ઝુબિન ગર્ગની ‘હત્યા’ કરવામાં આવી હતી! અસામના મુખ્ય પ્રધાન સરમાનો ચોંકાવનારો દાવો

ગુવાહાટી: ગત સપ્ટેમ્બર મહિનામાં આસામના 52 વર્ષીય ગાયક-સંગીતકાર ઝુબિન ગર્ગનું સિંગાપોરમાં દરિયામાં તરતા સમયે રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું. આજે મંગળવારે આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ વિધાનસભામાં ચોંકાવનારો દાવો કર્યો હતો. સરમાએ દાવો કર્યો કે ઝુબિન ગર્ગનું મૃત્યુ સ્પષ્ટ રીતે હત્યાનો કેસ છે.
ગર્ગના મોતના સંજોગોની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ કેસમાં હત્યાના આરોપો પણ ઉમેર્યા છે.
આ પણ વાંચો: ઝુબિન ગર્ગનો છેલ્લો વીડિયો વાયરલઃ મોત સામે ઝઝૂમતો દેખાઈ રહ્યો છે સિંગર
વિધાનસભામાં ચર્ચા:
વિપક્ષ દ્વારા આસામ વિધાનસભામાં ઝુબિન ગર્ગના મૃત્યુ પર ચર્ચા કરવા સ્થગન પ્રસ્તાવ રજુ કર્યો હતો. મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાની વિનંતી પર વિધાનસભા સ્પીકરે આ પ્રસ્તાવ સ્વીકાર્યો હતો.
વિધાનસભામાં ચર્ચા દરમિયાન મુખ્ય પ્રધાન સરમાએ કહ્યું, “પ્રારંભિક તપાસ પછી, આસામ પોલીસને ખાતરી થઈ આ સ્પષ્ટપણે હત્યાનો કેસ છે. તેથી, તેમના મૃત્યુના ત્રણ દિવસની અંદર જ કેસમાં IPC ની કલમ 103 ઉમેરવામાં આવી હતી.”
મુખ્ય પ્રધાન સરમાએ કહ્યું કે ઝુબિન ગર્ગની હત્યા કેસમાં ચારથી પાંચ લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યા છે. એક આરોપીએ તેની હત્યા કરી હતી, જ્યારે અન્ય લોકોએ તેની મદદ કરી હતી.
આ પણ વાંચો: ઝુબિન ગર્ગના મૃત્યુ માટે કોણ જવાબદાર? બે લોકો સામે નોંધાઈ FIR
રહસ્યમય સંજોગોમાં મોત:
ગર્ગ નોર્થ ઈસ્ટ ઈન્ડિયા ફેસ્ટિવલ (NEIF) માં ભાગ લેવા માટે સિંગાપોર ગયો હતો, 19 સપ્ટેમ્બરના રોજ યાટ ટ્રીપ દરમિયાન દરિયામાં તરતા સમયે મૃત્યુ થયું હતું.
રાજ્ય સરકારે ઝુબિન ગર્ગના મૃત્યુની તપાસ માટે આસામ પોલીસના ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) હેઠળ એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરી. રાજ્યમાં 60 થી વધુ કેસ દાખલ થયા છે.
થોડા દિવસો બાદ, NEIF ના આયોજક, શ્યામકાનુ મહંતા, ઝુબિનના મેનેજર, સિદ્ધાર્થ શર્મા, તેમના બે બેન્ડ મેમ્બર્સ – શેખર જ્યોતિ ગોસ્વામી અને અમૃત પ્રભા મહંતા – અને ગર્ગના પિતરાઈ ભાઈ, સંદીપન ગર્ગની ધરપકડ કરવામાં આવી હતી.
ગર્ગના પર્સનલ સિક્યોરિટી ઓફિસર નંદેશ્વર બોરા અને પ્રબીન વૈશ્યની પણ ધરપકડ કરવામાં આવી છે, પોલીસને તેમના ખાતામાંથી રૂ. 1.1 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા હતા.



