પ્લોટ-16 – પ્રકરણ-15: રાઠોડે એવી અકડ સાથે જવાબ આપ્યો કે શિંદે વીફર્યો

યોગેશ સી પટેલ
‘મૅડમ અત્યારે કામમાં છે… સમય મળશે એટલે તમારી સાથે વાત કરશે!’ વૉર્ડબૉય વસુ રાઠોડે મેસેજ આપ્યો.
‘મૅડમને કહો… એસઆઈટી આવી છે. અમારી પાસે પણ ફાજલ સમય નથી!’ આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર પ્રણય શિંદેએ કડક અવાજે કહ્યું.
‘તો? હું શું કરું?’ રાઠોડે પણ એટલી જ અકડ સાથે કહ્યું.
‘મહત્ત્વની ચર્ચા માટે આવ્યા છીએ… મૅડમને કહો, અમે વધુ સમય નહીં લઈએ!’ એપીઆઈ સુધીર સાવંતે શાંતિથી કહ્યું.
‘સાહેબ… તમારી સામે જ હું કૅબિનમાં મેસેજ આપવા ગયો હતો અને મૅડમે આપેલો જવાબ મેં તમારા સુધી પહોંચાડ્યો.’ રાઠોડે પણ શાંતિથી ઉત્તર આપ્યો.
મંજરી નવલેને છેલ્લે આરે હૉસ્પિટલમાં લઈ જવાયા પછી તે ગુમ થઈ હોવાની જાણકારી મળતાં પોલીસની ટીમ વધુ તપાસ માટે આરે હૉસ્પિટલમાં આવી હતી. શિંદેની આદતથી વાકેફ ગોહિલે તેની સાથે શાંત સ્વભાવના સાવંતને મોકલ્યો હતો.
આરે હૉસ્પિટલના મુખ્ય ડૉક્ટર મૃત્યુંજય હિરેમઠ રજા પર હોવાની જાણકારી ગોહિલને હતી. ડૉ. હિરેમઠની ગેરહાજરીમાં હૉસ્પિટલનું કામકાજ ડૉ. મંદિરા અજવાની સંભાળતી હોવાથી તપાસ કરવા ગયેલી શિંદેની ટીમમાં મહિલા સબ-ઈન્સ્પેક્ટર વિદ્યા પાટીલને પણ મોકલવામાં આવી હતી.
‘મૅડમ કેટલી વારમાં મળી શકશે?’ સબ-ઈન્સ્પેક્ટર વિદ્યાએ પૂછ્યું.
‘મને નથી ખબર!’
રાઠોડે એવી અકડ સાથે જવાબ આપ્યો કે શિંદે વીફર્યો. તેણે રાઠોડને કૉલરથી ઝાલ્યો.
‘નથી ખબર તો પૂછી આવ!’ કહીને શિંદેએ ત્રણથી ચાર વાર ઝાટકા સાથે હલાવીને રાઠોડને હચમચાવી નાખ્યો.
ડૉ. મંદિરાની કૅબિન તરફ આવી રહેલા ડૉ. શ્રીધર ત્યાગીએ દૂરથી આ દૃશ્ય જોઈ બૂમ પાડી: ‘એએએ… ભાઈ… શું ચાલે છે?’
સાદા વેશમાં આવેલી શિંદેની ટીમને ડૉ. ત્યાગીએ ઓળખી નહોતી.
‘આ શું ગુંડાગીરી છે?’ ડૉ. ત્યાગીએ બરાડો પાડ્યો.
‘ગુંડાગીરી નહીં, આ પોલીસગીરી છે… ડૉક્ટર!’ શિંદેએ હજુ રાઠોડનો કૉલર ઝાલી રાખ્યો હતો.
‘તમે પહેલાં એને છોડો અને રિસ્પેક્ટથી વાત કરો!’ ડૉ. ત્યાગીએ સૂચના આપી.
