ટીએમસીના કૌભાંડોની કિંમત યુવાનો ચુકવી રહ્યા છે: વડા પ્રધાન મોદી
માલદા (પશ્ર્ચિમ બંગાળ): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પશ્ર્ચિમ બંગાળની તૃણમુલ સરકારની અત્યંત આકરી ટીકા કરતાં કહ્યું હતું કે હાઈ કોર્ટ દ્વારા અપાયેલા આદેશને પગલે શિક્ષણ વિભાગમાં કરવામાં આવેલી 26,000 ભરતીને રદ કરવામાં આવી છે. તૃણમુલ સરકારની કટ એન્ડ કમિશન સંસ્કૃતિનું નુકસાન રાજ્યના યુવાનોને ઉઠાવવું પડી રહ્યું છે અને તૃણમુલ કૉંગ્રેસ પાર્ટી કૌભાંડોનો પર્યાયવાચી શબ્દ બની ગયો છે.
માલદામાં ચૂંટણી રેલીને સંબોધતાં વડા પ્રધાને એવા યુવાનોની પીડાનું વર્ણન કર્યું હતું જેમણે ટીએમસીના નેતાઓને લાંચ આપવા માટે હતાશામાં લોન લીધી હતી.
ટીએમસી કૌભાંડો કરે છે અને તેના પરિણામો રાજ્યની જનતાને સહન કરવા પડે છે. પાર્ટી રાજ્યના યુવાનોના ભવિષ્ય સાથે રમી રહી છે, એમ મોદીએ કહ્યું હતું.
તેમણે ભારપુર્વક કહ્યું હતું કે કેવી રીતે ટીએમસીના કૌભાંડોને કારણે ફક્ત યુવાનોના ભવિષ્યને નુકસાન નથી થયું, પરંતુ હજારો પરિવારના ભવિષ્યને ખરાબ અસર થઈ છે.
આપણ વાંચો: ટીએમસીએ 42 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી
શિક્ષક ભરતી કૌભાંડને કારણે 26,000 પરિવારોની રોજગારી છીનવાઈ ગઈ છે. જે યુવાનોએ ટીએમસીના નેતાઓને લાંચ આપવા માટે લોન લીધી હતી તેઓ હવે એના બોજ હેઠળ દબાઈ ગયા છે. કેન્દ્ર સરકાર દેશના યુવાનો માટે રોજગાર નિર્માણ કરવાના પ્રયાસ કરી રહી છે.
આ સપ્તાહના પ્રારંભે કલકત્તા હાઈ કોર્ટે પશ્ર્ચિમ બંગાળ સરકાર દ્વારા પ્રાયોજિત અનુદાનપ્રાપ્ત શાળાઓ માટેની ભરતી માટેની રાજ્ય સ્તરીય સિલેક્શન ટેસ્ટ-2016 (એસએલએસટી)ની પ્રક્રિયાને રદબાતલ કરી હતી અને આ ટેસ્ટના માધ્યમથી કરાયેલી બધી જ ભરતીને રદ કરી હતી.
ટીએમસીના શાસનમાં ફક્ત એક જ વસ્તુ અસ્તિત્વ ધરાવે છે, કરોડોના કૌભાંડો. દોષી ટીએમસી છે, પરંતુ આખા રાજ્યને તેમની છેતરપિંડી અને કૌભાંડોની કિંમત ચૂકવવાની ફરજ પડી રહી છે, એમ પણ તેમણે કહ્યું હતું. (પીટીઆઈ)