ચૂંટણીમાં 40 સીટ પણ જીતશે નહીંઃ મમતા બેનરજીએ કોંગ્રેસ માટે કર્યું મોટું નિવેદન
કોલકાતાઃ લોકસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે કોંગ્રેસની આગેવાનીમાં (I.N.D.I.A. Alliance) ગઠબંધન કરવામાં આવ્યા પછી ચૂંટણી પૂર્વે વિપક્ષી પાર્ટીમાં ભંગાણ પડી ગયું છે, જેમાં પહેલી બેઠકમાં એક મંચ પર પર જોવા મળ્યા પછી કોંગ્રેસ-ટીએમસી વચ્ચે વિવાદ વકર્યો છે. આજે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ કોંગ્રેસ પર સૌથી મોટું નિવેદન કર્યું હતું.
મને લાગતું નથી કોંગ્રેસ 300માંથી 40 સીટ પણ જીતી શકશે કે નહીં. કોંગ્રેસ જ્યાં જ્યાં જીતતી હતી, ત્યાં પણ હારતી રહી છે. જો કોંગ્રેસમાં હિંમત હોય તો બનારસમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને હરાવીને બતાવે, એવો મમતા બેનરજીએ કોંગ્રેસને પડકારો ફેંક્યો હતો.
કોંગ્રેસ પર નિશાન ટાકતા કહ્યું હતું કે મને એ વાત સમજાતી નથી કે કોંગ્રેસ પાર્ટીને આટલું બધું અભિમાન કઈ વાતનું છે? જો હિંમત હોય તો બનારસમાં ભાજપને હરાવે. તેમણે કહ્યું કે કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા બંગાળમાં આવી હતી, પરંતુ મને જણાવ્યું નહોતું. અમે પણ (I.N.D.I.A. Alliance)માં છીએ. આમ છતાં અમને કોઈ જાણકારી આપી નથી.
દરમિયાન મમતા બેનરજીએ કોંગ્રેસ સિવાય કેન્દ્ર સરકારની પણ ટીકા કરી હતી. તેમણે સરકાર પાસેથી સામાજિક કલ્યાણ યોજનાઓ માટે રાજ્ય લેણાંની ચૂકવણીની માંગ કરી છે. જેના વિરોધમાં મમતા બેનર્જીએ શુક્રવારથી ધરણા શરૂ કર્યા છે.
ટીએમસીના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા અનુસાર મેદાનના રેડ રોડ વિસ્તારમાં બપોરે ૧ વાગ્યાથી ધરણા શરૂ કરી દેવાયા છે. અમારી પાર્ટીના સુપ્રીમો મમતા બેનરજી આંદોલનનું નેતૃત્વ કરશે અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહેશે.
આ પહેલા તૃણમુલના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીએ નવી દિલ્હીના જંતર-મંતર ખાતે પક્ષના વિધાનસભ્યો, સાંસદો, મંત્રીઓ અને મનરેગા કાર્યકરો સાથે પ્રદર્શન કર્યું હતું. તેમજ કોલકાતામાં પણ રાજભવનની બહાર પાંચ દિવસ સુધી ધરણા કર્યા હતા. અગાઉ મમતા બેનર્જીએ જો કેન્દ્ર સરકાર ૧લી ફેબ્રુઆરી સુધીમાં રાજ્યને ચૂકવણી નહીં કરે તો બીજી ફેબ્રુઆરીથી કોલકાતામાં ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી. હાલ બંગાળમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ(મનરેગા) હેઠળ બાકી નાણાં રોકવાનો મુદ્દો નોંધપાત્ર રીતે રાજકીય વિવાદમાં ઘેરાયેલો છે.
ટીએમસીના સૂત્રોના જણાવ્યા અનુસાર ધરણા લોકસભાની ચૂંટણી પહેલા આ મુદ્દે ત્રીજું મોટું આંદોલન છે. સૂત્રો અનુસાર ૫ ફેબ્રુઆરીએ બંગાળના બજેટ સત્રની શરૂઆત સાથે વ્યૂહાત્મક રીતે પ્રદર્શન ૪૮ કલાક સુધી લંબાઇ શકે છે.