નેશનલ

યહાં જલવા હૈ હમારા..! રાજસ્થાનના આ અપક્ષ ઉમેદવારે ભાજપ-કોંગ્રેસ તમામને પછાડ્યા..

રાજસ્થાન: ભારત દેશના દિગ્ગજ રાજકારણીઓએ તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત તેમના વિદ્યાર્થીજીવનમાંથી જ કરી હતી. વિદ્યાર્થીકાળમાં જે વ્યક્તિ રાજકારણનો અનુભવ લઇ લે એ આગળ જતા એક અઠંગ રાજકારણી સાબિત થાય છે. રાજસ્થાનમાં એક 26 વર્ષના ફૂટડા યુવાન જે એક વિદ્યાર્થી નેતા છે, તેણે ભાજપ-કોંગ્રેસના દિગ્ગજોને હંફાવીને શિવ બેઠક પર વિજયપતાકા લહેરાવી છે.

રાજસ્થાનના પરિણામોમાં જેની આજે ચારેકોર ચર્ચા થઇ રહી છે તેનું નામ છે રવિન્દ્ર સિંહ ભાટી. રાજસ્થાનમાં ચૂંટણી જાહેર થયાના થોડા દિવસો બાદ જ તે ભાજપમાં જોડાયો હતો, જો કે ભાજપે અહીં એક મોટી ભૂલ કરી નાખી અને તેને ચૂંટણી લડવા ટિકીટ ન આપી. તેને બદલે સ્વરૂપસિંહને ભાજપે ટિકીટ આપી. આમ, પોતાનું નામ ઉમેદવારોની યાદીમાંથી બાકાત રખાતા રવિન્દ્રસિંહે બળવો કર્યો અને જોડાયા બાદના ફક્ત 9 દિવસની અંદર ભાજપને રામરામ કરી પોતે સ્વતંત્ર ચૂંટણી લડવાનો નિર્ધાર કર્યો. બાડમેરની શિવ બેઠક પરથી ચૂંટણી જીતીને હવે રવિન્દ્રસિંહે ભલભલા દિગ્ગજોના દાંત ખાટા કરી નાખ્યા છે અને હવે ભાજપ તેને વાજતેગાજતે પોતાના પક્ષમાં સામેલ કરી લે તોપણ નવાઇ નહિ.

રવિન્દ્રસિંહ ભાટીના ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં અવારનવાર વાયરલ થતા રહે છે. રવિન્દ્રસિંહ ભાટી તેમના કોલેજ અભ્યાસ દરમિયાન વિદ્યાર્થી રાજકારણમાં સક્રિય થયા હતા. રવિન્દ્ર સિંહ ભાટી જોધપુર સ્થિત જય નારાયણ યુનિવર્સિટી એટલે કે જોધપુર યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘ પ્રમુખ છે.

વર્ષ 2019માં ભાટીને ભારતીય જનતા પાર્ટીના વિદ્યાર્થી એકમ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ચૂંટણીની ટિકિટ આપવામાં આવે તેવી ઈચ્છા હતી, પરંતુ તેમ થઈ શક્યું નહીં. એટલે તેમણે વર્ષ 2019માં સ્વતંત્ર ઉમેદવાર તરીકે જયનારાયણ વ્યાસ યુનિવર્સિટીમાંથી ચૂંટણી લડી હતી અને 1294 મતોથી તેઓ જીત્યા હતા, જે વિદ્યાર્થી નેતા તરીકેની તેમની કારકિર્દીની એક મોટી સફળતા હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button