એક દાતા, અનેક જીવન: કેવી વ્યક્તિના અંગોનું દાન કરી શકાય? વિશ્વ અંગદાન દિવસ પર જાણો ખાસ વાત…

World organ donation day 2025: રૂપિયાનું દાન કરનારા દાનવીરો ઘણા હોય છે. પરંતુ દરેક જગ્યાએ રૂપિયાનું દાન કામ આવતું નથી. રક્તદાન, અંગદાન એવા દાન છે. બંને દાન મહત્ત્વના છે. એમાં પણ અંગદાન સૌથી વધારે મહત્ત્વનું છે. પરંતુ તેને લઈને લોકોમાં બહું ઓછી જાગૃતી છે.
જેથી અંગદાનનું મહત્ત્વ સમજાવવા તથા લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી દર વર્ષે 13 ઓગસ્ટના રોજ વિશ્વ અંગદાન દિવસની ઉજવણી કરવામાં આવે છે.
ભારતમાં અંગદાન માટેના ખાસ નિયમો
અંગદાન વિશે જાગૃતિ ફેલાવીને વિશ્વ અંગદાન દિવસના હેતુને સાર્થક કરી શકાય છે. અંગદાનને લઈને ઘણી ગેરમાન્યતાઓ પ્રવર્તમાન છે. પરંતુ અંગદાન એ જરૂરિયાતમંદ દર્દીને જીવન આપવા માટે પોતાના અંગો કે પેશીઓનું દાન કરવાનું એક ઉમદા કાર્ય છે. આ દાન જીવિત અવસ્થામાં અથવા મૃત્યુ બાદ પણ કરી શકાય છે. જોકે અંગદાન માટે કેટલાક નિયમો છે, જેનું ધ્યાન રાખવું પડે છે.
ભારતમાં ‘માનવ અંગ અને પેશીઓ પ્રત્યારોપણ અધિનિયમ, 1994’ અને તેના સુધારાઓ અનુસાર અંગદાન કરવામાં આવે છે. જીવિત વ્યક્તિ એક દાતા તરીકે પોતાના માતા-પિતા, ભાઈ-બહેન, પતિ-પત્ની અથવા સંતાનને અંગદાન કરી શકે છે.
અંગદાન કરતા પહેલાં જે તે દાતાની સંપૂર્ણ તબીબી તપાસ કરવામાં આવે છે અને તમામ રિપોર્ટ્સ નોર્મલ હોય તો જ અંગદાનની મંજૂરી મળે છે. જો કોઈ વ્યક્તિ પોતાના સગા-સંબંધી સિવાય કોઈ અન્યને અંગદાન કરવા ઈચ્છે, તો તેને જિલ્લા કે રાજ્ય સ્તરના અધિકારી પાસેથી પરવાનગી લેવી પડે છે.
અંગદાન કોણ કરી શકે?
18 થી 65 વર્ષની વચ્ચેની ઉંમર ધરાવતી સંપૂર્ણ સ્વસ્થ વ્યક્તિનું જો બ્રેઈન ડેડ અથવા કાર્ડિયાક એરેસ્ટના કારણે મૃત્યુ થાય તો જ તેના અંગોનું દાન કરી શકાય છે. આ પ્રક્રિયા માટે મૃતકના પરિવારની લેખિત સંમતિ ફરજિયાત છે. આ અંગદાન સંપૂર્ણપણે મફત અને સ્વૈચ્છિક હોવું જોઈએ.
આ માટે કોઈ પણ પ્રકારનો નાણાકીય લાભ કે દબાણ કરવું કાયદેસર ગુનો છે. અંગ ટ્રાન્સપ્લાન્ટ ફક્ત સરકાર દ્વારા માન્ય હોસ્પિટલોમાં જ થઈ શકે છે. અંગદાતાને કેન્સર, HIV, હેપેટાઈટિસ કે ડાયાબિટીસ જેવા ગંભીર રોગો ન હોવા જોઈએ. કિડનીના દાન માટે, દાતા અને પ્રાપ્તકર્તાનું બ્લડ ગૃપ મેચ થવું જરૂરી છે.
વિશ્વભરમાં સૌથી વધુ દાન કિડનીનું થાય છે. કારણ કે દરેક વ્યક્તિના શરીરમાં બે કિડની હોય છે. કોઈપણ વ્યક્તિ એક કિડનીના સહારે સામાન્ય જીવન જીવી શકે છે. આ સિવાય આજના સમયમાં ઉંમર વધવાની સાથે ઘણા લોકોની કિડની ફેલ થવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, જેના કારણે કિડની ટ્રાન્સપ્લાન્ટની માંગ વધતી જાય છે. કિડની બાદ લીવર બીજા ક્રમે આવે છે. લીવરમાં ફરીથી વૃદ્ધિ થવાની ક્ષમતા હોય છે, તેથી જીવિત દાતા પાસેથી લીવર આંશિક રીતે પણ લઈ શકાય છે.
અંગદાન સંબંધિત અન્ય મહત્વની બાબતો
હૃદય, ફેફસાં, લીવર, કિડની, સ્વાદુપિંડ અને નાના આંતરડા જેવા અંગોનું દાન કરી શકાય છે. જોકે, કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં અંગદાન શક્ય નથી. ઉદાહરણ તરીકે, હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામેલી વ્યક્તિ પોતાનું હૃદય દાન કરી શકતી નથી, અને ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિ પોતાના સ્વાદુપિંડનું દાન કરી શકતી નથી.
બ્રેઈન ડેડ દાતા તેની બે કિડની, એક લીવર, હૃદય, સ્વાદુપિંડ અને નાના આંતરડાનું દાન કરી શકે છે. આ અંગોને પુખ્ત વયના કે બાળકમાં ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે. આ રીતે, એક વ્યક્તિ આઠ જેટલા લોકોના જીવન બચાવી શકે છે. જોકે, કેટલાક સંજોગોમાં અંગદાન શક્ય નથી. ઉદા. તરીકે, હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામેલી વ્યક્તિવના હૃદય દાન કરી શકાતું નથી. આ સિવાય ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિના સ્વાદુપિંડનું દાન કરી શકાતું નથી.
આ પણ વાંચો…અમદાવાદ સિવિલમાં 202મું અંગદાન: બ્રેઈનડેડ પુત્રના અંગોનું દાન કરી પિતાએ અનેકને નવજીવન આપ્યું!