રાજ્યસભામાં બોલીવૂડનો ઉલ્લેખ આવતા જ સાંસદ જયા બચ્ચને આપી આવી પ્રતિક્રિયા…
નવી દિલ્હીઃ મહિલા અનામતના બિલને લઈને રાજ્યસભામાં આજે એક સરસ મજાનું દ્રશ્ય જોવા મળ્યું હતું. સદનમાં જ્યારે મહિલા અનામત બિલ પર કોંગ્રેસનાં સાંસદ રજની અશોક રાવ પાટિલ પોતાનો પક્ષ રજૂ કરી રહ્યા હતા ત્યારે તેમણે સરકાર પર નિશાનો સાધતા જણાવ્યું હતું કે તેઓ બોલીવૂડની એવી મહિલાઓનો પણ સમ્માન કરે છે તે જે પોતાના ફિલ્મના પ્રમોશન માટે આવી હતી. પણ જે મહિલાઓ દેશ માટે મેડલ જિતી આવે છે એમનું સન્માન નથી કરવામાં આવતું.
બોલીવૂડનો ઉલ્લેખ થતાં જ સદનમાં હાજર બી-ટાઉનની એક્ટ્રેસ જયા બચ્ચને કોંગ્રેસના સાંસદ પર ટિપ્પણી કરી હતી.
કોંગ્રેસના સાંસદ રજની અશોક રાવ પાટિલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આજે જ્યારે આ વિશેષ સત્ર શરૂ થયું છે ત્યારે બે-ત્રણ દિવસથી હું જોઈ રહી છું કે સારો માહોલ બની ગયો છે. બોલીવૂડથી એક્ટ્રેસ અહીં આવી રહી છે. આવું પહેલાં તો નથી થયું. લોકો એમની સાથે સેલ્ફી ક્લિક કરાવી રહ્યા છે, મિઠાઈઓ ખવડાવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભૂમિ પેડણેકર અને શહનાઝ ગિલ પોતાની આગામી ફિલ્મ થેન્ક યુ ફોર કમિંગની ટીમ સાથે સંસદની નવી ઈમારતની મુલાકાત લીધી હતી. આ વખતે તેની સાથે એક્ટ્રેસ શિબાની બેદી અને ડોલી સિંહ પણ આવી હતી અને તેઓ કેન્દ્રિય પ્રધાન અનુરાગ ઠાકુરની મુલાકાત લીધી હતી.
સાંસદ રજની ઠાકુરે પોતાના સંબોધનમાં આગળ એવું પણ જણાવ્યું હતું કે મિઠાઈ ખવડાવવી છે તો પણ જમ્મુ-કાશ્મીરમાં જેમણે દેશ માટે શહાદત વહોરી લીધી છે એમની મહિલાઓને ખવડાવો. મણિપૂરમાં જાવ, જ્યારે ત્યાં મહિલાઓ સાથે ગેરવર્તણૂક કરવામાં આવે છે. એટલું જ નહીં મેડલ લાવનારી મહિલા ખેલાડીઓને પણ ઘસડીને લઈ જવામાં આવે છે એમના માટે તમને કોઈ જ સંવેદના નથી. તમારી સંવેદનાઓ એમના પ્રત્યે છે કે જે મહિલાઓ બોલીવૂડથી આવે છે અને પોતાની ફિલ્મનું પ્રમોશન કરે છે. તમે એમને મિઠાઈ ખવડાવો.
જ્યારે સાંસદ રજની જ્યારે આ બધુ બોલી રહ્યા હતા ત્યારે રાજ્યસભાની ચેર પર જયા બચ્ચન પીઠાસીન હતા. બોલીવૂડનો ઉલ્લેખ થતાં જ જયા બચ્ચને હાથ ઊંચા કર્યા હતા અને હસતાં હસતાં કહ્યું હતું બસ ખાલી આ ખુરશીની ગરિમાને કારણે જ હું તમને કંઈ નથી કહી રહી.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યસભામાં મહિલા આરક્ષણ પર ચર્ચા સમયે આજે એક બીજી રસપ્રદ ઘટના એ જોવા મળી કે આજે અલગ અલગ મહિલા સદસ્યોને સભાપતિની ચેર પર બેસવાનો મોકો મળ્યો હતો. વાત જાણે એમ છે કે સભાપતિ જગદીપ ધનખડની પેનલમાં આજે તમામ મહિલા સદસ્યોને ચેર પર બેસવા માટે આમંત્રણ આપ્યું હતું અને આ જ ક્રમમાં જયા બચ્ચન પણ રાજ્યસભાના સભાપતિની ચેરમાં બેઠા હતા.