પ્રકરણ – 8 દીકરી પછી માને પણ ગાયબ કરી!

પ્લોટ-16 – પ્રકરણ-8
યોગેશ સી પટેલ
‘બેટા… હોમ-હવન કરવાથી કે પ્રભુનું નામ જપવાથી સમસ્યાનું નિરાકરણ નહીં થાય, એવી તમારી માન્યતા હું બદલી શકતો નથી… એ તો જેવી પ્રભુની ઇચ્છા! પણ એક વાત અટળ છે કે પ્રભુભક્તિમાં ઘણી શક્તિ હોય છે. તે દરેક વિપદામાંથી માર્ગ કાઢવાનું સામર્થ્ય અને જ્ઞાન બક્ષે છે.’ ગોર-મહારાજનો ઉપદેશ ઈન્સ્પેક્ટર ચંદ્રેશ ગોહિલ ધ્યાનથી સાંભળતો હતો.
ગોહિલને ભગવાનમાં શ્રદ્ધા ખરી, પણ મુશ્કેલ ઘડીમાં માર્ગ શોધવાને બદલે હોમ-હવનનો આશરો લેવો તેને યોગ્ય નહોતું લાગતું. એ તેને અંધશ્રદ્ધા જેવું લાગતું.
આરેના જંગલમાં ઉપરાછાપરી બનેલી ઘટનાઓથી રહેવાસીઓમાં દુરાત્માના ઓછાયાની અફવા ફેલાઈ હતી. આ કષ્ટના મારણ માટે યુનિટ-16માં મુખ્ય માર્ગ નજીક આવેલી આરે હૉસ્પિટલ પાસેના મેદાનમાં મહાહવન અને ‘ભંડારા’નું આયોજન કરાયું હતું. પવિત્ર પ્રસંગે ભક્તો માટે રખાતા ભોજનને મરાઠીમાં ભંડારા કહેવામાં આવે, જેને મહાપ્રસાદ ગણવામાં આવે છે. સાધુઓને કરાવાતા જમણવારને પણ ‘ભંડારો’ કહેવાય છે.
હવનના સ્થળે જવાની ગોહિલની ઇચ્છા નહોતી, પણ ગામવાસીઓનો વિશ્ર્વાસ જીતવા અને તેમનું માન જાળવવાના હેતુથી આરે પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર અશોક ગાયકવાડના આગ્રહથી તે ટીમ સાથે આવ્યો હતો. ભંડારામાં ભોજન માટે જતાં પહેલાં દળવીએ ગોહિલની મુલાકાત પાડાના મુખિયાઓ સાથે કરાવી હતી.
હવનમાં નાળિયેર હોમીને ગોહિલે મહારાજ સામેના પાત્રમાં દક્ષિણા મૂકી ત્યારે મહારાજે તેને પૂછ્યું: ‘મુખ પર ચિંતાની રેખાઓ શાને દેખાય છે, યજમાન!’
‘અમારું કામ જ એવું છે, મહારાજ કે જેમાં સતત ટેન્શન હોય… એટલે અમારા ચહેરા સોગિયા જ દેખાવાના!’ ગોહિલે સામાન્ય ઉત્તર આપ્યો.
ચિંતા છોડીને શાંત ચિત્તે તકલીફોનો હલ શોધવાની સલાહ ગોહિલને આપી મહારાજ ઉપદેશ આપ્યા લાગ્યા હતા. ‘કામકાજમાંથી થોડો સમય પ્રભુ માટે કાઢશો તો સંકટ અવશ્ય દૂર થશે… દરેક કાર્યો માટે ઈશ્વર માનવોને જ માધ્યમ બનાવે છે. એટલે કર્મો તો તમારે જ કરવાનાં છે, યજમાન… ઈશ્વર માત્ર માર્ગ ચીંધે છે!’
