યોગી આદિત્યનાથ દિલ્હીમાં: PM મોદી, અમિત શાહ, નડ્ડા સાથે 3 કલાકની મેરેથોન બેઠક!
નેશનલ

યોગી આદિત્યનાથ દિલ્હીમાં: PM મોદી, અમિત શાહ, નડ્ડા સાથે 3 કલાકની મેરેથોન બેઠક!

નવી દિલ્હી: પાટનગર દિલ્હીમાં અત્યારે રાજકીય માહોલ વધુ ગરમ છે. એક તરફ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષને નિમવાની કામગીરીમાં વ્યસ્ત છે ત્યારે આજે અચાનક યોગી આદિત્યનાથ દિલ્હી પહોંચ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે અન્ય ટોચના નેતાઓ સાથે મુલાકાતને લઈ ફરી દિલ્હીથી લઈને ઉત્તર પ્રદેશના રાજકારણમાં ગરમાવો આવ્યો છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

ટોચના નેતાઓ સાથે કરી મુલાકાત
હાલમાં ભાજપમાં નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂકની કવાયત ચાલી રહી છે. નવા અધ્યક્ષ કોણ બનશે? તેને લઈને ઘણી અટકળો વહેતી થઈ છે. એવા સમયે આજે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે દિલ્હીના પ્રવાસે છે, જ્યાં તેમણે ત્રણ ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી છે.

3 કલાકમાં 3 જણ સાથે મુલાકાત
દિલ્હી પહોંચેલા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે વારાફરતી મુલાકાત કરી હતી. આ મુલાકાત ત્રણ કલાક સુધી ચાલી હતી. જેમાં યોગી આદિત્યનાથે સૌથી લાંબી મુલાકાત જેપી નડ્ડા સાથે કરી હતી. જેથી આ મુલાકાતનો હેતુ શું હતો? એને લઈને સસપેન્સ ઊભું થયું છે.

જેપી નડ્ડા સાથે ચાલી લાંબી બેઠક
ઉત્તર પ્રદેશમાં પણ નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂક થવાની છે. નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂક બાદ ઘણા ફેરફાર થઈ શકે છે. જેમાં પ્રધાનમંડળમાં ફેરફાર થવાની પણ સંભાવના છે. આ સિવાય ભાજપના જ નેતાઓ યોગી સરકારથી નારાજ છે. જેમાં અનુપ્રિયા પટેલનો સમાવેશ થાય છે. તેમને કઈ રીતે મનાવવા એ અંગે પણ મુલાકાતની ચર્ચાનો વિષય રહ્યો હશે.

વિધાનસભાની ચૂંટણીની તૈયારી?
ઉલ્લેખનીય છે કે, 2027માં ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી આવશે. તેથી ઉત્તર પ્રદેશમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ કોને બનાવાશે તે મહત્ત્વનું છે. ઉત્તર પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ કોને બનાવવા એ અંગે કેટલાક નામોની ભલામણ પણ યોગી આદિત્યનાથે જેપી નડ્ડાને કરી હોઈ શકે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button