
પ્રયાગરાજઃ ક્રિકેટર યશ દયાલને હાલ માટે અલ્હાબાદ હાઈકોર્ટમાંથી રાહત મળી હતી. કોર્ટે તેમની સામે નોંધાયેલી એફઆઇઆર પર કોઈ પણ પ્રકારની પોલીસ કાર્યવાહી પર રોક લગાવી હતી. તેમજ ફરિયાદીને નોટિસ ફટકારીને જવાબ માંગવામાં આવ્યો છે. આ કેસની સુનાવણી જસ્ટિસ સિદ્ધાર્થ વર્મા અને જસ્ટિસ અનિલ કુમારની ડિવિઝન બેન્ચ દ્વારા કરવામાં આવી હતી.
ગાઝિયાબાદના ઇન્દિરાપુરમ પોલીસ સ્ટેશનમાં એક છોકરીએ યશ દયાલ વિરુદ્ધ લગ્નનું વચન આપીને જાતીય સતામણીનો આરોપ લગાવીને એફઆઇઆર નોંધાવી હતી. ક્રિકેટર યશ દયાલે ફરિયાદને હાઇ કોર્ટમાં પડકારી હતી. તેની માંગ હતી કે ધરપકડ પર રોક લગાવતા નોંધાયેલ એફઆઇઆર રદ કરવામાં આવે.
આ પણ વાંચો: ફડણવીસે કોચિંગ ક્લાસ જાતીય સતામણી કેસની તપાસ માટે એસઆઈટીની જાહેરાત કરી…
અરજી પર સુનાવણી કરતા અલાહાબાદ હાઈ કોર્ટે તેમની ધરપકડ પર રોક લગાવી દીધી છે. કોર્ટે આ કેસમાં મૌખિક ટિપ્પણી પણ કરી છે અને કહ્યું છે કે બંને 5 વર્ષથી સંબંધમાં હતા. એટલા માટે એવું ન કહી શકાય કે લગ્નના ખોટા વચનો આપીને આ સંબંધ બંધાયો હતો.
જોકે, રાજ્ય સરકાર તરફથી ક્રિકેટર યશ દયાલની અરજીનો વિરોધ કરાયો હતો. કોર્ટે પીડિતાને નોટિસ જાહેર કરીને જવાબ માંગ્યો છે. હાઇ કોર્ટે રાજ્ય સરકારને પણ જવાબ દાખલ કરવા કહ્યું છે. અરજદાર યશ દયાલના વકીલ ગૌરવ ત્રિપાઠીએ કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.
આ પણ વાંચો: સગીર દીકરીઓની જાતીય સતામણી કરનાર નરાધમ બાપને કોર્ટે ફટકારી આટલા વર્ષની કેદ
નોંધનીય છે કે પીડિતાએ 6 જૂલાઈના રોજ ગાઝિયાબાદના ઇન્દિરાપુરમ પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 69 હેઠળ કેસ દાખલ કર્યો હતો. એફઆઇઆર રદ કરવા માટે યશ દયાલે હાઇ કોર્ટમાં અરજી દાખલ કરી છે અને રાજ્ય સરકાર, ઇન્દિરાપુરમ પોલીસ સ્ટેશનના એસએચઓ અને પીડિત પક્ષકારોને પક્ષકાર બનાવ્યા છે.