નેશનલ

મહિલા અનામત ખરડો લોકસભામાં પસાર

૪૫૪
વિરુદ્ધ

નવી દિલ્હી: મહિલાઓને લોકસભા અને રાજ્ય વિધાનસભામાં ૩૩ ટકા અનામતનો લાભ આપતા ખરડાને લોકસભામાં બુધવારે ૪૫૪ વિરુદ્ધ બે મતથી પસાર કરાયો હતો.

લોકસભામાં બુધવારે અનામત ખરડા અંગેની ચર્ચા દરમિયાન ૨૭ મહિલા સાંસદે પક્ષના આદેશથી વિપરીત વલણ અપનાવ્યું હતું અને વિપક્ષે પણ અનામત ખરડાનો તાત્કાલિક અમલ કરવાની માગણી કરી તેને ટેકો જાહેર કર્યો હતો.

૫૪૩ સભ્યની લોકસભામાં ઓછામાં ઓછી ૮૨ મહિલા સાંસદ છે. સરકારે મંગળવારે ૧૨૮મો બંધારણીય સુધારો રજૂ કર્યો હતો, જેમાં લોકસભા તેમ જ રાજ્ય વિધાનસભામાં મહિલાઓને ૩૩ ટકા અનામત આપવાની જોગાવાઈ કરવામાં આવી છે.

સંસદની નવી ઈમારતમાં રજૂ કરવામાં આવેલો આ પ્રથમ ખરડો હતો. અગાઉ, કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાળે બુધવારે મહિલા અનામત બિલને લોકસભામાં પસાર કરવા માટે રજૂ કરતા જણાવ્યું હતું કે આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ બિલ છે અને સભ્યોને એને સર્વસંમતિથી પસાર કરવા વિનંતી કરું છું.

તેમણે કહ્યું કે જો બિલ પસાર કરવામાં સર્વસંમતિ થાય તો તે ખરેખર સારું રહેશે. બિલ પર ચર્ચા દરમિયાન જે પણ સૂચનો આવશે તેના પર સરકાર વિચારણા કરશે. જો સંસદ નિર્ણય કરે તો મહિલાઓ માટેનો ક્વોટા ૧૫ વર્ષથી આગળ વધારી શકાય છે.

બંધારણીય સુધારા બિલ ‘નારીશક્તિ વંદન અધિનિયમ’ મંગળવારે નીચલા ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું.
સંસદની નવી ઇમારતમાં રજૂ કરાયેલું તે પહેલું બિલ પણ હતું. આ બિલમાં લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામતની જોગવાઈ છે. સીમાંકન કવાયત પૂર્ણ થયા બાદ જ આરક્ષણ અમલમાં આવશે. કૉંગ્રેસ પાર્ટીનાં
પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બુધવારે પહેલી વાર નવા સંસદભવનમાં નિવેદન આપ્યું હતું. તેમણે મહિલા અનામત બિલ વિશે પોતાનો મત રજૂ કર્યો. સોનિયા ગાંધીએ કહ્યું કે હું આ બિલના સમર્થનમાં છું. કૉંગ્રેસ વતી હું ‘નારી શક્તિ વંદન એક્ટ ૨૦૨૩’ના સમર્થનમાં છું.

નારી શક્તિ વંદન બિલને સમર્થન આપતાં તેમણે લોકસભામાં કહ્યું કે હું તમને જણાવી દઉં કે દેશમાં પ્રથમ વખત મારા પતિ અને તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધી પંચાયતી રાજ અને નગર પાલિકાઓમાં મહિલાઓને અનામત આપવાનું બિલ લઈને આવ્યા હતા. પરંતુ તે સમયે તે બિલ થોડા મતોથી પસાર થઈ શક્યું ન હતું. જે બાદમાં નરસિંહ રાવ સરકારે બિલ પસાર કર્યું હતું.

તેમણે કહ્યું હતું કે સરકાર ઈચ્છે છે કે આ બિલ તાત્કાલિક લાગુ થાય. પરંતુ સરકારે એસસી, એસટી અને ઓબીસી સમુદાયોમાંથી આવતી મહિલાઓને પણ અનામત આપવી જોઈએ અને તેમને આગળ આવવાની તક આપવી જોઈએ.

સોનિયા ગાંધીએ વધુમાં કહ્યું કે ભારતીય મહિલાઓના હૃદયમાં સમુદ્ર જેવી ધીરજ છે. તેમણે ક્યારેય તેની સાથે થયેલા અન્યાયની ફરિયાદ નથી કરી. તેણે ક્યારેય માત્ર પોતાના જ ફાયદા વિશે જ વિચાર્યું નથી. તેમણે નદીઓની જેમ સૌના કલ્યાણ માટે કામ કર્યું છે. સ્ત્રીની બહાદુરીનો અંદાજ લગાવવો અશક્ય છે. સ્ત્રીએ માત્ર આપણને જન્મ જ આપ્યો નથી પરંતુ આપણું પાલન-પોષણ પણ કર્યું છે અને આપણને બુદ્ધિશાળી અને શક્તિશાળી બનાવ્યા છે. સ્ત્રીની ગરિમા અને સ્ત્રીના બલિદાનને ઓળખીને જ આપણે માનવતા તરફ આગળ વધી શકીએ છીએ.

