પ્લોટ-16 - પ્રકરણ-12
નવલકથા

પ્લોટ-16 – પ્રકરણ-12

યોગેશ સી પટેલ

‘જય મહારાષ્ટ્ર… આમ્હી નાહી ભ્રષ્ટ! જનતાએ જરાય ચિંતા કરવાની કે ડરવાની જરૂર નથી. મુંબઈમાં ‘સબ સલામત’ જેવું છે.’ વિધાનસભ્ય ગુલાબરાવ જાંભુળકર ઉત્સાહથી ન્યૂઝ ચૅનલોનાં માઈક સામે બોલતા હતા. જાંભુળકરની પત્રકાર પરિષદમાં ચૅનલ અને અખબારના પ્રતિનિધિઓની પાંખી હાજરી હતી.

વિરોધ પક્ષના નેતા ગજાનન બાપટ સરકાર વિરુદ્ધ આગ ઓકવાનો એકેય મોકો છોડતા નહોતા. એમાંય હેલિકૉપ્ટર દુર્ઘટના, છોકરીનું શબ, હૃદય ગુમ જેવા મુદ્દે તો તેમણે શાસક પક્ષનાં છોતરાં કાઢી નાખ્યાં હતાં. વિધાનસભ્ય જાંભુળકર તેમને જવાબ આપવાની તક શોધતા હતા. છોકરીના શબ અને હેલિકૉપ્ટર દુર્ઘટનાને કોઈ સંબંધ ન હોવાનું પોલીસ તપાસમાં સામે આવતાં જાંભુળકરે આ માહિતીનો ફાયદો ઉઠાવવાનું વિચાર્યું હતું.

‘છોકરીનું શબ હેલિકૉપ્ટરમાં ક્યાંય લઈ જવાતું નહોતું… એ તો ત્યાં જ પડેલું હતું. વિરોધ પક્ષ ખોટો હોબાળો મચાવીને ડરનો માહોલ ઊભો કરવા માગે છે.’ જાંભુળકર જાણતા હતા કે આ મામલો થાળે પડ્યો નથી, પણ સરકારની શાખ બચાવવા અને બાપટના મોઢે તાળું લગાવવાનો તેમનો આ પ્રયાસ હતો.

‘પોલીસ કોઈ પણ દબાણ વિના સાચી દિશામાં તપાસ કરી રહી છે. છોકરીના મૃત્યુનું રહસ્ય પણ ટૂંક સમયમાં ઉઘાડું પડી જશે. હેલિકૉપ્ટર તૂટી પડ્યું એ માત્ર એક અકસ્માત હતો. આ આખા મામલામાં કોઈ મેલી રમત રમાઈ નથી.’ જાંભુળકર પરાણે હસતું મોઢું રાખી ઉત્સાહ દેખાડવાનો પ્રયત્ન કરતા હતા.

જાંભુળકરના અંગત સહાયક પ્રસન્ન ચૌધરીએ ચાલાકીપૂર્વક પસંદગીના જ પત્રકારોને બોલાવ્યા હતા, જેથી કોઈ અણગમતા સવાલ ન કરે! વળી, આ પત્રકારો માટે લંચની વ્યવસ્થા અને અન્ય ‘સગવડ’નો ખયાલ રખાયો હતો. ‘સાહેબ… વિરોધ પક્ષે સરકાર સાચી વાત દબાવતી હોવાનો મુદ્દો ઊભો કર્યો છે એનું શું?’ એક પત્રકારનો સવાલ.

‘આ બધી અફવા છે. તમે કોઈ પણ પોલીસ અધિકારીને પૂછી શકો છો. અમે તપાસમાં ચંચૂપાત કરતા નથી! ઊલટું, તપાસમાં ઊણપ રાખનારા પોલીસ અધિકારીઓ સામે પગલાં લેવાની માગણી મેં ગૃહ પ્રધાનને કરી છે!’ જાંભુળકરે સ્પષ્ટતા કરી.
‘શહેરમાં કાયદો-વ્યવસ્થા કથળ્યા હોવાનું તમારા વિરોધીઓનું કહેવું છે. આ બાબતે તમે શું કહેવા માગો છો?’ બીજા પત્રકારનો સવાલ.

‘જુઓ… વિરોધ પક્ષ પાસે કોઈ મુદ્દા નથી એટલી નજીવી બાબતોને બહોળું સ્વરૂપ આપી હંગામો મચાવે છે. વિરોધીઓને કોઈ શંકા હોય કે કંઈ પૂછવું હોય તો સીધી અમારી સાથે વાત કરે. અમે પુરાવા સાથે સમજાવીશું.’ હવે જાંભુળકરે પડકાર ફેંક્યો.

