પ્લોટ-16 - પ્રકરણ-16 શું રિસર્ચ કરવા રિસર્ચ સેન્ટર શરૂ કરાયું?
નવલકથા

પ્લોટ-16 – પ્રકરણ-16 શું રિસર્ચ કરવા રિસર્ચ સેન્ટર શરૂ કરાયું?

યોગેશ સી પટેલ

ડૉ. સંયમ ઈમાનદારની દાદરની હૉસ્પિટલમાં ડૉ. આયુષ પાઠક સાથે ડૉ. વિશ્વાસ ભંડારી આવ્યા હતા, જ્યાં કૅબિનમાં ડૉ. કુશલ સહાણે પણ બેઠા હતા. ડૉ. ઈમાનદાર કોઈની સાથે મોબાઈલ ફોન પર વાત કરતા હતા. ‘મેડિકલ કૅમ્પના આયોજનમાં કોઈ અડચણ આવી રહી છે, ઈમાનદારસાહેબ?’ ડૉ. ઈમાનદારનો કૉલ પત્યો એટલે ડૉ. પાઠકે પૂછ્યું.

વિધાનસભ્ય ગુલાબરાવ જાંભુળકરના સૂચનથી આરેમાં સપ્તાહમાં જ આરોગ્ય શિબિર ગોઠવવાનું નક્કી થયું હતું. આ માટે પોલીસ પરવાનગીમાં મદદરૂપ થવા ડૉ. ઈમાનદારને ડૉ. પાઠકે ફોન કર્યો હતો. તે વખતે ડૉ. ઈમાનદારે ચર્ચા માટે મળવા આવવાનો આગ્રહ રાખ્યો હતો.

‘તમે જરૂરી વાત કરવાના હતા!’ ડૉ. પાઠકે વાત આગળ વધારી.
‘ડીસીપી સુનીલ જોશી સાથેની મીટિંગમાં મેં મેડિકલ કૅમ્પનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે આયોજન કરવામાં કોઈ વાંધો ન હોવાનું કહ્યું.’

ડૉ. ઈમાનદારે જણાવ્યું: ‘સિનિયર ઈન્સ્પેક્ટર ગાયકવાડ સાથે ચર્ચા કરવાનું મને કહ્યું અને પોલીસનો પૂરેપૂરો સહકાર મળશે એની ખાતરી આપી.’
થોડું અટકીને તેમણે કહ્યું: ‘ડૉ. હિરેમઠ સાથે પણ મેં ફોન પર વાત કરી લીધી છે… તેમણેય આયોજનમાં સહકારની તૈયારી બતાવી છે!’

આરે હૉસ્પિટલના મુખ્ય ડૉક્ટર મૃત્યુંજય હિરેમઠ, ડૉ. મંદિરા અજવાની અને ડૉ. શ્રીધર ત્યાગી પણ આરેમાં થતી આરોગ્ય શિબિરમાં સેવા આપતાં હોય છે. ઘણી વાર જરૂરી સાધનો પૂરાં પાડવાની જવાબદારી સ્વેચ્છાએ સ્વીકારતાં હોય છે.

‘કોઈ અડચણ ન હોય તો આપણે કૅમ્પ માટે ઉતાવળ કરવી જોઈએ.’ ડૉ. ભંડારીએ કહ્યું.
‘હાં, પણ આરેમાં મોટી ઊથલપાથલ થતી જોઈ મને સંદેહ છે કે કૅમ્પ માટે પોલીસ તુરંત માની જાય!’

ડૉ. ઈમાનદારે રહસ્ય ઊભું કર્યું એટલે ડૉ. ભંડારી અને ડૉ. પાઠકે તેમની નજર ડૉ. સહાણે પર ઠેરવી.
‘અમે ડીસીપીને મળવા ગયા ત્યારે ત્યાં ઈન્સ્પેક્ટર ગોહિલ અને કદમ પણ આવ્યા હતા.’ ડૉ. સહાણેએ કહેવા માંડ્યું.

‘હેલિકૉપ્ટર દુર્ઘટનાની તપાસમાં પોલીસ વધુ ઊંડી ઊતરી રહી છે. ગોહિલને લાગે છે કે મંજરીની લાશ મળી એ જગ્યાએ બીજાં પણ શબ દટાયેલાં છે!’
ડૉ. સહાણેની વાતથી ડૉ. ભંડારી અને ડૉ. પાઠક ચોંક્યા.