ડૉ. મંદિરાની કૅબિન પાસે જ આ કોલાહલ મચ્યો હતો. અવાજ સાંભળીને ડૉ. મંદિરા કૅબિન બહાર દોડી આવી.
‘શું છે? શા માટે હંગામો કરો છો?’ ડૉ. મંદિરાએ પૂછતાં શિંદેએ પોતાની ઓળખ આપી.
‘પોલીસ હોય તો શું થયું? કારણ વગર કોઈનું પણ ગળું પકડશો?’ ડૉ. મંદિરાએ રુઆબથી કહ્યું અને શિંદેએ રાઠોડનો કૉલર છોડ્યો.
‘કારણ વગર ગળું પકડવાનો અમને શોખ નથી, મૅડમ… તમારો વૉર્ડબૉય સરખો જવાબ આપી શકતો નહોતો એટલે તેને ઠપકાર્યો!’ શિંદેએ પણ એવી જ લઢણમાં ઉત્તર આપ્યો.
‘શું કામ છે બોલો?’
‘મૅડમ… હેલિકૉપ્ટર ક્રેશ સાઈટ પરથી એક છોકરીનું શબ મળ્યું હતું… મંજરી. તમને ખબર જ હશે?’
‘હાં… ખબર છે. એનું શું?’
‘એ છેલ્લે તમારી હૉસ્પિટલમાં સારવાર માટે આવી હતી… પછી ગુમ થઈ અને હવે તેની લાશ મળી છે.’
‘તો? અમે તેને ગાયબ કરી હતી?’ ડૉ. મંદિરા પણ ગાંજી જાય એમ નહોતી.
‘તમે ગાયબ કરી એવું અમે નથી કહેતા, પણ મંજરીની લાશ મળી ત્યારે તમે પોલીસની મદદ માટે આગળ કેમ ન આવ્યાં?’ શિંદેએ સીધો પ્રશ્ન કર્યો.
‘કયા પ્રકારની મદદ?’ મંદિરાએ અચરજ સાથે પૂછ્યું.
‘તેને લગતી માહિતી આપવાની મદદ!’ સબ-ઈન્સ્પેક્ટર વિદ્યા ચીપી ચીપીને બોલી.
‘શરૂઆતમાં મને જ ખબર નહોતી કે જે છોકરીની લાશ મળી તે મંજરીની હતી. અને…’
‘અમે તેની તસવીર વ્હૉટ્સઍપ પર ફેરવી હતી.’ સાવંત અધવચ્ચે જ બોલ્યો.
‘ઑફિસર… મને એવો કોઈ વ્હૉટ્સઍપ મેસેજ આવ્યો નહોતો… અને અમારી પાસે રોજ કેટલાક દરદી આવે તો શું અમે તેના બાયોડેટા લઈને ફરીએ!’ ડૉ. મંદિરાએ વિચિત્ર જવાબ આપ્યો.
‘બધા દરદીઓના હાલ મંજરી જેવા થતા નહીં હોયને?’ શિંદેએ થોડી કડકાઈથી પૂછ્યું.
‘અમારી પાસે તમને શું અપેક્ષા છે?’
‘મૅડમ… અમે મંજરીની માહિતી મેળવવા આવ્યાં છીએે… તેને શું થયું હતું કે તમારી પાસે લાવવામાં આવી હતી?’ વિદ્યા પાટીલે વચ્ચે ઝુકાવ્યું.
‘કોઈ બીમાર હોય તો જ અમારી પાસે આવેને?’
‘હાં, પણ એને કઈ બીમારી હતી?’ વિદ્યાને ગુસ્સો આવવા લાગ્યો હતો, પરંતુ તેણે શાંતિ જાળવી.
‘કોઈ બીમારી નહોતી… ઑફિસર!’ ડૉ. મંદિરા વાતોની જાળમાં ફસાવતી હોવાનું વિદ્યાને લાગ્યું.