‘આરેમાં થોડા દિવસમાં આરોગ્ય શિબિર થશે… પોલીસ પાસેથી પૂરતી માહિતી લઈને શિબિરના સ્થળે તમને આપીશ.’
કહીને જાંભુળકર પત્રકાર પરિષદ પૂરી કરતાં બોલ્યા: ‘જય મહારાષ્ટ્ર… આમ્હી નાહી ભ્રષ્ટ!
‘ભાઈજી… દરેક યુનિટમાં શોધ ચાલુ છે, પણ એ રાક્ષસના કોઈ સગડ મળતા નથી… હવે શું કરવું છે?’ યુવાનોની ટીમમાંથી એકે પૂછ્યું.

‘નિરાશ થવાની જરૂર નથી. આજે ફરી પ્રયત્ન કરીએ… શિકાર ક્યાં સુધી આપણાથી બચશે!’ યુનિટ પચીસના મુખિયા જુગલ મેશ્રામે કોયતો ઊંચો કરતાં કહ્યું.

જંગલમાં માનવભક્ષીને શોધવા મેશ્રામે યુવાનોની ટીમ બનાવી હતી. આ યુવાનો અલગ અલગ ગ્રૂપમાં દરેક યુનિટ આસપાસના જંગલ પરિસરમાં ફરતા હતા, પરંતુ માનવભક્ષી હાથ લાગ્યો નહોતો. હવે કઈ રીતે કાર્ય કરવું એની ચર્ચા કરવા બધા પિકનિક પૉઈન્ટના મેદાનમાં એક ખૂણે ભેગા થયા હતા.

યુનિટ-13ના મુખિયા બાળકૃષ્ણ ટેકામ ચર્ચાને સ્થળે ખાસ ઉપસ્થિત રહેતા. જંગલમાં માનવભક્ષીની શક્યતા ટેકામે જ વ્યક્ત કરી હતી, પરંતુ મેશ્રામ અને તેની ટીમ જે પ્રમાણે ઝનૂની બની હતી તે જોતાં ટેકામને ડર લાગવા માંડ્યો હતો.

‘આ લોકો કોઈ નિર્દોષને પતાવી ન નાખે તો સારું!’ એવી પ્રાર્થના ટેકામ મનોમન કરતા હતા.
‘આજનો દિવસ ફરી જંગલ ખૂંદી વળીએ… આવતી કાલથી એ હરામખોરને રાતે શોધવા નીકળીશું.’ મેશ્રામે સૂચના આપી.

‘જી… ભાઈજી!’ યુવાનોએ સમર્થન આપ્યું.
‘આપણને જોઈને દિવસમાં એ રાક્ષસ કોઈ બખોલમાં સંતાઈ જતો હશે અને રાતે જ શિકાર માટે નીકળતો હશે.’
મેશ્રામે મેદાનની સુરક્ષા માટે લગાવેલી ગ્રીલ પર કોયતો પટક્યો અને કહ્યું: ‘આપણે રાતે જ એ શિકારીનો શિકાર કરવો પડશે!’

ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ડીસીપી) સુનીલ જોશીની ઑફિસમાં ઈન્સ્પેક્ટર ચંદ્રેશ ગોહિલ અને રવિ કદમ પ્રવેશ્યા ત્યારે તેમને અંદાજો નહોતો કે કૅબિનમાં ડૉ. સંયમ ઈમાનદાર અને ડૉ. કુશલ સહાણે પણ હશે.

કૅબિનમાં પ્રવેશતાં જ ગોહિલ અને કદમે ‘જય હિન્દ… સર!’ કહ્યું. પછી જોશીની પરવાનગીથી બન્ને ડૉક્ટરની બાજુની ખુરશીમાં બેઠા.
ગોહિલે જોશી પછી ડૉ. ઈમાનદાર તરફ જોયું એટલે જોશીએ જાણે ખુલાસો કર્યો.
‘શનિવારે ચેકઅપ માટે આપણે ન ગયા એટલે ડૉક્ટર અમસ્તા હાલચાલ પૂછવા આવ્યા છે.’

