‘તો શું મહાત્મા ગાંધી અંગ્રેજોના સેવક હતાં?’ સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ઠપકો આપતા આવું કેમ કહ્યું?

નવી દિલ્હી: સ્વતંત્રતા સેનાની વિનાયક દામોદર સાવરકર પર ટિપ્પણી કરીને કોંગ્રેસના લોકસભા સાંસદ રાહુલ ગાંધી વિવાદમાં (Rahul Gandhis comment on Savarkar) ઘેરાયા છે. લખનઉની એક અદાલતે રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું હતું. અલ્લાહાબાદ હાઈ કોર્ટે આ સમન્સ પર સ્ટે મુકવાની મનાઈ કરી હતી, જેની સામે રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આજે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને રાહત આપતા સમન્સ પર સ્ટે આપ્યો હતો. આ સાથે સુપ્રીમ કોર્ટની બેન્ચે રાહુલ ગાંધીને ઠપકો આપ્યો હતો અને આવા નિવેદનો ટાળવા સલાહ આપી હતી.
ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયાધીશ મનમોહનની બેન્ચે રાહુલ ગાંધીને ઠપકો આપતા કહ્યું કે વીર સાવરકરે દેશને આઝાદી અપાવવા મહત્વનો ફાળો આપ્યો હતો અને તમે તેમની મજાક ઉડાવી રહ્યા છો! આ અસ્વીકાર્ય અને જો ભવિષ્યમાં આવું થશે, તો અમે સુઓ મોટો લઈશું.
મહાત્મા ગાંધી પણ પોતાને અગ્રેજોના સેવક ગણાવતા:
બેન્ચે રાહુલ ગાંધીના વકીલ અભિષેક મનુ સિંઘવીને પૂછ્યું કે શું તેમના અસીલને ખબર હતી કે મહાત્મા ગાંધી પણ તેમના પત્રોમાં પોતાને અંગ્રેજોના સેવક કહેતા હતા. શું આ આધારે એવું માની શકાય કે મહાત્મા ગાંધી અંગ્રેજોના નોકર હતા? તમને ખ્યાલ જોવો જોઈએ એ સમયમાં આ એક પ્રથા હતી અને દેશ ગુલામી હેઠળ હતો, લોકો બ્રિટિશ સરકારને સંબોધતી વખતે આવું લખતા હતા. મહાત્મા ગાંધી પણ પોતાના પત્રોના અંતે આ વાક્ય લખતા હતા.
કોર્ટે વધુ એક ઉદાહરણ આપતા કહ્યું કે બ્રિટિશ સાશનમાં કલકત્તા હાઈકોર્ટના ન્યાયાધીશો મુખ્ય ન્યાયાધીશને પત્ર લખતા એમાં પોતાને વફાદાર સેવક તરીકે વર્ણવતા હતા. આ રીતે કોઈ પણ વ્યક્તિ કોઈનો નોકર કે કર્મચારી નથી બની જતો.
રાહુલ ગાંધીને ઠપકો:
સુપ્રીમ કોર્ટે અભિષેક મનુ સિંઘવીને પૂછ્યું કે, “આપના અસીલને કહો કે ઇતિહાસ કે ભૂગોળ જાણ્યા વિના સ્વતંત્રતા સેનાનીઓ વિશે કોઈ નિવેદન ન આપે. શું તેમને ખબર છે કે તેમના દાદી ઇન્દિરા ગાંધીએ પણ એક પત્ર લખ્યો હતો જેમાં તેમણે સાવરકરની પ્રશંસા કરી હતી. તેથી રાહુલ ગાંધીએ સ્વતંત્રતા સેનાનીઓ પર બેજવાબદાર નિવેદનો ન આપવા જોઈએ.”
રાહુલ ગાંધીનું નિવેદન નિવેદન વેરઝેરને પ્રોત્સાહન આપવા સમાન છે એવી એક વકીલની ફરિયાદ પર લખનઉની કોર્ટે સમન્સ પાઠવ્યું હતું. અલ્હાબાદ હાઈકોર્ટના આ સમન્સ પર સ્ટે મુકવાનો ઇનકાર કર્યો હતો. આદેશ સામે રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટેમાં અરજી કરી હતી.
સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ઠપકો આપતા કહ્યું કે, ‘રાહુલ ગાંધીનો એક હોદ્દો છે. તેઓ એક જૂથનો નેતા છે. તમે આવો વિવાદ કેવી રીતે ઊભો કરી શકો છો? તમે મહારાષ્ટ્ર જઈને આવું નિવેદન આપો છો, જ્યાં તેમની (સાવરકરની) પૂજા થાય છે? આવું ન કરવું જોઈએ. તમે આવું નિવેદન કેમ આપ્યું?.”
આ પણ વાંચો…રાહુલ ગાંધીની નાગરિકતા પર હાઈ કોર્ટનો સવાલ, કેન્દ્રને 10 દિવસમાં રિપોર્ટ આપવાનો આદેશ