‘…પણ એવું કઈ રીતે બને… એટલે કે પોલીસને એવું શેના પરથી લાગ્યું?’ ડૉ. ભંડારીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું.
‘ઘટનાસ્થળનું નિરીક્ષણ અને ત્યાંની તસવીરો પરથી પોલીસનું આવું તારણ છે. આ બાબતની ખાતરી કરવા પોલીસે ફોરેન્સિકની મદદ પણ માગી છે.’ ડૉ. સહાણેએ કહ્યું.

‘ડીસીપીએ આ માટે ફોરેન્સિક સાથેના પત્રવ્યવહારને મંજૂરી આપી દીધી હતી અને કદાચ કાલે ફોરેન્સિક નિષ્ણાતો આરે પહોંચી જશે!’ ડૉ. ઈમાનદારે ડૉ. સહાણેની વાતના અનુસંધાનમાં કહ્યું.
‘…પણ ફોરેન્સિક નિષ્ણાતો જમીનમાંથી લાશ કઈ રીતે શોધી કાઢશે?’ ડૉ. ભંડારીએ પ્રશ્ન કર્યો.
‘ખબર નથી… સાંભળ્યું છે કે ઈન્સ્પેક્ટર ગોહિલના ભેજાની કોઈ ઊપજ છે!’ ડૉ. ઈમાનદારે કહ્યું.

‘આમાં બીજું એક કોકડું ગૂંચવાયું છે… મંજરીની મા અકસ્માતમાં મરી ગઈ છે અને પોલીસે તેની પણ તપાસ શરૂ કરી છે!’ ડૉ. ઈમાનદારે આવું કહ્યા પછી ચારેય ડૉક્ટર એકબીજાના ચહેરા જોવા લાગ્યા…


‘તમારા યુનિટમાં આ બધું શું ચાલી રહ્યું છે, કડુ? મુખિયા થઈને તમારો કોઈ કાબૂ નથી?’ યુનિટ પચીસના ઉગ્ર સ્વભાવના મુખિયા જુગલ મેશ્રામે યુનિટ-16ના મુખિયા ભાસ્કર કડુ પર રોફ જમાવતાં કહ્યું.

‘એમાં કડુજીનો શો વાંક?’ મીઠાબોલી કૃપા ગોડબોલેએ કડુનો પક્ષ લીધો.
‘…તો કોનો વાંક છે, કૃપા? યુનિટમાં ચાલતી સારી-નરસી પ્રવૃત્તિઓ પર નજર રાખવાની જવાબદારી મુખિયાઓની હોય છે.’ મેશ્રામે કડક અવાજે કહ્યું.

મંજરી નવલેની લાશ મળી તે જગ્યાએ બીજાં પણ શબ દટાયેલાં હોવાના પોલીસના અનુમાન પર ફોરેન્સિક નિષ્ણાતોએ લગભગ મતું મારી દીધું હતું. હવે વન વિભાગની પરવાનગીની રાહ જોવાઈ રહી હતી. પરવાનગી મળતાં જ એ પરિસરમાં લાશ શોધવા ખોદકામ હાથ ધરાવાનું હતું.

જમીનમાં બીજાં પણ શબ દટાયેલાં હોવાની શક્યતાથી આરેના રહેવાસીઓ ફફડી ઊઠ્યા હતા. બધા પાડામાં આ જ મુદ્દે ચર્ચા ચાલતી હતી. વાત જેમ જેમ ફેલાતી ગઈ તેમ વિવિધ પ્રકારની અફવાએ જન્મ લીધો. આ ઘટના બહોળું સ્વરૂપ લઈ રહી હોવાનો અંદાજ આવતાં આરેનાં યુનિટના મુખિયાઓની મીટિંગ બોલાવવામાં આવી હતી.

‘મેશ્રામ, શાંતિથી વાત કરો… આમ દોષારોપણ કરવાથી કોઈ માર્ગ નહીં નીકળે!’ યુનિટ-13ના મુખિયા બાળકૃષ્ણ ટેકામે મામલો શાંત પાડવાનો પ્રયત્ન કર્યો.
‘આ ભેંકાર જંગલમાં રાતે કોણ શું કરે એની કેવી રીતે જાણ થાય?’ કૃપાએ કડુની તરફેણમાં જ પ્રશ્ન કર્યો.

પોલીસ બીજાં શબ શોધવાની કવાયતમાં હોવાની માહિતી મળતાં આરોગ્ય શિબિરનું આયોજન ફરી ઘોંચમાં પડ્યું હતું. આ બાબતે કૃપા મુખિયાઓ સાથે ચર્ચા કરવા માગતી હતી. એમાં આરેના આદર્શનગરમાં નાગેશ્ર્વર મંદિર પાસેના હૉલમાં મુખિયાઓએ મીટિંગ ગોઠવતાં કૃપાને ત્યાં જ બોલાવી લેવાઈ હતી. તે થોડી મોડી પહોંચી હતી. ત્યાં સુધીમાં મુખિયાઓની ચર્ચા ગરમાગરમી સુધી પહોંચી ગઈ હતી.

