
ગઈ કાલે બુધવારે કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ભારતીય સેનાના કર્નલ, મેજર અને જમ્મુ-કાશ્મીર પોલીસના ડીએસપી શહીદ થયા હતા, જેના કારણે લોકોમાં દુ:ખ અને રોષની લાગણી છે. કાલે બુધવારે કાશ્મીરથી આ સમાચાર આવ્યા, ત્યારે બીજેપી હેડક્વાર્ટરમાં G-20 ના સફળ સંગઠનની ઉજવણી કરવામાં આવી રહી હતી. આ બાબતે વિપક્ષે ભાજપની કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન મોદીને ઘેરવાનો પ્રયાસ કર્યો છે.
કોંગ્રેસે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે જેમાં એક તરફ પીએમ મોદી પર ફૂલોની વર્ષા કરવામાં આવી રહી છે તો બીજી તરફ લોકો સૈનિકોના મૃતદેહોને ખભે ચઢાવી અંતિમ વિદાય આપી રહ્યાં છે. કોંગ્રેસે તસવીરની સાથે કેપ્શન લખ્યું છે – “આ દેશના વડાપ્રધાન છે.”
શિવસેનાના(ઉદ્ધવ બાલા સાહેબ ઠાકરે જૂથ)એ પણ ભાજપના આ કાર્યક્રમના સમય પર સવાલો ઉઠાવ્યા છે. પાર્ટીના સાંસદ સંજય રાઉતે કહ્યું, “ભાજપ કાર્યાલયમાં ઉજવણી થઈ રહી હતી અને ભાજપના કાર્યકર્તાઓ પીએમ પર ફૂલ વરસાવી રહ્યા હતા. G-20ની સફળતાની ઉજવણી કરવામાં આવી રહી હતી. અમે પણ ઈચ્છીએ છીએ કે જો તેઓને લાગે કે જી-20 સફળ છે તો ફૂલોની વર્ષા કરવી જોઈએ પરંતુ તે જ સમયે આતંકવાદીઓ આપણા જવાનો પર ગોળીઓ વરસાવી રહ્યા હતા.”
સંજય રાઉતે કહ્યું, “ત્રણ વરિષ્ઠ અધિકારીઓ શહીદ થયા. ત્રણ વરિષ્ઠ અધિકારીઓની એકસાથે શહાદત દર્શાવે છે કે આજે પણ જમ્મુ-કાશ્મીરની સ્થિતિ સારી નથી. ત્યાં કોઈ સરકાર નથી, ચૂંટણીઓ થઈ રહી નથી. ત્યાંના લોકો પરેશાન છે. જો તમે જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યું છે, તો તેની જવાબદારી કેન્દ્ર સરકારની છે. ત્રણ સૈનિકોની હત્યા એ ચિંતાજનક બાબત છે અને અહીં ફૂલોની વર્ષા થઈ રહી છે, આ જોઈને દુઃખ થાય છે, શું તેમની તરફથી કોઈ નિવેદન આવ્યું છે?…ના.”
તેમણે કહ્યું તમે કહો છો કે પીઓકે લઇ લેશો અને બીજી તરફ આપણા કાશ્મીરમાં ઘૂસીને તેઓ આપણા સૈનિકોની હત્યા કરે છે.