ગોહિલને થયું, હવે વધુ સમય અહીં વિતાવશે તો ગુના ઉકેલવાનું છોડીને પ્રભુભક્તિમાં લીન થઈને એ પણ ઉપદેશ આપવા લાગશે એટલે હાથ જોડી મહારાજને નમન કરીને તેણે ચાલવા માંડ્યું.
ભંડારામાંથી જમીને એપીઆઈ પ્રણય શિંદે અને કોન્સ્ટેબલ નામદેવ દળવી સાથે ડ્રાઈવર સંજય માને ગોહિલ પાસે આવ્યો. માનેનો એક તરફનો ગાલ થોડો ફૂલેલો જોઈને ગોહિલ સમજી ગયો કે જમ્યા પછી તમાકુ ખાવાની પ્રક્રિયા પણ તે પતાવીને આવ્યો છે.
‘સર, પાઈનેપલ શીરો ખૂબ જ સ્વાદિષ્ટ છે… થોડો મગાવું તમારા માટે?’ શિંદેએ પૂછ્યું.
‘ના… યાર, મારે કંઈ ખાવું નથી!’ ગોહિલે અનિચ્છા વ્યક્ત કરી.
‘મેં તો ત્રણ વાર શીરો લીધો, સર!’ શિંદેએ રાજીપો દર્શાવ્યો.
‘આવું ખાઈને બાવડાં ફુલાવ અને આરોપીઓ પર જોર અજમાવ… મારી મારીને બિચ્ચારા આરોપીઓનાં હાડકાં ખોખરાં કરી નાખે છે!’ ગોહિલે હસીને કહ્યું: ‘એટલે જ તો મને ક્યારેક આરોપીઓની દયા આવે છે!’
બધા ખડખડાટ હસીને બોલેરોમાં ગોઠવાયા. પેટ સંકેલીને જેમતેમ ડ્રાઈવિંગ સીટ પર ગોઠવાયેલા માનેએ બોલેરો સ્ટાર્ટ કરી એટલે ગોહિલે મુખ્ય રસ્તાને બદલે અંદરના માર્ગ પરથી વાહન લેવાની સૂચના આપી. ફાંદ વધી હોવા છતાં માને ઉત્તમ ડ્રાઈવર હતો એટલે તેની અણગમતી આદતો સામે ગોહિલ આંખ આડા કાન કરતો.
બોલેરો ધીમી ગતિએ ચાલતી હતી ત્યારે ગોહિલની નજર એક ખૂણે ઊભા રહીને જમતા જૉની-બૉની પર પડી. ગોહિલે વાહન રોકવાનો ઇશારો કરતાં માનેએ તરત બ્રેક મારી.
‘દળવી… તું તો કહેતો હતો કે આ બન્ને પાગલ છે. જો કેવા શિસ્તમાં એક જગ્યાએ ઊભા રહીને જમે છે.’ ગોહિલે દળવીનું ધ્યાન દોર્યું.
‘શિંદે, આવા પાગલ ક્યારેય જોયા છે? પાગલ આટલી વ્યવસ્થિત રીતે ડિશ પકડીને શાંતિથી જમે ખરા?’ બધા ગોહિલની વાત સાંભળી ધ્યાનથી જૉની-બૉનીને નીરખવા લાગ્યા.
‘વાત તો તમારી સાચી છે, સર!’ શિંદેએ બાવડાં ફુલાવતાં કહ્યું: ‘આ બન્ને નમૂના ખરેખર પાગલ છે કે નહીં એની શંકા જાય છે!’
‘હિલતા મકાન… સબ કે લિયે ચાય-નાસ્તા કા બંદોબસ્ત કરો. ઔર… થોડા જલ્દી!’ વિધાનસભ્ય ગુલાબરાવ જાંભુળકરે તેમના પીએ પ્રસન્ન ચૌધરીને આદેશ આપ્યો.