‘પણ આ ભયાનક જંગલના નિર્જન પરિસરમાં રાતે-મધરાતે જવાની હિંમત કોણ કરે?’ હવે કડુએ ચુપકીદી તોડી.
‘એ જ તો મારો પ્રશ્ન છે.’ મેશ્રામનો અવાજ હજુ ઊંચો જ હતો: ‘આ કાંડ જંગલમાં રહેનારા કોઈ શેતાનનું જ હોવું જોઈએ!’

‘તમે કહેવા શું માગો છો?’ ટેકામે શાંતિથી પૂછ્યું.
‘મને લાગે છે… માનવભક્ષી કે તેના જેવો કોઈ શેતાન આ જંગલમાં રહે છે, જે આ રીતે બધાને મારી નાખીને જંગલમાં દાટી છે!’ મેશ્રામે ધડાકો કર્યો.

‘કાં પછી જાદુટોણા કરવાવાળા કોઈ બાબાનું આ કૃત્ય હોઈ શકે! એવા ઘણા બાબા જંગલમાં ભટકતા હોય છે, જે મેલી વિદ્યામાં સિદ્ધિ હાંસલ કરવા અમાનવીય કૃત્ય કરતા હોય છે!’ યુનિટ-17ના મુખિયા પલ્લવ તાંડેલે વિચાર રજૂ કર્યો.
‘આવા લોકોને આપણે જ શોધીને પાઠ ભણાવવો પડશે.’ મેશ્રામે જાણે શંકાસ્પદ વ્યક્તિઓનો એકડો કાઢવાની મનમાં ગાંઠ વાળી હતી.

‘મેશ્રામ, હું પાછો કહું છું… આમ ઉશ્કેરાટમાં પગલું ન ભરો!’ ટેકામે સમજાવવાનો પ્રયત્ન કર્યો.
‘શંકા પરથી કાલે તમે યુનિટ આઠમાં બે જણને ફટકાર્યા. એ લોકો જેમ તેમ પોતાનો જીવ બચાવીને ભાગ્યા હતા, એવી મને જાણકારી મળી હતી!’

ટેકામે ચેતવણી આપી: ‘આ રીતે મારપીટ બંધ કરો… નિર્દોષ વ્યક્તિ મરી જશે તો આપણા છોકરાઓએ જેલમાં જવું પડશે!’
‘તો શું હાથ પર હાથ રાખીને બેસી રહીએ, જેથી એ શેતાન એક એક કરીને આપણને પતાવી નાખે!’ મેશ્રામ સમજવા જ નહોતો માગતો.

‘તમે વાતને આટલી લાંબી શા માટે ખેંચો છો? પોલીસને બીજાં શબ હજુ ક્યાં મળ્યાં છે?’ કૃપાએ મુદ્દા પર ઠંડું પાણી રેડવાનો પ્રયાસ કર્યો.
‘કેમ, પેલા લૅબોરેટરીવાળાના મશીનમાં કંઈ દેખાયું તે શું હતું? મશીન ખામીવાળું હતું કે તેમાં કંઈ ખોટું દર્શાવાયું?’ એક મુખિયાએ કટાક્ષ કર્યો.

‘મુખિયાજી, એ તો જમીનમાં કોઈ ધાતુ દટાયેલી હોવાનો અંદાજ મશીન પરથી લાગ્યો છે!’ કૃપા બોલી.
‘એટલે?’
‘જરૂરી નથી કે ત્યાં શબ મળે જ!’ કૃપા જાણે ખાતરીપૂર્વક કહેતી હતી.

‘તો ખોદકામ કરવાનો શો અર્થ?’ કૃપાની વાત ન સમજાતાં ટેકામે પૂછ્યું.
‘જમીનમાં કોઈ ધાતુ દટાયેલી હોવાનો અણસાર મશીનથી મળ્યો છે એટલે ત્યાં શબ છે કે નહીં તેની ખાતરી કરવા પોલીસ જમીન ખોદવા માગે છે.’ કૃપાએ ચોખવટ કરી.

‘બની શકે કે એ જગ્યાએ વર્ષોથી માત્ર કોઈ ધાતુ પડી હોય, જે મશીને શોધી કાઢી છે અને એ ધાતુ સાથે પોલીસને કોઈ શબ મળે જ નહીં!’