‘તો પછી શું કામ તેને અહીં લવાઈ હતી અને તમે શી સારવાર કરી તેની વિગતો આપો.’ વિદ્યા હવે કંટાળી હતી.
‘જુઓ… અમારે ત્યાં તેની કોઈ ટ્રીટમેન્ટ કરાઈ નહોતી.’ ડૉ. મંદિરાએ કહ્યું: ‘બીજી મહત્ત્વની વાત… કોઈ પણ દરદીની વિગતો કે કેસપેપર આપવાની અમને સત્તા નથી. ડૉ. હિરેમઠ જ તમને જાણકારી આપી શકશે. એ રજા પરથી આવે એટલે હું તેમને આ બાબતે જાણ કરી દઈશ!’
શિંદેને લાગ્યું, ડૉ. મંદિરા પૂછપરછમાં સહકાર આપે એમ નથી એટલે ગુસ્સો દબાવીને ‘ઓકે’ કહી તેણે ટીમ સાથે ત્યાંથી ચાલવા માંડ્યું.
સાંતાક્રુઝની ફોરેન્સિક સાયન્સ લૅબોરેટરીમાંથી આવેલા નિષ્ણાતો મેટલ ડિટેક્ટરનાં ઉપકરણો જોડવામાં વ્યસ્ત હતા. હેલિકૉપ્ટર તૂટી પડ્યું એ સ્થળેથી મંજરીની લાશ મળ્યા પછી ત્યાં બીજાં શબ દટાયેલાં છે કે નહીં તેનું અનુમાન લગાવવા માટે આ ટીમ આવી હતી. નિષ્ણાતોની આપસમાં ચર્ચા ચાલતી હતી ત્યારે ત્યાં હાજર પોલીસ અધિકારીઓનાં મગજમાં સકારાત્મક અને નકારાત્મક બન્ને પ્રકારના વિચાર ચાલતા હતા.
સિનિયર ઈન્સ્પેક્ટર અશોક ગાયકવાડ, ઈન્સ્પેક્ટર ચંદ્રેશ ગોહિલ, રવિ કદમ, રાજીવ કામત, એપીઆઈ પ્રણય શિંદે અને કોન્સ્ટેબલ નામદેવ દળવી બાજુ બાજુમાં જ ઊભા હતા. દરેકની વચ્ચે માત્ર વેંતભરનું અંતર હતું, પણ બધા જાણે મૂક પ્રેક્ષક બનીને ફોરેન્સિકની ટીમની કાર્યવાહીને નિહાળી રહ્યા હતા. માનસિક તાણને કારણે એકબીજા સાથે વાત કરવામાં કોઈનેય રસ નહોતો.
આરેના મુખ્ય રસ્તાને કિનારે બોલેરો પાર્ક કરી ગોહિલની પરવાનગીથી કોન્સ્ટેબલ સંજય માને પણ ફોરેન્સિક તપાસનું પરિણામ જોવાની ઉત્સુકતા સાથે આવ્યો હતો. કોઈ જોતું નથી એવું માની માનેએ તમાકુ થૂંકી નાખ્યું અને ચૂપચાપ તે બીજી વાર તમાકુ મસળવા લાગ્યો.
સબ-ઈન્સ્પેક્ટર દત્તા બંડગરની નજર માને પર પડી. માનેને તમાકુ મસળતાં જોઈ તેને પણ સિગારેટ ફૂંકવાની ઇચ્છા થઈ, પણ ગીચ જંગલ વચ્ચેના નિર્જન પરિસરમાં સિગારેટ ક્યાંથી મળે? વળી, વરિષ્ઠ અધિકારીઓ સામે સિગારેટ ફૂંકવાનું યોગ્ય ન કહેવાય, એવો વિચાર તેના મનમાં આવ્યો.
