પ્લોટ 16- પ્રકરણ-11: અહીં રાતના સમયે પોલીસ પણ ડરે છે!

યોગેસ સી. પટેલ
પોલીસને કોઈ પણ નિવેદન આપતી વખતે બે વાર વિચાર કરવો. હૉસ્પિટલની કામગીરી કે પેશન્ટ્સની કોઈ પણ માહિતી શૅર કરતાં પહેલાં મને પૂછવું.’ ડૉ. મૃત્યુંજય હિરેમઠ તેમની ટીમને સૂચના આપતા હતા.
હું ત્રણ દિવસ રજા પર જાઉં છું. ત્યાં સુધી હંમેશ મુજબ ડૉ. મંદિરા કામકાજ સંભાળશે અને ડૉ. ત્યાગી સહાયક તરીકે તેની સાથે રહેશે.’
ડૉ. હિરેમઠે વૉર્ડબૉય વસુ રાઠોડ તરફ જોયું: રાઠોડ, હમણાં રજા લેવાનું તો વિચારતો જ નહીં. તને ગમે ત્યારે રજા પર ઊતરી જવાની ખરાબ આદત છે.’ સર, તમે ચિંતા ન કરો… અમે સંભાળી લઈશું.’ ડૉ. મંદિરાએ કહ્યું.
`જુઓ… આરેના લોકો નાની-મોટી બીમારીમાં આપણી પાસે સારવાર માટે આવે છે. મંજરી નવલે પણ બે વાર આપણે ત્યાં આવી ચૂકી છે. પોલીસને આ વાતની જાણ થશે તો એ તપાસ માટે અહીં આવશે જ.’ ડૉ. મંદિરાનો સ્વભાવ જાણતા હોવાથી ડૉ. હિરેમઠ તેને આ બધી વાતો સમજાવી રહ્યા હતા.
40 વર્ષની અપરિણીત મંદિરાનો વાન ગોરો અને ચહેરો સુંદર હતો, પણ તેનો સ્વભાવ ચીડિયો થઈ ગયો હતો. પરિણામે ગુસ્સામાં બોલતી વખતે તે પ્રમાણભાન જાળવી શકતી નહોતી.
ઠીક છે, સર. પોલીસને તેનું કામ કરવા દો. અમે તો તમારી સૂચનાને અનુસરીશું. તમારી ગેરહાજરીમાં કોઈ દસ્તાવેજો તપાસવા નહીં દઈએ.’ ડૉ. મંદિરાએ સહકાર આપવાની વાત કરી.
પણ સર, સર્જરી કે કોઈ ગંભીર બીમારી હોય તો દરદીને બીજી હૉસ્પિટલમાં જવાની ભલામણ આપણે કરીએ છીએ.’ ડૉ. ત્યાગીએ પણ ચર્ચામાં ઝંપલાવ્યું.
અહીં આપણે ક્યાં કોઈ સર્જરી કરીએ છીએ કે આ રીતે હાર્ટ કાઢી લેવાનો મુદ્દો ઉપસ્થિત થાય.’ ડૉ. ત્યાગીએ આશ્ચર્ય સાથે કહ્યું. હા, પણ પોલીસને શક કરવાની આદત હોય છે… એટલે કહું છું કે મને પૂછ્યા વગર કોઈ નિર્ણય ન લેતા.’ ડૉ. હિરેમઠે ચેતવણી આપી.
રાઠોડ, રાતે ખાસ ધ્યાન રાખજે. આપણી ટીમના લોકો સિવાય રાતે કોઈ હૉસ્પિટલમાં ન પ્રવેશે એ જોજે!’ રાઠોડ રાતે હૉસ્પિટલમાં જ સૂતો હોવાથી હિરેમઠે તેને કહ્યું. નોકરી પર ગેરહાજર હોય તોય રાતે સૂવા તે હૉસ્પિટલમાં આવતો. પોલીસને કઈ રીતે હેન્ડલ કરવી એ હું જાણું છું. તેમને હું યોગ્ય જવાબ આપીશ. તમારે કોઈએ આ લપમાં પડવાની જરૂર નથી.’ છેલ્લી સૂચના આપી હિરેમઠ હૉસ્પિટલમાંથી બહાર નીકળ્યા.
×××
ગોહિલે કાંડાઘડિયાળમાં જોયું. રાતના બાર વાગવા આવ્યા હતા. તેણે પિસ્તોલમાંથી મૅગેઝિન કાઢી ચેક કરી અને બૂલેટ્સ ભરેલી મૅગેઝિન ફરી પિસ્તોલમાં લૉડ કરી. અડધા કલાકમાં તેણે બીજી વાર મૅગેઝિન કાઢઘાલ કરીને પિસ્તોલ ચેક કરી હતી. સામેની ખુરશી પર બેસેલો એપીઆઈ પ્રણય શિંદે આ જોઈ રહ્યો હતો.
