નેશનલ

રાષ્ટ્રીયસ્તરના ખેલાડીઓની કફોડી હાલત: ટ્રેનના ટોઇલેટ પાસે બેસીને મુસાફરી કરવા મજબૂર, વીડિયો વાયરલ

લખનઉઃ ઉત્તર પ્રદેશમાં આયોજિત 69મી નેશનલ સ્કૂલ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા ગયેલા ઓડિશાના 18 ઉભરતા ખેલાડીઓ માટે ટ્રેનની મુસાફરી કરવામાં ખરાબ અનુભવ થયો હતો. રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા ગયેલા આ 10 છોકરા અને 8 છોકરીને સન્માન આપવાને બદલે વહીવટીતંત્રની ઘોર બેદરકારીનો ભોગ બન્યા હતા. આ ઘટનાએ રમતગમત જગતમાં સનસનાટી મચાવી દીધી છે અને પ્રશાસનની સંવેદનશીલતા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

એજ્યુકેશન વિભાગની ગંભીર બેદરકારીને કારણે આ ખેલાડીઓ માટે રેલવેમાં કન્ફર્મ ટિકિટની વ્યવસ્થા કરવામાં આવી નહોતી, પરિણામે કડકડતી ઠંડીમાં આ છોકરાઓને જનરલ ડબ્બામાં મુસાફરી કરવી પડી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે રાષ્ટ્રીય સ્તરના આ ખેલાડીઓ ટ્રેનના શૌચાલય પાસે બેસીને મુસાફરી કરી રહ્યા છે, જે બાળકો મેડલ જીતવાનું સપનું લઈને ગયા હતા, તેમને બેસવા માટે પૂરતી જગ્યા પણ ન મળી તે અત્યંત શરમજનક બાબત છે.

આ મામલે બીજુ જનતા દળના રાજ્યસભા સાંસદ સુલતા દેવે આકરા પ્રહાર કર્યા છે. તેમણે આ ઘટનાને અમાનવીય ગણાવતા કહ્યું કે, “ડબલ એન્જિનની સરકાર દરેક મોરચે નિષ્ફળ રહી છે, જે બાળકો શૌચાલય પાસે બેસીને મુસાફરી કરે છે, તેમની માનસિકતા પર કેવી અસર પડશે? જો તમે ખેલાડીઓને સન્માનજનક સુવિધા ન આપી શકતા હોય તો તેમને મોકલવા જ ન જોઈએ.” સાંસદે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સામે પણ સવાલ ઉઠાવ્યા હતા કે શું તેમને આ ગંભીર પરિસ્થિતિની જાણ નહોતી?

આ સમગ્ર વિવાદ વચ્ચે સ્કૂલ અને માસ એજ્યુકેશન વિભાગ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ ઘટનાથી રમતપ્રેમીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે જે અધિકારીઓની બેદરકારીને કારણે બાળકોને આવી હાલાકી ભોગવવી પડી, તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. આ ઘટના માત્ર વહીવટી નિષ્ફળતા નથી, પરંતુ દેશ માટે પરસેવો પાડતા ખેલાડીઓના આત્મસન્માન પરનો ઘા છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button