પ્લોટ – 16 – પ્રકરણ-21 હેલિકૉપ્ટર તૂટી પડ્યું એટલે આ કારસ્તાન ઉઘાડું પડ્યું, નહીંતર લોકોને મારીને દાટી દેવાનું ચાલુ જ રહ્યું હોત…

યોગેશ સી પટેલ
યુનિટ-13ના મુખિયા બાળકૃષ્ણ ટેકામ અને યુનિટ-16ના મુખિયા ભાસ્કર કડુ મળવા આવ્યા હોવાથી ઈન્સ્પેક્ટર ગોહિલે ટીવી ઑફ્ફ કરી રિમોટ ટેબલ પર મૂક્યું. આરે પોલીસ સ્ટેશનમાંની ગોહિલની કામચલાઉ ઑફિસમાં ઈન્સ્પેક્ટર રાજીવ કામતની કૅબિનમાંથી લાવેલું ટીવી ગોઠવવામાં આવ્યું હતું. આજે ત્રીજા દિવસે પણ લાશ શોધવાની પ્રક્રિયા હાથ ધરાવાની હતી. અધિકારીઓને અલગ અલગ મુદ્દે તપાસમાં માર્ગદર્શન આપવા ગોહિલ આરે પોલીસ સ્ટેશનમાં વહેલો પહોંચી ગયો હતો.
‘બોલો, ટેકામજી… શું કામ નીકળ્યું?’ ટેકામ ઉંમરમાં ઘણા મોટા હતા અને બધા મુખિયા તેમને વડીલ ગણતા હોવાથી ગોહિલે પણ ટેકામજી કહીને માન આપ્યું.
‘સર, આપણા જંગલમાં એક પછી એક લાશ મળી રહી હોવાથી પરિસ્થિતિ કાબૂ બહાર જવાની ભીતિ છે!’ ટેકામે અગમચેતી આપી.
‘હું સમજ્યો નહીં?’ ગોહિલ પ્રશ્નાર્થ નજરે જોતો રહ્યો.
‘સાહેબ, યુનિટ પચીસના મુખિયા જુગલ મેશ્રામ યુવાનોને ભડકાવી રહ્યો છે… તેણે યુવાનોની ટીમ બનાવી છે, જે જંગલમાં શેતાનને શોધવા નીકળી છે!’ કડુએ સમજાવ્યું.
શેતાન સાંભળીને ગોહિલના મગજમાં ઝબકારો થયો. ગઈ કાલે ગાયકવાડે પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ ડીસીપીના આવવાથી વાત અધૂરી રહી ગઈ હતી.
‘આ શેતાન કોણ છે?’
‘કોઈ નથી! પણ મેશ્રામને લાગે છે કે આ બધી લાશ મળી છે તે કોઈ માનવભક્ષી કે એના જેવા શેતાનનું કામ છે!’ કડુએ કહ્યું.
‘માનવભક્ષી? આવું કોઈ જંગલમાં ખરેખર છે?’ એપીઆઈ શિંદેએ આશ્ર્ચર્યથી પૂછ્યું.
‘અત્યારના સમયમાં માનવભક્ષીની વાત નરી કલ્પના ગણાય. જંગલમાં માનવવસતિમાં વધારા પછી માનવભક્ષીના અસ્તિત્વનો પ્રશ્ન જ નથી!’ ગોહિલે કહ્યું.
‘એ જ વાત સમજાવવાનો પ્રયત્ન મેં કર્યો, પણ મેશ્રામ સમજવા તૈયાર નથી… તમે તેને સમજાવો, નહીંતર…’ ટેકામે વિનંતીના સૂરમાં કહ્યું.
‘મેશ્રામ અને તેની ટીમ નિર્દોષ લોકોનો જીવ લઈ લેશે… અત્યાર સુધી આ ટીમે ત્રણથી ચાર જણની પીટાઈ કરી છે… એ રાતે પણ પેલા તાંત્રિક બાબાને ધિબેડ્યો એની તમને જાણ છેને?’ ટેકામે કહ્યું.
‘હાં, પણ… અત્યારે મારે હેલિકૉપ્ટર દુર્ઘટના સ્થળે જવું પડશે. ફોરેન્સિક નિષ્ણાતો અને ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટનો આવવાનો સમય થઈ ગયો છે. મેશ્રામને પછી મળી ચર્ચા કરીશું.’ કહીને ગોહિલ ખુરશીમાંથી ઊભો થયો.
‘પછી મોડું ન થઈ જાય, સાહેબ!’
‘કેમ?’
‘રહેવાસીઓએ સાંજે વિરોધ પ્રદર્શન માટે રસ્તા પર ઊતરવાનું નક્કી કર્યું છે.’ કડુએ કહ્યું.
‘તો… આની જાણ ગાયકવાડસાહેબને કરવી જોઈએ.’ ગોહિલે સૂચવ્યું.