‘જી, સા’બ!’ હાથમાં મોબાઈલ સાથે ચૌધરી હાલકડોલક થતો જાંભુળકરની કૅબિન બહાર નોકરને કામ સોંપવા ગયો. ડૉ. વિશ્ર્વાસ ભંડારીની નજર તેની ચાલ પર હતી.
બાપટે પત્રકાર પરિષદમાં સરકાર વિરુદ્ધ આગ ઓકી એટલે લોકોનું ધ્યાન ભટકાવવા અને પોતાની પ્રતિભા ઊજળી કરવા આરેમાં સારા અને લોકોપયોગી કાર્યક્રમો યોજવાનું કાર્યકરોની મીટિંગમાં નક્કી કરાયું હતું.
તે સમયે આરેમાં હોમ-હવનની વાત આવી એટલે જાંભુળકરે પ્રસિદ્ધિની તક ઝડપી લીધી હતી. હવન બાદના ‘ભંડારા’નો પૂરો ખર્ચ ઉપાડી લેવાની જવાબદારી જાંભુળકરે સ્વીકારી હતી. બીજી બાજુ, ચૌધરીએ સ્વાસ્થ્ય શિબિર ગોઠવવા સંબંધી ચર્ચા કરવા જાંભુળકર સાથે ડૉક્ટરોની મીટિંગ ગોઠવી હતી, જેમાં ડૉ. વિશ્ર્વાસ ભંડારી અને ડૉ. આયુષ પાઠક સાથે ભંડારીની સેક્રેટરી કૃપા ગોડબોલે પણ હાજર હતી.
‘અઠવાડિયામાં જ એક શિબિર ગોઠવી દો!’ જાંભુળકરે જાણે આદેશ આપ્યો.
‘તૈયારી માટે માણસો જોઈએ તો અમારા કાર્યકરો મળી રહેશે!’
‘સર, કૅમ્પનું આયોજન થઈ જશે, પણ હેલિકૉપ્ટર ક્રેશની ઘટના પછી પોલીસને કોઈ તકલીફ…’ ડૉ. ભંડારીએ જાણીજોઈને વાક્ય અધૂરું છોડ્યું.
‘પોલીસને શી તકલીફ છે?’ જાંભુળકરનો અવાજ થોડો મોટો થયો.
‘સર, પરમિશન માટે પોલીસ પાસે જવું પડશેને?’ ડૉ. પાઠક શાંતિથી બોલ્યા.
‘પોલીસ ડૉક્ટર ઈમાનદાર સાથે અમે ચર્ચા કરી લઈશું… એ હંમેશાં મદદ માટે તત્પર હોય છે, પણ…’ ડૉ. ભંડારીએ ફરી વાક્ય પૂરું ન કર્યું.
ડૉ. સંયમ ઈમાનદાર પોલીસ માટે નિ:શુલ્ક સેવા આપતા હોવાથી તેમની ઓળખ પોલીસ ડૉક્ટર તરીકે પણ પડી ગઈ હતી.
‘હાં… ઈમાનદારને હું ઓળખું છું. એ હેલ્પફુલ વ્યક્તિ છે.’ જાંભુળકરે પણ ડૉ. ભંડારીની વાતમાં હામી ભરી.
‘સર, તમારા તરફથી થોડું પ્રેશર આવશે તો પોલીસ આનાકાની નહીં કરે… અને કામ ફટાફટ થઈ જશે!’ ડૉ. પાઠકે માર્ગ ચીંધ્યો.
મોટી વ્યક્તિઓ વચ્ચેની વાતચીતમાં કૃપા માટે બોલવાનું કંઈ નહોતું એટલે તે ચૂપચાપ બેસીને વાતચીત સાંભળતી હતી.
‘ઠીક છે… હું ડીસીપી સાથે વાત કરીશ! ખર્ચાની ફિકર ન કરતા.’
ચા-નાસ્તો આવ્યો એટલે જાંભુળકર થોડું અટક્યા. પછી તેમણે ચૌધરી સામે ઇશારો કરતાં કહ્યું: ‘કોઈ મદદની જરૂર હોય તો આ ચૌધરીને કહી દેજો!’