‘સાચું કહું, ગોહિલ… તો હું પણ એવું ઇચ્છું છું કે એ સ્થળેથી બીજું શબ ન મળે! આ એક છોકરી… મંજરીના શબનું રહસ્ય ઉકેલવામાં જ નાકે દમ આવી જવાનો છે.’
આરે પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર અશોક ગાયકવાડે કહ્યું ત્યારે ગોહિલ તેમના ચહેરા સામું જોતો રહ્યો.

‘હવે એકાદ વધુ શબ મળશેને તો હોબાળો મચી જશે… અને પછી જે વંટોળ ફૂંકાશે તેના માટે આપણને જવાબદાર ગણવામાં આવશે.’

‘તમને જે વાતનો ભય… ચિંતા છે તેનાથી હું વાકેફ છું, સર. પણ આ કાવતરાના જડમૂળ સુધી તો પહોંચવું જ પડશે… નિર્દોષ લોકોને મારી નાખનારાઓને આમ જ છોડી દેવા યોગ્ય નથી!’ ગોહિલે સમજાવટના સૂરમાં કહ્યું.

‘તારો વિચાર યોગ્ય છે, પણ બધું આપણી મરજી પ્રમાણે નથી ચાલતું! બની શકે કે વધુ શબ મળે તો આપણી બદલી થઈ જાય… પછી ન્યાય કઈ રીતે અપાવીશ!’
પછી આંખો ઝીણી કરી ગોહિલને જોતાં ગાયકવાડે પ્રશ્ન કર્યો: ‘મને ખબર પડી કે ડીસીપી પણ તારા આ નિર્ણયથી ખુશ નથી?’

‘તેમને પણ રાજકારણીઓ અને નાગરિકોના ગુસ્સાનો અંદેશો છે એટલે…’
ગોહિલે વાક્ય અધૂરું છોડ્યું. અત્યારની સ્થિતિમાં તેનું મન પણ સ્થિર નહોતું. જંગલમાંથી બીજાં શબ મળે-ન મળે વચ્ચે તેનું મન ઝોલાં ખાતું હતું. કોઈ એક નિર્ણય પર તે અડીખમ રહી શકતું નહોતું.

જમીનમાં દટાયેલું કાવતરું પૂર્ણપણે ઉઘાડું પડે અને કાવતરાખોરોનો પર્દાફાશ થાય એવું ગોહિલ ઇચ્છતો હતો અને તે એની ફરજ પણ હતી, પરંતુ આ રીતે ફરજ પૂરી કરવા તેણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે તેની એને ખાતરી હતી. એટલે ખરેખર તો તે પણ ઇચ્છતો હતો કે હવે એકેય શબ ન મળે!

‘કયા વિચારમાં ખોવાઈ ગયો?’ ગાયકવાડે ગોહિલને જાણે તંદ્રામાંથી જગાડ્યો.
‘કઈ ચર્ચા કરવી હતી?’
‘અરે… હાં, વાત વાતમાં મૂળ મુદ્દો તો ભુલાઈ જ ગયો… જેના માટે હું તમને મળવા આવ્યો છું!’
ગોહિલે કહ્યું: ‘જો લાશ ખોદી કાઢવાની પરવાનગી મળે તો તમે ત્યાં હાજર રહેશોને?’

જંગલમાં દટાયેલાં શબ શોધવા ખોદકામની કાર્યવાહી અંગે ચર્ચા કરવા ગોહિલ ગાયકવાડની કૅબિનમાં આવ્યો હતો.
‘હું તો તારી સાથે જ છું, ગોહિલ!’ ગાયકવાડે ધરપત આપી.
‘એમ નહીં… તમારી દેખરેખમાં આખી પ્રક્રિયા પાર પડે એવું હું ઇચ્છું છું.’
‘કેમ? તું તો સક્ષમ છે આ બધા માટે…’

ગોહિલ વિસ્તારપૂર્વક સમજાવે એ પહેલાં તેના ફોનની રિંગ વાગી. ચર્ચા વચ્ચે મોબાઈલ રણક્યો એ બન્નેને ન ગમ્યું, પણ કૉલ સબ-ઈન્સ્પેક્ટર વિજય કાળેનો હતો. જરૂરી કામસર જ તેણે ફોન કર્યો હશે, એવું વિચારીને ગોહિલે ગાયકવાડને ‘સૉરી’ કહી કૉલ રિસીવ કર્યો.

‘બોલ… કાળે.’
‘સર, ડૉક્ટરની વાત કદાચ સાચી હતી!’
‘કઈ?’
‘લાગે છે, અહીં… જંગલમાં કોઈ રિસર્ચ થતું હતું!’ (ક્રમશ:)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button