નોકરીની લાલચે યુવાનો દલાલોની જાળમાં ફસાય નહીંઃ વિદેશ મંત્રાલયે ભારતીયોને આપી મોટી ચેતવણી

રશિયામાં ભારતીય યુવાનોને નોકરીના બહાને યુક્રેન સામે લડવા માટે ધકેલી દેવામાં આવે છે. ભારતીય યુવકો સાથે થઈ રહેલી આ છેતરપિંડીને લઈ હવે ભારતના વિદેશ મંત્રાલયે અવાજ ઉઠાવ્યો છે. ભારતના વિદેશ મંત્રાલયે શુક્રવારે (8 માર્ચ) જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત સરકારે રશિયામાં કામ કરવાના નામે લાવવામાં આવે છે.
વિદેશ મંત્રાલયે ભારતીયોઓને આ મુદ્દે એલર્ટ કર્યા છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ રશિયા અને યુક્રેન વચ્ચેના બે મોરચાના યુદ્ધમાં બે ભારતીય નાગરિકોના મોત થયા છે. જ્યારે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં એક ભારતીયનું મોત થયું છે.
વિદેશ મંત્રાલય વતી જાહેર કરાયેલા નિવેદનમાં એવું કહેવામાં આવ્યું છે કે રશિયાના લગભગ 20 ભારતીયોએ અમારો સંપર્ક કર્યો છે, જેઓ ભારત પાછા ફરવા માંગે છે, કારણ કે તેઓ આ માનવ તસ્કરી રેકેટમાં કથિત રીતે છેતરાયા હતા. વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે, ‘તેઓને જુઠ્ઠાણા અને છેંતરપિંડી આચરીને લાવવામાં આવ્યા છે. આ માનવ તસ્કરીનો મામલો છે. આ કેસમાં સીબીઆઈએ કેટલાક સ્થળોએ દરોડા પાડ્યા છે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ આવી કોઈપણ પ્રકારની જાળમાં ન ફસાય.
વિદેશ મંત્રાલયે કહ્યું છે કે કામના બહાને ભારતીયોને રશિયા મોકલનારા માનવ તસ્કરીમાં સામેલ એજન્ટો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સીબીઆઈએ ઘણા શહેરોમાં દરોડા પાડ્યા છે અને કેસ નોંધવામાં આવ્યો છે.
વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને અપીલ કરી છે કે તેઓ રશિયામાં હેલ્પર તરીકે નોકરી ઓફર કરતા એજન્ટોની જાળમાં ન ફસાય. તે જીવન માટે ખતરો અને જોખમથી ભરેલું છે.
વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારત સરકાર રશિયન આર્મીમાં સપોર્ટ સ્ટાફ તરીકે કામ કરી રહેલા તેના નાગરિકોને વહેલામાં વહેલી તકે મુક્ત કરવા અને તેમના ઘરે પરત ફરવા માટે કટિબદ્ધ છે.