‘અમે અહીંથી પસાર થવાના હતા એટલે ડીસીપીસાહેબની એપોઈન્ટમેન્ટ લઈને મળવા આવ્યા.’ હસતાં હસતાં ડૉ. ઈમાનદારે સ્પષ્ટતા કરી.
‘આગ્રહભરી વિનંતી છતાં ડીસીપીસાહેબ અને તમે ન આવી શક્યા?’ ગોહિલ તરફ જોતાં ડૉ. સહાણેએ પ્રશ્ન કર્યો.
‘નેક્સ્ટ ટાઈમ જરૂર આવીશ… પહેલાં આ જંગલની જંજાળમાંથી બહાર તો નીકળીએ!’ ગોહિલે ઉડાઉ જવાબ આપ્યો.

ચહેરા પર સ્માઈલ સાથે ડૉ. સહાણેએ ઉમેર્યું: ‘…પણ ઑફિસર, આવા ભયાનક જંગલમાં ગંભીર કેસોને હેન્ડલ કરવા હૃદય સાબૂત… મજબૂત હોવું જરૂરી છે અને અમે બધાનાં હૃદયમાં ઊતરી આ જ કામ કરીએ છીએ!’

‘તમારી વાત બરાબર છે, સર… પણ અમે આ કેસમાં એવા ગૂંચવાયા છીએ કે સમય કાઢી શકતા નથી.’ ગોહિલે વસ્તુસ્થિતિ જણાવી.
‘…તો પછી કેસમાં શું પ્રોગ્રેસ છે એ જણાવ, ગોહિલ!’ નકામી ચર્ચામાં વધુ સમય બગાડવા ન માગતા હોય તેમ જોશી સીધા મુદ્દા પર આવ્યા.

‘ભારત હમ કો જાન સે પ્યારા હૈ…’ દેશભક્તિ દર્શાવતી મોબાઈલની રિંગટોન ગોહિલે રાખી હતી. મોબાઈલની રિંગ સાંભળી જોશીને પણ ગર્વની અનુભૂતિ થઈ. ચર્ચા વચ્ચે ખલેલ પહોંચી હોય તેમ મોં બગાડી ગોહિલે કૉલ કટ કર્યો અને મોબાઈલ સાઈલન્ટ મોડ પર કર્યો. પછી જોશી તરફ જોઈ ‘સૉરી’ કહીને ગોહિલે વાતચીત આગળ વધારી.

‘સર, તપાસ ચાલુ છે… છોકરીની ઓળખ થઈ છે. એને લગતી પૂરી વિગતો મળી છે, પણ…’
ગોહિલને વાક્ય પૂરું કરવાનો મોકો આપ્યા વિના જોશીએ જાણે ટોણો માર્યો: ‘ગોહિલ… મીડિયાને આપે એવા જવાબ મને નથી સાંભળવા. અત્યારે તપાસમાં શું પ્રગતિ થઈ છે એ જણાવ.’

‘ખરું કહું તો, સર… મને શંકા છે કે એ સ્થળે બીજાં પણ શબ દટાયેલાં હોઈ શકે!’ ગોહિલ શબ્દો તોળી તોળીને બોલતો હતો.
‘શું?’
‘સર… જે રીતે મંજરીનું શબ મળ્યું એ એક આકસ્મિક ઘટના ગણી શકાય. જો હેલિકૉપ્ટર ક્રેશની ઘટના ન બની હોત તો ત્યાં મંજરીની લાશ દટાયેલી છે એ કદાચ કોઈ જાણી ન શક્યું હોત.’

‘…અને તને એવું શેના પરથી લાગે છે કે ત્યાં વધુ શબ હશે?’ જોશીએ પ્રશ્ન કર્યો.
‘મને તો નથી લાગતું કે ત્યાં બીજાં શબ હશે, કારણ કે એવું હોત તો પેલી છોકરીની લાશની સાથે તે પણ જમીનની ઉપર આવી ગયાં હોત!’ ડૉ. ઈમાનદારે મત વ્યક્ત કર્યો.

પોલીસ ઑફિસરોની ચર્ચામાં વચ્ચે બોલવા બદલ અફસોસ વ્યક્ત કરતાં ડૉ. ઈમાનદારે કહ્યું: ‘સૉરી… હું તમારી વચ્ચે બોલ્યો, પણ એ સ્થળે હું જઈ આવ્યો છું. મને તો ત્યાં બીજું શબ હોવાનાં કોઈ ચિહ્નો દેખાયાં નહોતાં.’

‘જંગલના એ ગીચ ભાગમાં જવાની કોઈ હિંમત નહીં કરતું હોય… એટલે ત્યાં પડેલી લાશની કોઈને જાણ નહીં થઈ હોય!’ જોશીએ અભિપ્રાય આપ્યો.

