રાજસ્થાનમાં ભૂતપૂર્વ સીએમની અવગણના કરવાનું ભાજપને ભારે પડશે?
રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા આપવામાં આવેલા કેટલાક સંકેતોથી એવું લાગી રહ્યું છે કે રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજેને સાઈડલાઈન કરવામાં આવી રહ્યા છે. ભાજપ તેમને કોઈ ખાસ ભૂમિકા આપવાના મૂડમાં નથી. બંને ચૂંટણી સમિતિઓમાં તેમની અને તેમના સમર્થકોની ગેરહાજરી, પીએમ મોદીને મંચ પર વારંવાર ન મળવા વગેરે જેવી બાબતો વસુંધરા રાજેને સાઇડલાઇન કરવાનો સંકેત આપે છે.
છેલ્લી ચૂંટણી (2018)ના આંકડાઓ જોઇે તો સમજી શકાય કે લગભગ 30 ટકા બેઠકો 5 ટકાથી પણ ઓછા માર્જિનથી જીતી હતી. 2003 અને 2008ની ચૂંટણીમાં પણ આકરી સ્પર્ધા હતી. કોંગ્રેસ-ભાજપે બહુ ઓછા માર્જિનથી 41.5 ટકાથી વધુ સીટો જીતી હતી.આનો અર્થ એ છે કે જો વસુંધરા રાજે જો પોતાના 5 ટકા વોટ પણ કોઇપણ જગ્યાએ ડાયવર્ટ કરશે તો ભાજપ મુશ્કેલીમાં મુકાઈ જશે.
છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની સરખામણીમાં ભાજપની હારનું માર્જીન માત્ર 0.5% ટકા વોટ હતું. એટલે કે કુલ મતોમાં કોંગ્રેસ ભાજપ કરતાં માત્ર 0.5 ટકા મતોથી જ આગળ હતા. પરંતુ આ વખતે ભાજપ મહિલા પ્રવાસી અભિયાન દ્વારા મહિલા મતદારો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જેનો ઉદ્દેશ્ય 5 ટકા મતોના નાના માર્જિનથી ગુમાવેલી બેઠકો પાછી મેળવવાનો છે. વસુંધરા રાજે મહિલાઓમાં ઘણી લોકપ્રિય રહી છે. મહિલાઓમાં તેમની મજબૂત ઈમેજને કારણે પૂર્વ સીએમ વસુંધરાને આ અભિયાનમાં સૌથી આગળ રાખવા જોઈતી હતી. મહિલાઓના મતોએ ભાજપને તાજેતરની ઘણી ચૂંટણીઓમાં નોંધપાત્ર જીત હાંસલ કરી છે.
જ્યારે વસુંધરા રાજે રાજ્યના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેઓ મહિલાઓમાં પાર્ટીના સૌથી લોકપ્રિય ચહેરા તરીકે જાણીતા હતા. કોંગ્રેસ સરકારમાં મહિલાઓ પર વધી રહેલા અત્યાચારનો આરોપ લગાવીને ભાજપે જે માઈલેજ મેળવ્યું હતું તે જો વસુંધરા રાજેને ભાજપમાં આગળ કરવામાં ના આવે તો ગુમાવવું પડી શકે છે. વસુંધરા પોતાને ક્ષત્રાણીની પુત્રી, જાટોની પુત્રવધૂ અને ગુર્જરોની વેવાણ ગણાવીને રાજ્યની ત્રણ રાજકીય રીતે મહત્વની જાતિઓને વોટ બેંક બનાવે છે. વસુંધરાના પુત્રના લગ્ન ગુર્જર સમુદાય સાથે થયા છે. આ રીતે ભાજપ પરંપરાગત રીતે રાજસ્થાનના ગુર્જરોના મત મેળવતી રહી છે. જ્યારે ગુર્જરોના કટ્ટર હરીફ મીણા જાતિના મત કોંગ્રેસને જાય છે.
વસુંધરા રાજેનો પક્ષના સંગઠન પર જોરદાર પ્રભાવ રહ્યો છે. રાજસ્થાનના દરેક ખૂણે તેમના માણસો છે. દરેક વિધાનસભા સીટ પર તેમના કેટલાક લોકો છે. આ વાતની સાબિતી તેમણે ભાજપ સિવાય ઘણી વખત રેલીઓ યોજીને કે સફળતાપૂર્વક યાત્રાઓ કરીને આપી છે. રાજસ્થાનમાં વીસથી પચીસ બેઠકો પર ભાજપને નુકસાન પહોંચાડવાની તાકાત વસુંધરા પાસે છે. વસુંધરા તેમના સમર્થકોને સંકેત આપી શકે છે કે જો પાર્ટી તેમને ટિકિટ નહીં આપે તો તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડવા માટે સ્વતંત્ર છે. કદાચ આ જ કારણ છે કે પાર્ટી વસુંધરાને સંપૂર્ણપણે અલગ કરી રહી નથી.