પિસ્તોલ પીઠ પાછળ પેન્ટમાં ખોસતો ગોહિલ ખુરશીમાંથી ઊભો થયો એટલે શિંદેએ પણ ઊભા થવું પડ્યું.
આ માત્ર સુરક્ષા ખાતર!’ શિંદે તરફ જોતાં ગોહિલે કહ્યું.
હું પણ લઈ લઉં, સર?’ શિંદેએ બાવડાં ફુલાવતાં પૂછ્યું.
`ના… આપણે કોઈનો શિકાર નથી કરવો. અત્યારે તેની જરૂર પણ નહીં પડે!’ ગોહિલે કહ્યું.
આરેના મુખ્ય માર્ગ પર રાતે વાહનચાલકો જીવ ગુમાવી રહ્યા હોવા પાછળનું રહસ્ય જાણવાના ઉદ્દેશથી ગોહિલે એ માર્ગ પરથી પસાર થવાનું નક્કી કર્યું હતું… એ પણ રાતે જ! ગોહિલના આ સાહસમાં આરે પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર અશોક ગાયકવાડે સાથ આપવા કમર કસી.
ગોહિલની પાછળ શિંદે કૅબિન બહાર નીકળ્યો ત્યારે ઈન્સ્પેક્ટર રવિ કદમ મોબાઈલ પર કોઈની સાથે વાત કરતો હતો. ત્રણેય જણ પહેલા માળથી નીચે ઊતર્યા એટલે કોન્સ્ટેબલ નામદેવ દળવી સામે દેખાયો. દળવીએ ગોહિલને જોઈ સેલ્યુટ કર્યું.
દળવી… સાહેબ તૈયાર છે?’ ગોહિલે કહ્યું.
દસ મિનિટ, સર. સાહેબ નાસ્તો પતાવે એટલી વાર! હું એમને જાણ કરી આવું.’ કહીને દળવી ગાયકવાડની કૅબિન તરફ ફર્યો, પણ ગોહિલે એને રોક્યો. પછી દળવીને ખભે હાથ મૂકી તે પોલીસ સ્ટેશનના મેઈન ડૉર તરફ દોરી ગયો.
આ જંગલમાં આટલી રાતે નાસ્તો મળી જાય છે તારા સાહેબને?’ ગોહિલે મજાકમાં પૂછ્યું. સર, તમે રોકાવાનું કહ્યું એટલે સાહેબે પેટપૂજા તો કરવી પડેને!’ દળવીએ મંદ હાસ્ય સાથે કહ્યું.
`સૂરજ ચેકનાકા પાસેથી વડાંપાંઉ લઈ આવ્યો છે… સાહેબને પાછું એક વડાંપાંઉથી ચાલતું નથીને!’
બન્ને જણ પોલીસ સ્ટેશનની બહાર ઓટલા પર ઊભા હતા. મુખ્ય રસ્તાની સામે વીસેક ડગલાં દૂર પોલીસ સ્ટેશન હતું એટલે દિવસે રસ્તા પરથી પસાર થનારા લોકો સ્પષ્ટ નજરે પડતા. પોલીસ સ્ટેશન થોડી ઊંચાઈ પર હોવાથી બહાર ઓટલા જેવો ભાગ હતો. તેની ડાબી તરફનો સાંકડો રસ્તો ઓ. પી. ગાર્ડનના ગેટ તરફ જતો હતો.
દળવી અને ગોહિલની વાતચીત ચાલતી હતી ત્યારે મુખ્ય રસ્તા પરથી ડૉ. શ્રીધર ત્યાગી બાઈક પર પસાર થયો. બાઈકની ગતિ ધીમી હોવાથી રાત્રિના અંધકારમાં સ્ટ્રીટ લાઈટના આછા ઉજાસમાં પણ ગોહિલે ત્યાગી અને બાઈક પર પાછળ બેસેલી ડૉ. મંદિરા અજવાનીને ઓળખી કાઢ્યાં.
દળવી… આ તો આરે હૉસ્પિટલના ડૉક્ટર…’ ગોહિલે વાક્ય પૂરું કરતાં પહેલાં દળવી તરફ જોયું એટલે દળવીએ જ બોલવા માંડ્યું. હા, સર. ડૉક્ટર ત્યાગી અને ડૉક્ટર મંદિરા હતાં.’
`આટલી રાતે?’
કામ માટે હૉસ્પિટલમાં રોકાયાં હશે, સર.’ દળવીએ કહ્યું:ઘણી વાર આમ મોડી રાતે પસાર થતાં દેખાયાં છે.’
