અમેરિકા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાથી શું ભારતને ટેરિફમાં મળશે રાહત?

નવી દિલ્હી: અમેરિકા અને રશિયા વચ્ચેના ભૂ-રાજકીય તણાવની ભારતની ક્રૂડ ઓઇલની આયાત વ્યૂહરચના પર મોટી અસર પડી રહી છે. અમેરિકાના દબાણ અને રશિયા પરના વૈશ્વિક પ્રતિબંધોને કારણે, ભારત ધીમે ધીમે રશિયાથી ક્રૂડ ઓઇલની ખરીદી ઘટાડીને અમેરિકા તરફ વળી રહ્યું છે. તાજેતરના આંકડા દર્શાવે છે કે અમેરિકાથી ભારતની ક્રૂડ ઓઇલની આયાત 2022 પછીના તેના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગઈ છે.
ભારતે અમેરિકા પાસેથી શરૂ કરી ખરીદી
27 ઓક્ટોબર, 2025 સુધીમાં, ભારત અમેરિકાથી દરરોજ 540,000 બેરલ ક્રૂડ ઓઇલની આયાત કરી રહ્યું છે. ઓક્ટોબરના અંત સુધીમાં આ આંકડો વધીને 5.75 લાખ બેરલ પ્રતિ દિવસ સુધી પહોંચવાની ધારણા છે. અગાઉ, ભારત અમેરિકાથી દરરોજ સરેરાશ 300,000 બેરલ ક્રૂડ ઓઇલની આયાત કરતું હતું. અમેરિકન બજારના સંકેતો અનુસાર, ભારત નવેમ્બરમાં દરરોજ 400,000 થી 450,000 બેરલ ક્રૂડ ઓઇલની આયાત કરી શકે છે. જોકે, અમેરિકાનો હિસ્સો ભારતની કુલ ક્રૂડ ઓઇલ આયાતમાં હજી પણ 5 થી 7 ટકા જેટલો મર્યાદિત છે.
રશિયા લાંબા સમયથી ભારતનો સૌથી મોટો ક્રૂડ ઓઇલ સપ્લાયર રહ્યો છે, જે અગાઉ કુલ આયાતના 35 થી 40 ટકા પૂરો પાડતો હતો. ભારત હાલમાં તેની કુલ આયાતનો ત્રીજો ભાગ રશિયાથી આયાત કરે છે. ઇરાક બીજા ક્રમે અને સાઉદી અરેબિયા ત્રીજા સ્થાને છે.
IOCએ કરી મહત્ત્વની જાહેરાત
અમેરિકાનું માનવું છે કે રશિયા પાસેથી આટલા મોટા પાયે તેલ ખરીદીને, ભારત યુક્રેન યુદ્ધ લડવા માટે રશિયાને આર્થિક શક્તિ પૂરી પાડી રહ્યું છે, જેને ટ્રમ્પે ‘યુક્રેન યુદ્ધ માટે ભારતનું ભંડોળ’ ગણાવ્યું છે. ભારતની સૌથી મોટી સરકારી તેલ કંપની, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC), એ જાહેરાત કરી છે કે તે આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોનું પાલન કરશે, જેમાં રશિયન કંપનીઓ રોઝનેફ્ટ અને લુકોઇલ પરના યુએસ પ્રતિબંધોનો સમાવેશ થાય છે. IOC તેની કુલ ક્રૂડ ઓઇલની 21 ટકા આયાત મોસ્કોથી કરે છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકાના પ્રતિબંધો અને વૈશ્વિક દબાણને કારણે, ભારતે હવે આયાત સ્ત્રોતોનું વૈવિધ્યકરણ શરૂ કર્યું છે અને રશિયન તેલ કરારોની સમીક્ષા કરવાનું શરૂ કર્યું છે. BPCL જેવી કંપનીઓ ક્રૂડ ઓઇલનો વૈકલ્પિક સ્ત્રોતો શોધી રહી છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમની વિનંતી પર ભારતે રશિયાથી ક્રૂડ ઓઇલની આયાત ઘટાડી છે.
ટેરિફમાં આશિંક ઘટાડો થવાની શક્યતા
વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે 23-24 ઓક્ટોબરે સ્પષ્ટતા કરી હતી કે વાટાઘાટો પ્રગતિમાં છે, પરંતુ ભારતીય હિતોના ભોગે ઉતાવળમાં કે દબાણમાં આવીને કોઈ વેપાર સોદો કરવામાં આવશે નહીં. સપ્ટેમ્બર-ઓક્ટોબર 2025માં યોજાયેલી ઉચ્ચ સ્તરીય મંત્રણા પછી, યુનાઇટેડ સ્ટેટ્સે સંકેત આપ્યો છે કે વ્યૂહાત્મક ઉત્પાદનો પરના ટેરિફમાં આંશિક ઘટાડો કરવા માટે તે તૈયાર છે. બદલામાં, યુ.એસ.એ ભારતને કૃષિ ચીજવસ્તુઓ, ઊર્જા અને ટેક્નોલોજી ઉત્પાદનો પરના આયાત પ્રતિબંધો હળવા કરવાની અપીલ કરી છે.
ભારત તરફથી યુ.એસ. ઇથેનોલ મિશ્રણ, મકાઈની આયાત અને સંરક્ષણ સહયોગ જેવા મુદ્દાઓ પર છૂટછાટો આપવા અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. જોકે કોઈ અંતિમ વેપાર કરાર હજી થયો નથી, બંને પક્ષો વેપાર અસંતુલનને ઉકેલવા અને નવા ક્ષેત્રોમાં ભાગીદારીની સંભાવના પર સંમત થવા માટે સકારાત્મક રીતે આગળ વધી રહ્યા છે.
આપણ વાંચો: રાજસ્થાનમાં જયપુર નજીક હાઈ ટેન્શન કેબલ સાથે બસ ટકરાતા વીજ કરંટથી બે મજૂરના મોત