ચા-નાસ્તો પછી રજા લેતી વખતે બન્ને ડૉક્ટર અને કૃપાએ નમસ્કાર કર્યા ત્યારે જાંભુળકરે પણ હાથ જોડ્યા: ‘જય મહારાષ્ટ્ર… આમ્હી નાહી ભ્રષ્ટ!’
આરેના જંગલ વચ્ચેથી પસાર થતા મુખ્ય માર્ગ દિનકરરાવ દેસાઈ રોડના બીજા છેડે પિકનિક પૉઈન્ટ નજીક પહોંચી કૃપા ગોડબોલેએ તેના સ્કૂટરની ગતિ થોડી ધીમી કરી. પરિવાર સાથે, ખાસ કરીને બાળકો માટે એક દિવસીય પિકનિક માટેનું આ ઉત્તમ સ્થળ.
પિકનિક પૉઈન્ટ નજીકની કૅન્ટીન બહારના બાકડા પર બેસીને બાળકૃષ્ણ ટેકામ, ભાસ્કર કડુ અને જુગલ મેશ્રામ ચા પીતા હતા. કૅન્ટીન નામે માત્ર સ્ટૉલ, જેમાં જંક ફૂડનાં પૅકેટ્સ, ગણીગાંઠી ખાદ્ય વસ્તુઓ, કૉલ્ડ ડ્રિન્ક્સ અને ચા-કૉફી મળતાં.
‘માફ કરજો… ઘણી રાહ જોવી પડી?’ કૃપાએ વિનયથી હાથ જોડ્યા.
‘અરે, ના! અમે તો સમય પસાર કરવા વહેલા આવીને ચા પીતા બેઠા હતા.’ એટલા જ વિનયથી યુનિટ-13ના મુખિયા બાળકૃષ્ણ ટેકામે જણાવ્યું.
હેલિકૉપ્ટર દુર્ઘટનાને કારણે રદ કરવી પડેલી મેડિકલ શિબિર પોલીસ સાથે ચર્ચા પછી ફરી યોજવાની ધરપત આપવા કૃપાએ મેશ્રામ અને ટેકામને ફોન કર્યા હતા. તે સમયે ટેકામે પણ જરૂરી માહિતી આપવા માગતા હોવાનું કહ્યું હતું. ટેકામ સૌથી વડીલ મુખિયા હતા અને મેશ્રામના યુનિટ પચીસમાં આયોજિત શિબિર રદ થઈ હતી.
‘ચા પીશે?’ મેશ્રામે પૂછ્યું.
‘ના… થેન્ક્સ, હું માત્ર સવારે… એક ટાઈમ ચા પીઉં છું.’ કૃપાએ કહ્યું.
‘બેટા, કંઈ ખાશે? નાસ્તો મગાવું?’ ટેકામે સભ્યતા જાળવીને કહ્યું.
‘ના… કાકા! કંઈ નહીં. મારે પાછા હૉસ્પિટલ જવાનું છે.’ કૃપા ટેકામને કાકા તરીકે જ સંબોધતી.
‘શિબિર માટે શું કહેતી હતી?’ હવે યુનિટ-16ના ભાસ્કર કડુએ પ્રશ્ન કર્યો.
‘એ મુદ્દે ડૉક્ટરોએ વિધાનસભ્ય જાંભુળકર સાથે વાતચીત કરી છે…’
‘શું કહ્યું એ ગુલાબજાંભુએ?’ કૃપાની વાત વચ્ચે જ કાપી મેશ્રામે સવાલ કર્યો.
