી તરફ પોતાનો મોબાઈલ લંબાવ્યો.
ડીસીપી જોશીએ કૉલ રિસીવ કરતાં જ ચૌધરીએ મોબાઈલ જાંભુળકરને પાછો આપ્યો.
‘જય મહારાષ્ટ્ર… આમ્હી નાહી ભ્રષ્ટ! શું ચાલે છે, ડીસીપી… સાંભળ્યું છે કે વધુ એક લાશ મળી?’
‘હાં, સર. મારી પાસે અપડેટ આવે છે.’ જોશી ધીમા અવાજે બોલતા હતા. તે જાણતા હતા કે આ સમાચારથી નેતાઓના મગજનો પારો ઊંચે ચઢવાનો હતો.
‘અપડેટને શું કરું, ડીસીપી. હજુ કેટલી લાશ શોધવી છે?’ જાંભુળકરે ગુસ્સો ઠાલવ્યો.
‘સર, લાશ મળે છે ત્યાં સુધી ખોદવાની કામગીરી અટકાવવી મુશ્કેલ છે… ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટની હાજરીમાં કામગીરી ચાલે છે.’
‘એ બધી મને ખબર છે, પણ શું આખું જંગલ ખોદવું છે તમારે… અમને એ જંગલમાં દાટવાનો ઇરાદો છે!’ જાંભુળકરનો રોષ શાંત પડે એમ નહોતો.
‘હું પોતે કાલે ત્યાં જવાનો છું. કામગીરી બને એટલી વહેલી બંધ કરવાના હું પ્રયત્ન કરીશ!’ જાંભુળકરને શાંત પાડવાને ઇરાદે જોશીએ કહ્યું.
‘પેલા દિવસે તમને સમજાવ્યું હતુંને કે આ પ્રકરણ હવે વધવું ન જોઈએ… તો પછી હજુ લાશો કેમ મળે છે?’ જાંભુળકરનો કહેવાનો ઉદ્દેશ જોશી સમજી ગયા. જાંભુળકરની ગૃહ પ્રધાન સાથેની મીટિંગ પછી જ જોશી પર મામલો રફેદફે કરવાનું દબાણ આવ્યું હતું.
‘સર… આ કાંડમાં સામેલ લોકોની શોધ પણ ચાલુ જ છે!’ જોશી જાણે ઘૂંટણિયે આવી ગયા હતા.
‘મને ખબર પડી છે કે જંગલના રહેવાસી આમાં સંડોવાયેલા હોવાની પોલીસને શંકા છે?’ જાંભુળકરનો પ્રશ્ન સાંભળી જોશી ચોંક્યા.
‘જી.’
‘…તો રાહ કોની જુઓ છો. ચાર-પાંચ રહેવાસીને જેલમાં ધકેલી આ કાંડનો અંત લાવો!’ હવે જોશીને આંચકો લાગ્યો.
‘નેતાઓ પોતાની ચામડી બચાવવા કેવાં તરકટ કરતાં હોય છે અને આવાં કામ કરવા પાછા બિનધાસ્ત આદેશ આપતા ખચકાતા પણ નથી!’ જોશીને વિચાર આવ્યો.
‘આવું કરવું શક્ય નથી અને… યોગ્ય પણ નથી, સર!’
‘કેમ? એ બધું પણ મારે શીખવવું પડશે? કેસ ઉકેલવાના પોલીસના કાવાદાવાથી તમે અજાણ છો?’
જાંભુળકરે મોટો આંચકો આપતાં કહ્યું: ‘તમે કહેતા હો તો માણસો હું આપું… આ કાંડ તેમના માથે થોપીને આરોપી બનાવી દો એટલે ચૅપ્ટરનો ધ એન્ડ!’
ફોન કટ કરતાં પહેલાં વળી તે બોલ્યાય ખરા: ‘જય મહારાષ્ટ્ર… આમ્હી નાહી ભ્રષ્ટ!’ (ક્રમશ:)
આપણ વાંચો: પ્લૉટ-16 – પ્રકરણ-23: મેં જ જમીનમાં મડદાં દાટ્યાં…