ઇન્સ્ટાગ્રામ રીલમાંથી મહિલાને આઠ વર્ષે મળ્યો ખોવાયેલો પતિ, પણ પછી તેને પોલીસને હવાલે કરી દીધો

હરદોઈ: શાળામાં છૂટા પડેલા મિત્રોને સોશિયલ મીડિયાએ જોડવાનું કામ કર્યું છે. સોશિયલ મીડિયાની મદદથી ઘણા ખોવાયેલા લોકોને પણ શોધી શકાય છે. તાજેતરમાં એક પત્નીને ઇન્સ્ટાગ્રામ પરથી તેનો ખોવાયેલો પતિ મળી ગયો છે. પરંતુ પતિ મળી આવતા જ પોલીસે તરત તેની ધરપકડ કરી લીધી છે. આવું કેમ થયું? આવો સમગ્ર મામલો જાણીએ.
છેલ્લા 8 વર્ષથી ખોવાયો હતો પતિ
હરદોઈની શીલૂ 2018માં ગર્ભવતી હતી. તે સમયે તેનો પતિ જિતેન્દ્ર ઉર્ફે બબલૂ ખોવાઈ ગયો હતો. ઘણી શોધખોળ બાદ પણ તેની કોઈ ભાળ મળી ન હતી. પરંતુ થોડા સમય પહેલા શીલૂ ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈ રહી હતી. જેમાં શીલૂને જીતેન્દ્ર જોવા મળ્યો હતો. આઠ વર્ષ બાદ જીતેન્દ્રને જીવતો જોઈને શીલૂ ખુશ થવાની સાથોસાથ રોષે પણ ભરાઈ હતી. કારણ કે, રીલમાં જીતેન્દ્ર સાથે બીજી મહિલા પણ જોવા મળી હતી.
બીજી મહિલા સાથે કર્યા લગ્ન
રોષે ભરાયેલી શીલૂએ જીતેન્દ્ર સામે બીજી મહિલા સાથે લગ્ન કરીને રહેતો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઇન્સ્ટાગ્રામ રીલના આધારે તેની તપાસ કરીને તેના લોકેશનની માહિતી મેળવી હતી. પોલીસે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, 2018માં જીતેન્દ્ર પોતાની ગર્ભવતી પત્ની શીલૂને છોડીને પંજાબના લુધિયાણામાં રહેતો હતો. જ્યાં તેણે કથિત રીતે બીજા લગ્ન કરી લીધા હતા.
હરદોઈ પોલીસે પોતાની એક ટીમને લુધિયાણા મોકલી હતી અને જિતેન્દ્રની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ શરૂ કરી હતી. પોલીસ સર્કલ અધિકારી સંતોષ કુમારે જણાવ્યું હતું કે, આરોપીની પૂછપરછ બાદ આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો…ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા બાદ લગ્નની લાલચે મહિલા પર કર્યો બળાત્કાર: યુવકની ધરપકડ