‘તેમને જ મળવા આવ્યા હતા, પણ દળવીએ કહ્યું કે તે ડૉક્ટરો સાથેની મીટિંગમાં વ્યસ્ત છે… દળવીએ જ અમને તમારી સાથે વાત કરવા કહ્યું હતું.’
‘ડૉક્ટરો મળવા આવ્યા છે?’ આશ્ર્ચર્ય સાથે ગોહિલે શિંદે તરફ જોયું.
‘સર… અધૂરામાં પૂરું, વિરોધ પ્રદર્શનમાં જોડાવા વિરોધી પક્ષના નેતા ગજાનન બાપટ આવવાના છે… અને એ કદાચ આગમાં ઘી હોમવાનું કામ કરશે!’
ટેકામની વાત સાંભળી ગોહિલના પગ થંભી ગયા. તેની નજર ટેકામના ચહેરા પર હતી.
‘મારે એટલું જ કહેવું છે કે તમારે સતર્ક રહેવાની જરૂર છે… વિરોધ પ્રદર્શન હિંસક બની શકે છે!’
‘અત્યારે એવી પરિસ્થિતિ છે કે આ જંગલમાં કોઈ પણ ક્ષણે દાવાનળ ફાટી શકે છે… તેમ છતાં તમારે જોખમ લેવું હોય તો અમે સાથ આપવા તૈયાર છીએ!’ સિનિયર ઈન્સ્પેક્ટર અશોક ગાયકવાડે ચેતવણી સાથે ધરપત આપી.
આરે હૉસ્પિટલના ડૉ. મૃત્યુંજય હિરેમઠ સાથે ડૉ. કુશલ સહાણે અને ડૉ. સંયમ ઈમાનદાર આરોગ્ય શિબિરના આયોજન અંગે ચર્ચા કરવા આરે પોલીસ સ્ટેશન આવ્યા હતા.
‘આરોગ્ય શિબિર માટે અત્યારે યોગ્ય સમય હોવાનું મને નથી લાગતું… બે દિવસ પહેલાં વિધાનસભ્ય જાંભુળકરનો પણ ફોન આવ્યો હતો. એમને પણ મેં પરિસ્થિતિ અનુરૂપ નિર્ણય લઈશું, એમ કહ્યું હતું.’ ગાયકવાડે જણાવ્યું.
‘જાંભુળકરને જ ઉતાવળ છે!’ ડૉ. ઈમાનદારે મોં બગાડ્યું.
‘હાં, પણ તમે જુઓ છો કે છેલ્લા ત્રણ દિવસમાં અહીંની પરિસ્થિતિ કેટલી બદલાઈ ગઈ છે… એમાંય આજે ભારે હંગામો થવાની શક્યતા છે!’
‘કેમ? શું થયું?’ ડૉ. સહાણેએ પૂછ્યું.
‘આરેના રહેવાસીઓમાં ભારોભાર ગુસ્સો ધરબાયેલો છે… દળવી ખબર લાવ્યો છે કે આજે સાંજે વિરોધ પ્રદર્શન માટે લોકો રસ્તા પર ઊતરવાના છે… આ ડૉક્ટરસાહેબને તો ખબર જ હશે…’ ગાયકવાડે ડૉ. હિરેમઠ તરફ ઇશારો કરતાં કહ્યું.
‘હાલપૂરતું શિબિરનું આયોજન ટાળો તો સારું… તેમ છતાં શિબિર ગોઠવવી જરૂરી હોય તો અમે સહકાર આપીશું.’ ગાયકવાડે ચોખવટ કરી.
‘મને પણ લાગે છે કે અત્યારે મેડિકલ કૅમ્પને રિસ્પોન્સ નહીં મળે અને સિક્યોરિટીનોય પ્રશ્ન ઊભો થઈ શકે.’ ડૉ. હિરેમઠે ચિંતા વ્યક્ત કરી.
‘અત્યારે જંગલમાંથી શબ મળી રહ્યાં છે એટલે લોકોમાં ગુસ્સો તો હોવાનો જ, પણ ઑફિસર… આટલી લાશ આવી ક્યાંથી?’ ડૉ. હિરેમઠ શિબિર પરથી લાશના મુદ્દા પર આવ્યા.
‘એની તપાસ ચાલી રહી છે.’ ગાયકવાડે વધુ માહિતી આપવાનું ટાળ્યું.
‘એકાદ બે હોય તો સમજ્યા… આ તો શબનો ઢગલો ખોદી કાઢવામાં આવ્યો!’ ડૉ. ઈમાનદારે કહ્યું.
‘ઑફિસર… આ લોકોને અહીં જ મારવામાં આવ્યા છે કે બીજે ક્યાંક… અને પછી અહીં દાટવામાં આવ્યા છે?’ ડૉ. સહાણેએ પણ ખણખોદ કરવા માંડી.