સર… બીજી ખાસ વાત એટલે આ બન્ને મોટા ભાગે સાથે જ નજરે પડે છે. એવી પણ વાત કાને આવી છે કે બન્ને વચ્ચેબહુત યારાના લગતા હૈ’ જેવું છે!’ દળવીએ એક આંખ મીંચકારતાં કહ્યું.
કોની રાહ જુઓ છો? શું ચર્ચા ચાલતી હતી?’ અચાનક આવી પહોંચેલા ગાયકવાડે પ્રશ્ન કર્યો. શો જવાબ આપવો એની અવઢવમાં ગોહિલ અને દળવી એકબીજાનાં મોં જોતાં ઊભા રહ્યા. કોઈ વાત નથી, સર! આપણે નીકળીએ?’ ગોહિલ જાણે પરવાનગી માગતો હતો.
`હાં… ચાલો.’ ગાયકવાડે કહ્યું એટલે ક્રાઈમ બ્રાન્ચ અને આરે પોલીસની ટીમે પગ ઉપાડવા માંડ્યા.
ક્રાઈમ બ્રાન્ચની બોલેરોની પાછળ આરે પોલીસની ટીમ તેમના વાહનમાં જવાની હતી. યુનિટ પચીસ પાસેના સર્કલ બિરસા મુંડા ચોકથી હાઈવે સુધી વાહનમાં જવાનું ગોઠવાયું હતું. હાર્ટ અટેક આવવા જેવું આ માર્ગ પર શું હતું તેની ખાતરી કરવા માગતી હતી આ ટીમ.
અધિકારીઓની ટીમ પોલીસ સ્ટેશનનાં પગથિયાં ઊતરવા ગઈ ત્યાં ઓ. પી. ગાર્ડન બહારના રસ્તા પરથી દીપડો આવતો નજરે પડ્યો. કદાચ પેટ ભરાયું હશે એટલે ધીમી, પણ રૂઆબદાર ચાલે તે આવતો હતો. તેને જોઈ આખી ટીમના પગ જાણે થીજી ગયા.
`સર… આપણે પાછળ ખસી જઈએ… પાછા પોલીસ સ્ટેશનમાં!’ બંડગરે કહ્યું.
આટલા બધા લોકોને જોઈ દીપડો પણ આગળ વધતો અટકી ગયો. શિકારીની નજરે તે પોલીસ ટીમને એકટશે તાકી રહ્યો હતો.
`ગોહિલ… એ થોડી વારમાં અહીંથી પસાર થઈ જશે પછી આપણે જઈએ. આમ ઊભા રહીશું તો કોઈ પણ ઘડીએ અટેક કરી શકે છે.’ ગાયકવાડે સલાહ આપી.
પોલીસ ટીમ ઊંધે પગલે ધીમે ધીમે પોલીસ સ્ટેશનના ઉંબરે પહોંચી એટલે રૂઆબથી ચાલીને દીપડો પોલીસ સ્ટેશનના ગેટ સામે ઊભો રહ્યો. ગેટની અંદર ઊભેલા પોલીસોને જોઈ તેણે બે વાર ત્રાડ નાખી. ઘૂરકિયાં કરીને તે જાણે પોલીસને ડરાવી રહ્યો હતો.
જોકે પોલીસ અધિકારીઓની હાલત અત્યારે એવી જ કંઈક હતી. વન્ય પ્રાણીઓની સુરક્ષાના નિયમો હેઠળ દીપડા પર હુમલો કરવાની કે તેના જીવને જોખમ ઊભું થાય એવી કોઈ પણ કાર્યવાહી કરવા પર પ્રતિબંધ હતો. દીપડો જાય તેની રાહ જોવા સિવાય તેમની પાસે છૂટકો નહોતો. પોલીસ સ્ટેશનમાં ઘૂસવા દીપડો બે ડગ આગળ વધ્યો. સાવચેતી ખાતર બંડગરે તરત દરવાજો બંધ કર્યો એટલે દીપડો ત્યાં જ ઊભો રહી ગયો.
દસેક મિનિટ પછી દીપડો ક્રાઈમ બ્રાન્ચની બોલેરોના બોનેટ પર ચઢ્યો. એ સમયે ગોહિલને પિસ્તોલમાંથી ફાયર કરી દીપડાને હંમેશ માટે સુવડાવી દેવાનો વિચાર આવ્યો. તેનો હાથ અનાયાસે પીઠ પાછળ પેન્ટમાં ખોસેલી પિસ્તોલ તરફ ગયો.
