નવા વર્ષે કાર ખરીદવી પડશે મોંઘી: જાન્યુઆરીથી આ 7 કંપની વધારશે ભાવ

નવી દિલ્હી: નવા વર્ષે ઓટોમોબાઈલ સેક્ટરમાં મોંઘવારી નડશે, જેનાથી 2026ની શરૂઆતમાં જે લોકો કાર ખરીદવાનું વિચારી રહ્યા છે. એવા લોકોના ખિસ્સા પર બોજ વધવાનો છે. ઇન્પુટ કોસ્ટ, લોજિસ્ટિક્સ ખર્ચમાં વધારો અને રૂપિયાના મૂલ્યમાં ઘટાડાને કારણે ભારતની અગ્રણી કાર ઉત્પાદક ઓટોમોબાઈલ કંપનીઓએ 1 જાન્યુઆરી, 2026થી ભાવ વધારવાની જાહેરાત કરી છે. કઈ કંપની ભાવમાં કેટલો વધારો કરવાની છે, એના પર એક નજર નાખીએ.
કઈ બ્રાન્ડ કેટલો ભાવ વધારો કરશે?
કારના ઉત્પાદન માટે જરૂરી કાચા માલ અને મટિરિયલના ભાવમાં થતો વધારો તથા માલસામાનના ટ્રાન્સપોર્ટેશન અને ડિસ્ટ્રિબ્યુશન ખર્ચમાં થયેલા વધારાને કારણે કારના ભાવમાં વધારો થશે. આ સિવાય યુરો-રૂપિયા અને ડોલર-રૂપિયાના વિનિમય દરમાં આવતા ફેરફારની સીધી અસર પણ કારના ભાવ વધારા માટે જવાબદાર છે.
મર્સિડીઝ-બેન્ઝની કિંમતમાં 2 ટકા સુધીનો વધારો થશે, જેનાથી GLS મોડલની કિંમતમાં રૂ. 2.64 લાખથી રૂ. 2.68 લાખ સુધીનો વધારો થઈ શકે છે. BMWની કિંમતમાં 3 ટકા સુધીનો વધારો થશે. જેનાથી 3 સિરીઝની કિંમતોમાં અંદાજે રૂ. 1.81 લાખથી રૂ. 1.85 લાખનો વધારો થશે. નિસાનની કિંમતમાં 3 ટકા સુધીનો વધારો થશે. જેનાથી મેગ્નાઇટ જેવી કારમાં રૂ. 17,000થી રૂ. 32,000 સુધીનો વધારો જોવા મળશે. MG મોટરની કિંમતમાં 2 ટકા સુધીનો વધારો થશે. જેનાથી વિન્ડસર EV રૂ. 30,000 થી રૂ. 37,000 અને કોમેટ EV રૂ. 10,000થી રૂ. 20,000 મોંઘી થશે. રેનોની કિંમતમાં 2 ટકા સુધીનો વધારો થશે. જેનાથી ક્વિડ, ટ્રાઇબર અને કાઇગરના ભાવમાં ફેરફાર થશે.
BYD પણ 1 જાન્યુઆરી, 2026થી પોતાની સીલિયન 7 નો ભાવ વધારશે. આ ભાવ કેટલો વધશે એના વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. જોકે, 31 ડિસેમ્બર પહેલા બુકિંગ કરાવનારને જૂના ભાવનો લાભ મળશે. BYDની જેમ હોન્ડા પણ જાન્યુઆરી 2026માં પોતાના મોડલ્સની કિંમતમાં વધારો કરવા જઈ રહ્યું છે. કંપનીનું કહેવું છે કે, ઇનપુટ ખર્ચના દબાણને કારણે ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે. જોકે, હોંડાએ પણ ભાવ વધારાના ચોક્કસ આંકડા જાહેર કર્યા નથી.
31 ડિસેમ્બર પહેલા બુકિંગ કરશો તો થશે ફાયદો
ઉલ્લેખનીય છે કે, મોટાભાગની ઓટોમોબાઈલ કંપનીઓએ સ્પષ્ટ કર્યું છે કે, 31 ડિસેમ્બર 2025 સુધી થનારા બુકિંગ પર ગ્રાહકોને વર્તમાન કિંમતોનો લાભ મળી શકે છે. જો તમે નવી કાર લેવાનું વિચારી રહ્યા હોવ, તો વર્ષ પૂરું થાય તે પહેલાં બુકિંગ કરાવવું લાભનો સોદો સાબિત થશે.