‘ડૉક્ટર, હજુ તો શબ મળ્યાં છે… હવે તપાસમાં બધી બાબતો સ્પષ્ટ થશે.’ ગાયકવાડ ડૉક્ટરો તરફ જોતા હતા, પણ તેમના મગજમાં એ વિચાર ચાલતો હતો કે ડૉક્ટરોને જંગલમાંથી મળેલાં શબમાં આટલો રસ કેમ જાગ્યો છે…
‘આટલી બધી લાશ જમીનમાંથી ખોદી કાઢીને શું મળવાનું છે?’ ડૉ. સહાણેએ અમસ્તો વિચાર રજૂ કર્યો.
‘કેમ? મૃતકોને ન્યાય ન મળવો જોઈએ? વ્યક્તિને લાશ બનાવનારા હરામખોરને પાઠ ભણાવવો જોઈએને?’ ગાયકવાડે થોડા ઊંચા અવાજે કહ્યું.
‘આવો હત્યાકાંડ કરનારાને તો કડક સજા થવી જોઈએ, પણ ઑફિસર… એ પાપી કોણ છે તેના કોઈ સંકેત મળ્યા?’
‘ના.’ ગાયકવાડ સવાલ-જવાબથી કંટાળ્યા.
‘હવે આ ડ્રગ્સનું નવું પ્રકરણ ક્યાંથી ઉખેડ્યું?’ ડૉ. ઈમાનદારે પૂછ્યું.
ડૉ. ઈમાનદારના પ્રશ્ન પછી ગાયકવાડને લાગ્યું હવે ચર્ચાનો અંત લાવવો જોઈએ. કારણ વગર સમય બગડી રહ્યો હોવાનું તેમને લાગ્યું.
‘એ બધા મુદ્દાની યોગ્ય સમયે તમને જાણ થઈ જશે… પણ અત્યારે તમે આરોગ્ય શિબિરની વાત કરવા આવ્યા છો કે જંગલમાંથી મળેલાં શબ અને ડ્રગ્સની માહિતી મેળવવા?’
‘જંગલને કબ્રસ્તાન બનાવી દીધું… અને કોઈને ખબર ન પડી, એવું કઈ રીતે બને?’ વિરોધી પક્ષના નેતા ગજાનન બાપટ વિરોધ પ્રદર્શન માટે રસ્તા પર ઊતરેલા રહેવાસીઓની વહારે દોડી આવ્યા હતા. તે નેતા કરતાં વેપારી વધુ દેખાતા.
જંગલમાંથી મળેલાં શબ અને મુખ્ય માર્ગ પર થતાં વાહનચાલકોનાં મોતની ઘટમાળ અટકવાનું નામ લેતી નહોતી. ઉપરાછાપરી બનેલા બનાવોથી રહેવાસીઓમાં ડરનો માહોલ હતો. પરિણામે રોષે ભરાયેલા લોકોએ વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કર્યું હતું. આ વાતની જાણ થતાં રહેવાસીઓ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા બાપટ આરેમાં આવ્યા હતા.
બાપટ મોટી સંખ્યામાં કાર્યકરો અને માઈક-સ્પીકરની પૂરતી તૈયારી સાથે આવ્યા હતા, જેથી તેમનો મનસૂબો પાર પાડવામાં સરળતા રહે.
‘કેટલું સુંદર અને રળિયામણું વન હતું, જેને કબ્રસ્તાન… ડ્રગ્સનો અડ્ડો બનાવી દેવાયું છે… આ પાપ કોણે કર્યું? આટલાં મોટાં કાંડ થયાં ત્યાં સુધી પોલીસ અને સરકાર શું ઊંઘતી હતી!’ બાપટે પોલીસ અને સરકાર પર નિશાન તાક્યું.
‘મુંબઈ પોલીસ… હાય… હાય! આવી સરકાર શું કામની, જે અમારી રક્ષા ન કરી શકતી હોય!’ દેખાવકારોએ સૂત્રોચ્ચાર કરવા માંડ્યો.
બૅનર્સ-પ્લે કાર્ડ સાથે લોકો વિરોધ કરી રહ્યા હતા, જેને કારણે આરેના મુખ્ય માર્ગ પરનો વાહનવ્યવહાર અટકી ગયો હતો. સાંજે અંધારું થવા આવ્યું હતું. સ્ટ્રીટ લાઈટના આછા ઉજાસને કારણે ટ્રાફિકજામમાં અટવાયેલા વાહનચાલકોના જીવ અધ્ધર થવા લાગ્યા હતા.
