યુક્રેન સામે યુદ્ધ માટે ભારત રશિયાને નાણાકીય સહાય આપી રહ્યું છે! વ્હાઈટ હાઉસના અધિકારીનો ગંભીર આરોપ | મુંબઈ સમાચાર

યુક્રેન સામે યુદ્ધ માટે ભારત રશિયાને નાણાકીય સહાય આપી રહ્યું છે! વ્હાઈટ હાઉસના અધિકારીનો ગંભીર આરોપ

નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસોથી ભારત અને યુનાઈટેડ સ્ટેટ્સ વચ્ચેના સંબંધમાં ધીમે ધીમે તિરાડ આવતી જણાઈ રહી છે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump)એ ભારતથી આયાત થતા ઉત્પાદનો પર 25 ટકા ટેરીફ લગાવવાની જાહેરાત કરી હતી, આ ઉપરાંત રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદવા બદલ ભારતની ટીકા કરી હતી અને ભારતના અર્થ તંત્રને “મૃત અવસ્થા”માં ગણાવ્યું હતું. જેની સામે ભારતમાં રોષ જોવા મળી રહ્યો છે, એવામાં ટ્રમ્પ વહીવટીતંત્રના એક વરિષ્ઠ અધિકારીએ ભારત પર વધુ ગંભીર આરોપ (Trump Administration allegation on India) લગાવ્યા છે.

એક અહેવાલ મુજબ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીક અધિકારીએ આરોપ લગાવ્યો કે ભારત અમેરિકન ઉત્પાદનો પર મોટા પાયે ટેરીફ લગાવે છે અને ભારતીયો યુએસ ઇમિગ્રેશન સિસ્ટમ સાથે છેતરપિંડી કરે છે. ઉપરાંત તેમણે કહ્યું કે ભારત રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદે છે, જેમાંથી મળતાં નાણાનો ઉપયોગ રશિયા યુક્રેન સામેને યુદ્ધ માટે કરે છે. રશિયા સાથે વેપાર બંધ કરવા ભારત પર દબાણ કરવામાં આવી રહ્યું છે.

ભારતની ચીન સાથે સરખામણી:

ભારત પર આ ગંભીર આરોપો વ્હાઇટ હાઉસના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ સ્ટીફન મિલરે લગાવ્યા છે, તેમને ટ્રમ્પની નજીકના અધિકારી માનવામાં આવે છે. તેમણે યુએસની એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલ ઈન્ટરવ્યું દરમિયાન કહ્યું, “રાષ્ટ્રપતિ ટ્રમ્પે ખૂબ જ સ્પષ્ટ રીતે કહ્યું કે રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદીને ભારત યુક્રેન સામેના યુદ્ધને ભંડોળ પૂરું પાડવાનું કામ કરી રહ્યું છે, જે અસ્વીકાર્ય છે… કદાચ તમને નવાઈ લાગશે પણ રશિયન તેલ ખરીદવાના મામલે ભારત ચીન સાથે જોડાયેલું છે. આ એક હકીકત છે,”

જો કે મિલરે સાથે એમ પણ કહ્યું કે ટ્રમ્પના ભારત અને તેના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે હંમેશા ગાઢ સંબંધ રહ્યા છે, તેઓ આગળ પણ સારા સંબંધ ઇચ્છે છે. પરંતુ યુક્રેન સામેના યુદ્ધને ભંડોળનો આપવા મામલે આપણે વાસ્તવતા સામે જોવાની જરૂર છે… તેથી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ, યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને રોકવા રાજદ્વારી, નાણાકીય અને અન્ય વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે , જેથી આપણે શાંતિ સ્થાપિત.

ટ્રમ્પના દબાણ સામે ભારતનું વલણ:

ટ્રમ્પના દબાણ સામે ભારતે પણ કડક વલણ દાખવ્યું છે, અહેવાલ અનુસાર યુએસની ધમકીઓ છતાં ભારત રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદવાનું ચાલુ રાખશે. ભારત સરકારે સરકારી અને ખાનગી રિફાઇનરીઓને તેમની રીતે પેટ્રોલિયમ ખરીદવાની છૂટ આપી છે, અને ક્રૂડ ઓઇલની ખરીદી એક વ્યાપારી નિર્ણય રહેશે.

વડાપ્રધાન મોદીએ પણ આડકતરી રીતે ટ્રમ્પને જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું, “આજે વિશ્વ અર્થતંત્ર ઘણી આશંકાઓમાંથી પસાર થઈ રહ્યું છે, અસ્થિરતાનું વાતાવરણ છે. આપણે જે પણ વસ્તુ ખરીદીએ તેનો એક જ સ્કેલ હોવો જોઈએ: આપણે તે વસ્તુઓ ખરીદીશું જે એક ભારતીયોના પરસેવાથી બનાવવામાં આવી હોય.”

આ પણ વાંચો…ટ્રમ્પે 70 દેશો પર ટેરીફ ઝીંક્યો: ભારત 25% તો પાકિસ્તાન પર કેટલો? જુઓ લીસ્ટ…

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button