‘એમાંય આ ડૉક્ટર સહાણે તો પેલી છોકરી નરબલિનો ભોગ ચઢી હોવાની શક્યતા વિચારી રહ્યા હતા!’ ડૉ. ઈમાનદારની આ વાત સાંભળી બધા ડૉ. સહાણે તરફ જોવા લાગ્યા.

ડૉ. ઈમાનદારે વાત વાળી લેતાં કહ્યું: ‘ખરું કહું, ઑફિસર… મેં પણ એક વિચાર જણાવ્યો હતો કે… જંગલમાં ગેરકાયદે રિસર્ચ તો નથી થઈ રહ્યુંને?’

‘આ મુદ્દાઓ પર પણ વિચાર કરવો જોઈએ, ગોહિલ.’ જોશીનો ઇશારો ગોહિલ સમજી ગયો.
‘એ બધું ઠીક છે, પણ ફોરેન્સિકની ટીમ ત્યાં તપાસ માટે આવી હતીને? તેમને બીજી લાશ દટાયેલી હોવાનો કોઈ અણસાર આવ્યો?’ ડૉ. સહાણેએ સૂચવ્યું.

ગોહિલને ફરી સબ-ઈન્સ્પેક્ટર દત્તા બંડગરનો કૉલ આવ્યો. ફોન સાઈલન્ટ મોડ પર હોવાથી માત્ર વાઈબ્રેટ થયો હતો. ગોહિલે ફરી કૉલ કટ કર્યો.

‘સર, ફોરેન્સિકની ટીમ ઘટનાસ્થળે માત્ર માટીના નમૂના લેવા અને અન્ય તપાસ કરવા આવી હતી. એ ટીમે મારી વાતને ખોટી ઠેરવી શકે એવાં કોઈ સાધનોથી તપાસ કરી નહોતી.’ ગોહિલે ચોખવટ કરી.

‘…તો ઘટનાસ્થળેથી કંઈ મળ્યું છે?’ જોશીએ ફરી પ્રશ્ન કર્યો.
‘ત્યાં અત્યારે અમે જવાના હતા, પણ સર… તમે બોલાવ્યા એટલે…’ કદમે વાક્ય પૂરું ન કર્યું, પણ જોશી સમજી ગયા કે તેમણે બોલાવ્યા એટલે પોલીસની ટીમ ઘટનાસ્થળે ન જઈ શકી.

‘સર, ઘટનાસ્થળે પાડેલી તસવીરોનું મેં કાલે રાતે જ નિરીક્ષણ કર્યું, જેના પરથી મને લાગે છે કે…’ ગોહિલે વાત પૂરી કરવાની જરૂર નહોતી. જોશી અડધી વાતમાં જ સમજી ગયા.

‘ઓકે. આ થિયરીને સાચી ઠેરવતા આધારભૂત પુરાવા લાવો… પછી જોઈએ!’ જોશીએ ગોહિલને તેના પ્રમાણે તપાસ કરવાની છૂટ આપી.
‘એવું કંઈ હશે તો વન વિભાગ પાસે ખોદકામની પરવાનગી મેળવવા આપની ભલામણની જરૂર પડશે, સર!’ ગોહિલે વિનંતીના સૂરમાં કહ્યું.

જોશીએ ‘ઓકે’ કહેતાં રજા લઈને ગોહિલ અને કદમ તેમની કૅબિનમાંથી બહાર નીકળ્યા.
કૅબિન બહારથી ગોહિલે તરત જ બંડગરને કૉલ કર્યો. પંદરેક મિનિટમાં ત્રણ વાર તેણે ફોન કૉલ્સ કર્યા હતા. તેને ખબર નહોતી કે સવારે ડીસીપીનો ફોન આવ્યા પછી ગોહિલ અને કદમે ત્યાં જવું પડ્યું હતું. કોઈ અર્જન્ટ વાત હશે એટલે જ બંડગરે આટલા કૉલ કર્યા હશે, એવું ગોહિલને લાગ્યું.

‘બોલ… બંડગર.’
‘સર, મંજરીની માતા ભાગવતી નવલે મૃત્યુ પામી છે. તેનું શબ કૂપર હૉસ્પિટલમાં રાખવામાં આવ્યું છે!’ બંડગરે માહિતી આપી.
‘એટલે… શું થયું? કેવી રીતે મરી?’ ગોહિલ અધીરાઈથી બોલ્યો.
‘સર… કાલે રાતે જ એક કારે તેને કચડી નાખી!’ (ક્રમશ:)

આ પણ વાંચો…પ્લોટ-16 – પ્રકરણ-10 જંગલમાં હાર્ટ અટેક આવવા જેવું શું છે?

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button