વિધાનસભ્ય ગુલાબરાવ જાંભુળકરને તેમની જાણબહાર મોટા ભાગના લોકો નામ અને અટક જોડીને ગુલાબજાંભુ કહેતા. તેમનો દેખાવ પણ થોડો વિચિત્ર હતો. માથું નાનું અને પેટ હદ કરતાં વધુ આગળ હતું. પગમાં પહેરેલાં ચંપલ જોવા તેમણે કદાચ વાંકા વળવું પડતું હશે. ગરદન નહીંવત્ હતી. માથા સાથે જાણે સીધું ધડ જોડાયેલું હતું. માથે હંમેશાં ગાંધીટોપી રહેતી.
જાંભુળકર કોઈ ફંક્શનમાં જવાના હોય તો ત્યાંના આયોજકો ખાસ ધ્યાન રાખતા કે તેમની હાજરીમાં મરાઠી ગીત ‘જાંભુળ પિકલ્યા ઝાડા ખાલી ઢોલ કુણાચા વાજજી!’ ન વાગે. આ ગીત તેમને ચીડવવા માટે વગાડાતું હોવાનું જાંભુળકર માનતા.
‘આરેમાં સારા અને લોકોપયોગી કાર્યક્રમો યોજાય એવું ખુદ નેતાજી ઇચ્છે છે!’ મીઠાબોલી કૃપાએ કહ્યું: ‘…એટલે રદ કરાયેલી સ્વાસ્થ્ય શિબિર ફરી યોજાશે!’
‘જાંભુળકરે પોલીસ સાથે વાત કરવાનું વચન આપ્યું છે અને પૂરા સહકારની તૈયારી બતાવી છે.’ કૃપાએ માહિતી આપી.
‘ચાલો, સારું! બધાનું સ્વાસ્થ્ય તપાસાય એ ઉત્તમ કાર્ય છે! ગોડબોલે… તેં તો મીઠા સમાચાર આપ્યા!’ ટેકામે ખુશી વ્યક્ત કરી.
‘હા… કાકા! થોડા દિવસમાં શિબિરનું આયોજન થાય એવી આશા છે.’
પોતાની વાત પતાવીને કૃપાએ ટેકામને પૂછ્યું: ‘કાકા… તમે કોઈ જરૂરી વાત કહેવાના હતા?’
‘હા. આ કડુ સવારે મને મળવા આવ્યો અને મહત્ત્વની જાણકારી આપી.’ ટેકામે કડુ તરફ ઇશારો કરતાં કહ્યું.
‘હેલિકૉપ્ટર દુર્ઘટના સ્થળેથી જે છોકરીનું શબ મળ્યું હતું એનું નામ મંજરી નવલે હતું!’
‘શું! એની ઓળખ થઈ?’ કૃપાને આશ્ર્ચર્ય થયું.
‘હા. યુનિટ સત્તરમાં એક તૂટેલાફૂટેલા ઝૂંપડામાં તેની મા સાથે રહેતી હતી મંજરી.’ હવે કડુએ માહિતી આપવાનું શરૂ કર્યું.
‘તો… આ ઈન્ફર્મેશન પોલીસને આપી?’
‘એ વિના છૂટકો છે? પોલીસ હવે અમારા માથે છાણાં થાપશે!’ અટક અનુરૂપ કડુ ક્યારેક કડવું બોલતો.
‘પેલા દળવીને જાણ કરી છે… હમણાં સાંજે પોલીસ સ્ટેશને અમને બોલાવ્યા છે. મોટા સાહેબ સાથે વાત કરાવશે, એવું દળવીએ કહ્યું છે!’ કડુએ મોં કડવું કરતાં કહ્યું.
‘એક તો છોકરીની વધુ વિગતો નથી અને ઉપરથી તેની માની પણ કોઈ ભાળ નથી!’ કડુ જાણે તિરસ્કારથી બોલતો હતો.
‘એટલે?’ કૃપા ચોંકી.
‘છોકરીની મા પણ ગાયબ છે… ભગવાન જાણે હવે એને શું થયું હશે?’ (ક્રમશ:)
આ પણ વાંચો…પ્લોટ 16 -પ્રકરણ-5: હાર્ટ કોણે કાઢી લીધું?