નવી દિલ્હી: નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આજે વર્ષ 2024 માટે મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લુ બજેટ રજૂ કર્યું હતું, જેમાં મોદી સરકારની સિદ્ધિઓ નાણા પ્રધાને ગણાવી હતી. બજેટ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કરતા કહ્યું હતું કે આ છેલ્લું બજેટ છે અને સાથે સાથે એક ઇનોવેટિવ બજેટ પણ છે. આ બજેટ વિકાસશીલ ભારતના કહેવાતા ચાર સ્તંભ યુવાનો, ગરીબો, મહિલાઓ અને ખેડૂતોને સશક્ત બનાવશે. વડા પ્રધાન મોદીએ આજના બજેટને ભવિષ્યના નિર્માણનું બજેટ ગણાવ્યું હતું.
પીએમ મોદીએ કહ્યું હતું કે આજનું બજેટ યુવા ભારતની આકાંક્ષાઓને દર્શાવે છે. બજેટમાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા, જેમાં સંશોધન અને ઇનોવેશન માટે 1 લાખ કરોડ રૂપિયાનું ફંડ ફાળવવામાં આવ્યું છે.
આ ઉપરાંત વડા પ્રધાને કહ્યું હતું કે બજેટમાં ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં નેનો ડેપનો ઉપયોગ, પશુઓ માટે નવી યોજનાઓ, પીએમ મત્સ્ય સંપદા યોજનાનો વિસ્તરણ અને આત્મનિર્ભર ઓયલ સીડ અભિયાનથી ખેડૂતોની ઇનકમિંગ અને ખર્ચ પણ ઓછો થઈ જશે.
પીએમએ એમ પણ કહ્યું હતું કે આ બજેટમાં ગરીબો અને મધ્યમ વર્ગના સશક્તિકરણ અને તેમના માટે નવી તકો પેદા કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ગરીબો માટે બીજા બે કરોડ ઘર બનાવવાની જાહેરાત કરી છે. તેમજ સરકારનું લક્ષ્ય 3 કરોડ ‘લખપતિ દીદી’ બનાવવાનું છે. હવે આશા અને આંગણવાડી કાર્યકર્તાઓને આયુષ્માન ભારત યોજનાનો લાભ મેળશે.
આ ઉપરાંત પીએમ મોદીએ એક પોસ્ટ શેર કરીને તેમાં કહ્યું હતું કે આ બજેટમાં ગરીબ અને મધ્યમ વર્ગને સશક્ત બનાવવા અને તેમની નવી આવક ઊભી કરવા પર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આજે છેલ્લુ બજેટ રજૂ કર્યું હતું જેમાં તેમણે ઘણી બધી જાહેરાતો કરે હતી. આ બજેટમાં કેન્દ્ર સરકાર દ્વારા આ વખતે ઇનકમ ટેક્સ સ્લેબમાં કોઈ પણ ફેરફાર ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.