મંજરીની લાશ શંકાસ્પદ સ્થિતિમાં મળી આવતાં ઘટનાસ્થળને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો. સામાન્ય નાગરિકને એ પરિસરમાં પ્રવેશવા પર મનાઈ હતી. દિવસ-રાત કોન્સ્ટેબલો ત્યાં પહેરો ભરતા, જેથી ઘટનાસ્થળે ઘૂસીને પુરાવા સાથે કોઈ છેડછાડ ન કરી શકે.
સંજય ગાંધી નૅશનલ પાર્ક હેઠળના વિશાળ જંગલનો એક ભાગ છે આરે કોલોનીનું વન. સરકારના રેકોર્ડ અનુસાર 1949માં આરે માટે 3,162 એકરનું જંગલ અનામત હતું, પરંતુ સમયાંતરે અતિક્રમણો અને અન્ય બાંધકામો થતાં અત્યારે માત્ર 812 એકરનું જંગલ બચ્યું છે. સંજય ગાંધી નૅશનલ પાર્કમાં દીપડા જેવાં હિંસક પ્રાણીને છૂટાં મૂકવામાં આવ્યાં છે. આરે માટેના રિઝર્વ ફોરેસ્ટ ફરતે માત્ર તારની એક વાડ ઊભી કરવામાં આવી છે. જાળવણીના અભાવે આ વાડ જર્જરિત થઈને અમુક જગ્યાએથી તૂટી ગઈ હોવાથી હિંસક પ્રાણીઓ આરેના વનમાં ઘૂસી આવે છે.
હેલિકૉપ્ટર તૂટી પડ્યું એ સ્થળ ઘનઘોર જંગલ વચ્ચે હોવાથી રાતે ડ્યૂટી કરનારા કોન્સ્ટેબલોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફ્લડ લાઈડ ચાલુ રાખવામાં આવતી. નાયલોનની મજબૂત દોરીથી બનાવાયેલી જાળી ચારે બાજુ અને ઉપરની તરફ લગાવવામાં આવી હતી. ઊંચાં વૃક્ષોનાં થડને કારણે જાળીનું સુરક્ષાકવચ બનાવવું મુશ્કેલ નહોતું. સુરક્ષા માટે તહેનાત પોલીસ પર જંગલી પ્રાણી હુમલો ન કરે તે માટે આ વ્યવસ્થા કરાઈ હતી. બંડગર ચારે બાજુ ફરીને જાળીનું નિરીક્ષણ કરી રહ્યો હતો.
‘હજુ કેટલી વાર?’ ફોરેન્સિક નિષ્ણાતોની પૂર્વતૈયારી જોઈને સબર ગુમાવી રહેલા ગાયકવાડે આખરે પૂછી લીધું.
‘બસ… સર, દસેક મિનિટ!’ એક નિષ્ણાતે જવાબ આપ્યો: ‘મશીન તૈયાર છે… આ કૅમેરાની ટ્રાયલ લઈ લઉં એટલી વાર!’
ફોરેન્સિક ટીમના એક સભ્યએ ગાયકવાડને કૅમેરા દેખાડ્યો: ‘સર… આખી પ્રોસિજરનું વીડિયો રેકોર્ડિંગ કરી લઈએ, જેથી પુરાવા તરીકે રજૂ કરી શકાશે.’
લાશ હોવાનો અણસાર મળે તો ખોદકામ માટે વન વિભાગ પાસે પરવાનગી માગતી વખતે પુરાવા રજૂ કરવા જરૂરી હતા એ પોલીસ ટીમ સારી પેઠે જાણતી હતી.
‘જરા જલદી કરો… અહીં બધાનાં હૃદય બૂલેટ બાઈકના સાઈલેન્સરની જેમ ધબકી રહ્યાં છે!’ ગાયકવાડે બધાનાં દિલની વાત કરી.
