
રમખાણોના કેસમાં ઉમર ખાલિદ અને શરજીલ ઇમામની જામીન અરજીઓનો સખત વિરોધ કર્યો
નવી દિલ્હીઃ જ્યારે કોઈ બુદ્ધિજીવી (શિક્ષિત) આતંકવાદી બને છે ત્યારે તે જમીન પર કામ કરતા વ્યક્તિ કરતાં વધુ ખતરનાક બની જાય છે. દિલ્હી પોલીસે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન આ વાત કહી હતી.
સુપ્રીમ કોર્ટમાં આ સુનાવણી દિલ્હીમાં ફેબ્રુઆરી 2020માં થયેલા રમખાણોના કેસમાં ઉમર ખાલિદ, શરજીલ ઇમામ અને અન્ય આરોપીઓની જામીન અરજીઓ અંગે હતી. દિલ્હી પોલીસે તેમની જામીન અરજીઓનો સખત વિરોધ કર્યો હતો.
પોલીસે જણાવ્યું કે ડોકટરો અને એન્જિનિયર માટે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવાનો એક ટ્રેન્ડ બની ગયો છે. દિલ્હી પોલીસ તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજૂએ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ એન. વી. અંજારિયાની બેન્ચને જણાવ્યું હતું કે ટ્રાયલમાં વિલંબ આરોપીઓના કારણે થયો છે અને તેઓ તેનો લાભ લઈ શકતા નથી.
આ પણ વાંચો: પાકિસ્તાની નેતાનું ભારતમાં આતંકી હુમલા અંગે સ્ફોટક નિવેદન, કહ્યું અમે કરાવ્યા હુમલા
એએસજી રાજૂએ સુપ્રીમ કોર્ટમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ ભડકાઉ ભાષણો આપતા શરજીલ ઇમામના વીડિયો બતાવ્યા હતા. વીડિયોમાં શરજીલ ફેબ્રુઆરી 2020ના દિલ્હી રમખાણો પહેલા 2019 અને 2020માં ચાખંડ, જામિયા, અલીગઢ અને આસનસોલમાં ભાષણો આપતા દર્શાવવામાં આવ્યો હતો.
શરજીલ ઇમામ એક એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ છે. વકીલે દાવો કર્યો હતો કે આજકાલ એક એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે જ્યાં ડોક્ટરો અને એન્જિનિયરો તેમનું કામ નથી કરી રહ્યા પરંતુ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થઈ રહ્યા છે. એએસજી રાજૂએ કહ્યું હતું કે આ સામાન્ય વિરોધ નથી. આ હિંસક વિરોધ પ્રદર્શન છે. તેઓ નાકાબંધી વિશે વાત કરી રહ્યા છે.