સોનિયા ગાંધી વધુમાં કહ્યું હતું કે મહિલાઓ નવા ભારતના નિર્માણ માટે દરેક મોરચે પુરુષો સાથે ખભે ખભા મિલાવીને લડી છે. ઈન્દિરા ગાંધીજીનું વ્યક્તિત્વ ખૂબ જ તેજસ્વી અને જીવંત ઉદાહરણ છે. આ મારા પોતાના જીવનની ખૂબ જ ભાવુક ક્ષણ છે. પહેલીવાર રાજીવ ગાંધીજી સ્થાનિક સંસ્થાઓમાં મહિલા અનામત બિલ લાવ્યા હતા જે સાત મત ઓછા હોવાથી પસાર થઇ શક્યું ન હતું. બાદમાં નરસિંહ રાવ સરકારે આ બીલ પાસ કરાવ્યું હતું. આજે પરિણામ એ આવ્યું છે કે દેશભરની સ્થાનિક સંસ્થાઓમાં ૧૫ લાખ મહિલા નેતાઓ ચૂંટાઈ છે. રાજીવ ગાંધીજીનું સપનું અડધુ જ પૂરું થયું છે. આ બિલ પસાર થતાંની સાથે જ તે પૂર્ણ થશે. કૉંગ્રેસ પાર્ટી આ બિલને સમર્થન આપે છે.

સોનિયા ગાંધીએ કહ્યું કે કૉંગ્રેસની માંગ છે કે આ બિલનો તાત્કાલિક અમલ થવો જોઈએ પરંતુ તેની સાથે જાતિ આધારિત વસ્તી ગણતરી કરીને એસસી, એસટી અને ઓબીસી મહિલાઓને અનામત આપવામાં આવે. સરકારે આ માટે જે પણ પગલાં લેવાની જરૂર છે તે લેવા જોઈએ. આ બિલને લાગુ કરવામાં વધુ વિલંબ એ ભારતની મહિલાઓ સાથે ઘોર અન્યાય છે. કૉંગ્રેસ વતી હું સરકાર પાસે માગ કરું છું કે આ બિલને વહેલી તકે લાગુ કરવામાં આવે. (એજન્સી)

દુર્ગા, સરસ્વતી, લક્ષ્મી જેવી નારીશક્તિનો વિજય: અમિત શાહ

નવી દિલ્હી: કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે બુધવારે લોકસભામાં મહિલા અનામત ખરડો પસાર થયા બાદ જણાવ્યું હતું કે દુર્ગા, સરસ્વતી, લક્ષ્મી જેવી નારીઓની શક્તિનો વિજય થયો છે.

અગાઉ, લોકસભામાં બુધવારનો દિવસ થોડો ધમાલિયો રહ્યો હતો પણ આ બધા વચ્ચે કંઈક એવી ઘટના બની કે જેને કારણે બધાનું ધ્યાન એની તરફ ખેંચાયું હતું. વાત જાણે એમ છે કે સંસદના વિશેષ સત્રના ત્રીજા દિવસે મહિલા આરક્ષણ બિલ પર ચર્ચા થઈ રહી હતી અને આ બિલ પર ચર્ચામાં ભાગ લેવા માટે ભાજપના નિશિકાંત દુબે જેવા ઊભા થયા કે વિપક્ષના સભ્યોએ ધમાલ મચાવી હતી અને કોઈ મહિલા સાંસદને નહીં બોલવા દેવા માટે વિરોધ નોંધાવ્યો હતો. આને કારણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે મહિલાઓ અંગે ભાઈઓએ પણ આગળ આવીને વિચારવું જોઈએ.

નીચલા સદનમાં સંવિધાન (૧૨૮માં સંશોધન) બિલ ૨૦૨૩ પર ચર્ચાની શરૂઆત કોંગ્રેસનાં નેતા સોનિયા ગાંધીએ કરી હતી ત્યાર બાદ જ્યારે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ભાજપના નિશિકાંત દુબેનું નામ લીધું અને તેમણે બોલવાનું શરૂ કર્યું તો વિપક્ષના સભ્યોએ ધમાલ મચાવી હતી. વિપક્ષના નેતાઓએ મહિલાઓના અધિકાર દેવા સાથે સંકળાયેલા બિલની ચર્ચા પર સત્તા પક્ષના પ્રથમ વક્તા તરીકે કોઈ મહિલાને મોકો નહીં આપવામાં આવતા વિરોધ નોંધાવ્યો હતો.

ગૃહ પ્રધાન અમિત શાહે આ ઘટના પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે મહિલાઓ વિશે ચિંતા કરવાનો અધિકાર બધાને છે. તેમણે કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે શું મહિલાઓની ચિંતા માત્ર મહિલાઓ જ કરી શકે કે? પુરુષ એની ચિંતા નહીં કરી શકે? તમે કયા પ્રકારના સમાજની રચના કરવા ઈચ્છો છો?

તેમણે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે મહિલાઓની ચિંતા અને હિત વિશે ભાઈઓએ પણ આગળ આવીને વિચારવું જોઈએ અને એ જ આ દેશની પરંપરા છે. દુબેએ જણાવ્યું હતું કે મહિલાઓને કારણે જ અહીંયા પુરુષો પણ છે. મહિલાઓની ચિંતા શું માત્ર મહિલાઓ કરશે? શું પુરુષ મહિલાઓની ચિંતા ના કરી શકે? દેશ આનાથી આગળ વધશે, આખરે એમને વાંધો કઈ વાતનો છે?

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…