`સર… આ નવું નથી. આવું પહેલાં પણ ઘણી વાર બન્યું છે એટલે રાતે સચેત રહી પોલીસ સ્ટેશન બહાર નીકળવું પડે છે. શું કરીએ… આપણા હાથ બંધાયેલા છે. તેને ઇજા પણ પહોંચાડી શકતા નથી.’ દળવીએ કહ્યું એટલે ગોહિલનો હાથ પિસ્તોલ તરફ જતો અટક્યો.
`એક વાર તો દીપડો પોલીસ સ્ટેશનને છાપરે ચઢી ગયો હતો. સવાર સુધી અમારે અહીં પુરાઈ રહેવું પડ્યું હતું.’
બોનેટ પરથી દીપડો હવે બોલેરોની છત પર ચઢી આરામથી બેસી ગયો. તેની શિકારી નજર પોલીસ સ્ટેશન તરફ જ હતી.
દરવાજાની બાજુની બારીમાંથી દીપડાને જોતાં બંડગરે કહ્યું: `હવે વન વિભાગને પત્ર લખવો પડશે. દીપડો આ પરિસરમાં વારંવાર દેખાશે તો એ લોકો પાંજરું ગોઠવશે અને તેમાં ફસાયેલા દીપડાને ગીચ જંગલમાં છોડી આવશે.’
ગોહિલ અને ગાયકવાડે અડધા કલાક સુધી દીપડાની જવાની રાહ જોઈ, પણ એ ટસનો મસ થવા તૈયાર નહોતો. આખરે કંટાળીને ગાયકવાડે તેની કૅબિન તરફ ચાલવા માંડ્યું અને ગોહિલને પણ કૅબિનમાં આવવા કહ્યું.
હવે શું કરીશું? આ સાહેબ તો અડીંગો જમાવીને બેસી ગયો છે!’ ગોહિલે ખુરશીમાં ગોઠવાતાં કહ્યું. પોલીસ સ્ટેશનમાંથી નીકળવાનો પાછળ એક માર્ગ છે, પણ વાહન બધાં આગલા ભાગમાં છે અને મુખ્ય રસ્તા તરફ જવાનો માર્ગ પણ એ એક જ છે.’ ગાયકવાડે કહ્યું.
મને લાગે છે, આજનો પ્લાન પડતો મૂકવો પડશે.’ ગોહિલે નિરાશા સાથે કહ્યું. કોઈ વાંધો નહીં… આપણે કાલે પ્રયત્ન કરીશું!’ ગોહિલનો જુસ્સો જાળવી રાખવા ગાયકવાડે કહ્યું.
કાલે સવારે મારે હેલિકૉપ્ટર ક્રેશ સાઈટ પર પણ જવાનું છે.’ કહીને અચાનક કંઈ યાદ આવ્યું હોય તેમ ગોહિલે ગાયકવાડને પૂછ્યું:સર… અત્યારે અમસ્તા બેઠા છીએ તો ઘટનાસ્થળની તસવીરો જોઈએ?’
ગાયકવાડે તરત જ એક કોન્સ્ટેબલને બોલાવી ઈન્સ્પેક્ટર કામત પાસેથી ઘટનાસ્થળે પાડેલી તસવીરો લઈ આવવા કહ્યું. કોન્સ્ટેબલ તસવીરોનું કવર આપી ગયો એટલે ગોહિલે જરૂરી તસવીરો ટેબલ પર ગોઠવી.
આ તસવીર જુઓ… હેલિકૉપ્ટર પટકાવાને કારણે લગભગ બે ફૂટનો ઊંડો ખાડો પડ્યો હોવાનું લાગે છે.’ ગોહિલે એક તસવીરને ધ્યાનથી જોયા પછી ગાયકવાડને બતાવી. હા… ખાડો પડ્યો હોવાનું લાગે તો છે, પણ કેટલો ઊંડો છે એ તો કાલે ત્યાં જઈને જોઈએ તો ખબર પડે!’
તસવીરને ધ્યાનથી જોયા પછી ગાયકવાડે ગોહિલ તરફ જોતાં કહ્યું: …પણ તું કહેવા શું માગે છે?’ એ જ કે કદમનું અનુમાન સાચું લાગે છે.’ ગોહિલે કહ્યું: `હેલિકૉપ્ટર પટકાવાને કારણે જમીનમાં દટાયેલી લાશ ઉપર આવી ગઈ હશે!’
ગાયકવાડ પલક ઝબકાર્યા વગર ગોહિલને જોતા રહ્યા. ગોહિલ કંઈ વિચારતો હોવાનું તેમને લાગ્યું. થોડી ક્ષણ પછી તે બોલ્યો:
`ગાયકવાડ સાહેબ, શું એવું બની શકે કે… મંજરીની જેમ બીજાં પણ શબ ત્યાં દટાયેલાં હશે! (ક્રમશ:)