આ બધી કવાયત ગોહિલની શંકા પરથી ચાલતી હતી એટલે અત્યારે તેનું હૃદય બમણી નહીં, ત્રણ ગણી ઝડપથી ધબકતું હતું. ગરમીની મોસમ છતાં વનરાજીને કારણે વાતાવરણમાં ટાઢક હતી, પણ ગોહિલ બફારો અનુભવતો હતો. હજુ પણ તેના મોંમાંથી એકેય શબ્દ નીકળતો નહોતો.
ફોરેન્સિકની ટીમે હવે કામગીરી શરૂ કરી. મેટલ ડિટેક્ટર ધીમે ધીમે જમીન પર ફેરવતી ફોરેન્સિકની ટીમ એક એક ડગલું આગળ વધી રહી હતી. ટીમની સાથે સાથે પોલીસ અધિકારીઓ પણ આગળ વધતા હતા. એક એક ડગલા સાથે તેમનાં હૃદય વધુ વેગ સાથે ધબકતાં હતાં.
ગોહિલ વારંવાર કપાળ લૂંછતો હતો તો ગાયકવાડ બન્ને હાથની હથેળી ચોળતો હતો. કદમ અને શિંદે સળગતા કોલસા પર ચાલતા હોય તેમ ડગ માંડતા હતા. કામત એક ક્ષણ મશીન તો બીજી ક્ષણે કૅમેરાની સ્ક્રીન પર જોતો હતો. પોલીસોનું ટેન્શન વીડિયો શૂટિંગ કરનારાથી પણ છૂપું રહ્યું નહોતું.
મેટલ ડિટેક્ટર સાથે ફોરેન્સિકની ટીમ ધીરે ધીરે ખાસ્સાએવા પરિસરમાં ફરી વળી અને પોલીસ અધિકારીઓ પણ તેને અનુસરતા રહ્યા. મોટા ભાગના પરિસરમાં તપાસ કર્યા છતાં ધાર્યું પરિણામ મળતું નહોતું. હવે ગોહિલના ચહેરા પર નિરાશા ફેલાવા લાગી હતી. પરાણે પગ ઉપાડતો હોય તેમ તેની ચાલ એકદમ ધીમી પડી રહી હતી.
ગાયકવાડ અને કામતને પણ આશ નહોતી રહી. એનાથી વિપરીત શિંદેનો ચહેરો લાલઘૂમ દેખાતો હતો. એક તો સવારે તપાસમાં ડૉ. મંદિરાના અસહકારથી ગુસ્સો હતો અને અત્યારે મહેનત નિષ્ફળ જતી જોઈ તેની આંખમાં ખુન્નસ ઊતરી આવ્યું હતું. તે વારંવાર મુઠ્ઠીઓ વાળીને બાવડાં ફુલાવતો હતો, જાણે ફોરેન્સિકની ટીમને એ જ જમીનમાં દાટી દેવાનો હોય!
અમુક જ ભાગમાં તપાસ કરવાનું બાકી રહ્યું હોવાથી ફોરેન્સિકની ટીમને આ કવાયત નકામી લાગવા માંડી. જુસ્સો ઓસરી રહ્યો હોવાથી ટીમના સભ્યોનાં શરીર પણ ઢીલાં પડવા લાગ્યાં.
આવી જ અવસ્થા પોલીસ ટીમની હતી. આશ છોડી બેસેલા પોલીસ અધિકારીઓ મૂંઝવણમાં હતા ત્યારે એકાએક મશીનમાં ‘બીપ… બીપ…’ સંભળાયું અને ગોહિલનું હૃદય ધબકારો ચૂક્યું. મશીને આપેલા સિગ્નલે અધિકારીઓમાં જાણે ચેતન ફૂંક્યું. બધા ટટ્ટાર થઈને ફાટી આંખે મશીન અને જમીનના એ હિસ્સાને જોઈ રહ્યા! (ક્રમશ:)
આ પણ વાંચો: પ્લોટ-16 -પ્રકરણ-14 બાળકનો બલિ!