મુખ્ય માર્ગ પર યુનિટ-16માં જ વિરોધ પ્રદર્શન કરાયું હોવાથી જે સ્થળેથી શબ મળ્યાં હતાં ત્યાંની સુરક્ષા વધારી દેવાઈ હતી. એ સિવાય વિરોધના સ્થળે આસપાસનાં પોલીસ સ્ટેશનોમાંથી સુરક્ષાવ્યવસ્થા માટે મોટી સંખ્યામાં પોલીસ બોલાવાઈ હતી. ગાયકવાડ અને ગોહિલની ટીમ ખડેપગે હતી તો ડીસીપી સુનીલ ખંડાગળે સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા.
ગાયકવાડ કોન્સ્ટેબલ દળવી સાથે યુનિટના મુખિયાઓને શાંતિ જાળવવા અને આ પ્રદર્શનના સમાપનની જાહેરાત કરવાનું સમજાવતા હતા. ટોળામાં સામેલ જૉની-બૉનીના ગાંડાવેડા ચાલુ જ હતા. તેમના હાવભાવ જોતાં પોલીસની મજાક ઉડાવતા હોવાનું ગોહિલને લાગ્યું.
‘હેલિકૉપ્ટર તૂટી પડ્યું એટલે આ કારસ્તાન ઉઘાડું પડ્યું, નહીંતર લોકોને મારીને દાટી દેવાનું ચાલુ જ રહ્યું હોત અને સરકાર બેખબર રહેત!’ બાપટે ખરેખર આગમાં તેલ રેડતું ભાષણ કર્યું.
‘મને લાગે છે… હવે આરેના રહેવાસીઓએ પોતાની સુરક્ષા જાતે કરવી પડશે, પણ ડરતા નહીં… અમે તમારી સાથે છીએ!’ બાપટે આવું કહેતાં બધાએ ‘ગજાનન બાપટ… ઝિંદાબાદ!’ના નારા લગાવ્યા. લુચ્ચા હાસ્ય સાથે બાપટે ત્રાંસી નજર બધા પર ફેરવી.
એ જ સમયે વિધાનસભ્ય ગુલાબરાવ જાંભુળકર કાર્યકરો સાથે આવી પહોંચ્યા. વિરોધ પ્રદર્શનની જાણ થતાં જાંભુળકરે સમય કરતાં વહેલા આવવાનું નક્કી કર્યું હતું, પરંતુ મંત્રાલયની મીટિંગમાં ખાસ્સું મોડું થઈ ગયું હતું. તે જાણતા હતા કે બાપટ આ સંધિ છોડવાના નહોતા.
‘રહેવાસીઓએ શાંતિ જાળવવાની જરૂર છે… પોલીસ તેમનું કામ પૂરતી મહેનત અને ઝડપી કરી રહી છે. આ રીતે વિરોધ કરવાથી તપાસમાં બાધા આવશે અને ગુનેગારો છટકી જશે.’ જાંભુળકરે લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો.
‘અહીં તો વાડ જ ચીભડાં ગળે છે… કાવતરાખોરો આરોપી છટકી જવાની વાત કરે છે… આ બધું કોની છત્રછાયામાં ફૂલ્યુંફાલ્યું છે એનો ખુલાસો કરો!’ બાપટની જીભ બેકાબૂ બની.
‘મારી નાગરિકોને અપીલ છે કે અફવાઓ પર વિશ્ર્વાસ ન કરે. અમારા વિરોધીઓ ભડકાવવાનું કામ કરે છે. લોકોને ગેરમાર્ગે દોરી હંગામો ઊભો કરવા માગે છે… વિરોધ પક્ષ પાસે કોઈ મુદ્દો નથી એટલે આવી સંવેદનશીલ ઘટનાનો લાભ લેવાની બેશરમી કરે છે!’ જાંભુળકર પણ ગાંજ્યા જાય એવા નહોતા.
જાંભુળકરના વક્તવ્યથી બાપટ ઉશ્કેરાયા. બન્ને નેતા વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલુ થયું. એમાં સમર્થકો પણ કૂદી પડ્યા એટલે માહોલ વિસ્ફોટક બની ગયો.
પછી તો બાપટ તરફના એક તોફાનીએ સ્પીકર પર ‘જાંભુળ પીકલ્યા ઝાડા ખાલી ઢોલ કુણાચા વાજજી!’ ગીત લગાવ્યું ને પરિસ્થિતિ વણસી.
બન્ને પક્ષના કાર્યકરો સામસામે આવી ગયા. પોલીસની મધ્યસ્થીને ગણકાર્યા વિના કાર્યકરો ધમકી આપી મારપીટ કરવા તૈયાર થઈ ગયા. એકબીજા પર તૂટી પડવા અધીરા થયેલા બન્ને પક્ષના કાર્યકરો સામેવાળાનાં મડદાં પાડવાની વાત કરવા લાગ્યા અને જોતજોતાંમાં આરે રણભૂમિમાં ફેરવાતું ગયું…
(ક્રમશ:)