નેશનલ

બિહાર ચૂંટણી પરિણામ: શું NDA ફરી સત્તા મેળવશે? નીતિશ કુમાર કે તેજસ્વી યાદવ – કોણ બનશે મુખ્ય પ્રધાન?

પટના: બિહાર વિધાનસભાની 243 બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક 67.13 ટકા મતદાન નોંધાયા બાદ હવે સમગ્ર દેશની નજર આવતીકાલે જાહેર થનારા પરિણામો પર રહેશે. સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ થશે. જોકે, આવતીકાલે બિહારમાં સવારથી લઈને મોડી રાત સુધી તમામ પાર્ટીના નેતાઓની વચ્ચે ખેંચાખેંચી રહી શકે છે. જો એક્ઝિટ પોલ સાબિત થયું તો જનતા દળ (યુનાઈટેડ) અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતૃત્વ હેઠળના એનડીએના બહુમત મળી શકે છે. એક્ઝિટ પોલના દાવા ખોટા પડ્યા તો સામે પક્ષે તેજસ્વી યાદવના નેતૃત્વમાં રાજદ અને કોંગ્રેસ મહાગઠબંધન પણ સરકાર બનાવી શકે છે.

તેજસ્વી યાદવનું સૌથી મોટું નિવેદન

વિજેતા હજુ અનિશ્ચિત છે, પરંતુ રાજકીય પક્ષોમાં દોષારોપણ અને દાવા-પ્રતિદાવાનો દોર ચાલુ છે. તેજસ્વી યાદવે (મહાગઠબંધન) દાવો કર્યો કે, “બિહારમાં આ વખતે રેકોર્ડબ્રેક મતદાન થયું છે, આવું મતદાન ત્યારે થાય છે જ્યારે જનતા પરિવર્તનની ઈચ્છા ધરાવે છે. ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. હવે કોઈ શંકા નથી રહી કે હું મુખ્ય પ્રધાનના પદના શપથ લેવા જઈ રહ્યો છું. તેજસ્વીએ એક્ઝિટ પોલ પર સવાલ ઉઠાવીને દાવો કર્યો કે, એક્ઝિટ પોલ ભાજપના દબાણ હેઠળ કરવામાં આવ્યા હતા, જેથી મતગણતરી અધિકારીઓ પર દબાણ લાવીને ગેરરીતિ કરી શકાય.

એનડીએ સરકાર ફરી બનશે

ચિરાગ પાસવાનની પાર્ટી LJP (રામવિલાસ)ના સાંસદ શાંભવી ચૌધરીએ તેજસ્વી યાદવના આ નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે. શાંભવી ચૌધરીએ જણાવ્યું કે સપના જોવા એ સારી વાત છે, પરંતુ મુખ્યમંત્રી બનવાનું સ્વપ્ન ન જુઓ, કારણ કે બિહારના લોકોએ આગામી પાંચ વર્ષ માટે નીતિશ કુમારને ફરીથી મુખ્યમંત્રી બનાવવાનો સંકલ્પ લીધો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે નીતિશ કુમાર હજુ પણ બિહારના લોકોના હૃદયમાં જીવંત છે અને NDA ફરી સરકાર બનાવશે. શામ્ભવી ચૌધરીએ વધુમાં કહ્યું કે 24 કલાક બાકી છે, ચાલો જોઈએ કોણ શપથ લેશે.

એક્ઝિટ પોલ સાચા પડશે તો…

બિહાર વિધાનસભાની કુલ 243 બેઠક છે. બહુમતી માટે કોઈ પણ પક્ષે 122 બેઠક પર જીત મેળવવી જરૂરી છે. જોકે, આ ચૂંટણીમાં 1951 પછીનું સૌથી વધુ 67.13% મતદાન નોંધાયું છે, પરંતુ અત્યાર સુધીમાં બિહારના રાજકીય ઇતિહાસમાં સમર્થન વગર કોઈ પાર્ટીની સરકાર બની નથી. બિહાર વિધાનસભાની ચૂંટણી પૂરી થયા બાદ જાહેર થયેલા એક્ઝિટ પોલ જો સાચા પડે છે, તો JD(U) સુપ્રીમો નીતિશ કુમાર રાજ્યના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા મુખ્યમંત્રી તરીકે ફરી શપથ લેશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button